કુછ તો ગડબડ હૈ:દિલ્હી મેટ્રોમાં આર્યન ખાનને જોઈને સૌ છક્કડ ખાઈ ગયા, પણ એ તો તેનો ડુપ્લિકેટ નીકળ્યો!

15 દિવસ પહેલા

લગભગ આખા ઓક્ટોબર મહિના દરમિયાન શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ભારતના મીડિયામાં એટલો બધો છવાયેલો રહ્યો કે રોજ તેના વિશે ટનબંધ સામગ્રી પબ્લિશ થતી રહી. ક્રુઝથી NCBની ઑફિસ અને ત્યાંથી કોર્ટ તથા પછીથી આર્થર રોડ જેલની વચ્ચે આવ-જા કરતા રહેલા આર્યન ખાનની માસ્ક અને હૂડીવાળી એટલી બધી તસવીરો અને વીડિયો મીડિયામાં ફરતાં રહ્યાં કે સૌનાં દિમાગમાં તેની તસવીર લિટરલી છપાઈ ગઈ. પરંતુ થોડા દિવસ પહેલાં અમુક લોકોને આર્યન ખાન દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતો દેખાઈ ગયો. એણે એવું જ યલ્લો કલરનું હૂડીવાળું ટીશર્ટ પહેરેલું અને મોં પર બ્લેક માસ્ક પહેરેલો. એના વાળ પણ એવા જ અસ્તવ્યસ્ત દેખાતા હતા. તે વીડિયો સોશિયલ મીડિયા પર આવતાંવેંત વાઇરલ થઈ ગયો. કારણ એ હતું કે આર્યન ખાન તો તે વખતે મુંબઈમાં જેલમાં અને ત્યારબાદ પોતાના ‘મન્નત’ બંગલામાં પુરાયેલો હતો. તો પછી આ ‘નવો’ આર્યન ખાન ક્યાંથી ફૂટી નીકળ્યો?

આ વિચિત્ર ગડમથલમાં તે વીડિયો એવો વાઇરલ થઈ ગયો કે ઇન્સ્ટાગ્રામ પર જ લગભગ ત્રીસ લાખ લોકોએ તેને જોઈ નાખ્યો. અન્ય હેન્ડલ્સ પરથી પણ તે વીડિયો પબ્લિશ થયો અને ધૂમ વાઇરલ થયો. પછી થોડાં ખાંખાખોળાં કરતાં માલુમ પડ્યું કે એ આર્યન ખાન નહીં, પણ તેનો ડુપ્લિકેટ દાનિશ ઝેહાન છે. દાનિશ ‘ટ્રેન્ડ કેપ્ટન’ નામે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. પોતાની ઓળખ તરીકે તે રૅપર, ફેશન મોડલ, ફોટોગ્રાફર, ઓડિયો-વીડિયો એડિટર, યુટ્યુબર, રાઇટર, ફિટનેસ એક્સપર્ટ જેવી જથ્થાબંધ કળાઓમાં પારંગત બતાવે છે.

આમ ધ્યાનથી જુઓ તો દિલ્હીના દાનિશ અને મુંબઈના આર્યન ખાન વચ્ચે ખાસ સામ્યતા દેખાય નહીં. પરંતુ જેવો આ દાનિશ ચહેરા પર કોરોનાથી બચવા માટેનો માસ્ક ચડાવે કે તરત જ તેના ચહેરા પર આર્યન ખાન ‘પ્રગટ’ થાય છે! ઇવન કદ-કાઠીએ પણ એ આર્યન ખાન જેવો જ છે. પોતાની આ સામ્યતાનાં પારખાં કરવા માટે જ એણે દિલ્હીની મેટ્રોમાં આર્યન ખાન જેવાં કપડાં પહેરીને પોતાનો નાનકડો વીડિયો અપલોડ કર્યો હતો. એની અપેક્ષા પ્રમાણે જ લોકોએ એને આર્યન ધારી લીધો અને વીડિયોને બડી લિજ્જતથી શૅર કરવા માંડ્યો. ત્યારપછી સોશિયલ મીડિયામાં એની લોકપ્રિયતાનો ગ્રાફ પણ ઊંચો ગયો છે.

લોકોએ એના વીડિયો નીચે અલગ અલગ રીતે આશ્ચર્ય વ્યક્ત કરતી કમેન્ટ્સ પણ મૂકી હતી. અમુક લોકોએ તો એવું પણ લખ્યું કે આ આર્યન ખાન NCBથી બચીને ક્યાંક ભાગી રહ્યો હોય એવું લાગે છે! કોઇકે લખ્યું કે ‘સાચવીને રહેજે ભાઈ, નહીંતર સાચો આર્યન બાજુ પર રહી જશે અને NCBની અડફેટે તું આવી જઇશ તો નાહકનો નવાણિયો કુટાઈ જઇશ!’ કોઇએ કમેન્ટ કરી કે આટલા દિવસોમાં આર્યન ખાનને એટલી બધી વાર જોયો છે કે બધા માસ્કવાળા જુવાનિયાઓ પાછળ એ જ દેખાય છે!

તમારું શું કહેવું છે, આર્યન ખાનના ડુપ્લિકેટ તરીકે તમે આ દિલ્હીના દાનિશ ઝેહાનને કેટલા માર્ક્સ આપશો?

અન્ય સમાચારો પણ છે...