• Gujarati News
  • Entertainment
  • War Broke Out 3 Months After Shooting, Palace Destroyed Twice, Queen Who Built It Could Not See The Palace, Restorer Killed

ભાસ્કર રિસર્ચRRRના ‘નાટુ નાટુ’ સોંગનો ‘શાપિત’ યુક્રેનિયન પેલેસ:શૂટિંગના 3 મહિના પછી યુદ્ધ થયું, બેવાર પેલેસ તબાહ થયો, રાજાની હત્યા થઈ, અંદરની તસવીરો જોઇને આંખો પહોળી થઇ જશે!

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

એસ. એસ. રાજામૌલિનો જાદુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પૂરબહારમાં ખીલ્યો છે. એમની લેટેસ્ટ બ્લોકબસ્ટર ‘RRR’ અમેરિકાના ‘ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ’માં બેસ્ટ સોંગનો ખિતાબ જીતી લાવી છે. નવેસરથી આ ગીત અને અવોર્ડ જીત્યાની ક્ષણ વાઇરલ થઈ છે. તેની સાથે આ ગીત સાથે ઓછી જાણીતી અને રશિયા-યુક્રેનના યુદ્ધના ધુમાડામાં ભુલાઈ ગયેલી વાત પણ ફરીથી સપાટી પર આવી છે. તે વાત એટલે આ સુપર ડુપર ડાન્સ ગીતનું શૂટિંગ લોકેશન. આ ફિલ્મના ચાહકો જાણતા હશે કે આ ગીતનું શૂટિંગ યુક્રેનના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રાંગણમાં થયું છે. યુક્રેનની રાજધાની કીવની નિપ્રો નદીના કાંઠે આવેલા આ આલિશાન પેલેસનું નામ છે ‘મેરિન્સ્કી પેલેસ’ (Mariinskyi Palace). આ પેલેસ અત્યારના યુક્રેનિયન પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કીનું સત્તાવાર રહેઠાણ છે. જોકે તેઓ આ મહેલમાં સતત રહેવાને બદલે પોતાના નાગરિકોની પડખે અને યુનિફોર્મ પહેરીને રશિયા સામે લડી રહેલા પોતાના સૈનિકોની પડખે વધુ ઊભા રહે છે તે અલગ વાત છે. પરંતુ આ પેલેસ બહારથી અને અંદરથી જેટલો સુંદર છે, તેટલો જ તેનો ઇતિહાસ ડરામણો છે.

‘બરોક’ શૈલીનો આંખ ઠારે તેવો મેરિન્સ્કી પેલેસનો આગળનો ભાગ જ્યાં ‘RRR’નું ‘નાટુ નાટુ’ ગીત શૂટ થયું
‘બરોક’ શૈલીનો આંખ ઠારે તેવો મેરિન્સ્કી પેલેસનો આગળનો ભાગ જ્યાં ‘RRR’નું ‘નાટુ નાટુ’ ગીત શૂટ થયું

બંધાવ્યો એ રાણી જોયા વિના જ મૃત્યુ પામી
1991માં સોવિયેત રશિયા તૂટ્યું એ પહેલાં અને 17મી સદીથી યુક્રેન ‘રશિયન એમ્પાયર’નો જ એક ભાગ હતું (તે પાછું મેળવવા જ વ્લાદિમિર પુતિન મરણિયા થયા છે). તે રશિયન સામ્રાજ્યની સમ્રાજ્ઞી એલિઝાબેથ પેત્રોવનાએ સત્તા પર આવ્યાનાં બે વર્ષ બાદ ઇ.સ. 1744માં આ પેલેસ બંધાવવાની શરૂઆત કરાવી હતી. રશિયાના ઇતિહાસની આ સૌથી લોકપ્રિય શાસક ગણાય છે. એણે પોતાના શાસનમાં એકપણ વ્યક્તિને મૃત્યુદંડ ન આપવાની નેમ લીધી હતી (એ જ રશિયા આજે પોતાના વિરોધીઓને દુનિયામાં ગમે ત્યાંથી શોધી શોધીને ખતમ કરાવતું હોય તે કેવી વક્રતાની વાત છે!). આ પેલેસ બનીને તૈયાર થયો ત્યાં સુધીમાં તો આ રાણી (રશિયન) વૈકુંઠધામમાં પહોંચી ગઈ હતી. આ મહારાણીની ભત્રીજા વહુ એમ્પરેસ કેથરીન બીજીના નસીબમાં આ પેલેસનાં પહેલાં રહેવાસી બનવાનું લખાયું હતું. આટલો જંગી પેલેસ સ્વાભાવિક રીતે જ રાજાઓ અને ગવર્નર-જનરલોને જ સુલભ હોય, એટલે 18મી સદીના ઉત્તરાર્ધ અને 19મી સદીના પૂર્વાર્ધમાં આ ઉમરાવો જ આ પેલેસની મહેમાનગતિ માણતા રહ્યા.

