શું હશે 'કેન્સર' ફિલ્મમાં?:વિદેશી પ્રોડક્શન હાઉસ, હિન્દી ફિલ્મ અને ગુજરાતી ડાયરેક્ટર, ફૈસલ હાશ્મીની ફિલ્મમાં ‘ફેમિલી મેન’ ફૅમ શારિબ હાશ્મી અને આહના કુમરા દેખાશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રોડ્યુસર પંકજ મામતોરા (ડાબે), ડાયરેક્ટર ફૈસલ હાશ્મી અને ક્રિએટિવ પ્રોડ્યુસર દેવાંશ પટેલ (જમણે) - Divya Bhaskar
પ્રોડ્યુસર પંકજ મામતોરા (ડાબે), ડાયરેક્ટર ફૈસલ હાશ્મી અને ક્રિએટિવ પ્રોડ્યુસર દેવાંશ પટેલ (જમણે)

ગુજરાતી ફિલ્મો 'વિટામિન શી', 'શોર્ટસર્કિટ'થી જાણીતા દિગ્દર્શક-લેખક ફૈસલ હાશ્મી હવે હિન્દી ફિલ્મ 'કેન્સર' નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. ઇન્ડિયન બેકડ્રોપની આ ફિલ્મમાં ‘ફેમિલી મેન’ વેબ સિરીઝ ફેમ શારિબ હાશ્મી અને જાણીતી અભિનેત્રી આહના કુમરા જોવા મળવાનાં છે. યુએસ બેઝ્ડ ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ ‘લોન સ્ટાર’નું આ પહેલું ઇન્ડિયન પ્રોડકશન છે. શારિબ અને આહના અન્ય શૂટિંગમાં હાલ વ્યસ્ત હોવાના કારણે વર્ષ 2023ના મેં માસથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે.

ફૈસલે આ સંદર્ભે ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાતચીત કરી હતી. ફૈસલે પોતાની યાત્રા વિશે સૌ પ્રથમ જણાવતાં કહ્યું હતું કે, 'વર્ષ 1996માં સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ 'જુરાસિક પાર્ક'ની મારા પર ગાઢ અસર થઈ. મારા પિતા સાથે જ મેં આ ફિલ્મ થિયેટરમાં જોયેલી, આ ફિલ્મ જોઈને એકદમ મંત્રમુગ્ધ બની ગયેલો. મેં એ દિવસથી જ નક્કી કરી નાખ્યું કે લાઈફમાં આપણે કશું આવું કરવું છે. એ સમયે જ મારા મનમાં ફિલ્મમેકરના બીજ રોપાઈ ગયેલાં. ફૈસલને સાયન્સ-ફિક્શન, સુપરહિરો જોનર પ્રત્યે વિશેષ લગાવ છે. સ્પેસ એમનો અતિ ગમતો વિષય છે. અવકાશયાત્રી બનવાનાં સપનાં જોતા ફૈસલે મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. ઈન્ફોસિસ-મૈસુરમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પણ સિલેક્શન થઈ ગયું. પણ પછી ફિલ્મનો કીડો સળવળી રહ્યો હતો એટલે મિકેનિકલ એન્જિનિયરિંગની કરિઅરને છોડીને ફૈસલે ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવવા મુંબઈની વાટ પકડી. મુંબઈ ફૈસલ માટે લર્નિંગ પ્લેટફોર્મ બની રહ્યું.

'કેન્સર' ફિલ્મમાં શારિબ હાશ્મી અને આહના કુમરા મુખ્ય કલાકારો તરીકે જોવા મળશે
'કેન્સર' ફિલ્મમાં શારિબ હાશ્મી અને આહના કુમરા મુખ્ય કલાકારો તરીકે જોવા મળશે

નિર્દેશક તરીકે ફૈસલની સૌ પ્રથમ ફિલ્મ ‘વિટામીન શી’ આવી. આ પછી ફૈસલની ‘શોર્ટ સર્કિટ’ નામની ફિલ્મ આવી હતી. હવે 'કેન્સર' ફિલ્મથી ફૈસલ હિન્દી સિનેમામાં નિર્દેશક તરીકે પદાર્પણ કરી રહ્યા છે ત્યારે આ ફિલ્મ વિશે માહિતી આપતાં ફૈસલે જણાવ્યું હતું કે, 'કેન્સર એક 90 મિનિટની માઈન્ડ બેન્ડિંગ હાઈકોન્સેપ્ટ થ્રિલર ફિલ્મ છે. આ ટાઈટ થ્રિલર ફિલ્મમાં સાયન્સ અને સસ્પેન્સ બંનેનો સમન્વય જોવા મળશે. કાસ્ટિંગની વાત કરતાં ફૈસલે જણાવ્યું હતું કે, શારિબ હાશ્મીને આપણે ફેમિલી મેન, સ્કેમ 1992 જેવી વેબસિરીઝમાં જોયા છે, 'જબ તક હૈ જાન', ‘ફિલ્મીસ્તાન’ જેવી ફિલ્મમાં જોયા છે. શારિબ હાશ્મીને મેં સૌથી પહેલાં એક શોર્ટ ફિલ્મમાં જોયેલો. ત્યારથી જ અભિનેતા તરીકે મને ગમતો હતો. એમની એક્ટિંગનો હું ફેન છું. આહના કુમરાની વાત કરીએ તો એ પણ એક પ્રભાવશાળી અભિનેત્રી છે. એની 'લિપસ્ટિક અંડર માય બુરખા' મારી ફેવરીટ ફિલ્મ છે. આ બંનેને મેં જ્યારે પહેલીવાર સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે જ તેઓ આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા અને એમના ક્રિએટિવ ઇનપુટ્સ પણ આપ્યા હતા. આ બંને અફલાતૂન કલાકારો છે. ટાઈટ થ્રિલર ફિલ્મ હોવાના કારણે કેરક્ટરમાં એક્ટર કન્વર્ટ થઈ જાય એ બહુ જરૂરી છે. આ કાબેલિયત આ બંને કલાકારોમાં છે. આ બંને વળી એકદમ ડાઉન ટુ અર્થ પણ છે.’

