• Gujarati News
  • Entertainment
  • "I Was So Busy With My Work That I Didn't Know What Raj Kundra Was Doing," Shilpa Shetty Said In A Statement To Police.

પોર્નોગ્રાફી કેસ:‘હું તો મારાં કામમાં એટલી બિઝી હતી કે રાજ કુંદ્રા શું કરે છે એ ખબર જ નહોતી’, પોલીસને આપેલા નિવેદનમાં શિલ્પા શેટ્ટીએ હાથ ઊંચા કર્યા

એક મહિનો પહેલા

પોર્નોગ્રાફી કૅસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં પુરાયેલા ઉદ્યોગપતિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટીને પણ એક સાક્ષી બનાવવામાં આવી છે. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો અને મોબાઇલ એપ પર તેનું સ્ટ્રીમિંગ કરવાનો આરોપ છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બુધવારે ચાર લોકો સામે આ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે (વિયાન એન્ટરપ્રાઇઝીસના આઈટી હેડ), યશ ઠાકુર ઉર્ફ અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષી સામેલ છે. 43 સાક્ષીઓમાંથી પાંચ સાક્ષીએ CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું છે.

શિલ્પા શેટ્ટીએ પોલીસને શું કહ્યું?
ચાર્જશીટ પ્રમાણે શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું છે કે રાજ કુંદ્રા શું કામ કરે છે એ વિશે એને કશી ખબર જ નહોતી, કારણ એ પોતાનાં જ કામોમાં અત્યંત વ્યસ્ત હતી. શિલ્પાએ કહ્યું છે, ‘હું મારાં કામમાં જ વ્યસ્ત હતી અને રાજ કુંદ્રા શું કહે છે એ મને કશી જ ખબર જ નહોતી.’ શિલ્પાએ એવું પણ કહ્યું કે વિવાદાસ્પદ એપ ‘હોટશોટ્સ’ કે ‘બોલિફેમ’ વિશે પણ તેને કશી જ ખબર નહોતી.

ગૂગલે બ્લોક કરી તો રાજ કુંદ્રાએ નવી એપ બનાવી
ચાર્જશીટમાં કુંદ્રા પર આ એપ્સ પર પોર્નોગ્રાફિક (અશ્લીલ) વીડિયો સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ છે. તે પ્રમાણે જ્યારે ગૂગલના પ્લેસ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ‘હોટશોટ્સ’ હટાવી દેવામાં આવી તો રાજ કુંદ્રાએ ‘બોલિફેમ’ નામની નવી એપ લોન્ચ કરી દીધી. ચાર્જશીટ કહે છે કે કુંદ્રાએ પોતાનું પોર્ન સામ્રાજ્ય ચલાવવા માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પરિસરનો ઉપયોગ કર્યો હતો.

19 જુલાઈથી જેલમાં છે કુંદ્રા
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટ (એસ્પ્લેનેડ કોર્ટ)એ પછી તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. ત્યારથી તે જેલમાં જ છે. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાજ કુંદ્રા પર શર્લિન ચોપરાથી લઇને પૂનમ પાંડે સુધીની અભિનેત્રી કમ મોડલોએ ગંભીર આરોપો લગાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસમાં 2020ના વર્ષમાં આ કેસ દાખલ થયો હતો.

શર્લિન ચોપરાના નગ્ન ફોટો પ્રકાશિત કરેલા
ચાર્જશીટમાં નોંધાયેલા શર્લીન ચોપરાના બયાન પ્રમાણે ‘ધ શર્લિન ચોપરા એપ’ નામની એપ્લિકેશન બનાવવા માટે આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાયેલો. ત્યારે સૌરભ કુશવાહા અને રાજ કુંદ્રા આર્મ્સ પ્રાઇમ મીડિયા પ્રા. લિ.માં ડિરેક્ટર્સ હતા. આ ‘ધ શર્લિન ચોપરા એપ’માં શર્લિન ચોપરાના બોલ્ડ (વાંચો, નગ્ન) વીડિયો અને ફોટો પબ્લિશ કરવામાં આવી રહ્યા હતા.

શર્લિનને આ કોન્ટ્રાક્ટ પ્રમાણે રેવન્યૂના 50% હિસ્સો મળવાનો હતો, પરંતુ શર્લિનના આરોપ પ્રમાણે તેને આ હિસ્સો અપાયો નહોતો. ત્યાર પછી ‘હોટશોટ્સ’ એપ માટે પણ શર્લિન સાથે કોન્ટ્રાક્ટ કરાયો, જેના માટે શર્લિને એક્ટિંગ કરવાની હતી.

કુંદ્રા પર અશ્લીલતા અને ચીટિંગની કલમો લાગી છે

  • આઈપીસીની કલમ 292, 296 - અશ્લીલ સામગ્રી બનાવવી અને વેચવી
  • કલમ 420 - છેતરપિંડી અને વિશ્વાસઘાત
  • ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67, 67(a) - ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અશ્લીલ સામગ્રી અપલોડ કરવી અને બ્રોડકાસ્ટ કરવી
  • મહિલાઓનું અવિવેકપૂર્ણ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, કલમ 2(g) 3, 4, 6, 7 - મહિલાઓ સાથે સંકળાયેલી અશ્લીલ ફિલ્મ બનાવવી, વેચવી અને પ્રસારિત કરવી.
  • કુંદ્રાએ પોતાની કંપનીમાં 10 કરોડ રૂપિયા રોક્યા

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આઠથી દસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ કુંદ્રા અને તેના બ્રિટનમાં રહેતા ભાઈએ ત્યાં જ કેનરિન નામની કંપની બનાવી. અશ્લીલ ફિલ્મોના વીડિયો ભારતમાં શૂટ થતા અને ‘વી ટ્રાન્સફર’ (હેવી ફાઇલોના ટ્રાન્સફર માટેની વેબસાઇટ) મારફતે કેનરિનને મોકલવામાં આવતા. આ કંપની રાજ કુંદ્રાએ જ બનાવી અને ભારતના સાયબર લૉથી બચવા માટે તેનું રજિસ્ટ્રેશન વિદેશમાં કરાવ્યું.

કઈ રીતે પોર્નના પાપનો ઘડો ભરાયો
ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત છ લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય ત્રણ લોકો પણ પકડાયા. તે પછી બે કેસમાં FIR નોંધવામાં આવી. આરોપ પ્રમાણે એક્ટર્સને બ્લેકમેલ કરીને તેમની પાસે પોર્ન ફિલ્મો શૂટ કરવા માટે વિવશ કરવામાં આવતા.

ત્યારે એ વાત પણ બહાર આવેલી કે શૂટ કરવામાં આવેલી ફિલ્મોને પેઇડ મોબાઇલ એપ્લિકેશન પર રિલીઝ કરવામાં આવતી. ત્યારબાદ પોલીસે આ કેસમાં ઉમેશ કામત નામના એક શખ્સની ધરપકડ કરી હતી. કામતની ધરપકડ પછી પોલીસને મહત્ત્વની કડીઓ મળી અને પોર્નફિલ્મોનું આખું રેકેટ બહાર આવ્યું, જેનો છેડો રાજ કુંદ્રા સુધી પહોંચ્યો.