ભાસ્કર એક્સક્લૂસિવકાશ! મારે પણ આવું એક ઘર હોય:અમદાવાદના 50 વર્ષ જૂના આ બંગલામાં માધુરી દીક્ષિતે ‘મજામાં’ ફિલ્મનું શૂટિંગ કર્યું, આ જાજરમાન ઘર કેવુંક છે?

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: વિક્રમ મહેતા

વર્ષ 2021નો નવેમ્બર મહિનો. અમદાવાદનો પાલડી વિસ્તાર. અહીંની નારાયણનગરની સોસાયટીમાં પ્રવેશીને તમે જમણી બાજુ વળો એટલે તમને એક ત્રણ માળનું સુંદર મકાન દેખાય છે. આ મકાનની બાંધણીમાં ટ્રેડિશનલ અને મોડર્ન શૈલીનો સંગમ જોવા મળે છે. ચંદ્રકાંત બક્ષીની બહુ જાણીતી નવલકથાની યાદ અપાવતું હોય એમ મકાનનું નામ તમને વંચાય છે: ‘આકાર’.

આ મકાનની બહાર ટોળું એકઠું થયું છે. કારણ કે મકાનની અંદર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ કરી રહી છે: હિન્દુસ્તાનની ઓલટાઈમ ડિવાઇન બ્યૂટી માધુરી દીક્ષિત. જે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે એનું નામ છે: ‘મજામાં’. જબરી ભીડ છે. હોય જ ને, અંદર કોણ છે ભાઈ? કરોડો હિન્દુસ્તાની જવાંદિલોની ધડકન ‘ધકધક ગર્લ’ માધુરી.

સિક્યુરિટી સ્ટાફ ક્રાઉડ મેનેજમેન્ટમાં વ્યસ્ત છે. સિક્યુરીટીને ગણકારે એ બીજા. આસિસ્ટન્ટ, સહાયકો, કેમેરામેનની દોડાદોડી, એક ખૂણે થોડીવાર નિરાંતે થાક ખાવા ખુરશી પર બેઠેલા ફિલ્મના ડિરેક્ટર આનંદ તિવારી... મકાનની નાની દીવાલની આરપાર આ બિહાઈન્ડ ધ સીન અમે નિહાળીએ છીએ. લોકોનો અંદરોઅંદર ગણગણાટ સંભળાય છેઃ ‘આ માધુરી હજી એવીને એવી જ લાગે છે, નહીં?’ ત્યાં વળી બીજો બોલે, ‘એલા એય, દિલ તો પાગલ હૈમાં કેવી મસ્ત લાગતી હતી.’... ‘હવે ઇથીય સારી તો ઈ તેજાબમાં લાગતી હતી.’ એક પ્રશંસક મોઢામાં માવો ચડાવતાં સામી દલીલ કરે. આ બાજુ દલીલ શાબ્દિક યુદ્ધની તીવ્રતાએ પહોંચે અને ટોળાના એક બીજા ખૂણે એક ચાહકના મનમાં પ્રશ્ન જાગે, ‘હેં, આ માધુરી ક્યાં હશે?’ ત્યાં બીજો આંગળી ચીંધતો કહે, ‘જોને સામે વાળ ઓળે...’ ‘ક્યાં ક્યાં’ કરતો પેલો પેલાએ ચીંધેલી આંગળીની દિશામાં મીટ માંડીને બીજા માળે વાળ ઓળતી અભિનેત્રીને મહત્તમ ઊંચો થઈને નીરખવા મથે...માધુરીના આવા ડાયહાર્ડ ટોળાને નીરખતા, ચીરતા અમે આકાર મકાનની અંદર પ્રવેશીએ છીએ. એક તરફ માધુરીનું સૌંદર્ય અમે નીરખીએ છીએ અને બીજી બાજુ ઘરનું સૌંદર્ય અમને આકર્ષે છે.

ખામોશ, શૂટિંગ ચાલુ છે!
ખામોશ, શૂટિંગ ચાલુ છે!

બહુ યાદગાર દિવસ હતો આ. આજે બરાબર અગિયાર મહિના પછી એ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. અમે ફરી પાછા એ જ મકાનના હિંડોળે હિંચકીએ છીએ, જ્યાં માધુરી દીક્ષિત બિરાજમાન થયેલી. આ વખતે મકાનના અસલ માલિક બિઝનેસમેન એવા કમલ ખોખાણી અમારી સામે બેઠા છે. કમલભાઈ વાત માંડે છે...

