ભાસ્કર ઇન્ટરવ્યૂનિરેન ભટ્ટનો એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ:એક ભાવનગરી લેખકે વરુણ ધવનને ‘ભેડિયા’ કેવી રીતે બનાવ્યો?

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

ઈ નખશિખ ભાવનગરી માણહ. રહેવાનું તો મુંબઈ, પણ એની અંદર ભાવનગર સતત લવકારા મારે. બમ્બૈયા વડાપાંવ અને મરીન ડ્રાઈવના કિનારેથી આવતી ખારી દરિયાઈ હવા એમને સદી ગઈ છે, પણ મરી નાખેલા ભાવનગરી ગાંઠિયા હજુ એને દાઢે વળગેલા છે. બોર તળાવનો કાંઠો એને સાદ પાડીને બોલાવે છે. કદાચ એટલે જ એ કહે છે એમ, ‘તમને ભાવનગર ભેડિયામાં પણ દેખાશે, તારક મહેતામાં પણ દેખાશે અને બાલામાં પણ દેખાશે.’

નિરેન ભટ્ટની વાત છે આ.

ભાવનગરની રંગભૂમિની આબોહવાને શ્વાસમાં ભરીને વાયા ગુજરાતી સિનેમા થઈને હવે બોલિવૂડમાં કાઠું કાઢી રહેલા નિરેન ભટ્ટનો બાયોડેટા ખાસ્સો વજનદાર છે. 'બે યાર', 'વેન્ટિલેટર', 'રોંગ સાઈડ રાજુ', 'મેડ ઈન ચાઈના', 'લવયાત્રી', 'બાલા' જેવી ફિલ્મો, 'અસુર' અને 'રે' જેવી વેબસિરીઝ તો 'ગોરી રાધાને કાળો કાન' કે 'વ્હાલમ આવોને' કે પછી હમણાં આવેલી ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ના સાંવરિયા જેવાં મસ્ત ગીતો નિરેન ભટ્ટની કલમનું ક્રિએશન છે. એમના બાયોડેટામાં વધુ બે ધરખમ સર્જનનું ઉમેરણ થયું છે. એક છે આવનારી હિન્દી ફિલ્મ 'ભેડિયા' અને બીજું છે ગરમાગરમ ગુજરાતી રિલીઝ ‘ઓમ્ મંગલમ્ સિંગલમં’નાં ‘સાંવરિયા’, ‘સહિયર’, ‘ખૂણે ખૂણેથી’, ‘લટકો’ જેવાં યુથફૂલ સુમધુર ફ્રેશ સોંગ્સ. નિરેન ભટ્ટને કૉલ કરવામાં આવે છે. જેનાં લગ્ન હોય એના ગીત ગવાય એમ ફિલ્મ 'ભેડિયા'ની વાતથી જ શુદ્ધ કાઠિયાવાડીમાં વાતચીતનો દોર આરંભાય છે.

શું છે 'ભેડિયા' ફિલ્મમાં?
'ભેડિયા' એક ફિચર કોમેડી ફિલ્મ છે. અરુણાચલ પ્રદેશની જાણીતી યાકુમ લોકવાયકાનો ભેડિયા ફિલ્મમાં રેફરન્સ લેવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશનાં જંગલોમાં આ ફિલ્મ શૂટ થઈ છે. કોવિડ પીરીયડમાં અમે પૂરી તકેદારી સાથે, અગવડો વેઠીને આ ફિલ્મ શૂટ કરી છે. હોલિવૂડ કંપની એમપીસી આ ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આપી રહી છે. અરુણાચલ પ્રદેશનું કલ્ચર આ ફિલ્મમાં બહુ સુંદર રીતે જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લેખક તરીકે હું ગર્વની લાગણી અનુભવી રહ્યો છું.’ ‘સ્ત્રી’ અને ‘બાલા’ જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂકેલા અમર કૌશિકે ભેડિયા ફિલ્મનું ડિરેકશન કર્યું છે. બાલાનું લેખન પણ નિરેન ભટ્ટે કર્યું હતું, એટલે અમર કૌશિક સાથે આ એમનો બીજો પ્રોજેક્ટ. અમર કૌશિક સાથેના ટ્યુનિંગ વિશે નિરેન ભટ્ટ કહે છે, ‘અમારા બંને વચ્ચે ખૂબ સારું ટ્યુનિંગ છે. હું એક આઈડિયા આપું તો એ બીજા ત્રણ આઈડિયા મને આપે છે. મારા મનમાં ભેડિયાની જે વાર્તા હતી તેનું બેકડ્રોપ એક સાદું જંગલ હતું, પણ અમર કૌશિક મૂળ અરુણાચલ પ્રદેશના છે. એના ફાધર ફોરેસ્ટ અધિકારી હતા. એટલે પછી અરુણાચલ પ્રદેશની વાર્તા અને સંસ્કૃતિને અમે સ્ક્રિપ્ટમાં લાવ્યા. મને અમર કૌશિક સાથે કામ કરવું ખૂબ ગમે છે.’