લોનસ્ટાર પ્રોડકશન હાઉસ સાથેના કોલાબરેશન અંગે ફૈસલે જણાવ્યું હતું કે, ‘લોનસ્ટાર પ્રોડકશન હાઉસના હેડ અમેરિકાના ટેક્સાસ બેઝ્ડ અને મૂળ ગુજરાતી એવા પંકજ મામતોરા છે. ઉત્તમ સામાજિક કામગીરી બદલ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઈડેનના હસ્તે એમને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એક કોમન ફ્રેન્ડ દ્વારા મારી એમની સાથે મુલાકાત થઈ હતી. મેં મારો સબ્જેક્ટ એમને પિચ કર્યો. એ લોકોને મારી ફિલ્મનો વિષય ગમ્યો અને તેઓ ફિલ્મ નિર્માણ માટે તૈયાર થઈ ગયા. આ સિવાય ફિલ્મ સાથે ફિલ્મ ક્રિટીક-જર્નલિસ્ટ રહેલા દેવાંશ પટેલ લોનસ્ટાર ઈન્ડિયાના હેડ તરીકે અપોઈન્ટ થયા છે. તેઓ આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર છે. દેવાંશભાઈને હું એક ઇવેન્ટ દરમિયાન મળ્યો હતો. અમારા બંનેના વાઈબ્સ ખૂબ મેચ થાય છે. ક્યાં પ્રકારનું કોન્ટેન્ટ ચાલશે કયા પ્રકારનું કોન્ટેન્ટ નહીં ચાલે એ અંગેનું દેવાંશભાઈને સખ્ખત નોલેજ છે. આમ અમારી ત્રણેયની ત્રિપુટી છે જે ફિલ્મ પર ઉત્તમ રીતે કામગીરી કરી રહી છે.’

વિટામીન શી: નિર્દેશક તરીકે ફૈસલ હાશ્મીની પ્રથમ ગુજરાતી ફિલ્મ
વિટામીન શી: નિર્દેશક તરીકે ફૈસલ હાશ્મીની પ્રથમ ગુજરાતી ફિલ્મ

ફૈસલની ઈચ્છા આ ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવાની છે. જોકે હાલ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ કે થિયેટર માધ્યમમાં રિલીઝ કરવા અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. બોલિવૂડમાં ડેબ્યુ કરી રહેલા ફૈસલે ગુજરાતી સિનેમા અને બોલિવૂડના વર્ક કલ્ચર અંગે વાત કરતાં ફૈસલે જણાવ્યું હતું કે, 'ગુજરાતી સિનેમામાં બજેટને લઈને તમારે સબ્જેક્ટની ટ્રીટમેન્ટ, ટેકનોલોજી-કેમેરા વગેરેમાં બાંધછોડ કરવી પડી છે જ્યારે બોલિવૂડમાં એ પ્રશ્ન નથી. બોલિવૂડમાં પ્રોફેશનલિઝમ પણ વધુ જોવા મળે છે.’

છેલ્લે ફૈસલે 'કેન્સર' ફિલ્મ સિવાયના પોતાના ફ્યુચર પ્રોજેકટ્સ વિશે વાત કરી હતી. સ્પેસ,સાયન્સ અને સુપરહીરોમાં રૂચિ રાખતા ફૈસલ પાસે છ હજાર જેટલી કોમિક બુક્સનું કલેક્શન પણ છે. ફૈસલે વિક્રમ ઠાકોરને લઈને 'વિક્રમ વેતાળ' નામની સુપરહિરો ફિલ્મ વિચારી હતી પણ આ ફિલ્મ બની નહોતી શકી. આ સબ્જેક્ટને પડદે લાવવાનો ફૈસલનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ઉપરાંત ભારતીય પૌરાણિક પાત્ર ‘સાવિત્રી’ને પણ સાયન્સ ફિક્શન જોનરમાં ફૈસલ પ્રસ્તુત કરવા ઈચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...