1911માં આ પેલેસનો પાછળનો ભાગ આવો દેખાતો
1911માં આ પેલેસનો પાછળનો ભાગ આવો દેખાતો

પેલેસ આગમાં તબાહ થયો
19મી સદીની શરૂઆતનાં વર્ષોમાં ફરી ફરીને આગ લાગવાના ભેદી બનાવો બનતા રહ્યા. દરેક વખતની આગમાં આ પેલેસ તબાહ થતો ગયો. થોડા સમયમાં જ આ પેલેસ તદ્દન તબાહ થઇ ગયો. લગભગ ભૂતબંગલા જેવી ખંડેર હાલતમાં તે પાંચ દાયકા સુધી પડી રહ્યો. આખરે 1870માં રશિયન સામ્રાજ્યની ગાદીએ આવેલા ઝાર એલેક્ઝાંડર બીજાને આ પેલેસમાં રસ પડ્યો. એણે સ્પેશિયલ આર્કિટેક્ટ રોકીને 1870માં આ પેલેસને ફરીથી જીવંત કરવાનું બીડું ઝડપ્યું. આર્કિટેક્ટે જૂનાં ચિત્રો અને વૉટરકલરનો ઉપયોગ કરીને આ પેલેસને ફરીથી ‘જીવતો’ કરવાનું કામ આદર્યું.

રાજાની હત્યાના પ્રયાસનો સિલસિલો
જાણે એણે કોઈ સૂતેલા શેતાનને જગાડ્યો હોય તેમ આ સમયગાળાથી જ રાજાની હત્યાના પ્રયાસોના સિલસિલા શરૂ થઈ ગયા. બળવાખોરોએ ગમે તેમ કરીને આ રાજાની હત્યા કરવાનું નક્કી કરી નાખેલું. રાજાના કાફલા પર હુમલા થયા, તેના પર સળંગ ધાણીફૂટ ગોળીબાર થયા, તે જે ટ્રેનમાં આવ-જા કરતો હતો તેના પર બોમ્બમારો પણ થયો. 1880માં રાજાના પેલેસમાં તેના રૂમ પાસે ડાયનામાઇટથી પણ હુમલો થયો, જેમાં 11 લોકો મૃત્યુ પામ્યા અને 30 જણા ઘવાયા. પરંતુ નસીબનો બળિયો એલેક્ઝાંડર દરેક વખતે બચી ગયો. એ ઘટનાના થોડા દિવસ પછી 13 માર્ચ, 1881ના રોજ આ રાજાની બગી પર એક યુવાને બોમ્બથી હુમલો કર્યો. બગી ઊછળીને પડી, પરંતુ તે બુલેટપ્રૂફ બગી હતી, એટલે રાજા બચી ગયો. ત્યાંના પોલીસ ચીફે રાજાને કહ્યું કે ચાલો, હું તમને બરફ પર લસરતી સ્લેજ ગાડીમાં પેલેસમાં મૂકી જાઉં, પરંતુ રાજાએ પોતાની ‘રાજાશાહી’ જીદ બતાવી. એ જીદ એને ભારે પડી જવાની હતી.

