રિષભ શેટ્ટીની કન્નડ ફિલ્મ 'કાંતારા'એ બોક્સ ઓફિસ ગજવી મૂકી હતી. કન્નડમાં માત્ર 18 કરોડમાં બનેલી 'કાંતારા' એ વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ વચ્ચે 'કાંતારા'ના ફેન્સ માટે એક સારા સમાચાર છે. 'કાંતારા'ના પ્રોડ્યુસર વિજય કિરાંગદુરે પુષ્ટિ કરી છે કે ' 'કાંતારા'ની પ્રિક્વલનું શૂટિંગ જૂન 2023થી શરૂ થશે.
પ્રોડ્યુસરે જણાવ્યું હતું કે દિગ્દર્શક રિષભ શેટ્ટી હાલમાં 'કાંતારા' 2 ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે, જેના માટે તેઓ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં રિસર્ચ પણ કરી રહ્યા છે. વિજયે જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મને 2024માં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છીએ. તો આ દરમિયાન રિષભ શેટ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તે ભગવાનના આશીર્વાદ લેવા ભૂત કોલા ફેસ્ટિવલમાં પહોંચ્યા છે.
ભૂત કોલા ફેસ્ટિવલમાં સામેલ થયા રિષભ શેટ્ટી
20 જાન્યુઆરીએ ડિરેક્ટર રિષભ શેટ્ટીએ ટીમ સાથે ભૂત કોલા ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. જેમાં પોતાની ફિલ્મની સફળતા માટે દેવતાઓના આશીર્વાદ લીધા અને તેમનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયામાં શેર કરેલા વિડિયોમાં રિષભ શેટ્ટી ભગવાન સામે હાથ જોડીને જોવા મળે છે. કોલા નૃત્ય દરમિયાન, દેવતાઓ રિષભની ખૂબ નજીક આવ્યા અને તેમને આશીર્વાદ આપ્યા હતાં.
'કાંતારા'ની ટીમે ભગવાનના આશીર્વાદ લીધા
રિષભે લખ્યું હતું કે, 'તમે પ્રકૃતિને શરણે જાઓ અને ભગવાનની પૂજા કરો. જેમણે તમને જીવનમાં ઘણી સફળતા અને સ્વતંત્રતા આપી છે. 'કાંતારા'ની ટીમે દિવ્યતાને ભવ્ય સ્વરૂપમાં નિહાળી દિવ્યતાના આશીર્વાદ લીધા હતા.
વીડિયો જોઇને ફેન્સે આપ્યું રિએક્શન
તો બીજી તરફ ફેન્સ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે, 'અમે જલ્દીથી જલ્દી કાંતારા 2 જોવા માગીએ છીએ, આ આપણા દેશની સુંદરતા છે. તોઅન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'તે ખૂબ જ ખાસ ક્ષણ હતી જ્યારે પંજુર્લીએ રિષભ શેટ્ટીનો હાથ પકડ્યો હતો.'
શું હોઈ શકે છે 'કાંતારા-2'ની કહાની?
'કાંતારા-2'ની કહાની સિક્વલ બનવાને બદલે પ્રિક્વલ હશે. ફિલ્મની વાર્તામાં રાજા, ગ્રામજનો અને તેમના દેવતા દૈવ વચ્ચેના સંબંધ પર આધારિત હશે. ફિલ્મના પહેલા ભાગમાં બતાવવામાં આવ્યું હતું કે, રાજા દૈવાને વચન આપે છે કે તે ગામલોકોને જમીન આપશે આ સાથે જ તેમની રક્ષા પણ કરશે, પરંતુ એવું થતું નથી.
'કાંતારા-2'ના બજેટમાં વધારો થશે
'કાંતારા'ની સફળતા જોઈને મેકર્સે કંતારા 2નું બજેટ વધાર્યું છે. ફિલ્મના નરેશન અને સિનેમેટોગ્રાફીમાં પણ સુધારો કરવામાં આવશે. તો હાલ તો અપેક્ષા રાખવામાં આવે છે કે બીજા ભાગમાં સિનેમા ઉદ્યોગના પ્રખ્યાત લોકોને પણ સામેલ કરવામાં આવશે. 'કાંતારા'ના પહેલા ભાગ માટે રિષભ શેટ્ટીએ 4 કરોડની ફી લીધી હતી, જ્યારે બીજા ભાગમાં તેની ફી બમણી થઈ શકે છે.
'કાંતારા'નું રેકોર્ડબ્રેક કલેકશન
ફક્ત 18 કરોડના બજેટમાં બનેલી 'કાંતારાએ દુનિયાભરમાં 400 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મની સફળતા બાદ રિષભ શેટ્ટી સ્ટાર બની ગયો છે. 'કાંતારા પહેલા કન્નડમાં રિલીઝ થઈ હતી, પરંતુ સફળતા જોઈને તે પછીથી હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.