ફેન્સની આતુરતાનો અંત:આખરે પ્રિયંકાએ શેર કરી માલતીની ક્યૂટ તસવીર, યુઝર્સે કહ્યું- આ તો પિતા નિક પર ગઈ છે

12 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ગત જાન્યુઆરી મહિનામાં સરોગસીથી દીકરીની માતા બની હતી. પરંતુ હજુ સુધી સોશિયલ મીડિયામાં પ્રિયંકાએ તેની લાડલી માલતી મેરી ચોપરા જોનાસની તસવીર શેર કરી ન હતી. હાલમાં જ લાડલીની તસવીર શેર કરી છે.

પ્રિયંકા ચોપરાએ પ્રથમ વખત તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસની ઝલક શેર કરી છે. જોકે, ફોટામાં પ્રિયંકાએ માલતીનો અડધો ચહેરો જ દેખાડ્યો છે. સૂતી વખતે માલતીના ગુલાબી હોઠ અને ગાલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પ્રિયંકાની દીકરીનો આ ફોટો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય છે. ઘણા લોકો માલતીની તસવીર જોઈને કહી રહ્યા છે કે, તે નિક જોનાસ જેવી લાગે છે તો ઘણા લોકો કહે છે કે, માલતી પ્રિયંકા જેવી છે. આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકાએ તેની પુત્રીનો સહેજ ચહેરો દેખાડ્યો છે.

પ્રિયંકાએ શેર કરી દીકરીની તસવીર
અમેરિકામાં આ દિવસોમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. આ જ કારણ છે કે ફોટોમાં મેરી માલતી ગરમ કપડાંમાં જોવા મળી રહી છે. બેબી સ્ટ્રોલરમાં સૂઈ રહેલી માલતીએ શિયાળાની ટોપી પહેરી છે, જેથી તેની આંખો દેખાતી નથી. પ્રિયંકાએ પુત્રી પર પ્રેમ વરસાવતાં કેપ્શનમાં લખ્યું- 'આઇ મીન. ફોટામાં ચહેરા સિવાય માલતીના નાના હાથ પણ જોઈ શકાય છે, જે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

22 જાન્યુઆરીએ બાળકના જન્મની જાહેરાત કરી હતી
પ્રિયંકાએ સો.મીડિયામાં કહ્યું હતું, 'અમને એ બતાવતા આનંદ થાય છે કે અમે સરોગસીની મદદથી અમારા જીવનમાં એક બાળકનું સ્વાગત કરીએ છીએ. અમે અમારા પરિવાર માટે તમને સન્માનપૂર્વક આગ્રહ કરીએ છીએ કે આ ખાસ સમયમાં અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખો.'

પ્રિમેચ્યોર ડિલિવરી થઈ હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડિલિવરી એપ્રિલ મહિનામાં થવાની હતી, પરંતુ ડિલિવરી ઘણી જ પ્રિમેચ્યોર થઈ હતી અને દીકરીનો જન્મ 15 જાન્યુઆરીના રોજ થયો.
પ્રિયંકા-નિકની દીકરીને જન્મ આપનારી મહિલાની આ પાંચમી સરોગસી છે. પ્રિયંકા તથા નિક તે મહિલાને મળ્યાં હતાં અને તેમને તે યોગ્ય લાગી હતી અને પછી તેમણે તે જ મહિલા પાસે સરોગસી કરાવવાનું નક્કી કર્યું હતું.

સંસ્કૃત ને લેટિન શબ્દથી નામ પાડ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપલે બાળકીના બર્થ સર્ટિફિકેટમાં માલતી મેરી ચોપરા જોનસ નામ લખ્યું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે માલતીનો જન્મ 15 જાન્યુઆરીના રોજ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાતના આઠ વાગ્યા પછી થયો હતો. માલતી શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ તથા ચાંદની (મૂનલાઇટ) થાય છે. તો મેરી લેટિન ભાષાના સ્ટેલા મેરિસમાંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ સમુદ્રનો તારો એવો થાય છે. બાઇબલમાં પણ આ નામ છે અને તેનો અર્થ ઇશુની માતા એવો થાય છે.

