બોલિવૂડ દિવંગત એક્ટર ઈરફાન ખાનનો આજે એટલે કે 7 જાન્યુઆરીએ બર્થડે છે, જો એક્ટર આજે આપણી વચ્ચે હોત તો તેઓ 56મોં બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હોત. આ ખાસ દિવસે ઈરફાનના દીકરા બાબિલે એક ઇન્ટરવ્યૂમાં પિતા વિશે વાત કરી હતી. બાબિલે જણાવ્યું હતું કે પિતાના નિધન બાદ તે સંપૂર્ણપણે ભાંગી ગયો હતો, જેને કારણે તે 45 દિવસ સુધી રૂમમાંથી બહાર નીકળ્યો નહોતો.
પિતાના નિધન બાદ મારી હાલત ખરાબ થઈ ગઈ હતી
બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યૂમાં બાબિલે જણાવ્યું હતું કે ' પિતાના નિધનના પહેલા જ દિવસે મને વિશ્વાસ નહોતો આવતો કે તે અમારી વચ્ચે નથી રહ્યા. એક અઠવાડિયાં બાદ જ્યારે મારા હૃદય અને મગજે સ્વીકાર્યું કે આવું કંઈક થયું છે, ત્યારે તેણે મને આંચકો લાગ્યો હતો અને પછી જે બન્યું તે ખૂબ જ ખરાબ હતું. મેં મારી જાતને 45 દિવસ સુધી એક રૂમમાં બંધ કરી દીધી હતી.'
હુું મારી જાતને સમજાવતો હતો કે તેઓ શૂટિંગ પર ગયા છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે એ સમયે પિતા વધારે સમય સુધી શૂટિંગ કરી રહ્યા હતા. તેઓ લાંબા સમય સુધી શૂટિંગ પર રહેતા હતા. તેમનું જ્યારે નિધન થયું ત્યારે મેં ગમે તેમ કરીને મારી જાતને સમજાવ્યું હતું કે તેઓ શૂટિંગના શેડયૂલ પછી પાછા આવશે, પરંતુ પછી ધીરે ધીરે મને અહેસાસ થવા લાગ્યો કે આ એક ક્યારેય પૂરું ન થતું શૂટિંગ શેડ્યૂલ છે. '
મેં મારો સૌથી ખાસ મિત્ર ગુમાવ્યો છે
તે આગળ જણાવે છે, તેઓ ફરી ક્યારેય પાછો નહીં આવે. મેં મારો સૌથી સારો મિત્ર ગુમાવ્યો છે. એ સમયે હું એટલો ભાંગી ગયો હતો કે હું એ દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નહોતો, પરંતુ હું તેમની યાદો સાથે પોઝિટિવ રહું છું. '
2020માં ઇરફાનું નિધન થયું
ઇરફાને 1995માં સુતાપા સિકદર સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતી વખતે થઇ હતી. આ કપલને બાબિલ અને અયાન નામના બે પુત્ર છે. ઇરફાને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કામથી નામ કમાવવા ઉપરાંત ઓસ્કાર વિનિંગ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં 'લાઇફ ઓફ પાઇ', 'ધ અમેઝિંગ સ્પાઇડર મેન', 'ઇન્ફર્નો' વગેરે ફિલ્મનો સમાવેશ થાય છે.
ઇરફાન ખાનને 2018માં ન્યૂરોએંડ્રોક્રાઇન કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ બાદ લગભગ 2 વર્ષ સુધી એની સારવાર ચાલી રહી હતી, પરંતુ 29 એપ્રિલ 2020ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
બાબિલે ફિલ્મ 'કલા'થી એક્ટિંગની શરૂઆત કરી
બાબિલ ખાનની વાત કરવામાં આવે તો તેણે વર્ષ 2022માં ફિલ્મ 'કલા'થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં બાબિલે હોનહાર ગાયકનો રોલ કર્યો છે. આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી બાબિલની એક્ટિંગનાં ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ બાબિલ ટૂંક સમયમાં જ એક વેબ સિરીઝ 'ધ રેલવે મેન'માં જોવા મળશે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત આ સિરીઝનું ડાયરેક્શન ફિલ્મસર્જક શિવ રવૈલ કરી રહ્યા છે. એમાં કે કે મેનન, આર. માધવન અને દિવ્યેન્દુ પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.