પંજાબી સિંગર દલેર મહેંદી જેલના સળિયા પાછળ:2003ના કેસમાં માનવ તસ્કરી કેસની 2 વર્ષની સજા યથાવત, પટિયાલા જેલમાં મોકલવામાં આવ્યો

4 મહિનો પહેલા

પંજાબી સિંગર દલેર મહેંદીની ધરપકડ કરવામાં આવી છે. દલેર મહેંદીને કબૂતરબાજી એટલે કે માનવ તસ્કરીના ગુનામાં પટિયાલા જેલમાં મોકલવામાં આવ્યો છે. દલેર અને તેના ભાઈ શમશેર ઉપર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલીને મોટી રકમ લેતો હતો. આ મામલે દલેર અને તેના ભાઈ વિરુદ્ધ કુલ 31 કેસ છે.

સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો 2003ની આ ઘટના છે અને તેનો નિર્ણય 2018માં આવ્યો હતો. પરંતુ આ સજાને પટિયાલાની સેશન્સ કોર્ટમાં પડકારી હતી. ત્યાં પણ આ સજાને યથાવત રાખવામાં આવતા દલેરની ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. દલેરને હવે પટિયાલા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ પણ આ જેલમાં બંધ છે.

2003માં ફરિયાદ કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, દલેર મહેંદી વિરુદ્ધ 2003માં કેસ નોંધવામાં આવ્યો હતો. 2018 માં પટિયાલાની ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે લગભગ 15 વર્ષ બાદ બે વર્ષની જેલ અને 2,000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.તે જ સમયે સજા ત્રણ વર્ષથી ઓછી હોય દલેર મહેંદીને તુરંત જ જામીન મળી ગયા હતા.આ કેસમાં આરોપી બુલબુલ મહેતાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તો દલેરના ભાઈ શમશેર સિંહ અને ધ્યાન સિંહનું મૃત્યુ થયું છે.

સેશન્સ કોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવી
દલેર ટ્રાયલ કોર્ટના નિર્ણયને પટિયાલા સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.ગુરુવારે તેની સુનાવણી દરમિયાન એડિશનલ સેશન્સ જજ એચએસ ગ્રેવાલે દલેરની અરજી ફગાવી દીધી હતી.આ પછી દલેરની ધરપકડ કરવામાં આવી છે.

પંજાબી ગાયક દલેર મહેંદી શો માટે વિદેશ જતો હતો.તેના પર આરોપ લગાવામાં આવ્યો છે કે, દલેર 1998-99માં શો માટે જતા સમયે 10 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ ગયો હતો. તેણે આ લોકોને પોતાની ટીમનો ભાગ ગણાવ્યા હતા.. વિદેશ લઈ જવાના બદલામાં દલેરે પૈસા લીધા હતા. આ પછી 19 સપ્ટેમ્બર 2003ના રોજ દિલેરના ભાઈ શમશેર વિરુદ્ધ માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો હતો.પૂછપરછ બાદ પોલીસે આમાં દલેરનું નામ સામે આવ્યું હતું.