નિધન:બ્લેક પેન્થર ફેમ હોલિવૂડ એક્ટર ચેડવિક બોસમેનનું 43 વર્ષની વયે નિધન, ચાર વર્ષ સુધી કેન્સર સામે લડ્યા પરંતુ કામમાંથી બ્રેક ન લીધો

એક વર્ષ પહેલા
બ્લેક પેન્થર 2018ની એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર પછીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. બોક્સઓફિસ મોજોના રિપોર્ટ મુજબ, આ ફિલ્મે દુનિયાભરમાં 134 કરોડ ડોલર (અંદાજે 9849 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી.
  • 2018માં આવેલી ફિલ્મ બ્લેક પેન્થરના એક્ટર ચેડવિક બોસમેને લોસ એન્જલસમાં તેના ઘરમાં અંતિમ શ્વાસ લીધા
  • કેન્સરની ટ્રીટમેન્ટ દરમ્યાન ચેડવિકે માર્શલ અને મા રેનીજ બ્લેક બોટમ જેવી ફિલ્મોમાં કામ કર્યું

2018માં રિલીઝ થયેલી બ્લેક પેન્થર જેવી ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે કામ કરી ચૂકેલા હોલિવૂડ સ્ટાર ચેડવિક બોસમેનનું નિધન થયું છે. 43 વર્ષીય એક્ટરે શુક્રવારે લોસ એન્જલસમાં તેના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા. પરિવાર દ્વારા રિલીઝ કરાયેલા સ્ટેટમેન્ટ મુજબ, ચેડવિક લગભગ ચાર વર્ષથી કોલન કેન્સર સામે લડી રહ્યો હતો.

કેન્સરની સારવાર દરમ્યાન ઘણી ફિલ્મો કરી
ચેડવિકને 2016માં ત્રીજા સ્ટેજનું કોલન કેન્સર ડાયગ્નોઝ થયું હતું જે 2020 આવતા આવતા ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હતું. તેણે સારવાર માટે ઘણી સર્જરી અને કિમોથેરાપી કરાવી. જોકે સારવાર દરમ્યાન પણ તેણે કામમાંથી બ્રેક ન લીધો. આ સમયમાં તેણે માર્શલ, દા 5 બ્લડ્સ અને મા રેનીજ બ્લેક બોટમ જેવી ફિલ્મોમાં કામ કર્યું. દા 5 બ્લડ્સ અને મા રેનીજ બ્લેક બોટમ લોકડાઉનને કારણે રિલીઝ ન થઇ શકી.

પરિવારે સ્ટેટમેન્ટમાં લખ્યું છે, તે રિઅલ ફાઈટર હતા. માર્શલથી દા 5 બ્લડ્સ અને મા રેનીજ બ્લેક બોટમ સુધી ઘણી ફિલ્મોમાં તેણે અગણિત સર્જરી અને કિમોથેરાપી દરમ્યાન કામ કર્યું. બ્લેક પેન્થરના કિંગ ટી ચલ્લાનો રોલ પ્લે કરવો તેના માટે સમ્માનની વાત હતી. પોતાના કેન્સર વિશે એક્ટરે જાહેરમાં ક્યારેય કઈ નથી જણાવ્યું. તેના પરિવારમાં તેનાં માતાપિતા અને પત્ની છે. ચેડવિકની પબ્લિસિસ્ટ નિકી ફિયોરાવેન્ટે મુજબ એક્ટરને કોઈ બાળક ન હતું.

2013માં આવેલી બાયોગ્રાફિકલ ફિલ્મથી ઓળખ મળી
સાઉથ કેરોલિનામાં જન્મેલા ચેડવિકે હાવર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. 2013માં ફિલ્મ સ્ટાર બન્યા પહેલાં તે ટીવી પર નાના મોટા રોલ કરતો હતો. 2013માં આવેલી અમેરિકન સ્પોર્ટ્સ બાયોગ્રાફિકલ ડ્રામા 42માં તેના રોલ જેકી રોબિન્સને બધાનું ધ્યાન ખેંચ્યું અને તે હોલિવૂડમાં સ્ટાર બની ગયો. આ ફિલ્મ અમેરિકાના પૂર્વ પ્રોફેશનલ બેસબોલ પ્લેયર જેકી રોબિન્સનની લાઈફ પર આધારિત હતી. તેઓ આધુનિક યુગમાં મેજર બેસબોલ લીગમાં રમનારા પહેલા આફ્રિકી અમેરિકન પ્લેયર હતા.

બોલિવૂડ સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
સ્ટારના નિધન બાદ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ રણવીર સિંહ, અર્જુન કપૂર, દિશા પટની, વરુણ ધવન, કરીના કપૂર, નેહા ધૂપિયા, અનુપમ ખેર સહિત ઘણાએ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...