'સસુરાલ સિમર કા'ના એક્ટરનું નિધન:અભિનેતા અને વોઇસ ઓવર આર્ટિસ્ટ આશિષ રોયનું અવસાન, કિડની ફેલ્યોર અને આર્થિક તંગીનો સામનો કરતાં ઘરમાં અંતિમ શ્વાસ લીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

'સસુરાલ સિમર કા' જેવી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળેલા અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરની સવારે લગભગ 4 વાગ્યે આ 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આશિષ છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા હતા અને તેમની પાસે સારવારના પણ પૈસા નહોતા. છેલ્લા એક વર્ષમાં તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા દ્વારા લોકો પાસે આર્થિક મદદ માગી ચૂક્યા હતા.

નજીકના મિત્રએ નિધનની પુષ્ટિ કરી
આશિષના નજીકના મિત્ર સૂરજ થાપરે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સૂરજે કહ્યું હતું કે 'છેલ્લાં કેટલાંક વર્ષોથી આશિષ કિડનીની બીમારી સામે લડી રહ્યો હતો. તે આર્થિક રીતે પગભર થવાનો ઘણો પ્રયાસ કરી રહ્યો હતો અને અમુક હદ સુધી સફળ પણ થઈ ચૂક્યો હતો. બંને કિડની ખરાબ થઈ ગઈ હોવા છતાં તે તેની સારવાર કરાવી રહ્યો હતો અને લોકો પાસે કામ માગી રહ્યો હતો.'

કામ કરનારના ખોળામાં અંતિમ શ્વાસ લીધા
સૂરજે વધુમાં કહ્યું હતું કે કલર્સ ચેનલની સાથે એક શોની વાતચીત પણ ચાલી રહી હતી અને થોડા દિવસ પહેલાં ડબિંગ પણ કર્યું હતું. અચાનક સવારે લગભગ 3.30 વાગ્યે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. તેમને છાતીમાં ઘણો દુખાવો થવા માંડ્યો હતો. જે છોકરો તેમની સાથે રહે છે તેણે તેમના દુખાવા વિશે જણાવ્યું હતું. છોકરા સાથે વાતચીત દરમિયાન જ તેના ખોળામાં તેમનું મોત થયું.

પરિવારમાં બહેન સિવાય કોઈ નથી
સૂરજે જણાવ્યું હતું કે આશિષના પરિવારમાં તેમની બહેન સિવાય કોઈ નથી. તે કોલકાતામાં રહે છે. કોલકાતાથી મુંબઈ ડાયરેક્ટ ફ્લાઈટ ન હોવાથી તેઓ આજે સાંજ સુધી અહીં પહોંચશે. લગભગ 7 વાગ્યે આશિષના અંતિમસંસ્કાર થશે.

આર્થિક તંગીને કારણે સારવાર કરાવી શક્યા નહીં
આશરે 6 મહિના પહેલાં આશિષે તેમના જન્મદિવસ પર મોત માગ્યું હતું. આર્થિક સંકડામણને લીધે તેઓ તેમની સારવાર કરાવી શક્યા નહીં. એ સમયે દિવ્ય ભાસ્કરની સાથે વાતચીતમાં આશિષે કહ્યું હતું કે- 'આજે (18 મે) મારો જન્મદિવસ છે અને હું આ વાતાવરણમાં પીડાઈ રહ્યો છું. હું ચાલી પણ નથી શકતો. બે દિવસ પહેલાં મેં ઘણા ડોક્ટર્સનો સંપર્ક કર્યો, પરંતુ કોઈએ મદદ ન કરી.

ઘણી વિનંતી બાદ એક નજીકના ડૉક્ટર સારવાર માટે તૈયાર થયા. સારવાર પર અત્યારસુધીમાં લગભગ 4 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. છેલ્લા 8 મહિનાથી કોઈ આવક નથી થઈ. તેથી મેં સારવાર વચ્ચેથી છોડવાનો નિર્ણય કર્યો. ઘરે જઈને મરી ગયો તોપણ કોઈ દુઃખ નથી.

અત્યારે મને પૈસાની બાબતમાં કોઈનો સપોર્ટ નથી મળી રહ્યો. મારી આખી જિંદગીની કમાણી ખર્ચાઈ ગઈ છે. હવે આવી જિંદગી જીવવી મુશ્કેલ છે. ભગવાન મને ઉઠાવી લે તો સારું.'

આ સિરિયલમાં કામ કર્યું હતું
આશિષે 'સસુરાલ સિમર કા' સિવાય 'બનેગી અપની બાત', 'બ્યોમકેશ બક્ષી', 'યસ બોસ', 'બા બહુ ઔર બેબી', 'મેરે અંગને મેં', 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' અને 'આરંભ' જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત આશિષે નેતાજી સુભાષચંદ્ર બોઝ, હોમ ડિલિવરી, મેરા પહલા પહલા પ્યાર, રાજા નટવરલાલ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

એક અભિનેતા હોવા ઉપરાંત આશિષ રોય કાબેલ વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ હતા. તેમણે 'સુપરમેન રિટર્ન્સ'માં કેવિન સ્પેસી માટે, 'ડાર્ક નાઇટ'માં હીથ લેજર માટે તથા 'ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી'માં બ્રેડલી કૂપર જેવા સુપરસ્ટાર્સના હિન્દી ડબિંગ માટે પોતાનો અવાજ આપ્યો હતો.

સેલેબ્સની અંજલિ
આશિષ રોયના અકાળે અવસાન પછી હવે ફિલ્મજગતની હસ્તીઓ સોશિયલ મીડિયા પર તેને અંજલિ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...