• Gujarati News
  • Entertainment
  • Bappi Lahiri Funeral: Bappi Lahiri's Last Rites To Be Performed Today At 9 Am, Followed By Cremation At 10 Am

અલવિદા બપ્પી દા:બપ્પી લહરી પંચતત્ત્વમાં વિલીન, દીકરાએ મુખાગ્નિ આપ્યો, વિદ્યા બાલન, શક્તિ કપૂર, મિકા, અભિજિત, શાન સહિત અનેક સેલેબ્સે વિદાય આપી

8 મહિનો પહેલા
  • સિંગરનું નિધન ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયાને લીધે થયું
  • દીકરીના ખોળામાં અંતિમ શ્વાસ લીધા

દિગ્ગજ સિંગર-કમ્પોઝર બપ્પી લહરી પંચતત્ત્વમાં વિલીન થઈ ગયા છે. મુંબઈના વિલેપાર્લે ખાતે આવેલા પવનહંસ સ્મશાન ઘાટમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. તેમના દીકરા બપ્પા લહરીએ બપ્પી દાને મુખાગ્નિ આપ્યો. 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યે 69 વર્ષની ઉંમરે સિંગરે દુનિયાને અલવિદા કહ્યું, પરંતુ બીજે દિવસે એટલે કે બુધવારે અંતિમસંસ્કાર ના થઇ શક્યા, કારણ કે બપ્પી લહરીનો દીકરો અમેરિકા હતો અને તે બુધવારે મોડી રાત્રે જ મુંબઈ આવી શક્યો. પરિવારના હૈયાફાટ રૂદન અને ચાહકોની ભીની આંખો વચ્ચે બપ્પીદાની અંતિમ યાત્રા નીકળી હતી. સ્મશાન ગૃહમાં વિદ્યા બાલન, શક્તિ કપૂર, ગાયિકા અલકા યાજ્ઞિક, ઇલા અરુણ, ગાયક અભિજિત, શાન, મિકા સિંહ સહિત અનેક સેલેબ્સે બપ્પી લહરીને આખરી વિદાય આપી હતી.

સ્મશાન ગૃહમાં બપ્પી લહરીના શોકમગ્ન પુત્ર બપ્પા લહરી
સ્મશાન ગૃહમાં બપ્પી લહરીના શોકમગ્ન પુત્ર બપ્પા લહરી
બપ્પીદાના પાર્થિવદેહને વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનગૃહમાં લઈ જતા પરિવારના લોકો.
બપ્પીદાના પાર્થિવદેહને વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનગૃહમાં લઈ જતા પરિવારના લોકો.
બપ્પી લહરીના અંતિમસંસ્કારમાં સેલેબ્સની સાથે પરિવારના લોકો પણ સામેલ.
બપ્પી લહરીના અંતિમસંસ્કારમાં સેલેબ્સની સાથે પરિવારના લોકો પણ સામેલ.
વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનગૃહમાં બપ્પી લહરીના અંતિમસંસ્કાર થશે.
વિલેપાર્લે સેવા સમાજ સ્મશાનગૃહમાં બપ્પી લહરીના અંતિમસંસ્કાર થશે.

અંતિમ શ્વાસ સુધી દીકરી રીમા સાથે હતી
બપ્પી દાએ મુંબઈની જુહુ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બપ્પી દા સાથે છેક સુધી તેમની દીકરી હતી. રીમાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તે અંતે પિતાના મૃતદેહ સામે હૈયાફાટ રુદન કરી રહી છે અને પરિવાર તેને સાંત્વના આપી રહ્યો છે.

OSA સ્લિપ ડિસઓર્ડરને લીધે નિધન થયું
બપ્પી દાની તબિયત અચાનક લથડતાં તેમને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, સિંગરનું નિધન ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયાને લીધે થયું છે. છેલ્લા એક વર્ષથી તેઓ આ ડિસઓર્ડરથી પીડિત હતા. ઉંમર વધતાં તેમને ઘણા હેલ્થ પ્રોબ્લેમ પણ હતા.

અંતિમ દર્શન માટે સેલેબ્સ ઘરે પહોંચ્યા
નિધન પછી બપ્પી દાનું પાર્થિવ શરીર હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યું હતું. કાજોલ અને તેની માતા તનુજ, અલકા યાજ્ઞિક, રાકેશ રોશન, ચંકી પાંડે, અભિજિત ભટ્ટાચાર્ય, નીતીન મુકેશ, પદ્મિની કોલ્હાપુરે, ઈલા અરુણ, સોફી ચૌધરી, રાજ મુખર્જી, લલિત પંડિત, સાધના સરગમ, વિજેતા પંડિત, પૂનમ ઢિલ્લોં, સાક્ષી તંવર અને સલમા આગા સહિત ઘણાં સેલેબ્સ અંતિમસંસ્કાર માટે તેમના ઘરે ગયાં હતાં. બપ્પી દાના ઘરની બહાર ચાહકોની ભીડનો જમાવડો હતો.

મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ક્યારેય છોડવા ઇચ્છતા નહોતા
એકવાર બપ્પી દાએ કહ્યું હતું, ‘કિશોર દાને હું મામા કહેતો હતો અને તેમની સાથે ઘણી ફિલ્મમાં સોન્ગ ગાયાં છે, પરંતુ તેમના મૃત્યુ પછી મને લાગ્યું કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. 1987માં કિશોર મામાના ગયા પછી મને ગમતું નહોતું.’ એ પછી પિતાએ મને કહ્યું હતું કે ‘કિશોર દાના આશીર્વાદ હંમેશાં તારી સાથે જ છે, આ કામ બંધ ના કર. એ પછી શબ્બીર કુમારની સાથે ‘ગોરી હૈ કલાઈયા’ સોન્ગ સુપરહિટ ગયું.

બપ્પી દા આટલું સોનું કેમ પહેરતા હતા?
બપ્પી દાએ એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હું અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસલીનો મોટો ચાહક છું.’ એલ્વિસ તેના પર્ફોર્મન્સ દરમિયાન સોનાની ચેન પહેરતા હતા. સ્ટ્રગલના દિવસો દરમિયાન બપ્પીએ એલ્વિસને જોઈને મનમાં ગાંઠવાળી લીધી હતી કે જો હું સફળ થઈશ તો મારી અલગ જ ઓળખ બનાવીશ. એ પછી તો બપ્પી દાએ સફળતાની સીડી ચડવાની શરૂ કરી દીધી અને એલ્વિસની જેમ જ ચેઇન પહેરવાની શરૂ કરી. જોતજોતાંમાં આ તેમની ઓળખ બની ગઈ. આ શોખને લીધે સિંગરને ઇન્ડિયાના ગોલ્ડમેન કહેવામાં આવે છે. બપ્પી દા માનતા હતા કે ગોલ્ડ મારા માટે લકી છે.