2021 ઈન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યું:સિદ્ધાર્થ શુક્લાથી લઈને દિલીપ કુમાર સુધી, આ સેલેબ્સે વર્ષ 2021માં અંતિમ શ્વાસ લીધા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધાર્થ શુક્લાનું 2 સ્પ્ટેમ્બરના રોજ અચાનક હાર્ટ અટેકથી નિધન થયું હતું
  • આ સમાચાર સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા હતા

વર્ષ 2021ને આપણે આગામી થોડા દિવસમાં જ અલવિદા કહી દઈશું અને નવા વર્ષ 2022નું વેલકમ કરીશું. વર્ષ 2021માં બોલિવૂડના ઘણા દિગ્ગજ એક્ટ્રેસે આ દુનિયાને અલવિદા કહી દીધું. દિલીપ કુમારથી લઈને સિદ્ધાર્થ શુક્લા સુધી ઘણા એક્ટરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અને કરોડો ચાહકોને શોક લાગ્યો હતો. જાણો કયા મોટા કલાકારોએ આ વર્ષે દુનિયાને અલવિદા કહ્યું-

દિલીપ કુમાર
બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીર કુમારે આ વર્ષે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. 98 વર્ષના દિલીપ કુમારને 30 જૂનના રોજ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 7 જુલાઈ 2021ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય સિનેમાના ‘મુઘલ-એ-આઝમ’ ગણાતા દિલીપ કુમારની વિદાયથી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનો એક આખો યુગ આથમી ગયો.

સિદ્ધાર્થ શુક્લા
પોપ્યુલર એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સ્પ્ટેમ્બરના રોજ અચાનક હાર્ટ અટેકના કારણે નિધન થઈ ગયું. તેના મૃત્યુના સમાચાર સાંભળીને બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. રિપોર્ટ્સના અનુસાર, સિદ્ધાર્થે પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. એકદમ ફિટ અને નિયમિતપણે એક્સર્સાઇઝ કરતા સિદ્ધાર્થની ઉંમર માત્ર 40 વર્ષની હતી.

પુનીત રાજકુમાર
કન્નડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું 29 ઓક્ટોબરના રોજ હાર્ટ અટેકના કારણે નિધન થઈ ગયું હતું. 46 વર્ષીય પુનીત રાજકુમાર, એક્ટર રાજકુમારનો દીકરો હતો. પ્રેમથી તેના ફેન્સ તેને ‘અપ્પા’ કહીને બોલાવતા હતા. 29થી વધુ કન્નડ ફિલ્મ કરનાર પુનીત રાજકુમારે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પુનીતને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. સિદ્ધાર્થની જેમ પુનીત પણ એકદમ ફિટ હતો અને તેના અચાનક જ હાર્ટ અટેકથી નિધનને કારણે ફિટનેસ ફ્રીક યુવાનોની લાઇફસ્ટાઇલ અંગે ઘણા સવાલો ઊભા થયા હતા.

સુરેખા સિક્રી
ટીવી સિરિયલ 'બાલિકા વધુ'માં પોતાના 'દાદી સા' ની ભૂમિકાથી ઓળખાણ મેળવનાર એક્ટ્રેસ સુરેખા સિક્રીનું 16 જુલાઈએ હાર્ટ અટેકના કારણે નિધન થઈ ગયું હતું. 75 વર્ષનાં સુરેખા સિક્રીએ ઘણી ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મ માટે સુરેખા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યાં હતાં. છેલ્લે ‘બધાઈ હો’ ફિલ્મમાં એમની ભૂમિકા ખાસ્સી વખણાઈ હતી.

રાજીવ કપૂર
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘કપૂર ખાનદાન’ને છેલ્લાં બે વર્ષમાં બે મોટા ફટકા લાગ્યા. ગયા વર્ષે 30 એપ્રિલ 2020ના રોજ દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરનું કેન્સરની બીમારીમાં અવસાન થયું. ત્યારબાદ તેમના મોટા ભાઈ અને અભિનેતા રાજીવ કપૂરે પણ 9 ફેબ્રુઆરીએ 2021ના રોજ આ દુનિયામાંથી અણધારી એક્ઝિટ લઈ લીધી. ‘રામ તેરી ગંગા મૈલી’ નામની સુપરહિટ ફિલ્મથી જાણીતા થયેલા રાજીવ કપૂરની એક્ટિંગ કરિયર ખાસ ગાજી નહીં. ત્યારબાદ તેમણે નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ હાથ અજમાવ્યો હતો.