ચાર દિવસ ચાલ્યું શૂટિંગ
‘ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં લોકલ લાઈન પ્રોડક્શનના માણસોએ અમારો સંપર્ક કર્યો હતો. આ પછી ફિલ્મના ક્રૂ મેમ્બર્સ, ડાયરેક્ટર (આનંદ તિવારી) દ્વારા પણ ઘરની વિઝિટ કરવામાં આવી હતી. ફાઈનલી ગયા વર્ષે નવેમ્બર-2021માં શૂટિંગ થયું હતું. ચાર દિવસ શૂટિંગ ચાલ્યું હતું.’

આ ઘર પર કઈ રીતે પસંદગી ઊતરી?
કમલભાઈના મતે આ ફિલ્મ પોળના પણ કોઈ ઘરમાં શૂટ થઈ શકી હોત, પરંતુ ત્યાં સિક્યુરિટી અને જગ્યાનો પ્રશ્ન ઊભો થાય. અહીં એવી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. આ ઘરમાં આધુનિકતા અને પરંપરાગતનો સમન્વય છે જે ફિલ્મની કથાને બિલકુલ બંધબેસતો હતો.

કમલભાઈના ‘આકાર’ બંગલાનું જાજરમાન પ્રવેશદ્વાર
કમલભાઈના ‘આકાર’ બંગલાનું જાજરમાન પ્રવેશદ્વાર

ઘરની ઓરિજિનલ ફ્લેવર જાળવવામાં આવી
ફિલ્મની સ્ક્રિપ્ટની માગ પ્રમાણે ઘરની ઇન્ટિરિઅર ડિઝાઈનમાં કોઈ ફેરફાર નહોતા કરાયા, કે નહોતી કોઈ વધારાની વસ્તુ એડ કરવામાં કે કાઢવામાં આવી. કમલભાઈ કહે છે, ‘ઘરનું ઓરિજિનલ ફોર્મ એ લોકોને ખૂબ પંસદ આવ્યું હતું અને એમને આ જ ફીલિંગ જોઇતી હતી એટલે એ લોકોએ કોઈ બદલાવ નથી કર્યો.’

માધુરી દીક્ષિત, મલ્હાર ઠાકર, નિનાદ કામત (છેક ડાબે) અને વચ્ચે વિશિષ્ટ મુદ્રામાં ઊભેલા ‘મજામાં’ ફિલ્મના ડિરેક્ટર આનંદ તિવારી સાથે કમલ ખોખાણી (શ્વેત દાઢીમાં શોભાયમાન) અને તેમનો પરિવાર
માધુરી દીક્ષિત, મલ્હાર ઠાકર, નિનાદ કામત (છેક ડાબે) અને વચ્ચે વિશિષ્ટ મુદ્રામાં ઊભેલા ‘મજામાં’ ફિલ્મના ડિરેક્ટર આનંદ તિવારી સાથે કમલ ખોખાણી (શ્વેત દાઢીમાં શોભાયમાન) અને તેમનો પરિવાર

માધુરી એકદમ ડાઉન ટુ અર્થ હતી
‘મજામાં’ ફિલ્મનું સૌથી આકર્ષણનું કેન્દ્ર હતી માધુરી દીક્ષિત. કમલભાઈ કહે છે, ‘માધુરી એકદમ ડાઉન ટુ અર્થ. એમનાં વાણી-વર્તન એકદમ ફ્રેન્ડલી. બિલકુલ સ્ટારડમનો ભાવ નહીં.’ માધુરીને સ્ક્રીન પર જોઈએ અને સાક્ષાત્ આપણી નજર સામે જોઇએ ત્યારે ફેન તરીકે જે અનુભૂતિ હોય એને શબ્દોમાં બયાં કરવી અઘરી છે. કમલભાઈ કહે છે, ‘એક ફેન તરીકે અમારા માટે એ અનબિલીવેબલ ફીલિંગ હતી. માધુરી રિયલ લાઇફમાં પણ એટલી જ બ્યુટિફુલ છે. એને તમે સ્ક્રીન પર જુઓ કે પછી બિહાઈન્ડ ધ કેમેરા જુઓ. એના લુકમાં કશું અલગ ન લાગે. આવડી મોટી સ્ટાર આપણા ઘરમાં હોય એનાથી વધારે મોટી ઉપલબ્ધિ શું હોઈ શકે? માધુરી સિવાય રજિત કપૂર- મલ્હાર ઠાકર-ગજરાજ રાવ-શીબા ચઢ્ઢા જેવા કલાકારો પણ એકદમ નિખાલસ લાગ્યા છે.’

આવો બેડરૂમ હોય તો નિદ્રારાણી આપણું સરનામું શોધતી આવે!
આવો બેડરૂમ હોય તો નિદ્રારાણી આપણું સરનામું શોધતી આવે!

