હવે 15 નવેમ્બરે જેકલિનની જામીન પર નિર્ણય:EDએ કહ્યું, જામીન મળ્યા તો દેશ છોડી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની જામીન અરજી પર આજે એટલે કે 11 નવેમ્બરના રોજ ચુકાદો આવવાનો હતો, પરંતુ હવે 15 નવેમ્બરના રોજ સાંજે ચાર વાગે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં ગુરુવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન જેક્લિન કોર્ટમાં પહોંચી હતી. તેણે કોર્ટમાં કહ્યું હતું કે મેં આ મામલે તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપ્યો છે. મેં પોતે આ કેસમાં આત્મસમર્પણ કર્યું છે, પરંતુ EDએ મને માત્ર હેરાન-પરેશાન જ કરી છે. તેના પર EDએ કહ્યું હતું કે તેમની પાસે જેક્લિન વિરુદ્ધ પૂરતા પુરાવા છે, તેથી એક્ટ્રેસને નિયમિત જામીન ન આપવામાં આવે.

EDની તપાસ પર જેક્લિને કહ્યું- તમામ આરોપો પાયાવિહોણા છે
જેક્લિને કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે 'હું મારા કામના સંબંધમાં વિદેશ જતી રહું છું, પરંતુ મને વિદેશ જવાથી રોકી દેવામાં આવી હતી. મને મારા પરિવારના સભ્યોને મળવાની પણ મંજૂરી આપવામાં આવતી નહોતી. મેં આ તમામ બાબતો અંગે તપાસ એજન્સીને ઈમેલ કર્યો હતો, પરંતુ એનો પણ જવાબ આપવાની પણ તસદી લેવામાં આવી નથી. તેણે આરોપ લગાવ્યો કે હું દેશ છોડીને ભાગી જવાની છું, તેમણે મને LOC (લૂકઆઉટ સર્ક્યુલર) જાહેર કરીને અટકાવી હતી,. EDના બધા જ આરોપ પાયાવિહોણા છે.

EDએ જામીનનો કર્યો વિરોધ, કહ્યું, જેક્લિન દેશ છોડીને ભાગી શકે છે
ED વતી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે 'જેક્લિન વિદેશી નાગરિક છે. તેમનો પરિવાર શ્રીલંકામાં રહે છે. તેણે ડિસેમ્બર 2021માં પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 22 ઓક્ટોબરે પટિયાલા હાઉસ કોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતાં જેક્લિનને વચગાળાના જામીન આપ્યા હતા.

જેક્લિનની સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી.
જેક્લિનની સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી.

ઇડીએ કહ્યું, જેક્લિનની સુકેશ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી
ઇડીએ જેક્લિનને આ કેસ વિશે ઘણી વખત પૂછપરછ કરી છે. તપાસ અને પૂછપરછ દરમિયાન જેક્લિને સંપૂર્ણ સહકાર આપ્યો છે. તપાસ દરમિયાન જેક્લિને ઇડીને કહ્યું હતું કે તે સુકેશને તેના જીવનસાથી માનતી હતી. જેક્લિને કહ્યું હતું કે ચંદ્રશેખરની બાબતોમાં તેમની કોઈ સંડોવણી નથી અને તેઓ પૈસાની બાબતોમાં પણ કોઈપણ રીતે સામેલ નથી. ઉલ્લેખનીય છે કે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી EDની તપાસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝ મહત્ત્વની સાક્ષી છે.

સુકેશે જેક્લિનને 9-9 લાખ રૂપિયાની બિલાડી આપી
EDની પૂછપરછમાં જેક્લિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેક્લિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. સુકેશે જેક્લિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનનાં શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેક્લિનની માતાને પોર્શ કાર આપી હતી.

કોણ છે સુકેશ?
17 વર્ષની ઉંમરથી અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. થોડા મહિના પહેલાં સુકેશે તિહાડ જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા, ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં, આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.

200 કરોડના મની લોન્ડરિંગનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમનાં પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.