જો નિરેન ભટ્ટ ભાવનગરમાં જન્મ્યા ન હોત તો..
હવે, અરુણાચલ પ્રદેશથી પાછા ફરીએ અને આવીએ નિરેન ભટ્ટની જન્મભૂમિ ભાવનગરમાં. રમેશ પારેખની જબાનમાં કહીએ તો ઘણીવાર શહેરીજીવનની યાંત્રિકતા તમારા મનસૂબા ઉથલાવી દે. પણ ભાવનગરની વાત જુદી છે. નિરેન ભટ્ટના ઘડતરમાં આ શહેરની અહમ ભૂમિકા. બેંક ઓફિસર પિતા અને પ્રોફેસર માતાનું સંતાન એવા નિરેન ભટ્ટ આ શહેરમાં પોતાનું પ્રથમ નાટક લખે છે. સાયકોલોજીનાં પ્રોફેસર માતા સાથે યુથ ફેસ્ટિવલનો માહોલ-નાટકની ગતિવિધિઓ જોઈ રહ્યા છે. અહીં તેઓ ગુજરાતી અને સંસ્કૃતના પ્રોફેસર એવાં દાદીમા પાસેથી ભાષ।નું જ્ઞાન મેળવી રહ્યા છે. એક આખો માહોલ જાણે નાનકડા નિરેનને સર્જક બનવા તરફ ધક્કો મારી રહ્યા છે. નિરેન ભટ્ટ કહે છે, ‘જો આ બધું ન હોત તો મારામાં લેખક બનવાનું સપનું જ ન જાગ્યું હોત. મને ત્યારથી જ કશું કરવાની તમન્ના હતી. રાજેન્દ્રભાઈ મહેતા, મહેન્દ્રસિંહ પરમાર, જેવા શિક્ષકોએ અમને માર્ગદર્શન આપ્યું હતું. લખવાનો સિલસિલો અહીંથી જ શરુ થયો. ત્યાંથી જે વાતાવરણ મળ્યું ત્યાંથી જ લેખક બનવાનો પાયો નંખાયો. મેં વેબસિરીઝ, ફિલ્મો, નાટક એમ દરેક માધ્યમમાં કામ કર્યું છે, પણ મને ક્યારેય એ ડાઉટ નથી થયો કે હું આ લખી શકીશ કે કેમ? કારણકે મારો પાયો મજબૂત હતો.’

જ્યારે પહેલુ નાટક લખાયું..
નિરેન ભટ્ટે માત્ર ત્રીજા ધોરણમાં પોતાનું પ્રથમ નાટક લખી નાખ્યું: ‘અદલ બદલ’. યાત્રા આગળ ચાલી. સ્કૂલ કોલેજમાં તો નિરેન રંગભૂમિમાં રમમાણ બની ગયા. મધુ રાયના એક જાણીતા નાટક ટાઈટલની પેરોડી કરતા આપણે એમને પૂછીએ કે તમને તમારી કારકિર્દીમાં ગમતા કોઈ એક નાટકનું નામ બોલો તો? તો નિેરેન તરફથી જવાબ મળે છે: ગ્રેજયુએટ પોસ્ટ ગ્રેજયુએટ સિસ્ટમ ફેઇલ. આ નાટકમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની વાત હતી.

...અને આખરે જોબ છોડી દીધી!
વડોદરામાં એમ.ઈ. કરતાં કરતાં વર્ષ 1997થી 2000 દરમિયાન ખૂબ નાટકો કર્યાં. મુંબઇની IBS કૉલેજમાં બે વર્ષનો MBAનો ફુલ ટાઇમ કૉર્સ કર્યો. તે પછી મુંબઇસ્થિત ‘આઇબેક્સી’ નામની ફર્મમાં તેમણે બિઝનેસ ઇન્ટેલિજન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. આ દરમિયાન પેલો લેખનનો કીડો સળવળી રહ્યો હતો. નિરેને થોડું થોડું લખવાનું તો જૉબ ચાલતી હતી ત્યારે જ શરૂ કરી દીધું હતું. પણ પછી લેખક જીવ મુંઝાયો. પેશન અને પ્રોફેશન વચ્ચે અટવાયો. આખરે લેખક પ્રકૃતિને ઓળખીને નિરેનભાઈએ જોબ છોડી દીધી!

