શાહરુખના ‘જબરા ફૅન’ની ખોફનાક સામ્યતા:‘ફૅન’ ફિલ્મમાં પણ ચાહક શાહરુખના બંગલામાં ઘૂસી ગયેલો, રિયલ લાઇફમાં પણ એવું જ થયું!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાને કલ્પનામાં પણ નહીં વિચાર્યું હોય કે એણે પોતાની ફિલ્મમાં કરેલું, અદ્દલ એવું જ રિયલ લાઇફમાં એની સાથે થશે! યસ્સ, અમે વાત કરી રહ્યા છીએ ત્રણેક દિવસ પહેલાં શાહરુખ ખાનના ફેમસ બંગલા ‘મન્નત’માં ઘુસી ગયેલા બે સુરતી યુવાનોની. એક્ચ્યુઅલી, વાત એવી હતી કે 21-22 વર્ષના સુરતના બે જુવાનડા શાહરુખની ‘પઠાન’ જોઇને એનાથી એના પર હોલિવૂડ-બોલિવૂડ ઓવારી ગયા. તાત્કાલિક અસરથી શાહરુખના ‘જબરા ફૅન’ થઈ ગયા. વાત અહીં સુધી આવીને અટકી ગઈ હોત તો કંઈ વાંધો નહોતો. પરંતુ એમને થયું કે આપણે તો શાહરુખને ઘરે જઇને પર્સનલી મળીને અભિનંદન આપવા જોઇએ.

બંને જણાએ કોઇનેય કહ્યા વગર મુંબઈની વાટ પકડી. શાહરુખનો બંગલો ‘મન્નત’ તો આમેય ટુરિસ્ટ એટ્રેક્શન છે. લોકો મન્નતની બહાર ઊભા રહીને ટિપિકલ શાહરુખ સ્ટાઇલમાં હાથ પહોળા કરીને ફોટા પણ પડાવે છે. બર્થડે કે ઈદ જેવો અવસર હોય તો મન્નતની બાલ્કનીમાંથી શાહરુખ બહાર એકઠા થયેલા હજારો ચાહકોનાં ટોળાંને દર્શન પણ દઈ દે. એટલે આ બંને યુવાનો માટે શાહરુખના ઘરનું સરનામું શોધવું જરાય અઘરું નહોતું.

પરંતુ અહીંથી કહાની મેં જબરો ટ્વિસ્ટ આવે છે. આ બેઉ જણા શાહરુખના મન્નતે પહોંચી તો ગયા, પરંતુ યેનકેન પ્રકારેણ શાહરુખની સિક્યોરિટીને ચૂનો લગાવીને દીવાલ કૂદીને મન્નતમાં ઘૂસી ગયા! એટલું જ નહીં, બીજા માળે પણ પહોંચી ગયા! અલબત્ત, શાહરુખ ખાન તે વખતે ઘરમાં નહોતો. પોતાની આગામી ફિલ્મોનાં શૂટિંગમાંથી પરવારીને મન્નત પર પરત ફરેલા શાહરુખને પાછળથી આ ઘટનાક્રમની જાણ થઈ હતી.

એ બંને યુવાનો કોણ હતા તેની ઓળખ તો જાહેર નથી થઈ, પરંતુ બંનેની ધરપકડ કરવામાં આવી છે. ઉપરથી મુંબઈ પોલીસે શાહરુખને સલાહ પણ આપી કે બંગલાની આ તે કેવી સિક્યોરિટી રાખી છે કે ગમે તે વ્યક્તિ અંદર ઘૂસી જાય?

