બોલિવૂડમાં ગૂંજશે લગ્નની શરણાઈ:પિતા સુનિલ શેટ્ટીએ દીકરીના લગ્નને લઈને આપ્યું ગ્રીન સિગ્નલ, અથિયા અને કેએલ રાહુલ બંધાશે લગ્નગ્રંથીથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીએ દીકરી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નને લઈને એક મોટા સમાચાર આપ્યા છે. સુનિલ શેટ્ટીએ કન્ફ્રર્મ કર્યું હતું કે, અથિયા અને કેએલ રાહુલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. ક્રાઇમ થ્રિલર સિરીઝ 'ધારાવી બેન્ક'ના લોન્ચ ઇવેન્ટમાં જયારે દીકરીના લગ્ન વિશે પૂછ્યું હતું ત્યારે તેના જવાબમાં એવું કહ્યું હતું કે, કન્ફ્રર્મ કર્યું હતું કે, બંને જલ્દી જ લગ્ન કરી લેશે.

બંને જલ્દી જ બંધાઈ જશે લગ્નના બંધનમાં
પિન્કવીલા સાથેની વાતચીત દરમિયાન સુનિલને પૂછવામાં આવ્યું હતું કે,રાહુલ અને અથિયાના લગ્ન કયારે થશે? જેના જવાબમાં જણાવ્યું હતું કે, જલ્દી જ થશે. હવે સુનિલના જવાબ પરથી લાગી રહ્યું છે કે, બંને જલ્દી જ લગ્ન કરીને ઠરીઠામ થવા માગે છે.

સુનિલે રાહુલ અને અથિયા વિશે કરી વાત
આ પહેલીવાર નથી જ્યારે સુનીલે અથિયા અને કેએલ રાહુલના સંબંધો વિશે વાત કરી હોય. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે, 'અથિયા મારી દીકરી છે અને તે એક દિવસ લગ્ન જરૂર કરશે. એ જ તેમની પસંદગી છે. જ્યાં સુધી કેએલ રાહુલની વાત છે, મને તે વ્યક્તિ ગમે છે. તેઓ શું કરવા માગે છે તે નક્કી કરવાનું તેમના પર છે, કારણ કે સમય બદલાઈ ગયો છે. હવે મારી પુત્રી અને પુત્ર બંને જવાબદાર છે. હું ઇચ્છું છું કે તે કોઈ નિર્ણય લે મારા આશીર્વાદ હંમેશા તેમની સાથે છે. '

બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે
રાહુલ અને આથિયા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકબીજા સાથે વેકેશન પર જતા હોય છે. લાંબા સમય સુધી બંનેએ પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા. આથિયા ઘણી વખત તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં કેએલ રાહુલ સાથે જોવા મળે છે. IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સની મેચો દરમિયાન સુનિલ શેટ્ટી અને આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં કેએલ રાહુલને ચિયર્સ કરતા જોવા મળ્યા હતા. રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.'

લગ્ન બાદ નવા ઘરમાં રહેવા જશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલે મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર એક અપાર્ટમેન્ટ લીધું છે. આ સી ફેસિંગ ઘર 4 BHKનું છે. બિલ્ડિંગના આઠમા માળે છે અને મહિને 10 લાખ રૂપિયા ભાડું છે. લગ્ન બાદ બંને અહીંયા જ રહેવા જશે.

દક્ષિણ ભારતીય રીત રિવાજથી લગ્ન થશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વેડિંગ કરશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.

અથિયા શેટ્ટી કોણ છે?
અથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બર 1992ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. આથિયા શેટ્ટી એક હિન્દુ પરિવારમાંથી આવે છે. અથિયાએ 2015માં બોલિવૂડ ફિલ્મ "હીરો" થી અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેણે 'રાધા માથુર' ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પણ હતા. આ સાથે જ અથિયાએ વધુ બે ફિલ્મોમાં પણ કામ કર્યું છે, 'મુબારકાં' અને 'મોતીચૂર ચકનાચૂર.'