• Gujarati News
  • Entertainment
  • Jackie Chan, Campaigner For Anti drugs Campaign In China, Apologizes To His Son For Drug Possession, Jails For 6 Months, Evicted

શાહરુખ દાખલો બેસાડશે?:ચીનમાં એન્ટિ ડ્રગ્સ કેમ્પેનના પ્રચારક જૅકી ચેને દીકરો ડ્રગ્સમાં પકડાતાં દેશની માફી માગેલી, દીકરો 6 મહિના જેલમાં રહ્યો, બાપની 30 અબજની સંપત્તિમાંથી બેદખલ થયો

21 દિવસ પહેલા

શનિવારની રાતથી સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ખોટા કારણોસર ચર્ચામાં છે. મુંબઈથી ગોવા જતી લક્ઝુરિયસ ક્રુઝમાં યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવાના આરોપસર ‘નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો’ (NCB)એ આર્યન સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. જોગાનુજોગ આ સમગ્ર ઘટનાક્રમ સુપરસ્ટાર જૅકી ચેન અને તેના દીકરા જૅસી ચેનની રિયલ લાઇફમાં 2014માં બનેલા ઘટનાક્રમ સાથે અનહદ સામ્યતા ધરાવે છે. પરંતુ જૅકી ચેન અને શાહરુખ ખાનના અભિગમમાં આસમાન-જમીનનું અંતર છે.

બાપ એન્ટિ ડ્રગ્સનો બ્રાન્ડ એમ્બેસેડર અને દીકરો ડ્રગ એડિક્ટ
હોલિવૂડ અને ચાઇનીઝ સિનેમામાં માર્શલ આર્ટ્સની ફિલ્મો માટે લેજન્ડ ગણાતા સુપરસ્ટાર જૅકી ચેનની ઓળખ આપવા માટે ખાસ પ્રસ્તાવનાની જરૂર નથી. 2014માં ચીનની સરકારે પોતાના દેશમાં ડ્રગ્સના દૂષણ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરેલું. તેમાં જૅકી ચેનનો 32 વર્ષીય દીકરો જૅસી ચેન અડફેટે આવી ગયો હતો. પોલીસે જૅસી ચેન અને તાઇવાનીઝ એક્ટર કાઈ કોની ડ્રગ્સ લેવાના આરોપસર ધરપકડ કરી હતી. જૅસીના ઘરમાંથી 117 ગ્રામ ગાંજો પણ મળી આવેલો. એક્ટર કાઈ કોને તો 14 દિવસની કસ્ટડી પછી છોડી મૂકવામાં આવ્યો, પરંતુ જૅસી ચેન સામે ડ્રગ્સના સેવન અને રાખવાના આરોપ ઉપરાંત પોતાના ઘરનો અન્ય લોકોને ડ્રગ્સ લેવા માટે ઉપયોગ કરવા દેવાનો ગુનો પણ નોંધાયો. જે કલમો તેના પર લાગી હતી તે પ્રમાણે જૅસી ચેનને ત્રણ વર્ષ સુધીની મેક્સિમમ સજા થાય તેમ હતી. જોકે તેને છ મહિનાની જેલની સજા અને 23 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

વક્રતાની વાત એ હતી કે દીકરો પકડાયો તેનાં પાંચ વર્ષ પહેલાંથી જ બાપ જૅકી ચેન ચાઇનીઝ પોલીસનો ‘નાર્કોટિક્સ કંટ્રોલ એમ્બેસેડર’ હતો! યાને કે દીવા તળે કમ્પ્લિટ અંધારું. દીકરાની ધરપકડ પછી પિતા જૅકી ચેનનું વર્તન શાહરુખ કરતાં તદ્દન સામા છેડાનું હતું. જૅકી ચેને દીકરાને પોતાની વગ વાપર્યા વિના કોઈ જ કાયદાકીય મદદ ન કરી. એટલું જ નહીં, એણે પોતાના એકના એક દીકરાની આ વર્તણૂક બદલ ચાઇનીઝ સોશિયલ મીડિયા સાઇટમાં લખ્યું કે, ‘હું મારા દીકરાની આ હરકત પર શરમ અનુભવું છું, આઘાતમાં છું અને તેના પર અત્યંત ગુસ્સે છું. માતા-પિતા તરીકે અમે બંને દુઃખી અને હાર્ટબ્રોકન છીએ.’