‘ફૅન’ મુવીમાં પણ એક ચાહક શાહરુખના ઘરમાં ઘૂસી જાય છે એવી સ્ટોરી હતી
‘ફૅન’ મુવીમાં પણ એક ચાહક શાહરુખના ઘરમાં ઘૂસી જાય છે એવી સ્ટોરી હતી

‘ફૅન’ મુવીમાં પણ એવું જ થયેલું
2016માં શાહરુખ ખાનને ડબલ રોલમાં ચમકાવતી એક ફિલ્મ આવેલી. નામ હતું ‘ફૅન’. તેમાં બોલિવૂડ સ્ટાર આર્યન ખન્ના (શાહરુખ ખાન) અને તેના એક ‘જબરા ફૅન’ ગૌરવ ચાંદના (અગેઇન, શાહરુખ ખાન)ની સ્ટોરી છે. આર્યન ખન્નાના ગળાડૂબ પ્રેમ કમ અહોભાવમાં ડૂબેલા ગૌરવનો કોઈ તબક્કે પોતાના સ્ટારથી મોહભંગ થાય છે. ગૌરવ બહુ દૃઢપણે માને છે કે ‘ફૅન છે તો સ્ટાર છે’. પોતાના ફેવરિટ સ્ટારની પ્રતિષ્ઠા ધૂળધાણી કરવા માટે એક તબક્કે એ આર્યન ખન્નાના બંગલામાં ઘૂસી જાય છે. રસપ્રદ વાત એ છે કે એ બંગલો પાછો રિયલ લાઇફનો મન્નત જ છે! ફિલ્મમાં પણ એ વખતે આર્યન ખન્ના બંગલામાં મોજુદ નથી હોતો. એ એકલતાનો લાભ લઇને તેનો આ ‘જબરા ફૅન’ બંગલાની અંદર પોતાના સુપરસ્ટારને મળેલી અવોર્ડ્સની ટ્રોફીઓ તોડી-ફોડીને ધૂળધાણી કરી મૂકે છે. ઇવન, એની પત્ની અને બાળકોને પણ ડરાવી મૂકે છે.

એક નજરે ખોફનાક લાગી શકે તેવી સામ્યતા શાહરુખ ખાનની સાત વર્ષ પહેલાં આવેલી ફિલ્મ અને ત્રણ દિવસ પહેલાં બનેલી સાચુકલી ઘટના વચ્ચે છે. આપણા બે સુરતી-ગુજરાતી ફૅન્સ સાથે શું થયું એ વાતો તો બહાર આવી નથી, પરંતુ ‘ફૅન’ ફિલ્મમાં પોલીસે શાહરુખના, યાને કે, આર્યન ખન્નાના ઘરમાં ઘૂસી ગયેલા એના ફૅનને બરાબરનો મેથીપાક જમાડેલો! આશા રાખીએ કે શાહરુખે મોટું મન રાખીને પોતાના બે ગુજ્જુ ફૅન્સને જવા દીધા હશે.

શાહરુખ હાલ શેમાં બિઝી છે?
‘પઠાન’ની સુપર સક્સેસ એન્જોય કરી રહેલો શાહરુખ ખાન હાલમાં ફિલ્મ 'જવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને સાઉથ ડિરેક્ટર એટલી ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મ 'પઠાન'એ ભારતમાં 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

શાહરુખનો ‘મન્નત’ બંગલો મુંબઈની હેરિટેજ પ્રોપર્ટીમાં સામેલ છે
શાહરુખનો ‘મન્નત’ બંગલો મુંબઈની હેરિટેજ પ્રોપર્ટીમાં સામેલ છે

શાહરુખે 2001માં બંગલો ખરીદ્યો હતો
શાહરુખે 2001માં 13.32 કરોડમાં ‘મન્નત’ બંગલો ખરીદ્યો હતો. ચાર વર્ષના રિનોવેશન બાદ શાહરુખ આ ઘરમાં રહેવા ગયો હતો. છ હજાર સ્ક્વેરફૂટમાં ફેલાયેલા આ બંગલાને ફકીહ એન્ડ એસોસિયેટ્સે રિનોવેટ કર્યો છે. શાહરુખના આ બંગલાનું સ્ટ્રક્ચર 20મી સદીના ગ્રેડ 3 હેરિટેજનું છે. છ માળના આ બંગલામાં શાહરુખનો પરિવાર બે માળમાં રહે છે, જ્યારે બાકીના માળમાં ઓફિસ, પ્રાઇવેટ બાર, થિયેટર, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ રૂમ, જિમ, લાઇબ્રેરી, પ્લે એરિયા તથા પાર્કિંગ છે. બંગલાનું ઇન્ટિરિયર શાહરુખની પત્ની ગૌરી ખાને કર્યું છે.