ડોક્યુમેન્ટ્રી 'કાલી' વધુ એક વાર વિવાદમાં:ફિલ્મમેકર લીનાનું વિવાદાસ્પદ ટ્વીટ, કહ્યું કે- 'મારી કાલી માતા Queer '

5 મહિનો પહેલા

સાઉથ ફિલ્મમેકર લીના મણિમેકલઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'નું પોસ્ટર હાલમાં વિવાદમાં છે. પોસ્ટરમાં મહાકાળી માતા સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. 2 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા છે.

લીના મણિમેકલઈ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, પરંતુ લાગે છે કે, લીના મણિમેકલઈને આ કાર્યવાહીથી કોઈ ફરક પડતો નથી. હાલમાં જ લીનાએ કાલી માતાજી વિશે ફરી વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં કાલી માતાજીને Queer કહી દીધું છે.

સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો લીના મણિમેકલઈએ નવા ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મારી કાલી Queer છે. તે એક સ્વતંત્ર આત્મા છે. તે પિતૃસત્તા પર થૂંકે છે. તે હિન્દુત્વને તોડી પાડે છે. તે મૂડીવાદનો નાશ કરે છે. તે પોતાના હજારો હાથથી બધાને ગળે લગાવે છે.’

Queerનો અર્થ શું છે?
Queerએ એવા લોકો છે જે પોતાના વિશે નક્કી કરી શકતા નથી કે તેમને શારીરિક રીતે છોકરાને પ્રેમ કરે છે કે છોકરીને. તેઓ પોતાની જાતને પુરુષ, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર, ગે, લેસ્બિયન કે બાયસેક્સ્યુઅલ કશું જ માનતા નથી. LGBTના તમામ પ્રકારોને ક્વીર કહી શકાય. આ તે લોકો છે જે પોતાના વિશે મૂંઝવણમાં છે અને પોતાની ઓળખ નક્કી કરી શકતા નથી.

લીનાએ 'કાલી'નું પોસ્ટર 2 જુલાઈ, 2022ના રોજ લૉન્ચ કર્યું હતું. પોસ્ટર લૉન્ચ કરીને કહ્યું હતું કે તે ઘણી જ ઉત્સાહી છે, કારણ કે આ ડોક્યુમેન્ટ્રી 'કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ'માં લૉન્ચ કરવામાં આવશે.

લીનાની ડોક્યુમેન્ટરી 'કાલી'ના પોસ્ટરમાં મહાકાળી બનેલી એક્ટ્રેસ સિગારેટ પીવે છે. પોસ્ટરમાં એક હાથમાં ત્રિશૂલ તથા બીજા હાથમાં LGBTQનો ઝંડો છે. આ જ કારણે વિવાદ થયો છે.

કોણ છે લીના?
​​​​​​
​લીનાનો જન્મ તમિળનાડુના મદુરાઈમાં થયો છે. તે ફિલ્મ બનાવવા ઉપરાંત કવિતા લખે છે અને એક્ટિંગ કરે છે. તેણે મોટાભાગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. લીનાએ થોડા સમય સુધી મેઇનસ્ટ્રીમ સિનેમામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેની પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મહાત્મા' હતી. લીનાએ દલિતો, મહિલાઓ, ગ્રામીણ તથા LGBTQ સમુદાયની સમસ્યાઓ પર શોર્ટ ફિલ્મ બનાવી છે. લીના પોતાને બાયસેક્સ્યુઅલ ગણાવે છે. એક્ટર તરીકે લીનાએ 'ચેલ્લમ્મા', 'લવ લોસ્ટ', 'ધ વ્હાઇટ કેટ' તથા 'સેનગડલ ધ ડેડ સી'માં કામ કર્યું છે.

દિલ્હી પોલીસમાં ફરિયાદ
લીનાની શોર્ટ ફિલ્મ 'કાલી'ના પોસ્ટર વિવાદ બાદ દિલ્હીમાં ગૌ મહાસભાના અધ્યક્ષ અજય ગૌતમે લીના વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફિલ્મ પર બૅન મૂકવાની માગણી કરી છે.

લીનાએ કહ્યું, હું ડરતી નથી
લીનાએ કહ્યું હતું, ‘મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. જે નીડર થઈને બોલે છે, તેમના માટે હું હંમેશાં અવાજ ઉઠાવીશ. જો તેની કિંમત મારું જીવન છે તો હું તે પણ આપીશ.’ લીનાએ કહ્યું હતું કે તેની આ ફિલ્મ ટોરન્ટોના આગા ખાન મ્યૂઝિયમમાં થયેલી ઇવેન્ટ ‘રિધમ ઑફ કેનેડા’નો એક પાર્ટ છે. લીનાનો વિરોધ થતાં તેણે સો.મીડિયા અકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું છે.