તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • How Did Yusuf Khan Become 'Dilip Kumar'? Actress Named Dilip Kumar For Giving Controversial Kissing Scenes In Hindi Cinema

અલવિદા ટ્રેજેડી કિંગ:યુસુફ ખાન ‘દિલીપ કુમાર’ શી રીતે બન્યા? હિન્દી સિનેમાનો વિવાદાસ્પદ કિસિંગ સીન આપનારી અભિનેત્રીએ દિલીપ કુમાર નામ પાડેલું

3 મહિનો પહેલા

પોતાની સાથે એક આખો યુગ લઇને જીવેલાં વ્યક્તિત્વો એમના સમયનો હરતો ફરતો દસ્તાવેજ હોય છે. આવો જ એક દસ્તાવેજ એટલે દિલીપ કુમાર, જેમણે 98 વર્ષની જૈફ વયે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પાછળ છોડી ગયા છે ભારતીય સિનેમાનો સુવર્ણ યુગ, કંઈ કેટલીયે યાદો અને એક્ટિંગની ઇન્સ્ટિટ્યુશન જેવી ફિલ્મો. દિલીપ કુમારે પોતાના જીવન, ફિલ્મો અને સંસ્મરણો વિશે પોતાની આત્મકથા ‘દિલીપ કુમારઃ ધ સબસ્ટન્સ એન્ડ ધ શૅડો’માં વિગતે લખ્યું છે. એમની આત્મકથા વાંચતાં એમનું જે વ્યક્તિત્વ આપણા મનમાં સર્જાય તે કંઇક અંશે એમની ‘મશાલ’ અને ‘શક્તિ’ જેવી ફિલ્મોને મળતું આવે. દિલીપ કુમારની આત્મકથામાંથી ચૂંટેલા અને ભારે રસપ્રદ કિસ્સાઓને એમના જ શબ્દોમાં મમળાવીએ અને આ લેજન્ડરી એક્ટરને શ્રદ્ધાંજલિ અર્પીએ...
***

દિલીપ કુમારની ફિલ્મોમાં એન્ટ્રી થઈ એ પહેલાંથી જ અશોક કુમાર ઓલરેડી સ્ટાર બની ચૂક્યા હતા
દિલીપ કુમારની ફિલ્મોમાં એન્ટ્રી થઈ એ પહેલાંથી જ અશોક કુમાર ઓલરેડી સ્ટાર બની ચૂક્યા હતા

અશોક કુમારની સોનેરી સલાહ
‘બોમ્બે ટૉકિઝ’માં દેવિકા રાણીએ મને જોબ ઑફર કરી એ ત્યારે મારી જિંદગીની સૌથી સુખદ ઘટના હતી. બોમ્બે ટૉકિઝ એટલે યુનિવર્સિટી અને ફેન્ટેસી વર્લ્ડનું કોમ્બિનેશન. પતિ હિમાંશુ રોયના અકાળે અવસાન પછી બોમ્બે ટૉકિઝનો કાર્યભાર સંભાળી રહેલાં દેવિકા રાણીએ કાળજી રાખેલી કે બે મહિના તો હું દરેક શૂટિંગ વખતે હાજર હોઉં, જોઉં અને શીખું. એ વખતે અશોક ભૈયા (અશોક કુમાર) ‘કિસ્મત’ (૧૯૪૩)ના છેલ્લા તબક્કાનું શૂટિંગ કરી રહ્યા હતા. એમની આગળની ફિલ્મ ‘ઝૂલા’ સુપરહિટ ગયેલી, એટલે એ ઓલરેડી સ્ટાર હતા. એક દિવસ એ સેટ પર મારી પાસે આવ્યા અને જાણે મને વર્ષોથી ઓળખતા હોય એ રીતે મારી સાથે વાતે વળગ્યા. અમે બંને સેટની બહાર આવ્યા અને ખુરશી પર બેઠા. અશોક ભૈયા મને કહે, ‘તું હેન્ડસમ છોકરો છો. તારામાં શીખવાની ધગશ પણ દેખાય છે. આ બધું (એક્ટિંગ) બહુ સરળ છે. તારે માત્ર એટલું જ વિચારવાનું છે કે જો તું ખરેખર આ સ્થિતિમાં હો તો શું કરે. જો તું એક્ટિંગ કરીશ તો એ વરવું લાગશે.’ મારા ચહેરા પર કન્ફ્યુઝનના ભાવ જોઇને એ હસી પડ્યા.