કેવી રીતે નિક-પ્રિયંકાની લવસ્ટોરી શરૂ થઈ?
પ્રિયંકા ચોપરા તથા નિક જોનસ વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. પ્રિયંકા પતિ કરતાં 10 વર્ષ મોટી છે. પ્રિયંકાએ હોલિવૂડ સિરીઝ 'ક્વોન્ટિકો'માં કામ કર્યું હતું અને તેથી જ તે હોલિવૂડમાં જાણીતી બની હતી. સપ્ટેમ્બર, 2016માં નિકે પ્રિયંકાને સો.મીડિયામાં મેસેજ કર્યો હતો અને પ્રિયંકાએ તે જ દિવસે મેસેજનો રિપ્લાય આપતાં એમ કહ્યું હતું કે તેની ટીમ પણ આ મેસેજ વાંચે છે તો તે શા માટે તેને ફોન પર મેસેજ નથી કરતો? આ રીતે બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. બંને વચ્ચે દોઢેક વર્ષ સુધી વાત ચાલી હતી. મે, 2017માં બંને પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંને 'મેટ ગાલા' ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર સાથે આવ્યાં હતાં. બંને રેડ કાર્પેટ પર સાથે આવતાં જ અફેરની ચર્ચા થવા લાગી હતી. જોકે, બંનેએ તે સમયે માત્ર સારા મિત્રો હોવાનું કહ્યું હતું.

2018માં પ્રિયંકા-નિકની પહેલી ડેટ
મીડિયા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તે અને નિક પહેલી જ વાર ડેટ પર મે, 2018માં ગયાં હતાં. પહેલી ડેટ બાદ જૂન, 2018માં નિકે પોતાના કઝિનના લગ્નમાં પ્રિયંકાને આમંત્રણ આપ્યું હતું. ન્યૂ જર્સીમાં યોજાયેલા આ લગ્નમાં પ્રિયંકા હાજર રહી હતી અને બંને એકબીજાને ડેટ કરતાં હોવાની વાત જોરશોરથી થવા લાગી હતી.

બે મહિનામાં જ સગાઈ
ડેટિંગના બે મહિના બાદ જ ગ્રીસમાં નિક જોનસે પ્રિયંકાને પ્રપોઝ કર્યું હતું. પ્રિયંકાનો 18 જુલાઈએ 36મો જન્મદિવસ હતો. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 19 જુલાઈ, 2018માં નિકે ઘૂંટણિયે બેસીને પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પ્રિયંકાએ માત્ર 45 સેકન્ડમાં જ હામાં જવાબ આપી દીધો હતો. નિકે પ્રિયંકાને 2 લાખ ડોલર (અંદાજે બે કરોડ)ની ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. સગાઈના એક મહિના બાદ એટલે કે 18 ઓગસ્ટના રોજ મુંબઈમાં પ્રિયંકા તથા નિકની રોકા સેરેમની યોજવામાં આવી હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં આ સેરેમનીની તસવીરો શૅર કરી હતી.

2018માં લગ્ન
પ્રિયંકા તથા નિકે જોધપુરમાં ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. પહેલી ડિસેમ્બરે પ્રિયંકાએ વ્હાઇટ વેડિંગ કર્યાં હતાં અને બીજી ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. મુંબઈમાં પ્રિયંકા તથા નિકે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી. ત્યારબાદ બંનેએ લોસ એન્જલસમાં વેડિંગ પાર્ટી યોજી હતી. લગ્ન બાદ પ્રિયંકા મોટા ભાગનો સમય વિદેશમાં જ પસાર કરે છે. ભારતમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ માટે જ આવતી હોય છે.