તમારું ઘર ખૂબ સુંદર છે!
‘આ બધા અદાકારોને અમારું ઘર ખૂબ જ ગમ્યું હતું. માધુરી દીક્ષિતે ઘરને વખાણતાં કહ્યું હતું કે, ‘તમારું ઘર ખરેખર ખૂબ જ સુંદર છે. આવો સુંદર પ્રતિસાદ મળે ત્યારે આનાથી વધારે બીજું શું જોઈએ આપણે?’

...ઇટ વોઝ પાર્ટ ઓફ ધ ગેમ!
મેકિંગ ટીમ તરફથી રહસ્ય છતું ન થાય એની પૂરી તકેદારી રાખવા છતાં માધુરીને શૂટિંગ કરતી જોવા માટે સોસાયટીમાં ટોળું એકઠું થઈ ગયું હતું. આ કારણે સિક્યુરિટીની વ્યવસ્થા કરવી પડી હતી. કમલભાઈ અને તેમના પરિવારે પણ એડજસ્ટ કર્યું. કોઇ એક ફ્લોર પર શૂટિંગ ચાલતું હોય તો ફેમિલી બીજા ફ્લોર પર ટ્રાન્સફર થઈ જાય. ‘કુલ સો-દોઢસો જેટલા માણસોનું યુનિટ આ ઘરમાં શૂટિંગ કરતું હતું. થોડું એડજસ્ટ કરવું પડયું બટ ઇટ વોઝ પાર્ટ ઓફ ધ ગેમ!’ આમ કહીને કમલભાઈ છેલ્લે ફિલ્મ અંગે પ્રતિસાદ આપે છે, ‘ફિલ્મ મને સારી લાગી છે. વિષયવસ્તુ નવા છે આપણા માટે. ગુજરાતી જનતાને ડાઇજેસ્ટ કરવામાં થોડું અઘરું પડે. થોડો કોન્ટ્રોવર્શિઅલ વિષય છે પણ ઓલઓવર ફિલ્મની માવજત ખૂબ સારી થઈ છે.’

આવું છે ‘આકાર’
તમે સુંદર કોતરણીવાળા લાકડાના મુખ્ય દ્વારમાંથી આ ઘરમાં પ્રવેશ કરો એટલે ભીતરનો કોલાહલ શાંત પડી જાય અને ઘરની આર્ટિસ્ટિક આબોહવા તમને ઘેરી વળે. ઘરમાં અનુભવાતો એક પ્રકારનો શાંત ઠહેરાવ જાણે હડી કાઢીને તમને આવકારે! તમારું ધ્યાન ખેંચે પીળા બલ્બના આછા અજવાસમાં શોભતા સુંદર મજાનાં પેઈન્ટિંગ્સ અને લાકડાનાં બારી-બારણાં પર કરેલી ઝીણી નકશીદાર કોતરણી. વોટ અ બ્યુટિફુલ વાઈબ્રેશન!

માધુરી દીક્ષિતે પણ આ જ હિંડોળે હીંચકીને થાક ઉતાર્યો હતો!
માધુરી દીક્ષિતે પણ આ જ હિંડોળે હીંચકીને થાક ઉતાર્યો હતો!

આકાર નામ કેમ આપ્યું?
પરંપરાગત શૈલીની બેઠકવ્યવસ્થા ધરાવતા ડ્રોઇંગરૂમમાં કમલભાઈ આ ઘરના નામકરણથી વાતની શરુઆત કરે છે. કમલભાઈ કહે છે, ‘પહેલાં અમે ફ્લેટમાં રહેતા હતા. આજથી પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલાંની આ વાત છે. એ સમયે મારા મનમાં એક બંગલો લેવાનું સ્વપ્ન હતું. જોકે ત્યારે પૈસાના અભાવે બંગલો ખરીદવો શક્ય ન હતો, પણ અમે બંગલાનું નામ નક્કી કરી રાખેલું. અમે નામ ‘આકાર’ રાખવાનું વિચાર્યું હતું. આકાર એટલે અંગ્રેજીમાં શેપ (shape). આકાર નામ અમારા ઘરના ચારેય સભ્યોનાં નામનો નિર્દેશ કરે છે. ‘એ’ ફોર મારો દીકરો અક્ષત, ‘કે’ ફોર કમલ, ‘એ’ ફોર મારી દીકરી અનુજા અને ‘આર’ ફોર રેખા. આ ઘર એક રીતે અમારાં સપનાનો આકાર પણ છે."