અશોક ભૈયાએ મારી ઓળખાણ ફિલ્મમેકર શશધર મુખર્જી (એમના બનેવી અને એક્ટર જોય મુખર્જીના પપ્પા, કાજોલના અને ડિરેક્ટર અયાન મુખર્જીના દાદા) સાથે કરાવી. શશધર મુખર્જી એટલે ફિઝિક્સના વિદ્વાન પ્રોફેસર, ફિલ્મમેકિંગના નિષ્ણાત અને નખશિખ જેન્ટલમેન. દેવિકા રાણી એમને જ બધો કાર્યભાર સોંપીને સોવિયેત પેઇન્ટર શ્વેતોસ્લાવ રોરીક સાથે લગ્ન કરીને હિમાચલ પ્રદેશમાં સ્થાયી થવાનાં હતાં. થોડા જ સમયમાં મારી દોસ્તી શશધર મુખર્જી અને અશોક ભૈયા સાથે જામી ગઈ. (દેવિકા રાણીએ પતિ હિમાંશુ રોય સાથેની ૧૯૩૩માં આવેલી ફિલ્મ ‘કર્મા’માં લાંબો લિપ ટુ લિપ કિસિંગ સીન આપીને સનસનાટી મચાવી દીધેલી.)

એક દિવસ શશધરજી મને કહે, ‘યુસુફ, કોઈ ઉર્દૂ શેર તો સંભળાવ.’ મેં સંભળાવ્યા. બંને એકધ્યાને સાંભળી રહ્યા. મેં પૂરું કર્યું તો અશોક ભૈયા અને શશધરજી બંએ ખુરશી પરથી ઊભા થઈને મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું! અશોક ભૈયાએ તો મારી સાથે ડીલ કરી કે મારે એમને ઉર્દૂ શીખવવું અને બદલામાં એ મને એમને જેટલું આવડે છે એટલું ફ્રેન્ચ અને જર્મન શીખવે.
***
અને યુસુફ ખાન બન્યા દિલીપ કુમાર
એક સવારે મારા માટે દેવિકા રાણીનું તેડું આવ્યું. હું એમની ઑફિસે પહોંચ્યો. એ હંમેશની જેમ અત્યંત સુંદર અને જાજરમાન લાગી રહ્યાં હતાં. થોડી ઔપચારિક વાત પછી એમણે અંગ્રેજીમાં મને સીધું જ કહ્યું, ‘હું વિચારતી હતી કે તને હવે એક્ટર તરીકે લૉન્ચ કરવો જોઇએ અને એ માટે તારું એક સ્ક્રીન નેમ રાખવું જોઇએ. એવું નામ જેની સાથે ઑડિયન્સ રિલેટ કરી શકે અને તારી રોમેન્ટિક ઇમેજને પણ સૂટ થાય. મને દિલીપ કુમાર નામ સારું લાગે છે. તારું શું કહેવું છે? મારી તો બોલતી બંધ. આ તો આખી એક નવી જ પર્સનાલિટી સ્વીકારવાની વાત હતી.

મેં એમને કહ્યું કે દિલીપ નામ સારું તો છે, પણ એવું ન કરીએ તો ન ચાલે? એમણે મીઠું સ્માઇલ વેરીને મને સમજાવ્યું કે બહુ વિચાર્યા પછી જ એમણે એ નિર્ણય લીધો છે. એમને મારામાં એક લાંબું ફિલ્મી કરિયર દેખાય છે. એટલે એક સ્ક્રીન આઇડેન્ટિટી અને સેક્યુલર અપીલ માટે આ જરૂરી છે. હું વિચારવાનો થોડો સમય માગીને ત્યાંથી છટકી ગયો.

