ભૂતકાળને યાદ કરતાં જ ઇમોશનલ થયો અબ્દુ રોજિક:કહ્યું, સ્કૂલથી પરત ફર્યા બાદ બજારમાં ગીતો ગાતો હતો, એનાથી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું

એક મહિનો પહેલા

બિગબોસના લેટેસ્ટ એપિસોડમાં અબ્દુ રોજિકે કહ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેના પરિવારની સ્થિતિ અત્યંત ખરાબ હતી. ઘરનું ગુજરાન ચલાવવા માટે અબ્દુ સ્કૂલથી પરત ફર્યા બાદ બજારમાં ગીત ગાતો હતો. એને કારણે થોડા પૈસાની કમાણી થઇ શકી. ગીતો ગાયા બાદ ક્યારેક 5 ડોલર તો ક્યારેક 10 ડોલરની કમાણી થતી હતી, જેનાથી પરિવારનું ગુજરાન થતું હતું.

અબ્દુ એ સમયે પરિવારનો એકમાત્ર કમાનાર માણસ હતો. આ વાત કરતા સમયે અબ્દુ ઘણો ઇમોશનલ થઇ ગયો હતો. આ વાત સાંભળીને અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા. સલમાન ખાન અબ્દુને પ્રોત્સાહિત કરે છે.

પૈસાની તંગીને કારણે ઈલાજ ન થઈ શક્યો
આ પહેલીવાર નથી, જ્યારે અબ્દુએ પોતાના સંઘર્ષ અંગેની વાત દુનિયા સામે કહી હોય. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેને ખબર હતી કે તેને કોઈ ગંભીર બીમારી છે, પરંતુ ઘરમાં પૈસાની અછતને કારણે તેની સારવાર થઈ શકી નથી.

તેણે વધુમાં જણાવ્યું હતું કે તે બાળપણથી જ મોટા મોટા સિંગરોનાં ગીતો સાંભળતો હતો અને તેમની જેમ ગાવાની પ્રેક્ટિસ કરતો હતો.

સ્કૂલમાં પણ અન્ય લોકો ઉડાવતા હતા મજાક
અબ્જુ રોજિકનો જન્મ 3 સપ્ટેમ્બર, 2003ના રોજ તાજિકિસ્તાનમાં થયો હતો. 19 વર્ષનો અબ્દુ એક ગંભીર બીમારીથી પીડિત છે, જેને કારણે તેની હાઇટ ખૂબ જ ઓછી છે. તેની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેની જિંદગીમાં અત્યારસુધી ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. હાઈટ ઓછી હોવાને કારણે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, તેની ઓછી હાઈટની મજાક ઉડાવવામાં આવી હતી.

આટ-આટલું થયા છતાં અબ્દુએ આશા છોડી ન હતી અને ભગવાન પર ભરોસો કર્યો હતો. એનું પરિણામ આજે જોઈ શકાય છે. આજે અબ્દુના સોશિયલ મીડિયા પર 3.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને બિગ-બોસમાં ભાગ લીધા બાદ અબ્દુને વધુ પ્રસિદ્ધિ મળી હતી.

બિગ બોસમાં પરત ફર્યો
થોડા સમય માટે અબ્દુ રોજિક બિગ બોસના ઘરમાંથી બહાર હતો. તે શોમાંથી બહાર થયો ત્યારે એ ફેન્સને પસંદ આવ્યું ન હતું. ફેન્સ માગ કરી રહ્યા હતા કે અબ્દુને ફરીથી શોમાં પાછો લાવવામાં આવે. અગાઉ એવા રિપોર્ટ પણ આવ્યા હતા કે બીમારીને કારણે અબ્દુને ઘર છોડવું પડ્યું હતું, પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે તેણે ઘર છોડી દીધું હતું.

હકીકતમાં અબ્દુ પર એક વીડિયો ગેમ બનાવવામાં આવી રહી છે, જેમાં લાઇવ મોશન કેપ્ચરિંગની જરૂર હતી. આ વાતને ધ્યાનમાં રાખીને તેણે બિગ બોસમાંથી બ્રેક લીધો હતો. હવે તે ફરીથી ઘરમાં પ્રવેશ્યો છે.