• Gujarati News
  • Entertainment
  • Lijo Jose Pellissery’s Jallikattu Is India’s Official Entry For Foreign Language Film Oscar Category In 93rd Academy Awards 2021

ઓસ્કર 2021:મલયાલમ ફિલ્મ 'જલિકટ્ટુ' 93મા ઓસ્કર અવૉર્ડ્ઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, છલાંગ, ગુલાબો સિતાબોને પાછળ રાખીને પસંદગી પામી

એક વર્ષ પહેલા

25 એપ્રિલ 2021ના રોજ લોસ એન્જલસમાં યોજાનારા 93મા એકેડમી અવૉર્ડ્ઝ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ 'જલિકટ્ટુ'ને ઓફિશિયલ એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના 14 સભ્યોની એક કમિટીએ ડિરેક્ટર લિજો પેલ્લિસરીની આ સટાયરિકલ-થ્રિલર ફિલ્મને પસંદ કરી છે. હવે 'જલિકટ્ટુ' આગામી એપ્રિલ મહિનામાં અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓસ્કર અવૉર્ડ્ઝમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ-ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

27 ફિલ્મમાંથી 'જલિકટ્ટુ' પસંદ થઈ
93મા ઓસ્કર અવૉર્ડ્ઝમાં એન્ટ્રી મોકલવા માટે દેશભરની કુલ 27 ફિલ્મ વચ્ચે કોમ્પિટિશન હતી. તેમાં સુજિત સરકારની 'ગુલાબો સિતાબો', સફદર રહનાની 'ચિપ્પા', હંસલ મહેતાની 'છલાંગ', ચૈતન્ય તામ્હણેની 'ધ ડિસિપલ', વિધુ વિનોદ ચોપરાની 'શિકારા', અનંત મહાદેવનની 'બિટરસ્વીટ', રોહેના ગગેરાની 'ઇઝ લવ ઇનફ સર', ગીતુ મોહનદાસની 'મૂથોન', નીલા માધબની 'કલીરા અતીતા', અન્વિતા દત્તની 'બુલબુલ', 'હાર્દિક મહેતાની 'કામયાબ' અને સત્યાંશુ- દેવાંશુની 'ચિન્ટુ કા બર્થડે' પણ સામેલ હતી.

ભાગી છૂટેલી ભેંસને પકડવાના સાહસ પર છે ફિલ્મ
ઓસ્કર માટે મોકલવામાં આવેલી 'જલિકટ્ટુ' ફિલ્મના નામ પરથી આખલાને પકડવાની વિવાદાસ્પદ રમત પર આધારિત હોવાનું લાગે, પરંતુ આ ફિલ્મને તેની સાથે કશી જ લેવાદેવા નથી. આ ફિલ્મમાં એક ભેંસ કતલખાનામાંથી ભાગી છૂટે છે અને ત્યાર પછી આખું ગામ એને પકડવામાં આકાશ-પાતાળ એક કરે છે એની વાર્તા છે. ડિરેક્ટર લિજો જોઝ પેલ્લિસરીએ આ ફિલ્મથી સમગ્ર માનવજાતની શાશ્વત લાલચની વૃત્તિ પર કટાક્ષ કર્યો છે. આ જ ડિરેક્ટરની 2017 અને 2018માં આવેલી બે ફિલ્મ અનુક્રમે 'અંગમાલિ ડાયરીઝ' અને 'ઈ મા યૉ' પણ ખાસ્સી પ્રશંસા પામી હતી.

ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં અત્યારસુધી ઓસ્કર નથી મળ્યો
2019માં ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'ને 2020માં થયેલા 92મા ઓસ્કર અવૉર્ડ્ઝ માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. એ અગાઉ રીમા દાસની 'વિલેજ રોક્સ્ટાર્સ', અમિત મસુરકરની 'ન્યૂટન', વેટ્રી મારનની 'વિસારાનઈ' અને ચૈતન્ય તામ્હણેની 'કોર્ટ' પણ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં મોકલવામાં આવી હતી. અત્યારસુધીમાં ભારતની માત્ર ત્રણ જ ફિલ્મ 'મધર ઇન્ડિયા' (1957), 'સલામ બોમ્બે!' (1988) અને 'લગાન' (2001) ઓસ્કરની બેસ્ટ ફોરેન લેન્ગ્વે​​જ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થવામાં સફળ રહી હતી, પરંતુ અત્યારસુધી આ કેટેગરીમાં કોઈપણ ઇન્ડિયન ફિલ્મને ઓસ્કર મળ્યો નથી.