એ આખો દિવસ દિલીપ કુમાર નામ મારા મગજમાં પડઘાતું રહ્યું. શશધર મુખર્જી મારી અકળામણ પામી ગયા અને મારી સમસ્યાના જવાબમાં એ મને કહે, ‘એમની વાતમાં દમ તો છે. આ સ્ક્રીનનેમની વિધિ તારા જ સારા માટે છે. આમેય અમે અને તારાં માતા-પિતા તો તને યુસુફ તરીકે જ ઓળખવાના છે ને!’ મારી કન્ફ્યુઝન દૂર થઈ. પાછળથી મને ખબર પડી કે અશોક કુમાર પણ કુમુદલાલ કુંજીલાલ ગાંગુલીનું સ્ક્રીનનેમ હતું. ***

‘બોમ્બે ટૉકિઝ’એ પ્રોડ્યુસ કરેલી ‘જ્વાર ભાટા’ ફિલ્મથી દિલીપ કુમારની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ
‘બોમ્બે ટૉકિઝ’એ પ્રોડ્યુસ કરેલી ‘જ્વાર ભાટા’ ફિલ્મથી દિલીપ કુમારની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ

દિલીપ કુમારનો પહેલો શોટ
આખરે ડી-ડે આવી ગયો. અમીય ચક્રવર્તીના નિર્દેશન હેઠળ ‘જ્વાર ભાટા’થી મારું લૉન્ચિંગ પાકું થઈ ગયું. શૂટિંગના પહેલા દિવસે દેવિકા રાણી સેટ પર આવ્યાં. મને સ્ટુડિયો તરફથી પેન્ટ-શર્ટ અપાયેલાં અને હળવો મેકઅપ લગાવાયેલો. દેવિકાજીએ લાઇટિંગથી લઇને કેમેરા અને મારા મેકઅપ સુધીનું બધું જ ચેક કર્યું. (એ વખતે જર્મનીથી કેમેરા મંગાવવામાં આવેલા. દેવિકાજી એટલાં વિદ્વાન હતાં કે જર્મન ટેક્નિશિયનો સાથે છટાદાર અસ્ખલિત જર્મનમાં વાત કરતાં). બધું જ એમને પર્ફેક્ટ લાગ્યું, એક ખાલી મારા ટૂથબ્રશ જેવા ઘટાદાર નેણ સિવાય. એમણે મેકઅપ મેન પાસેથી ટ્વીકર લીધું અને મને બેસાડીને મારા આઇબ્રોની કાટછાંટ કરવા માંડ્યાં. હું તો શ્વાસ રોકીને બેસી રહ્યો. પીડાને કારણે મારી આંખોમાંથી આંસુ નીકળી ગયાં. એમણે જોયું, હસ્યાં અને થોડી વાર પછી મને કહે, હવે અરીસામાં જોઈ લો. પછી મારી બળતરા ઓછી કરવા થોડો ક્રીમ ચોપડાયો. દેવિકા રાણી મને ગુડલક કહીને નીકળી ગયાં.

પછી શરૂ થયો મારો પહેલો શોટ. ડિરેક્ટર અમીય ચક્રવર્તી મને કહે, ‘હું ‘એક્શન’ કહું એટલે તારે દોડવા માંડવાનું અને ‘કટ’ બોલું એટલે ઊભું રહી જવાનું.’ મેં અત્યંત વિનમ્રતાથી પૂછ્યું કે, ‘પણ હું દોડું છું શા માટે?’ ડિરેક્ટર કહે, ‘હિરોઇન આત્મહત્યા કરવા જઈ રહી છે અને તારે દોડીને એને બચાવવાની છે.’

ઓકે, હવે હું રેડી હતો. જેવું ‘એક્શન’ બોલાયું એટલે મેં તો દોટ મૂકી. હવે હું રહ્યો એથ્લિટ. કોલેજમાં બસ્સો મીટરની દોડમાં સતત જીતતો આવેલો. એટલે મેં તો વીજળી વેગે દોડવાનું શરૂ કર્યું અને ડિરેક્ટરે બૂમ મારી, ‘કટ કટ કટ’. મને કહે, ‘ભાઈ, ધીમે દોડવાનું છે. તું એટલું ઝડપથી દોડ્યો કે કેમેરામાં એક લિસોટા સિવાય કશું જ ઝડપાયું નથી!’ આખરે ત્રણ-ચાર વાર ‘કટ’ બોલાયા પછી શોટ ઓકે થયો.

અન્ય સમાચારો પણ છે...