કોર્ટમાં જૅસી ચેને પોતાનો ગુનો કબૂલી લીધો, પિતા જૅકી ચેને કૅસમાં પોતાની કોઈપણ જાતની વગ વાપરી નહીં
કોર્ટમાં જૅસી ચેને પોતાનો ગુનો કબૂલી લીધો, પિતા જૅકી ચેને કૅસમાં પોતાની કોઈપણ જાતની વગ વાપરી નહીં

‘દીકરાએ ખોટું કર્યું છે અને સજા પણ મળશે જ’
જૅકી ચેને શબ્દો ચોર્યા વિના જાહેરમાં લખ્યું કે, ‘હું એક સારો પિતા બનવામાં, દીકરાને સાચું શિક્ષણ અને શિસ્ત આપવામાં નિષ્ફળ નીવડ્યો અને તેનો દોષ સંપૂર્ણપણે મારો જ છે. મેં મારા દીકરાને કહી દીધું છે કે તેં જે પણ ખોટું કર્યું છે તેનું પરિણામ ભોગવ્યા વિના કોઈ છૂટકો નથી. હું આ સંપૂર્ણ ઘટનાક્રમની જવાબદારી લઉં છું અને જૅસી વતી સમગ્ર દેશવાસીઓની માફી માગું છું.’ એટલું જ નહીં, એણે પોતાના દીકરાને ખરાબ એક્ઝામ્પલ તરીકે પ્રસ્તુત કર્યો અને દેશના યુવાઓને સંબોધીને લખ્યું કે, ‘મને આશા છે કે જૅસી પરથી ધડો લઇને આ દેશના યુવાનો શીખશે અને ડ્રગ્સથી દૂર રહેશે.’ જૅકી ચેને દીકરાની કોઈ પણ કોર્ટ ટ્રાયલમાં હાજરી આપી નહોતી.

સામે પક્ષે જૅકી ચેનના દીકરાએ પણ બીજિંગની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે કોર્ટમાં કહ્યું કે, ‘મેં ગુનો કર્યો છે અને હું સજા મેળવવાને હકદાર છું. જૅસી ચેનના વકીલે તેના વતી ખાતરી આપી કે એ ભવિષ્યમાં ‘સાચો રસ્તો’ અખત્યાર કરશે અને ‘હેલ્ધી પબ્લિક ઇમેજ’ જાળવવા માટે પ્રામાણિક પ્રયાસ કરશે. આથી કોર્ટે તેના તરફ થોડું નરમ વલણ દાખવતાં તેને છ મહિનાની સખત કેદ અને 2 હજાર યુરો (23 હજાર રૂપિયા)નો દંડ કરેલો.

છ મહિના બાદ જેલમાંથી છૂટ્યા પછી પણ જૅકી ચેન પોતાના દીકરાને તરત મળ્યો નહોતો. દીકરાએ એક પ્રેસ કોન્ફરન્સ ભરીને માથું નમાવીને સમગ્ર દેશવાસીઓની માફી માગી હતી. પોતાની ચાર મિનિટની સ્પીચમાં જૅસી ચેને જેલવાસ બહુ આકરો હોવાની વાત કરી હતી. એણે કહ્યું કે, ‘હવે હું કાયદાની હદમાં રહીને જ જીવન જીવીશ અને એવું કશું જ નહીં કરું જેનાથી સમાજ પર નેગેટિવ અસર થાય.’

