બંગાળી એક્ટ્રેસનું અવસાન:કેન્સર સામે લડીને બેઠી થયેલી 24 વર્ષીય એંડ્રિલાને મલ્ટિપલ કાર્ડિયાક અટેક આવ્યા

15 દિવસ પહેલા

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું 24 વર્ષની વયે નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એંડ્રિલાના શનિવાર (19 નવેમ્બર)ની રાત્રે મલ્ટિપલ કાર્ડિયેક અરેસ્ટ આવ્યા હતા અને તેનું રાત્રે 12.59 વાગે અવસાન થયું હતું. ડૉક્ટર્સે એંડ્રિલાને બચાવવા શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા. પહેલી નવેમ્બરના રોજ એંડ્રિલાને બ્રેન સ્ટ્રોકનો હુમલો આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે છેલ્લાં કેટલાંક દિવસથી વેન્ટિલેટર સપોર્ટ પર હતી. થોડાં દિવસ પહેલાં એંડ્રિલાની સર્જરી પણ કરવામાં આવી હતી. એંડ્રિલા શર્મા છેલ્લા ઘણા દિવસોથી કોમામાં હતી. અચાનક નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ડૉક્ટર્સે પણ હાથ ઊંચા કરી દીધા હતા
પહેલી નવેમ્બરના રોજ એડમિટ થયા બાદ ન્યૂરો સર્જન સહિતના ડૉક્ટર્સે આશા છોડી દીધી હતી. જોકે, એંડ્રિલા આ તમામ મુશ્કેલી સામે લડવા તૈયાર હતી. એંડ્રિલાની તબિયતમાં થોડો સુધારો થયો હતો, પરંતુ આ વખતે તે જંગ હારી ગઈ હતી.

સો.મીડિયામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શ્રદ્ધાંજલિ પાઠવી
સો.મીડિયામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શ્રદ્ધાંજલી પાઠવીને ચાહકો તથા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ પણ એંડ્રિલાના અવસાન પર શોક પ્રગટ કર્યો હતો. એક્ટર જીતે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, એંડ્રિલાના પરિવાર તથા ચાહકો પ્રત્યે સંવાદના છે. મુશ્કેલ સમયમાં તેઓ હિંમત રાખે. ફિલ્મમેફર ઇન્દ્રદીપે કહ્યું હતું, એંડ્રિલા હંમેશાં ચાહકોના મનમાં જીવતી રહેશે.
થોડા દિવસ પહેલાં આ એંડ્રિલાને આપવામાં આવ્યું હતું CPR
છેલ્લા ઘણા દિવસથી એક્ટ્રેસની હાલત લથડતી જતી હતી. 15 નવેમ્બરના રોજ મલ્ટિપલ હાર્ટ એટેક પણ આવ્યો હતો જે બાદ તબિયત વધુ ખરાબ થઇ હતી. એંડ્રિલાને CPR પણ આપવામાં આવ્યું હતું. આ બાદ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતી.

ત્યારબાદ સીટી સ્કેન રિપોર્ટમાં સામે આવ્યું કે તેના માથામાં લોહીની ગાંઠો થઇ રહી હતી. આ ગાંઠ એંડ્રિલાના માથાના જે ભાગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેની સામેની બાજુએ થઈ રહી હતી. એંડ્રિલાને બે વાર કેન્સર થયું હતું. થોડા દિવસ પહેલાં તેમને સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમના મગજમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા.

એંડ્રિલાએ બોયફ્રેન્ડ સાથેની છેલ્લી પોસ્ટ શૅર કરી હતી
એંડ્રિલાએ બોયફ્રેન્ડ સબ્યાસાચી સાથેની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તેણે આ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારા જીવવા માટેનું કારણ. હેપ્પી બર્થડે.'

બોયફ્રેન્ડે પોસ્ટ શૅર કરી હતી
શનિવાર, 19 નવેમ્બરના રોજ એંડ્રિલાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે એંડ્રિલાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, પછી એંડ્રિલાની તબિયત લથડતાં તેણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. એંડ્રિલાની તબિયત ખરાબ હતી તે સમયે સબ્યાસાચીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે સપનેય વિચાર્યું નહોતું કે તેણે આ બધું કહેવું પડશે. તે તમામને વિનંતી કરે છે કે એંડ્રિલા માટે પ્રાર્થના કરો. તે તમામ મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી છે.

નાની હતી ત્યારથી લડી રહી છે
એંડ્રિલા ટીનેજર હતી ત્યારે તેને બોનમોરો કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણે કીમોથેરપી લીધી અને સાથા સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. તે પોતાના સપનાઓને પૂરાં કરવા માટે કોલકાતા આવી હતી. તેણે બંગાળી ડેઇલી સિરિયલ 'ઝૂમૂર'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. એંડ્રિલાને એક્ટિંગ પ્રત્યે પેશન હતું.

પરિવાર માટે દોઢ વર્ષ મુશ્કેલ રહ્યો
છેલ્લા દોઢ વર્ષથી એંડ્રિલા તથા તેના પરિવાર માટે આ સમય મુશ્કેલ રહ્યો હતો. ફેબ્રુઆરી, 2021માં એંડ્રિલાને ફરીવાર કેન્સર હોવાનું સામે આવ્યું હતું. એંડ્રિલા અચાનક જ બીમાર પડી હતી અને કેન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. તેને ફેફસામાં કેન્સરની ગાંઠ થઈ હતી અને તેણે દિલ્હીમાં સારવાર કરાવી હતી. તેને ફરી એકવાર કીમોથેરપી લીધી અને જટિલ સર્જરી પણ કરાવી હતી. તે બીજીવાર કેન્સર સામેની જંગ જીતી હતી અને થોડાં મહિનામાં જ કેન્સર ફ્રી થઈ ગઈ હતી. આ સમયે એંડ્રિલા ડેઇલી સોપ 'જિયોં કાથી'માં લીડ રોલ પ્લે કરતી હતી. અડધી ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ એંડ્રિલા દિલ્હીથી કોલકાતા આવી હતી અને તેણે આ સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે એંડ્રિલાની તબિયત એટલી સારી નહોતા, છતાં તેણે શૂટિંગ કર્યું હતું.

એંડ્રિલાએ અનેક મુસીબતોનો સામનો કરીને બીમારી સામે જીત મેળવી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને અવૉર્ડથી સન્માનિત કરી હતી.