• Gujarati News
  • Entertainment
  • Like Kannada Power Star Puneeth Rajkumar, 3 Fans Commit Suicide For Donating Eyes, Number Of Eye Donors Increased In Karnataka

ચાહકો હજી પણ આઘાતમાં:સુપરસ્ટાર પુનિત રાજકુમારની જેમ નેત્રદાન કરવા માટે 3 ફેન્સે આત્મહત્યા કરી, કર્ણાટકમાં આઇ ડોનર્સની સંખ્યા વધી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટરના મૃત્યુ બાદ ઘણા ફેન્સ આઘાતમાં પોતાનો જીવ આપી રહ્યા છે
  • પુનિત રાજકુમારને વર્કઆઉટ બાદ હાર્ટ-અટેક આવ્યો હતો

29 ઓક્ટોબરના રોજ કન્નડ પાવરસ્ટારના મૃત્યુને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે, જોકે તેના લાખો ચાહકો હજુ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી. પોતાની માતાના નકશે કદમ પર ચાલીને પુનિતે મૃત્યુ બાદ નેત્રદાન કરવાનું પ્રણ લીધું હતું, જેને કારણે તેની આંખો નારાયણ નેત્રાલય આઈ હોસ્પિટલમાં દાન કરવામાં આવી. એક્ટરના નેત્રદાન બાદ હવે કર્ણાટકમાં આઈ ડોનર્સની સંખ્યા વધી ગઈ છે. પુનિતના કેટલાક ફેન્સ એવા પણ છે, જેમણે પોતાની આંખો દાન કરવા માટે આત્મહત્યા કરી લીધી છે.

એક્ટરના મૃત્યુ બાદ ઘણા ફેન્સ આઘાતમાં પોતાનો જીવ આપી રહ્યા છે. અત્યારસુધી 10 ફેન્સનાં મૃત્યુના સમાચાર સામે આવ્યા છે, જેમાંથી ત્રણનું મૃત્યુ હાર્ટ-અટેકને કારણે થયું છે. હવે સમાચાર આવ્યા છે કે કર્ણાટકના ત્રણ ફેન્સે આંખો દાન કરવા માટે મૃત્યુને ગળે લગાડી દીધું. 3 નવેમ્બરના રોજ તુંમાંકુરુંમાં રહેતા ભરત નામના એક ચાહકે ગળે ફાંસી લગાવી દીધી. તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું છે, હું અપ્પુ (પુનિત રાજકુમાર)ના મૃત્યુનું દુઃખ સહન કરી શક્યો નહિ. હું તેની સાથે રહેવા જઈ રહ્યો છું, તેની જેમ મારી આંખો પણ દાન કરવી.

ભરત સિવાય બેંગલુરુના અનેકલમાં રહેતા રાજેન્દ્ર (24) અને રામનગર જિલ્લાના ચન્નાપટનામાં રહેતા વેંકટેશન (26)એ પણ નેત્રદાન કરવા માટે આત્મહત્યા કરી લીધી છે. બંનેનાં પરિવારજનોએ પુષ્ટિ કરી છે કે પુનિતના મૃત્યુથી બંને આઘાતમાં હતા.

કર્ણાટકમાં આઇ ડોનર્સની સંખ્યા વધી
તાજેતરમાં ન્યૂઝ18 સાથેની વાતચીત દરમિયાન નારાયણ નેત્રાલયના ડૉક્ટર ભુજંગ શેટ્ટીએ જણાવ્યું હતું કે પુનિતના નેત્રદાન બાદ સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો નેત્રદાન કરવાનું પ્રણ લઈ રહ્યા છે. પહેલા 1-2 ડોનર્સ મળવા પણ મુશ્કેલ હતા, પરંતુ હવે દરરોજ 100 અરજી મળી રહી છે. આ નંબર માત્ર આઈ બેંકના છે, જ્યારે રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ નેત્રદાન કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે.

એક્ટરની એક ઝલક જોવા માટે હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઊમટી પડી હતી.
એક્ટરની એક ઝલક જોવા માટે હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ ઊમટી પડી હતી.

પુનિતની આંખોથી ચારના જીવનમાં રોશની આવી
નારાયણ નેત્રાલયના અધ્યક્ષ ડૉ. ભુજંગ શેટ્ટીએ કહ્યું હતું કે તેમણે બન્ને આંખમાંથી કોર્નિયાને અલગ કર્યા હતા. આ રીતે એક આંખમાંથી બે લોકોને આંખોની રોશની મળી હતી. રસપ્રદ વાત એ છે કે ખાસ ટેક્નિકથી બંને કોર્નિયાનું એકદમ બારીક સ્લાઇસિંગ કરાયું અને તેને ચાર વ્યક્તિની આંખમાં પ્રત્યારોપિત થઈ શકે એ માટે સક્ષમ બનાવાયા. આ રીતે બે આંખોમાંથી ચાર લોકોને નેત્રદાન મળ્યું હતું, જેમાં એક મહિલા તથા ત્રણ પુરુષ છે.

પુનિતમાંથી ચેતને પ્રેરણા લીધી
કન્નડ એક્ટર ચેતને પણ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે જ્યારે તે હોસ્પિટલમાં અપ્પુ (પુનિત આ નામથી લોકપ્રિય હતો)નાં અંતિમ દર્શન માટે ગયો ત્યારે ડૉક્ટર્સની ટીમે તેના અવસાનના 6 કલાકની અંદર ઓપરેશન કરીને આંખો કાઢી લીધી હતી. અપ્પુએ પિતાની જેમ જ આંખો દાન કરી. તેની યાદમાં તમામે નેત્રદાન કરવાના શપથ લેવા જોઈએ. એ પણ તેની આંખોનું દાન કરશે.

કન્નડ પાવરસ્ટાર પુનિત રાજકુમારની જેમ નેત્રદાન કરવા માટે ત્રણ ફેન્સે આત્મહત્યા કરી, એક્ટરનાં મૃત્યુ બાદ આઈ ડોનરની સંખ્યા વધી ગઈ.

અપ્પુની અંતિમ યાત્રા.
અપ્પુની અંતિમ યાત્રા.

લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.