ફિલ્મોની દુનિયાના સૌથી મોટા ઓસ્કર એવોર્ડ સેરેમનીની શરૂઆત આજે એટલે કે સોમવારે 5:30 વાગ્યે થઇ ચૂકી છે. આ વખતે ભારતમાંથી 3 નોમિનેશન આવ્યાં છે. બેસ્ટ ઓરિજનલ સોન્ગ માટે 'ફિલ્મ RRR' ના ગીત નાટુ-નાટુ, ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' અને ઓરિજિનલ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને ફાઇનલ નોમિનેશન મળ્યું છે.
ઓસ્કર એવોર્ડને લઈને મનમાં અનેક સવાલો છે. જેમ કે ઓસ્કરની શરૂઆત ક્યારે થઇ, કોણે શરૂ કર્યો, શા માટે તે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ છે અને ઓસ્કર માટે કઈ રીતે ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે? શું કલાકારોને ટ્રોફીની સાથે પૈસા મળે છે? આ પ્રકારના અનેક પ્રશ્નો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજ દિવસ સુધી એક રહસ્ય જ છે કે આ એવોર્ડનું નામ ઓસ્કર શા માટે રાખવામાં આવ્યું. ખુદ ઓસ્કર કમિટીએ પણ તેને ક્યારેય ક્લીયર નથી કર્યું.
આવો જાણીએ ઓસ્કર સાથે જોડાયેલા 9 સવાલના જવાબ...
સવાલ : એકેડમી એવોર્ડની શરૂઆત કેવી રીતે થઇ?
ઓસ્કર એવોર્ડનું પહેલાં નામ એકેડેમી એવોર્ડ હતું. આ સેરેમનીનો પાયો 1927માં નાખવામાં આવ્યો હતો. અમેરિકામાં MGM સ્ટુડિયોના વડા લુઈસ બી. મેયર, તેમના ત્રણ મિત્રો, એક્ટર કોનરાડ નાગેલ, દિગ્દર્શક ફ્રેડ નિબ્લો અને ફિલ્મ નિર્માતા ફેડ બિટ્સોન સાથે મળીને એક ગ્રુપ બનાવવાનો વિચાર કર્યો હતો. જેનાથી સમગ્ર ઉદ્યોગને ફાયદો થાય અને એવોર્ડ શરૂ કરવો જોઈએ જેનાથી ફિલ્મ મેકર્સને મોટિવેશન મળે. આ વિચારને આગળ લઈ જવા માટે લોકોને સામેલ કરવા જરૂરી હતા.
બાદમાં આ માટે હોલિવૂડના 36 સૌથી પ્રખ્યાત લોકોને લોસ એન્જલસની એમ્બેસેડર હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. તેમની સમક્ષ 'ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ મોશન પિક્ચર ઓફ આર્ટ એન્ડ સાયન્સ'ની રચના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં બધા જ લોકો સંમત થયા હતા. તેના અધિકારીઓ માર્ચ 1927 સુધી ચૂંટાયા હતા. જેના પ્રમુખ હોલિવૂડ અભિનેતા અને નિર્માતા ડગ્લાસ ફેરબેન્ક્સ બન્યા હતા.
11 મે, 1927ના રોજ 300 જાણીતી હસ્તીઓ માટે એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી 230 લોકોએ 100 ડોલર ચૂકવીને એકેડેમીનું સત્તાવાર સભ્યપદ લીધું હતું. શરૂઆતના સમયમાં આ એવોર્ડ 5 કેટેગરી જેમ કે, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, ટેક્નિશિયન અને લેખકમાં જ આપવામાં આવ્યો હતો. એવોર્ડને એકેડેમી એવોર્ડ્સ નામ આપવામાં આવ્યું હતું.