છ મહિનાની કેદમાંથી છૂટ્યા બાદ જૅસી ચેને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની માફી માગી
છ મહિનાની કેદમાંથી છૂટ્યા બાદ જૅસી ચેને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની માફી માગી

જૅકી ચેનના દીકરાની બ્રાન્ડવેલ્યૂ ધોવાઈ ગઈ
પિતાના પગલે દીકરો જૅસી ચેન પણ એક્ટિંગની દુનિયામાં છે અને સાથોસાથ ગાયક પણ છે. ડ્રગ્સ રાખવાના અને સેવન કરવાના આરોપસર જેલમાં ગયા પછી એની પ્રોફેશનલ લાઇફ અને બ્રાન્ડવેલ્યૂમાં જબ્બર ધોવાણ થયું. જેલમાં જતાં પહેલાં એ જે ફિલ્મ કરી રહ્યો હતો તેમાં તેના નામની ક્રેડિટ કાઢી નાખવામાં આવી. અડીડાસ, નિવિઆ, જ્હોનસન એન્ડ જ્હોનસન, KFC, શેવરલે જેવી સાતેક કંપનીઓએ તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાંકી કાઢ્યો અને મલ્ટિ મિલિયન ડૉલરના કોન્ટ્રાક્ટ ગુમાવવા પડ્યા. ચીનના સૌથી મોટા અખબાર ‘પીપલ્સ ડેઇલી’એ જૅસી ચેનને ‘અમીર બાપ કી બિગડી ઔલાદ’ના લિસ્ટમાં પહેલે નંબરે મૂક્યો. એ ચીન છોડીને પોતાની તાઇવાનીઝ મમ્મી જોઆન લિન પાસે જઇને રહેવા લાગેલો. 2020થી એ અમેરિકાના લોસ એન્જલસમાં રહેવા માંડ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ જૅસી પોતાના પિતા જૅકી ચેનને ખાસ્સા ત્રણેક મહિના પછી તાઇવાનમાં મળ્યો હતો. કોરોના ત્રાટક્યા પછી બાપ-દીકરો બંને લોસ એન્જલસમાં સાથે રહે છે તેવા વાવડ આવ્યા હતા.

પૂત કપૂત તો ક્યોં ધન સંચય?
પરંતુ દીકરો પકડાયાના ત્રણેક વર્ષ પહેલાં જૅકી ચેને પબ્લિક પ્લેટફોર્મ પરથી જાહેરાત કરી હતી કે તે પોતાની સંપત્તિમાંથી કાણી પાઈ પણ પોતાના દીકરાને નહીં આપે. જૅકી ચેન વિશ્વના સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સમાં સામેલ છે. ‘ફોર્બ્સ’ મેગેઝિનની ગણતરી પ્રમાણે તેની સંપત્તિ 400 મિલિયન ડૉલર એટલે કે 30 અબજ રૂપિયા જેટલી થાય છે. જૅકી ચેનનું કહેવું છે કે જો દીકરામાં દમ હશે તો પોતાના પૈસા એ જાતે જ કમાઈ લેશે, અને જો એનામાં ક્ષમતા નહીં હોય તો એને સંપત્તિ આપવી એ વેડફી નાખવા જેવું જ થશે.

સિમિ ગરેવાલ સાથેના ઇન્ટરવ્યૂમાં કહેલી વાત આવી રીતે સાચી પડશે તે શાહરુખે સપનેય નહીં વિચાર્યું હોય!
સિમિ ગરેવાલ સાથેના ઇન્ટરવ્યૂમાં કહેલી વાત આવી રીતે સાચી પડશે તે શાહરુખે સપનેય નહીં વિચાર્યું હોય!

આર્યન ખાનની ધરપકડ પછી શાહરુખ ખાને અભિનેત્રી સિમિ ગરેવાલને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂની ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં એ એવું કહેતો જોઈ શકાય છે કે શાહરુખ ઇચ્છે છે કે એનો દીકરો દારૂ, ડ્રગ્સ, સેક્સ, પાર્ટી... જે પોતે ન કરી શક્યો એવું બધું જ કરે. પબ્લિક લાઇફમાં દાખલો કેવી રીતે બેસાડાય તે શાહરુખ ખાને કદાચ જૅકી ચેન પાસેથી શીખવા જેવું છે.

અન્ય સમાચારો પણ છે...