મૂળ સાથે જોડાઈ રહેવાની ભાવના
કમલ ખોખાણીનું મૂળ વતન ધંધુકા પાસેનું બરવાળા. વર્ષ 1995માં એમણે આ મકાન ખરીદ્યું અને 1996માં રહેવા માટે આવ્યા. કાઠિયાવાડી દુનિયાના કોઈ પણ ખૂણે જાય, એના હૃદયના એક ખૂણામાં કાઠિયાવાડ હંમેશાં ધબકતું રહેવાનું. ઘરના મોડર્ન લુકને યથાવત્ રાખીને પરંપરાગત શૈલીથી ઇન્ટિરિઅર ડિઝાઈન કરવાનું કારણ આપતાં કમલ ખોખાણી કહે છે, ‘મૂળ સાથે જોડાઈ રહેવાની ભાવના હતી. કાઠિયાવાડ બેક ઓફ માઈન્ડ હતું. ઓરિજિનલ મકાન તો પચાસ-સાઠ વર્ષ જૂનું છે. આ મકાનમાં જે શક્ય હોય એ ફેરફારો અમે કર્યા છે. પણ ખાસ નહીં. સ્ટ્રક્ચરમાં તો અમે કોઈ ફેરફાર કર્યા નથી.’

કેવી રીતે કર્યું ઇન્ટિરિઅર ડિઝાઇનિંગ?
કમલભાઈ કલારસિક છે. એન્ટિક વસ્તુ-પેઈન્ટિંગનાં કલેક્શનનો એમને જબરો શોખ. કમલભાઈ કહે છે, ‘ભવિષ્યમાં બંગલો લઈશું તો આ વસ્તુઓ ઈન્ટિરિઅર ડિઝાઈનિંગ માટે કામ લાગશે એમ માનીને હું અમે જ્યાં રહેતા હતા એ ફ્લેટની ટેરેસ પર જુદી-જુદી એન્ટિક વસ્તુઓ એકઠી કરતો હતો. આ બધી વસ્તુઓ મારા બંગલા માટે ઉપયોગી પુરવાર થઈ અને અમે તેને સરસ રીતે સેટ કરી શક્યા. હવેલી જેવો લૂક ડિઝાઈન કરવાનું અમારા બેક ઓફ માઈન્ડ હતું. અમે ઇન્ટિરિઅર ડિઝાઇનિંગમાં મોડર્ન મટિરિયલ ઓછું વાપર્યું છે. જે કાંઇ મટિરિયલ છે એ રિમોડેલ કરેલું છે.’ કમલભાઈ ઉદાહરણ આપતાં એમના ડ્રોઇંગરૂમની પરંપરાગત વૂડન બેઠક તરફ આંગળી ચીંધતાં કહે છે, ‘જુઓ, આ બેઠકમાં મેં વધેલા વેન્ટિલેશનનાં લાકડાંનો ભાગ પીઠના ટેકા માટે સેટ કરી દીધો છે. આ ભાગનો જૂના સમયમાં વેન્ટિલેશન તરીકે ઉપયોગ થતો હતો. ઘરની મોટા ભાગની વસ્તુઓ મેં કબાડીમાંથી કલેક્ટ કરી છે. વસ્તુઓ હતી અને આઇડિયાઝ હતા જેના આવા પ્રયોગો કરીને અમે ઇન્ટિરિઅર ડિઝાઇનિંગ કર્યું છે.’

વોટ અ બ્યુટિફુલ વાઈબ્રેશન્સ!
વોટ અ બ્યુટિફુલ વાઈબ્રેશન્સ!

ટ્રેડિશનલની સાથે પ્રેક્ટિકલ અપ્રોચ પણ જોઇએ
​​​​​​
​ઇન્ટિરિઅર ડિઝાઇનિંગની આવી સારી સૂઝ-સમજ ધરાવતા કમલભાઈ કહે છે, ‘તમે કોઈ પણ ફેશન કે ટ્રેડિશન એપ્લાય કરો. પ્રેક્ટિકલ એપ્રોચ પણ એમાં જરૂરી છે. હું આ ઘરને મ્યુઝિયમની જેમ સજાવું તો રોજબરોજનાં કામોમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય. અહીં હું ફ્લોર પર ગાર (છાણનું લીંપણ) કરું તો એકદમ ઓથેન્ટિક લાગે પણ આ એક્સપરિમેન્ટ પ્રેક્ટિકલ નથી. આપણે રોજ અહીં રહેવાનું છે, ઝાડું-પોતાં મારવાનાં છે. મારા ઘરને ધ્યાનમાં લઈને વાત કરું તો મેઇન્ટન્સમાં પણ સરળ રહે તેવું ડિઝાઇનિંગ મેં કર્યું છે, જેમાં આધુનિકતા અને પ્રાચીનતા વચ્ચે સંતુલન સાધવાનો અમે પ્રયત્ન કર્યો છે.’

મારે પણ આવું એક ઘર હોય એવી ઇચ્છા મનમાં ઢબૂરીને અમે મુલાકાત પૂરી કરીએ છીએ, ને જતાં જતાં ‘આકાર’ને વધુ એકવાર નીરખીને વિદાય લઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...