સવાલ : એકેડેમી એવોર્ડની ટ્રોફી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
જવાબ : એકેડેમી એવોર્ડ ટ્રોફી તલવાર સાથેના યોદ્ધાની છે, જે ફિલ્મની રીલ પર ઊભી છે. આ ટ્રોફી પાછળનો વિચાર એ હતો કે મનોરંજન ઉદ્યોગમાં કામ કરનારાઓને પણ યોદ્ધાઓ જેવા જ અનુભવ કરાવવામાં આવે. આ માટે સૌ પ્રથમ એમજીએમ સ્ટુડિયોના આર્ટ ડાયરેક્ટરે તલવાર લઈને એક યોદ્ધાને રીલ પર ઊભા કરીને સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. શિલ્પકાર જોર્ડન સ્ટેનલીએ આ રચનાને ફાઇનલ લુક આપ્યો હતો.
ગોલ્ડ પ્લેટેડ આ ટ્રોફી 92.5% ટીન અને 7.5% તાંબાની બનેલી આ ટ્રોફી 13 ઇંચ ઊંચી અને 3.85 કિગ્રા વજનની હતી. પ્રથમ સમારોહ દરમિયાન 2701 પુરસ્કારો બનાવવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તાંબાની અછતને કારણે લાકડાની ટ્રોફી 1938માં બનાવવામાં આવી હતી.
16 મે 1929માં પહેલીવાર ઓસ્કર એવોર્ડ સેરેમનીની શરૂઆત કરવામાં આવી
હોલિવૂડ રૂઝવેલ્ટ હોટેલના બ્લોસમ રૂમમાં પ્રાઈવેટ પાર્ટીમાં 270 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઈવેન્ટની ટિકિટ 5 ડોલર રાખવામાં આવી હતી. મીડિયા નથી, પ્રેક્ષકો નથી, ભીડ ન હતી. આ સેરેમની ફક્ત 15 જ મિનિટમાં જ પૂરી થઇ હતી.
પ્રથમ એવોર્ડ સેરેમનીના વિજેતાઓની ત્રણ મહિના અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. 1930ના દાયકાથી એવોર્ડ નાઇટ પર 11 વાગ્યે મીડિયાને વિનરનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ 1940માં લોસ એન્જલસ ટાઇમ્સે સેરેમની પહેલાં જ વિજેતાઓની જાહેરાત કરી હતી. ત્યારથી વિજેતાઓનો ખુલાસો પરબીડિયામાં કરવામાં આવ્યો હતો.
એમિલ જેનિંગ્સને પ્રથમ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો
પહેલાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ એમિલ જેનિંગ્સને બે ફિલ્મો'ધ લાસ્ટ કમાન્ડ' અને 'ધ વે ઓફ ઓલ ફ્લેશ' માટે મળ્યો હતો. આ સેરેમની પહેલાં તેને યુરોપ પરત જવાનું હતું, તેથી એકેડમીએ તેને અગાઉથી જ આ એવોર્ડ આપી દીધા હતા. એમિલને બે ફિલ્મો માટે એવોર્ડ મળ્યો હતો, પરંતુ બાદમાં એકેડેમીએ એવો નિયમ બનાવ્યો હતો કે વ્યક્તિને માત્ર એક જ એવોર્ડ આપવામાં આવશે.
સવાલ : એકેડમી એવોર્ડનું નામ ઓસ્કર કેવી રીતે પડ્યું?
જવાબ : એકેડેમી એવોર્ડ હવે ઓસ્કર એવોર્ડ તરીકે ઓળખાય છે.1939થી તેનું ઓફિશિયલ નામ ઓસ્કર રાખવામાં આવ્યું હતું. જો કે, તેનું નામ ઓસ્કર કેવી રીતે પડ્યું તેના ત્રણ અલગ-અલગ સિદ્ધાંતો છે.
પહેલી થિયરી :
ઓસ્કર એવોર્ડની પ્રથમ મહિલા પ્રમુખ અને અમેરિકન એક્ટ્રેસ બેટ્ટે ડેવિસે તે સમયે દાવો કર્યો હતો કે, ઓસ્કર ટ્રોફી પાછળથી જોવામાં આવે ત્યારે તેના સંગીતકાર પતિ હાર્મન ઓસ્કર નેલ્સન જેવી દેખાતી હતી, તેથી એવોર્ડનું નામ ઓસ્કર રાખવામાં આવ્યું હતું.