રાજાએ પોલીસ ચીફને કહ્યું કે, ‘એ પહેલાં મારે મારા હુમલાખોરને જોવો છે અને કોને કેટલી ઇજાઓ થઈ એ પણ જોવું છે.’ સ્લેજ ગાડી પાસે ઝાર તરીકે ઓળખાતા આ રાજાને ‘તમને કંઈ થયું તો નથી ને?’ એવું પૂછનારાઓની ભીડ જામી. રાજાએ કહ્યું, ‘ઇશ્વરનો આભાર, કે મને કશું જ નથી થયું.’ ત્યાં જ બળવાખોર દળનો એક યુવાન બરાબર રાજાની સામે આવીને ઊભો રહી ગયો. એણે ત્રાડ પાડી, ‘તમે થોડો વહેલો ઇશ્વરનો આભાર માની લીધો...’ કહીને એણે રાજા તરફ કંઇક ફેંક્યું, જે બરાબર ઝાર એલેક્ઝાંડર બીજાના પગ પાસે આવીને ફાટ્યું. ઝારના પગના કૂચેકૂચા ઊગી ગયા. આસપાસના વીસેક લોકો ઘવાયા. લોકોના ચિત્કાર ધુમાડા અને બરફવર્ષાને ચીરીને ચારેકોર પથરાઈ ગયા. મરણતોલ રીતે ઘવાયેલા ઝારને લોહી નીંગળતી હાલતમાં બરફાચ્છાદિત રસ્તાઓ પરથી સ્લેજ ગાડીમાં તેમના વિન્ટર પેલેસ પહોંચાડવામાં આવ્યા. એમને જીવાડવાના પ્રયાસો થયા, જે વ્યર્થ નીવડવાના હતા. રાજાને છેલ્લું ભોજન અપાયું. બચવાની કોઈ આશા ન જણાતાં ખ્રિસ્તી પરંપરા અનુસાર છેલ્લી ઘડીના મંત્રો પોકારાયા. ઝારે પોતે કણસતા અવાજે પૂછ્યું, ‘મારી પાસે કેટલો સમય બચ્યો છે?’ ડૉક્ટરે કહ્યું, ‘લગભગ પંદરેક મિનિટ.’ યુક્રેનના આ પેલેસને નિરાંતે માણી શકે તે પહેલાં જ ઝાર એલેક્ઝાંડર બીજાએ કાયમ માટે આંખો મીંચી દીધી. પાછળથી બહાર આવ્યું કે જો આ હુમલો પણ ‘સફળ’ ન થયો હોત, તો સૂટકેસમાં બોમ્બ લઇને એક ત્રીજો હુમલાખોર પણ ભીડમાં ઊભો હતો!

મેરિન્સ્કી પેલેસને અડીને જ યુક્રેનની સંસદ આવેલી છે, તમામનાં લોકેશન અહીં જોઈ લો
મેરિન્સ્કી પેલેસને અડીને જ યુક્રેનની સંસદ આવેલી છે, તમામનાં લોકેશન અહીં જોઈ લો

જેના નામનો પેલેસ, તે રાણી TBમાં રીબાઇને મરી
ઝાર એલેક્ઝાંડર બીજાની હત્યા થઈ તે પહેલાં અત્યારના યુક્રેનના કીવમાં આવેલા આ પેલેસને ‘મેરિન્સ્કી પેલેસ’ (Mariinskyi Palace) નામ અપાયું. આ નામ એલેક્ઝાંડરની પહેલી રાણી મારિયા એલેક્ઝાંડ્રોવ્ના પરથી અપાયું હતું. આ રાણીની ઇચ્છા પ્રમાણે પેલેસના પ્રાંગણમાં બે ભાગમાં વહેંચાયેલો ગાર્ડન બનાવવામાં આવ્યો, જેમાં આપણી ‘RRR’નું ‘નાટુ નાટુ’ ગીત ફિલ્માવવામાં આવ્યું. આઠ સંતાનોને જન્મ આપનારી રાણી મારિયા TBની બીમારીને કારણે 55 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી. રાણીનો એક દીકરો પણ 21 વર્ષની ભરયુવાન વયે મેનિન્જાઇટિસમાં મૃત્યુ પામ્યો હતો. રાણી મારિયાની યાદમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ‘મેરિન્સ્કી થિયેટર’ પણ બનાવવામાં આવ્યું છે.