રાજ કૌશલ
એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું 30 જૂન 2021ના રોજ સવારે અચાનક સાડા ચાર વાગે હાર્ટ અટેક આવવાના કારણે નિધન થયું હતું. રાજ કૌશલના અંતિમ સંસ્કાર તેમની પત્ની મંદિરા બેદીએ કર્યા હતા. રાજ કૌશલ બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર હતા. માત્ર 50 વર્ષની ઉંમરે રાજ કૌશલની અણધારી વિદાય મંદિરા બેદી, તેમના પરિવાર તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક વાત હતી.

અનુપમ શ્યામ
ટીવી સિરિયલ 'પ્રતિજ્ઞા'માં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત એક્ટર અનુપમ શ્યામનો 9 ઓગસ્ટના રોજ મલ્ટિ ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. ટીવી સિરિયલો ઉપરાંત અનુપમ શ્યામે 'સ્લમડોગ મિલેનિયર', 'બેન્ડિટ ક્વીન', 'દસ્તક', 'દિલ સે', 'લગાન', 'ગોલમાલ', 'મુન્ના માઈકલ' જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

બિક્રમજીત કંવરપાલ
બોલિવૂડના જાણીતા એક્ટર બિક્રમજીત કંવરપાલનું નિધન કોરોનાવાઈરસના કારણે 1 મેના રોજ થયું હતું. બિક્રમજીતના પિતા દ્વારકાનાથ કંવરપાલ ભારતીય સેનામાં અધિકારી હતા. 1986માં વિક્રમજીત કંવરપાલે ધ લોરેન્સ સ્કૂલ, સનાવરથી પોતાનો અભ્યાસ કર્યો હતો અને પિતાની જેમ 1989માં ભારતીય સેનામાં સામેલ થઈ ગયા હતા. જ્યાં તેમણે લગભગ 13 વર્ષ સુધી દેશની સેવા કરી. ત્યારબાદ બિક્રમજીત ફિલ્મ જગત તરફ વળ્યા. તેઓ બાળપણથી જ એક્ટર બનવા માગતા હતા. વર્ષ 2003માં તેમણે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. પોતાના ઘેઘૂર અવાજ અને પૉલિશ્ડ દેખાવને કારણે તેમણે ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.

બ્રહ્મા મિશ્રા
‘મિર્ઝાપુર’ વેબ સિરીઝમાં ‘લલિત’નું પાત્ર ભજવીને જાણીતા થયેલા યુવા એક્ટર બ્રહ્મા મિશ્રાનું માત્ર 32 વર્ષની વયે જ નિધન થયું હતું. ભ્રહ્માએ 29 નવેમ્બર 2021ના રોજ ચેસ્ટ પેઇનની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ડૉક્ટરોએ ગેસની દવા આપીને તેને ઘરે મોકલી દીધો હતો, પરંતુ ઘરે તેને હાર્ટ અટેક આવ્યો અને તેનું નિધન થઈ ગયું. સૌથી દુઃખદ વાત એ હતી કે તેની લાશ ત્રણ દિવસ સુધી મુંબઈમાં તેના ઘરના બાથરૂમમાં જ પડી રહી હતી. બ્રહ્માએ 'કેસરી', 'હસીન દિલરૂબા', 'માંજી-ધ માઉન્ટેન મેન', 'બદ્રીનાથ કી દુલ્હનિયા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અરવિંદ ત્રિવેદી
ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શો 'રામાયણ'માં લંકાધિપતિ રાવણની ભૂમિકા નિભાવી ચૂકેલા આપણા ગુજરાતી એક્ટર અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. ‘લંકેશ’ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીની ઉંમર 83 વર્ષની હતી. એક્ટિંગ ઉપરાંત અરવિંદ પોલિટિક્સમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂક્યા હતા. 1991માં અરવિંદ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે સાબરકાંઠા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા અને 1996 સુધી આ પદ પર રહ્યા હતા.