બીજી થિયરી :
હોલિવૂડ ગોસિપ આર્ટિકલ લખનાર કટારલેખક સિડની સ્કોલ્સ્કીએ દાવો કર્યો હતો કે, એકેડેમી એવોર્ડને ઓસ્કર ઉપનામ આપવામાં આવ્યું હતું .તેમણે 1934ના લેખમાં આ એવોર્ડ માટે ઓસ્કર ઉપનામનો ઉપયોગ કર્યો હતો.
ત્રીજી થિયરી :
એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ એન્ડ સાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે દાવો કર્યો હતો કે, ઓસ્કરનું નામ તેમના કાકા ઓસ્કરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ ત્રણના દાવા પૈકી કયો દાવો સાચો હતો તેની સાબિતી આજ દિવસ સુધી મળી નથી. એકેડમીએ પણ આ વાતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી, આ નામ કેવી રીતે પડ્યું.
સવાલ : ઓસ્કરને સૌથી મોટા એવોર્ડનો દરજ્જો કેવી રીતે મળ્યો?
જવાબ : 1929-30માં કુલ 16 લોકોને ઓસ્કર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં એકેડમી એવોર્ડમાં કોઈ મીડિયાની હાજરી ન હતી. પરંતુ ત્યારથી લઈને આજ દિવસ સુધી ઓસ્કર એવોર્ડનું કવરેજ મોટા પાયા પર થવા લાગ્યું છે. 1953માં પ્રથમ વખત એનબીસીએ આ સેરેમનીનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર પ્રસારણ કર્યું હતું. ઘણા દેશોમાં ટેલિકાસ્ટ થવાને કારણે ઓસ્કરને વિશ્વભરમાં ઓળખ મળવા લાગી. 1956 સુધી આ એવોર્ડ માત્ર હોલિવૂડ ફિલ્મો માટે જ હતો.
1957માં એકેડમીએ બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરી બનાવી હતી ત્યારબાદ ભારત સહિત તમામ દેશોએ તેમની ફિલ્મોનાં નોમિનેશન મોકલવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે દુનિયાભરની ફિલ્મો ઓસ્કરમાં પ્રવેશી અને એકબીજામાં હરીફાઈ હતી ત્યારે ઓસ્કરનું લેવલ સૌથી ઊંચું માનવામાં આવતું હતું.
સવાલ : ઓસ્કર નોમિનેશનની શું પ્રોસેસ છે અને કેવી રીતે વિજેતાની પસંદગી કરવામાં આવે છે?
અલગ-અલગ રીતે પ્રોસેસ કરવામાં આવે છે...
એકેડમી પાસે કેટલા જ્યુરી મેમ્બર્સ છે
હાલમાં એકેડમીમાં લગભગ 10,000 સભ્યો છે. આ તમામ લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. એકેડેમી ફિલ્મ સિવાયના લોકોને સભ્યપદ આપતી નથી. મતલબ કે ફિલ્મના મેકર્સ જ એવોર્ડ માટે ફિલ્મોની પસંદગી કરે છે.
એકેડમીની મેમ્બરશિપ 2 પ્રકારની હોય છે. પહેલાં કોઈ એક્ટર, ડાયરેક્ટર અથવા ટેક્નિશિયનને કોઈ ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન મળતું હતું તો તેમને એકેડમીની મેમ્બરશિપ આપવામાં આવતી હતી. જો આ સિવાય કોઈને સભ્યપદ જોઈતું હોય જેને ક્યારેય ઓસ્કર નોમિનેશન મળ્યું નથી, તો એકેડેમીના બે સભ્યો તેના નામની ભલામણ કરે છે. જો એકેડમી આ વ્યક્તિને લાયક ગણે તો તેને સભ્યપદ મળે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દિગ્દર્શકને સભ્યપદ જોઈતું હોય, તો તેની પાસે ઓછામાં ઓછી બે ફિલ્મો દિગ્દર્શિત કરવાનો અનુભવ હોવો જોઈએ, તેની છેલ્લી ફિલ્મ 10 વર્ષમાં બનેલી હોવી જોઈએ.
