જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સામે કાયદેસરની કાર્યવાહી કરી:જાતીય સતામણીના કેસમાં નોંધાઈ ફરિયાદ, પવઈ પોલીસે 6 કલાક સુધી પૂછપરછ કરી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનો રોલ નિભાવનાર એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી સામે ફરિયાદ નોંધાવી છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે ' તેને પવઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, તેથી તે મુંબઈ પરત આવી ગઈ છે. તેની પોલીસ સ્ટેશનમાં લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેણે જવાબ લખાવ્યો છે અને પોતાનું નિવેદન નોંધાવ્યું છે.'

મેં તેમના વિશે બધું જ કહી દીધું છે, હવે કાયદો તેનું કામ કરશે
'ETimes TV' સાથેની ખાસ વાતચીતમાં જેનિફર મિસ્ત્રીએ કહ્યું, 'મારે મુંબઈ આવવું પડ્યું, કારણ કે મને પોલીસ દ્વારા બોલાવવામાં આવી હતી. હું પોલીસ સ્ટેશન ગઈ અને મારું નિવેદન નોંધાવ્યું હતું. હું બપોરે 12 વાગ્યે પહોંચી અને 6:15 વાગ્યે નીકળી હતી. મેં તેમના વિશે બધું જ કહ્યું છે. હું લગભગ 6 કલાક ત્યાં હતી. હવે કાયદો કાયદાનું કામ કરશે.'

જેનિફરે કહ્યું, 'તેમણે મને કહ્યું છે કે જ્યારે વધુ તપાસ અને પૂછપરછ માટે મારી જરૂર પડશે ત્યારે મારે જવું પડશે. હાલપૂરતું મેં મારું નિવેદન નોંધાવ્યું છે. ચાલો... જોઈએ આગળ શું થાય છે.'

પ્રોડક્શન કંપનીએ જેનિફરના આરોપોને ખોટા ગણાવ્યા હતા
જેનિફરે અસિત મોદી, સુહેલ અને જતિન પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા પછી પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડી અભિનેત્રી પર સેટ પર અશિસ્ત અને સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

માલવ રાજડા, મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજા જેનિફરના સમર્થનમાં આવ્યાં હતાં
શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર પ્રિયા આહુજા, અભિનેત્રી મોનિકા ભદોરિયા અને પૂર્વ નિર્દેશક માલવ રાજડાએ જેનિફર પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે 'જેનિફર હંમેશાં સેટ પર બધા સાથે સારું વર્તન કરે છે. તે ખૂબ જ ખુશ મહિલા છે અને સેટ પર ક્યારેય મોડી આવતી નથી.'
મોનિકા ભદોરિયા અને રીટા બંનેએ સેટ પર માનસિક સતામણી વિશે વાત કરી હતી. જોકે બંનેએ જાતીય સતામણી અંગે કંઈ કહ્યું ન હતું.

જેનિફર 15 વર્ષથી રોશન ભાભીનો રોલ નિભાવી રહી છે
જેનિફર છેલ્લાં 15 વર્ષથી આ શોમાં રોશન સિંહ સોઢીનો રોલ નિભાવે છે, પરંતુ જ્યારથી એક્ટ્રેસનો નિર્માતાઓ સાથે અણબનાવ થયો છે ત્યારથી તેણે શો છોડી દીધો છે અને તે સેટ પર જોવા મળી નથી.