શુક્રવારના રોજ સ્લાઇસ ડ્રિન્ક બ્રાન્ડે પોતાની જાહેરાત માટે નવો ચહેરો લોન્ચ કર્યો છે. વર્ષ 2008થી સ્લાઈસ બ્રાન્ડ સાથે જોડાયેલી કેટરિના કૈફનું સ્થાન હવે કિઆરાએ લઈ લીધુ છે. કિઆરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સ્લાઈસની નવી એડ દર્શાવતી વીડિયો પોસ્ટ કરી હતી. સ્લાઈસ બ્રાન્ડમાં કિઆરાના લુકને સૌ કોઈએ પસંદ તો કર્યો પણ તેમ છતાં પણ લોકોને આ જાહેરાતમાં કેટરીનાની કમી તો વર્તાઈ જ.
ક્યા આપને સ્લાઈસ ટ્રાય કિયા?
આ નવી જાહેરાતની શરુઆતમાં કિઆરા સ્લાઈસની બોટલ લઈને જતી દેખાય છે. તેણે પીળા રંગનું વન-શોલ્ડર રફલ્ડ ટોપ પહેર્યું છે, જેની સાથે મેચિંગ સ્કર્ટ પણ છે. આ સોફ્ટ ડ્રિન્કને એક ગ્લાસમાં રેડવાની સાથે જ તે તેની બાજુનાં ટેબલ પર બેઠેલા એક છોકરાને ચીડવે છે અને તેને તે પીવા માટે આકર્ષિત કરે છે. આ વીડિયોમાં કિઆરાનાં હોઠનો ક્લોઝ અપ શોટ પણ શેર કરવામાં આવ્યો છે, જ્યારે તે ડ્રિંકની ચૂસકી લે છે, જે લગભગ આ જ બ્રાન્ડ માટે કેટરિના કૈફની એડની યાદોને તાજી કરી દે છે, જે અગાઉ વાઈરલ થઈ હતી. કિઆરાએ આ વીડિયો શેર કરતા લખ્યું, ‘એસી ખુશ્બુ, ઐસા રસ. @slice_india બના હે રસીલે આમ કે રસ સે બસ! ક્યા આપને સ્લાઈસ ટ્રાય કિયા?’
ચાહકોએ કહ્યું, ‘કેટરિના વિના સ્લાઈસની કલ્પના કરવી મુશ્કેલ’
આ પોસ્ટ પર રિએક્શન આપતાં ચાહકોએ કેટરિના વિશે વાત કરતાં કરતાં કોમેન્ટ સેક્શનનું પૂર લાવી દીધું હતું. તેમાંથી એકે લખ્યું, ‘મારી નજરમાં કેટરિના હંમેશાં આ બ્રાન્ડનો ચહેરો રહેશે’ બીજા કોઈએ કમેન્ટ કરી, ‘ઓહહ! એક યુગનો અંત.’ વધુ એક કોમેન્ટમાં લખ્યું હતું કે, ‘કિઆરા અદભૂત છે અને અમે બધા તેને પ્રેમ કરીએ છીએ, પરંતુ હું કેટરિના કૈફ વિના સ્લાઇસની કલ્પના કરી શકતો નથી, તેણે વર્ષોથી આ જાહેરાત પર રાજ કર્યું છે.’ અન્ય એક યૂઝરે કહ્યું, ‘જેમ CSK માટે MSD, બાર્કા માટે મેસ્સી, TMKOC માટે જેઠાલાલ, એ જ રીતે સ્લાઇસ માટે કેટરિના. તેમના વિના સ્લાઈસની કલ્પના કરવી મુશ્કેલ છે.’ વધુ એક વ્યક્તિએ અભિપ્રાય આપ્યો કે, ‘હું કિયારાને પ્રેમ કરું છું પરંતુ, કેટરિના નેક્સ્ટ લેવલની છે.’
કિઆરા 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ
કિઆરાએ તાજેતરમાં જ સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યાં હતાં. પાછળથી તેઓએ લગ્નનાં બે રિસેપ્શન પણ ગોઠવ્યાં હતાં. એક રિસેપ્શન દિલ્હીમાં હતું અને બીજુ રિસેપ્શન મુંબઈમાં. કિયારાએ લગ્નનાં કાર્યક્રમો અને વિધિઓ પતાવીને કામ ફરી શરૂ કર્યું હતું. તેણે કાર્તિક આર્યનની સામે પોતાની આગામી ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સિવાય તેણે મુંબઈમાં એવોર્ડ નાઈટ્સમાં પણ હાજરી આપી હતી. કિઆરા છેલ્લે ‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મમાં વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.