સવાલ : ભારતમાં ઓસ્કર માટે મોકલવામાં આવતી ફિલ્મની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
જવાબ :
આ માટે 2 રીત છે. પહેલી રીત, એક ફિલ્મ સરકાર તરફથી ભારતની ઓફિશિયલ એન્ટ્રી હોય છે. બીજી પ્રાઇવેટ એન્ટ્રી.
સરકાર દ્વારા ઓસ્કરમાં ફિલ્મો મોકલવાની પ્રક્રિયા દર વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થાય છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) ભારતના તમામ ફિલ્મ એસોસિયેશનોમાંથી એન્ટ્રીને આમંત્રણ આપે છે. તેમાં તમામ ભાષાઓની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પછી જ્યુરી સભ્યો ફિલ્મ એસોસિયેશન દ્વારા મોકલવામાં આવેલી ફિલ્મો જુએ છે. સપ્ટેમ્બરના અંતમાં એફએફઆઈ દ્વારા ઓસ્કરમાં જનારી ફિલ્મોની ઓફિશિયલ એન્ટ્રીની જાહેરાત કરવામાં આવે છે. સિલેક્ટ કરવામાં આવેલી ફિલ્મો ઓસ્કર માટે મોકલવામાં આવે છે.
જે ફિલ્મ મેકર પોતાની ફિલ્મની પ્રાઇવેટ એન્ટ્રી એકેડમીને મોકલે છે તેમાં સરકારની કોઈ દખલગીરી નથી હોતી. જો ફિલ્મ મેકરને લાગે છે કે, તેમનું કામ એવોર્ડને લાયક છે તો પોતાના તરફથી એન્ટ્રી મોકલે છે. એકેડમી કોને એવોર્ડ આપશે તે નિર્ણય પોતાની જાતે લે છે.
સવાલ : ઓસ્કરમાં ફિલ્મ મોકલવા માટે સામાન્ય નિયમ શું છે?
બીજા દેશો માટે ઓસ્કરમાં ફિલ્મ મોકલવા માટે આ રહ્યા નિયમો... ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવેલી ફિલ્મ ઓછામાં ઓછી 40 મિનિટની હોવી જોઈએ. ફિલ્મ 33 MM અથવા 70 MM પ્રિન્ટમાં 24 ફ્રેમ પ્રતિ સેકન્ડ અથવા 48 ફ્રેમ પ્રતિ સેકન્ડની હોવી જોઈએ. ફિલ્મ અંગ્રેજીમાં ન હોવી જોઈએ. પ્રાદેશિક ભાષામાં હોવી જોઈએ. સબટાઈટલ અંગ્રેજીમાં હોવા જોઈએ. તેનું રિઝોલ્યુશન પણ 1280x720 કરતાં ઓછું ન હોવું જોઈએ. ફિલ્મ ગત વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરની મધ્યરાત્રિ વચ્ચે રિલીઝ થઈ હોવી જોઈએ.
સવાલ : ભારતને ઓસ્કરમાં કેવી રીતે અને ક્યારે જગ્યા મળી?
ભારત તરફથી પહેલીવાર ઓસ્કરમાં ફિલ્મ 'મધર ઇન્ડિયા' 1958માં મોકલવામાં આવી હતી. મધર ઇન્ડિયાના ટોપ 5 નોમિનેશનમાં જગ્યા તો મળી હતી પરંતુ આ એવોર્ડ મળ્યો ન હતો.
સવાલ : ભારતમાં ઓસ્કર એવોર્ડમાં કઈ સિદ્ધિઓ છે?
1982- ભાનુ અથૈયાને ફિલ્મ 'ગાંધી' માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ મળ્યો હતો.
