એક્ટ્રેસ નિશાની કહાની 15 વર્ષ બાદ સામે આવી:જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી હતી ત્યારે જ સાવકા ભાઈએ NGOને હવાલે કરી, અંતિમ વિદાઈ આપવા પરિવારજનો ન આવ્યા

3 મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી

સાઉથ ફિલ્મની એક્ટ્રેસ નિશા નૂર 1995માં અચાનક ગુમ થઇ ગઈ હતી તે જૂન 2007માં તમિલનાડુના નાગુરમાં દરગાહ પાસેથી અત્યંત ખરાબ હાલતમાં મળી હતી, પરંતુ દુખદ વાત એ છે કે, નિશા નૂરે 23 જુલાઈ 2007ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ વાત તો ભુલાઈ પણ ગઈ હતી, પરંતુ નિશાના નિધનના 15 વર્ષ બાદ દિવ્યભાસ્કર ટીમે, જે NGOએ નિશાની સારવાર કરી હતી, તેને દફનાવી હતી તેની શોધ કરી હતી.

નિશા જ્યારે દરગાહ પાસેથી મળી હતી ત્યારે ચર્ચામાં હતી. ફિલ્મોમાં કામ ન મળવાને કારણે નિશા પ્રોસ્ટીટ્યુશનમાં આવી ગઈ હતી અને 12 વર્ષ બાદ તે એવી હાલતમાં મળી કે તેને ઓળખવામાં પણ મુશ્કેલી પડી હતી. જે હાલતમાં નિશા મળી હતી તે પરથી લાગી રહ્યું હતું કે, તે થોડા જ દિવસની મહેમાન છે કારણકે તેના શરીરમાં કીડા પડી ગયા હતા અને એઇડ્સ પણ હતો.

આ બાદ ટીમ દ્વારા નિશાની જિંદગી વિશે જાણવાની કોશિશ કરી હતી કે, તે કેવી રીતે ફિલ્મમાં આવી, ફિલ્મ છોડીને કેવી રીતે વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગઈ, પરિવારે કેમ સંબંધ ન રાખ્યો.

પિતા હવે વધુ બોલી નથી શકતા, ચાલી કે હરીફરી પણ નથી શકતા
અમે સૌ પ્રથમ તમિલનાડુ સ્થિત એક NGO અને એક પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન મુસ્લિમ મુનેત્ર કડગમનો સંપર્ક કરી ચેન્નાઈ હેડ વડા અલ્તાફ અહેમદ સાથે વાતચીત્ત કરી હતી. નિશા નૂર વિશે હેડ ઓફિસમાં વધારે માહિતી ન હોઈ અમને ત્યાં 25 વર્ષથી કામ કરી રહેલા અને નિશાને હોસ્પિટલ લઇ જનારા એનજીઓના વ્યક્તિ ઝફરઉલ્લાહ પાસે લઇ ગયા હતા. આ વ્યક્તિએ અમને નિશા નૂરના પિતા જબ્બર નૂર સાથે વાત કરાવી હતી. તેઓ વધુ બોલી શકતા નથી અને ચાલી શકતા નથી. તેણે અમને તમિળમાં નિશા વિશે કહેવાનું શરૂ કર્યું હોય ઝફરઉલ્લાહએ અનુવાદ કરીને અમને સમગ્ર માહિતી કહી હતી.

નિશાએ પિતાએ કહ્યું કે, નિશાની માતા અમને છોડીને ભાગી ગઈ હતી.....
નિશા નૂરનો જન્મ 18 સપ્ટેમ્બર 1962ના રોજ તમિલનાડુના નાગાપટ્ટિનમ પાસે નાગૌરમાં થયો હતો. નિશાના પિતા જબ્બાર પણ નિશા સાથે શું થયું તેનાથી અજાણ હતા. પરંતુ, જબ્બારને નિશા ફિલ્મોમાં આવ્યા પહેલા જ વાર્તાની ખબર હતી. 'જ્યારે નિશા નાની હતી, ત્યારે તેની માતા અમને ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો માટે નિશાને પણ પોતાની સાથે લઈને છોડીને ગઈ હતી. આ ગામ છોડ્યા બાદ બંને ક્યારેય પાછા ફર્યા ન હતા. ફિલ્મોમાં આવ્યા પછી પણ નિશાએ ક્યારેય અમારા સમાચાર લીધા નહોતા અને ક્યારેય અમારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહોતો. છેલ્લી વાર મેં તેના વિશે સાંભળ્યું હતું જ્યારે મારા પુત્ર સાહુરે તેને દરગાહની બહાર જોયો હતો. પરંતુ મેં આજ દિન સુધી તેનો ચહેરો જોયો નથી.'