રાણીની હયાતીમાં જ ઝાર એલેક્ઝાંડર બીજાએ કેથરિન નામની મહિલા સાથે અફેર માંડ્યું હતું અને તેનાથી ત્રણ સંતાનો પણ થઈ ગયાં હતાં. રાણીના અવસાન પછી તે સંબંધને સત્તાવાર લગ્નનો સિક્કો પણ માર્યો હતો. અલબત્ત, રખાતમાંથી રાણી બનેલી કેથરિનને ક્યારેય રાણીનો દરજ્જો ન મળ્યો અને સાલિયાણા સાથે ચાર દાયકાનું વૈધવ્ય વેઠવાનું આવ્યું.

1917 સુધી રશિયાના મોસ્કોથી કીવની મુલાકાત લેતા રાજપરિવારના સભ્યોના સત્તાવાર રહેઠાણ તરીકે આ પેલેસ વપરાતો રહેલો.

રાષ્ટ્રપતિ જ્યારે પેલેસમાં હોય ત્યારે અહીં સર્કલમાં બતાવ્યું છે તે પોલ પર યુક્રેનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, RRRના ગીતના શૂટિંગ વખતે સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાયો હતો
રાષ્ટ્રપતિ જ્યારે પેલેસમાં હોય ત્યારે અહીં સર્કલમાં બતાવ્યું છે તે પોલ પર યુક્રેનનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, RRRના ગીતના શૂટિંગ વખતે સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાયો હતો
બરફાચ્છાદિત પેલેસ
બરફાચ્છાદિત પેલેસ

બીજા વિશ્વયુદ્ધમાં પેલેસ ફરી તબાહ થયો
1917-20ના સમયગાળામાં રશિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને તેને પગલે ‘બોલ્શેવિક ક્રાંતિ’ થઈ. એ વખતે આ પેલેસ ક્રાંતિકારીઓના મિલિટરી હેડક્વાર્ટર તરીકે વપરાયો. સ્કૂલ તરીકે પણ વપરાયો અને પછી મ્યુઝિયમમાં પણ કન્વર્ટ કરાયો. પરંતુ ત્યાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને આ પેલેસ પર થયેલા બોમ્બમારામાં તેને ભારે નુકસાન પહોંચ્યું. વિશ્વયુદ્ધ પત્યા પછી ચાલીસના દાયકામાં અને એંસીના દાયકામાં એમ બબ્બે વાર તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.

વિદેશી મહાનુભાવોને સંબોધતા યુક્રેનિયન પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કી.
વિદેશી મહાનુભાવોને સંબોધતા યુક્રેનિયન પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કી.