1991- ફિલ્મમેકર સત્યજિત રેને ' ઓનરેરી લાઈફટાઇમ અચિવમેન્ટ' એવોર્ડ મળ્યો હતો.
2008- એક આર.રહેમાનને ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો' માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોરની કેટેગરીમાં 2 એવોર્ડ મળ્યા હતા. બીજો બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ એ.આર.રહેમાને ગુલઝાર સાથે શેર કર્યો હતો.
2008- રેસેલ પોંકુટ્ટીને 'સ્લમડોગ મિલિયોનેર' માટે બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો એવોર્ડ મળ્યો હતો.
સવાલ : શું ઓસ્કર ક્યારે પણ વિવાદને કારણે ચર્ચામાં રહ્યો છે?
ઓસ્કર તેની પ્રોસેસ કે એવોર્ડ માટે ક્યારેય વિવાદમાં રહ્યો નથી. હા, ઓસ્કર સ્ટેજ પર સેલેબ્સે ઘણા વિવાદો સર્જ્યા છે. આવો જાણીએ વિવાદ...
2022 - એક્ટર વિલ સ્મિથએ હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ મારી દીધી હતી. પત્ની પર હોસ્ટ ક્રિસે મજાક કરી જે વિલ સહન કરી શક્યો ન હતો.
2021 - વર્ષ 2021 હોલિવૂડની ફ્રેન્ચ એક્ટ્રેસ કોરીની મસેરીઓએ સ્ટેજ પર તેનાં કપડાં ઉતાર્યાં હતાં. એક્ટ્રેસ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચી હતી, પરંતુ ત્યાં પહોંચતાં જ તેણે ફ્રાંસ સરકારનો વિરોધ કરવા માટે પોતાનાં કપડાં ઉતારી દીધાં હતાં. તેના શરીર પર સૂત્રો લખેલાં હતાં.
2017 - ફાય ડુનાવે અને વોર્ન બીટી બેસ્ટ પિક્ચરનો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર હતા. બંનેએ 'લાલા લેન્ડ' ફિલ્મની જાહેરાત કરી હતી, જ્યારે એવોર્ડ મૂનલાઇટ ફિલ્મને આપવાનો હતો. સમારંભમાં હાજર લોકોએ અવાજ ઉઠાવ્યા બાદ આ ભૂલ સુધારવામાં આવી હતી.
2003 - મૂર ચેસ્ટિસને ફિલ્મ બોલિંગ ફોર કોલમ્બાઈન માટે એવોર્ડ મળ્યો હતો, પરંતુ તેઓ સ્ટેજ પર ગયા અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશને અપમાનજનક શબ્દો કહેવા લાગ્યા હતા.
2000- સેરેમનીમાં એન્જેલીના જોલીને ફિલ્મ ગર્લ ઇન્ટરપ્ટેડ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સમારંભ પહેલાં એન્જેલીનાએ રેડ કાર્પેટ પર તેના ભાઈને લિપ-કિસ કરીને વિવાદનો સામનો કર્યો હતો.
1974 - આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર રોબર્ટ ઓપલએ સેરેમની દરમિયાન ન્યૂડ થઈને સ્ટેજ પર દોડવા લાગ્યો હતો. એક્ટર ડેવિડ નિવેનએ શોની ગરિમા બચાવવા માટે લોકોનું ધ્યાન ભટકાવી દીધું હતું.
1971 - એક્ટર જોર્જ સી સ્કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ લેવાની ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે ક્રિએટિવિટી કામગીરીની તુલના કરવી ખોટી છે. તેમણે તેમના નામાંકન સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
1936 - પટકથા લેખક ડુડલી નિકોલ્સે સ્ટેજ પર એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આવું કરનાર ડુડલી પ્રથમ હતા. હકીકતમાં વર્ષ 1936માં લેખકોનું એક જૂથ વિરોધ કરી રહ્યું હતું, જેના સમર્થનમાં ડુડલીએ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.