સુપ્રીમ કોર્ટે એકતા કપૂરનો ઊધડો લીધો:અશ્લીલ કન્ટેન્ટ માટે કોર્ટે કહ્યું- 'તમે દેશની યુવાપેઢીનું મગજ ખરાબ કરી રહ્યાં છો’

2 મહિનો પહેલા

જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂરની શુક્રવારે સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી. વેબસિરીઝ ‘XXX’નાં વાંધાજનક દૃશ્યોના સંદર્ભમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘તમે દેશની યુવાપેઢીનું મગજ પ્રદૂષિત કરી રહ્યાં છો.’ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત વેબસિરીઝમાં સૈનિકોનું અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપસર એકતા કપૂર વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.

આ વોરન્ટને એકતા કપૂરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને સીટી રવિકુમારે જણાવ્યું હતું કે ‘કંઇક કરવાની જરૂર છે. તમે યુવાપેઢીનું માનસ પ્રદૂષિત કરી રહ્યાં છો. ઓટીટી કન્ટેન્ટ દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. લોકોને કેવી વસ્તુ દેખાડવાની કોશિશ કરી રહ્યાં છે. તમે આજના યુવાનોના મગજને ખરાબ કરી રહ્યા છે. તમે ખોટા વિકલ્પ આપી રહ્યા છો.

આવો... સમજીએ શું છે સમગ્ર ઘટના?
એકતા કપૂર વિરુદ્ધ બિહારના બેગુસરાયમાં એક પૂર્વ સૈનિક શંભુ કુમારે ફરિયાદ નોંધાવી હતી. કુમારે ટ્રાયલ કોર્ટમાં દાખલ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે એકતા કપૂરના ઓટીટી પ્લેટફોર્મ ALT BALAJIની વેબસિરીઝ XXX સીઝન-2માં એક સૈનિકની પત્ની વિશે વાંધાજનક દૃશ્યો બતાવવામાં આવ્યાં હતાં, જેને કારણે સૈનિકોના પરિવારોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કોર્ટે એકતા સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. એકતા આ કેસમાં રાહત માટે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.

તો આ સિરીઝમાં એક દૃશ્ય એવું પણ બતાવવામાં આવ્યું છે કે એક સૈનિકની પત્ની તેનો પતિ બોર્ડર પર જાય છે, ત્યાર બાદ પ્રેમીને બોલાવીને શારીરિક સંબંધ બાંધે છે. આ દરમિયાન મહિલા તેના પ્રેમીને સેનાની વર્દી પહેરાવે છે અને સંબંધ બાંધ્યા બાદ વર્દીને ફાડી નાખે છે. આ દૃશ્યોમાં જોઈ શકાય છે કે ભારતીય સેનાની વર્દીની પણ મજાક ઉડાવે છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેંચે એકતાની ઝાટકણી કાઢી હતી. કોર્ટની નારાજગી ત્યારે વધી જ્યારે તેમના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ધરપકડથી રાહતના મામલે પટના હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ જલદી સુનાવણીની કોઈ આશા નથી. એના પર કોર્ટે એકતાને ચેતવણી આપી હતી કે જ્યારે પણ તમે આ કોર્ટમાં આવશો... અમે તેની કદર કરતા નથી. આવી અરજી દાખલ કરવા માટેનો ખર્ચ અમે તમારી પાસેથી લઈશું.

જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને પેન્ડિંગ રાખી હતી અને સૂચન કર્યું હતું કે પટના હાઇકોર્ટમાં કેસની સુનાવણીની સ્થિતિની તપાસ માટે સ્થાનિક વકીલની નિમણૂક કરી શકાય છે.

'ALT BALAJI'ની વેબસિરીઝ XXX સીઝન-2 સિરિઝનાં આ દૃશ્યોમાં ભારતીય સેનાના યુનિફોર્મનું અપમાન કરાયાનો આક્ષેપ છે
'ALT BALAJI'ની વેબસિરીઝ XXX સીઝન-2 સિરિઝનાં આ દૃશ્યોમાં ભારતીય સેનાના યુનિફોર્મનું અપમાન કરાયાનો આક્ષેપ છે

આ કોર્ટ માત્ર એ લોકો માટે નથી, જે મોંઘા વકીલો રાખી શકે છે
કોર્ટે એકતા દ્વારા વારંવાર કરવામાં આવેલી અરજીઓ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. ખંડપીઠે એડવોકેટ મુકુલ રોહતગીને કહ્યું, "મિસ્ટર રોહતગી, મહેરબાની કરીને તમારા અસીલને કહો. તમારી પાસે ઘણા પૈસા છે અને તમે મોંઘા વકીલો રાખી શકો છો, એનો અર્થ એ નથી કે તમે વારંવાર કોર્ટમાં આવો.

કોર્ટનો સમય બગાડશો નહીં, કારણ કે આ દેશમાં સામાન્ય માણસના પણ ઘણા મુદ્દાઓ છે. આ અદાલત ફક્ત તમારા જેવા લોકો માટે જ નથી. આ કોર્ટ તેમના માટે પણ કામ કરે છે, જેમની પાસે અવાજ નથી. જેમની પાસે તમામ પ્રકારની સુવિધાઓ છે જો તેમને ન્યાય ન મળી શકે તો સામાન્ય માણસની સ્થિતિ શી હશે એ વિશે વિચારો.

એકતાની તરફેણમાં દલીલો કરી રહેલા સિનિયર વકીલ મુકુલ રોહતગીએ કોર્ટ પાસે એકતાને રક્ષણ આપવાની માગણી કરી છે. મુકુલ રોહતગીએ એકતાની પસંદગીની સ્વતંત્રતા વિશે કોર્ટ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે જે સામગ્રી વિવાદમાં છે તે સબ્સ્ક્રિપ્શન આધારિત છે. ખંડપીઠે એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે લોકોને જોવા માટેના વિકલ્પો કેવી રીતે આપી રહ્યા છો.