કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022:યુક્રેનમાં થઈ રહેલા સેક્સ્યૂઅલ વાયોલન્સની વિરુદ્ધ એક્ટિવિસ્ટે રેડ કાર્પેટ પર કપડાં ઉતાર્યાં, મેસેજ લખ્યો- 'સ્ટોપ રેપિંગ અસ'

પેરિસ3 મહિનો પહેલા

ફ્રાન્સમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ પર શુક્રવારે એક એવી ઘટના જોવા મળી, જે હવે આખી દુનિયામાં ચર્ચાનું કારણ બની ગઈ છે. હકીકતમાં ઈવેન્ટ દરમિયાન એક મહિલા એક્ટિવિસ્ટે યુક્રેનમાં મહિલાઓની સાથે થઈ રહેલા સેક્સ્યૂઅલ વાયોલન્સની વિરુદ્ધ મેસેજ આપવા માટે રેડ કાર્પેટ પર પોતાનાં કપડાં ઉતારી નાખ્યાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ પણ થઈ રહ્યો છે.

મહિલાએ બોડી પર મેસેજ લખ્યો- 'સ્ટોપ રેપિંગ અસ'
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાએ પોતાના શરીર પર બોડી પેઇન્ટથી બ્લૂ અને યેલો કલરનો યુક્રેનનો ધ્વજ બનાવ્યો છે. તેની સાથે જ મહિલાએ ધ્વજની પર બ્લેક કલરથી એક મેસેજ 'સ્ટોપ રેપિંગ અસ' લખ્યું છે. એ ઉપરાંત મહિલાના પગ પર રેડ કલર પણ દેખાઈ રહ્યો છે.

ગાર્ડ્સે મહિલાને રેડ કાર્પેટ પરથી હટાવી દીધી
એટલું જ નહીં, વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનમાં થઈ રહેલા રેપનો પર્દાફાશ કરવા માટે મહિલાએ આ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં રેડ કાર્પેટ પર 'સ્ટોપ રેપિંગ અસ' (અમારો બળાત્કાર ન કરો)ના નારા પણ લગાવ્યા. એ બાદ ફિલ્મ ફેસ્ટિવલના ગાર્ડ્સ એક્શનમાં આવી ગયા અને તેમને પોતાના કોટની મદદથી મહિલાનું શરીર ઢાંક્યું અને રેડ કાર્પેટ પરથી તેને હટાવી દીધી.

આ દરમિયાન મહિલાએ બેક પર SCUM પણ લખ્યું હતું. SCUM એક કટ્ટરપંથી ફેમિનિસ્ટ એક્ટિવિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. આ ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા પર મહિલાનો ફોટો શેર કરી લખ્યું, આ એક્ટિવિસ્ટે રશિયાના સૈનિકો દ્વારા યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલાઓની સાથે કરવામાં આવેલા બળાત્કાર અને યૌન ઉત્પીડનનો પર્દાફાશ કર્યો છે.

'થ્રી થાઉઝન્ડ યર્સ ઓફ લોન્ગિંગ'ના પ્રીમિયર દરમિયાન ઘટના થઈ
‘ધ હોલિવૂડ રિપોર્ટ’ના અનુસાર, યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનની શરૂઆત પછી અત્યારસુધી રશિયાના સૈનિકો દ્વારા યુક્રેનની મહિલાઓ સાથે બળાત્કાર કરવાના ઘણા સમાચારો સામે આવ્યા છે. કાન્સમાં આ ઘટના ફિલ્મમેકર જ્યોર્જ મિલરની ફિલ્મ 'થ્રી થાઉઝન્ડ યર્સ ઓફ લોન્ગિંગ' ના પ્રીમિયર દરમિયાન થઈ. આ ફિલ્મમાં ઇદ્રીસ એલ્બા અને ટિલ્ડા સ્વિંટન લીડ રોલમાં છે. આ ઘટનાએ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર સૌને ચોંકાવી દીધા હતા.

ઝેલેન્સ્કીએ પણ કાન્સના ઉદઘાટન પર મેસેજ આપ્યો હતો
આ પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ કાન્સ 2022ના ઉદઘાટન પર એક મેસેજ આપ્યો હતો. તેમણે ફ્રાન્સમાં થઈ રહેલા 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઝેલેન્સકીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર નિશાન સાધતાં કહ્યું હતું કે માણસો વચ્ચે નફરતનો અંત આવશે અને સરમુખત્યારો મરી જશે. સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિએ ફિલ્મ નિર્માતાઓને ફાંસીવાદ પર કોમેડી ફિલ્મ બનાવવાની અપીલ પણ કરી હતી. ઝેલેન્સ્કીએ ચાર્લી ચેપ્લિનના એડોલ્ફ હિટલરવાળા રોલનાં વખાણ કરતાં કહ્યું હતું કે અમને એક નવા ચેપ્લિનની જરૂર છે, જે એ જણાવી શકે કે અમારા સમયનું સિનેમા શાંત નથી.