જ્યારે માતા ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ભાગી તો નિશાને ફિલ્મોમાં પણ જગ્યા મળી હતી. પરંતુ આ માટે તેને કાસ્ટિંગ કાઉચમાંથી પણ પસાર થવું પડ્યું.આ ફિલ્મમાં તેમનો લીડ રોલ નહોતો મળ્યો. પરંતુ તેમ છતાં તેમની સુંદરતા લોકોની નજરમાં ચઢી ગઈ. નિશાએ 1980માં મંગલા નયાગી સાથે તમિલ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ વરસે એની વધુ બે ફિલ્મો મુયાલક્કુ મૂન કાલ અને ઇલામાઇ કોલામ રિલીઝ થઇ હતી. આ બાદ તેની કરિયરની ગાડી સડસડાટ ચાલવા લાગી હતી.

મલયાલમ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હાથ અજમાવ્યો
કન્નડ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ફોટોગ્રાફર સોની શ્રીકુમારે મલયાલમ ફિલ્મ નિર્માતાઓ સાથે પણ નિશાનો પરિચય કરાવ્યો હતો, જેના કારણે તે 1992માં આ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી. 1980થી 1995 સુધી અભિનય કારકિર્દીની શરૂઆત કરીને નિશાએ લગભગ 12 તમિળ અને 5 મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું. નિશા કેટલીક કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. પોતાની કારકિર્દીમાં સતત હિટ ફિલ્મો આપતાં એને મોહનલાલ અને કમલ હાસન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરવાની તક પણ મળી હતી.

1995માં કામ મળવાનું બંધ થઇ ગયું તો ઉદાસ થઇ હતી
નિશાને 1992માં જ કામ મળવાનું લગભગ બંધ થઇ ગયું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો નિશાને લકઝરીયસ લાઈફ જીવવાની આદરત પડી ગઈ હતી. પરંતુ કામ ન મળવાને કારણે જે પૈસા હતા તે પણ પુરા થઇ ગયા હતા. ફિલ્મો સિવાય બીજું કોઈ કામ પણ મળી રહ્યું ન હતું. આ બાદ 1995માં નિશા અચાનકથી ગાયબ જ થઇ હતી. 12 વર્ષ સુધી નિશાએ ના તપ કોઈ પરિવારજનને મળી હતી ના તો ઇન્ડસ્ટ્રીઝના લોકોને. કોઈને પણ ખબર ન હતી કે તે કઇ હાલતમાં જીવી રહી છે.

દરગાહની બહાર સાવકા ભાઈની પડી નજર
વર્ષ 2007માં નિશાની સાવકો ભાઈ સહુર તમિલનાડુની દરગાહ પાસેથી પસાર થઇ રહ્યો ત્યારે તેની નજર ફાટેલા તૂટેલા કપડાં પહેરલી મહિલા પર પડી હતી. ચહેરો જાણીતો લાગી રહ્યો હતો. સહુરે નજીક જઈને જોયું તો, હાલત જોઈને ચોંકી ગયો હતો. આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ તેની સાવકી બહેન અને એક સમયની ફેમસ એક્ટ્રેસ નિશા નૂર હતી. આ બાદ નિશાને એનજીઓ મુસ્લિમ સાહુર મુનેત્ર કઝગમ સુધી પહોંચાડી હતી.

નિશાએ NGOને કહી હતી અતથી ઇતિ સુધીની સમગ્ર વાત
NGOના પ્રમુખ ઝફરઉલ્લાહે આ સમગ્ર વાત દિવ્ય ભાસ્કરની જણાવી જે નિશાએ તેમને કહી હતી. નિશાએ સારવાર દરમિયાન જણાવ્યું હતું કે ચેન્નઈનો રફીક નામનો શખ્સ તેને દરગાહની બહાર છોડીને જતો રહ્યો હતો અને તે પહેલા તે દેહ વ્યાપારનો હિસ્સો હતી. નિશાને જ્યારે તેનો સાવકો ભાઈ સહુર ઓળખી ગયો ત્યારે નિશાએ પણ તેને પોતાની સંપૂર્ણ વાત જણાવી હતી અને કહ્યું હતું કે તેને એઇડ્સ થયો છે. એટલા માટે જ સહુર તેમને ઘરે લઈ જવાને બદલે સીધા એનજીઓમાં લઈ ગયા. સહુરે નિશાને ક્યારેય પણ પાછળ વળીને જોયું ન હતું. એનજીઓની મદદથી તેમને નાગપટ્ટિનમની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તેમને ચેન્નઇના એઇડ્સ સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવી હતી.જ્યારે નિશાને સારવાર અર્થે લઈ જવામાં આવી ત્યારે જ શરીર હાડપિંજર બની ગયું હતું અને હાથ-પગ જકડાઈ ગયા હતા. સારવારના એક અઠવાડિયાં બાદ 23 જુલાઈ, 2007ના રોજ નિશાનું નિધન થયું હતું.

ઘરવાળાઓ નિશાને અંતિમ વિદાય આપવા પણ ન આવ્યા
નિશાના મોતના સમાચાર તેના પરિવારને આપવામાં આવ્યા હતા, પરંતુ તેને લેવા માટે પરિવારનો કોઈ સભ્ય આવ્યો ન હતો. જ્યારે પરિવારે ડેડબોડી ન લીધી ત્યારે એનજીઓના જ લોકોએ ચેન્નાઈ નજીક દફનાવી દીધી હતી.