2021માં પેલેસ ખૂલ્યો તો રશિયાએ આક્રમણ કરી દીધું!
છેલ્લે 2009માં આ પેલેસનું ફરીથી રિનોવેશન હાથ ધરવામાં આવ્યું અને બજેટની તંગીને કારણે બાર વર્ષ સુધી ચાલ્યું. ત્યાં સુધી પ્રવાસીઓ આ પેલેસને માત્ર બહારથી જ જોઇ શકતા હતા. 2021માં તેને પ્રવાસીઓ માટે અંદરથી પણ ખોલવામાં આવ્યું અને લગભગ ચારસો રૂપિયા જેટલી ટિકિટ રાખીને તેની ગાઇડેડ ટુર પણ શરૂ કરવામાં આવી. આ પેલેસને અંદરથી જોવા માટે પ્રવાસીઓનો એવો ધસારો થયો કે મહિનાઓ સુધી એડવાન્સમાં તેની ટિકિટો વેચાઈ જતી! પરંતુ પ્રવાસીઓનો આ વૈભવ લાંબો સમય ન ટક્યો. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીથી રશિયાએ યુક્રેન સામે યુદ્ધ જાહેર કરી દીધું. અલબત્ત, અત્યાર સુધી આ પેલેસ રશિયાના આક્રમણથી બચી શક્યો છે, પરંતુ ક્યારે તેના પર કોઈ મિસાઇલ-બોમ્બ આવીને પડે અને ફરી તે તબાહ થઈ જાય તે તો ઇશુ જ જાણે!

પેલેસમાં જર્મનીનાં ભૂતપૂર્વ ચાન્સેલર અન્ગેલા મર્કેલ સાથે ઝેલેન્સ્કીની ‘ગોળમેજી’ પરિષદ
પેલેસમાં જર્મનીનાં ભૂતપૂર્વ ચાન્સેલર અન્ગેલા મર્કેલ સાથે ઝેલેન્સ્કીની ‘ગોળમેજી’ પરિષદ

અંદરથી કેવો છે આ પેલેસ?
સત્તરમી સદીના યુરોપ-રશિયામાં ખીલેલી ‘બરોક’ શૈલીમાં બનેલા આ વિશાળ પેલેસમાં ગ્રાન્ડ બૉલરૂમ, વિશાળ ગ્રીન થીમવાળો રિસેપ્શન રૂમ આવેલા છે. અન્ય રિસેપ્શન રૂમો વિદેશી મહાનુભાવો અને ડિપ્લોમેટ્સ સાથે વાતચીતો માટે વપરાય છે. આ પેલેસના ગ્રાઉન્ડ ફ્લૉર પર 55 રૂમ આવેલા છે. ઉપરના માળે એકેએક ખૂણામાં કળાકારીગરી ધરાવતા 26 ઓરડા આવેલા છે. એક સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ યુક્રેનના કાતિલ શિયાળામાં પણ આ પેલેસને હૂંફાળો રાખે છે. આ પેલેસમાં લટકતા જાયન્ટ સાઇઝના ઝુમ્મરો, ભવ્ય ફર્નિચર, લાઇટો, કોતરણી, ડિઝાઇનથી ભરચક ભોંયતળિયાં, છત અને દીવાલો વગેરે નરી આંખે નિહાળવા માટે રશિયા યુદ્ધ બંધ કરે અને યુક્રેનમાં ફરી શાંતિ સ્થપાય તેની રાહ જોવી પડે.

કોન્ફરન્સ રૂમ
કોન્ફરન્સ રૂમ
વિશાળ ઝુમ્મરોથી સજેલી પરસાળ.
વિશાળ ઝુમ્મરોથી સજેલી પરસાળ.
ચાલો, ‘યુક્રેનિયન થાળી’ જમવા!
ચાલો, ‘યુક્રેનિયન થાળી’ જમવા!

યુરોપના અન્ય દેશો અને ભારતનાં રજવાડાંઓની પ્રથા અનુસાર આ પેલેસમાં પણ જ્યારે પ્રેસિડન્ટ પેલેસમાં હોય ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, નહીંતર નહીં. સ્વાભાવિક રીતે જ RRRના ગીતના શૂટિંગ વખતે રાષ્ટ્રધ્વજને બદલે ખાલી તેનો દંડો જ દેખાય છે. આ પેલેસની જમણી બાજુએ અડીને જ યુક્રેનની સંસદની ઇમારત આવેલી છે.

આ વિશાળ પેલેસમાં રિચર્ડ નિક્સન, જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન, માર્ગરેટ થેચર, ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર અન્ગેલા મર્કેલ જેવાં મહાનુભાવો શિરકત કરી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...