ટર્નિંગ પોઈન્ટ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
આવા રિસ્કી ફિલ્ડમાં આવવા માટે સલામત નોકરી છોડો ત્યારે થોડો ડર લાગે. શરુઆતના સંઘર્ષના સમયમાં સમાજ-પરિવાર ને જોબ છોડવાનો નિર્ણય થોડો ઉતાવળિયો અને ભયજનક પણ લાગે. નિરેન ભટ્ટને શરુઆતમાં થોડી તકલીફ પડી. ફરી જોબ શરુ કરી દેવાના વિચારો પણ આવ્યા. એક મોટી સિરીયલ નિરેન લખી રહ્યા હતા એ ટીઆરપી ન મળવાને કારણે બંધ થઈ ગઈ. એકાદ વર્ષ સુધી આવો પિરીયડ રહ્યો, પણ વર્ષ 2012માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રાઇટિંગ ટીમમાં નિરેન જોડાયા. પછી તો ગાડી સડસડાટ ચાલી. વર્ષ 2019-20 સુધી નિરેન તારક મહેતા કા ઉલટા ચશ્મા સાથે લેખક તરીકે જોડાયેલા રહ્યા. નિરેન ભટ્ટે તારક મહેતા પહેલાં ‘યે કાલી કાલી રાતેં’, ‘ઓફિસ ઓફિસ સીઝન-3’, ‘સાવધાન ઇન્ડિયા’ના એપિસોડ લખ્યા છે. પણ તારક મહેતા એમના કરિઅરની ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. વર્ષ 2013માં કલમ સિરીયલથી સિનેમા તરફ વળી અને આપણને મળી અભિષેક જૈન નિર્દેશિત ‘બે યાર’. બસ.. પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી!

કરેક્ટ માણસો સાથે કરેક્ટ ટયુનિંગ
હવે એક તરફ ભાવનગરની રંગભૂમિ અને બીજી તરફ મુંબઈની પ્યોર પ્રોફેશનલ બોલિવૂડ નગરી. અહીં ટકવું સહેલું નથી. નક્કર કલાકીય માપદંડોના હઠાગ્રહી માણસને તો આ શહેર ફટ્ટ દેતું એક્ઝિટ ગેટ બતાવી દે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે ભાવનગરની રંગભૂમિની આબોહવાને શ્વાસમાં ભરેલા આ સર્જકને મુંબઈ શું જલ્દીથી સ્વીકારી લીધા હશે કે પછી બોલિવૂડ નગરીના માર્કેટ ફોર્સીસ આગળ સમાધાનકારી માર્ગ અપનાવ્યો હશે? નિરેન કહે છે, ‘ના, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો સવાલ જ નથી આવતો. કોઈ પણ કૃતિ લખો એ એક પ્રકારનો જાદુ છે. એ માટે ઇન્ગ્રેડિઅન્ટ્સ કરેક્ટ હોવા જોઈએ, ડિરેક્ટર અને એક્ટર કરેક્ટ હોવા જોઈએ. જો આ પાસાંઓમાંથી કોઈ એક ઈનકરેક્ટ હોય તો તમારી વાર્તા વર્ક ન કરે. ગીતોમાં જેમ મારું સચિન-જિગર સાથે ટ્યુનિંગ છે કે ફિલ્મોમાં અમર કૌશિક સાથે ટ્યુનિંગ છે. કરેક્ટ માણસો, કરેક્ટ ટ્યુનિંગ થતાં થોડી વાર લાગે. બાકી ઈન્ડસ્ટ્રી તરફથી મને ખૂબ પ્રેમ મળ્યો છે, મારે એટલો બધો સંઘર્ષ નથી કરવો પડ્યો. તારક મહેતા જેવા પોપ્યુલર શોમાં કામ કરવા મળે એટલે તમને દરેક રીતે સિક્યોરિટી મળી જાય.’

સબ બંદર કે વેપારી, જે માગો ઈ મળે
તારક મહેતા’ જેવી હળવીફૂલ સિરીયલના એપિસોડ લખીને આપણા ચહેરા પર મુસ્કાન લાવી શકતા નિરેન ભટ્ટ પાછા ‘અસુર’ જેવી વેબસિરીઝ લખીને આપણા શરીરમાંથી કાયદેસર ભયનું લખલખું પણ પસાર કરી શકે. એ ‘રોંગ સાઈડ રાજુ’માં થ્રિલની ફીલ આપી શકે છે. ‘બે યાર’માં દોસ્તીની વાત માંડતી એમની કલમ સત્યજિત રાયની સાહિત્યકૃતિઓનો ‘રે’ સિરીઝ થકી આસ્વાદ કરાવે છે. ઇન શોર્ટ, નિરેન ભટ્ટ સબ બંદર કે વેપારી છે. એમની પાસેથી માગો ઈ મળે. બોલિવૂડના હાર્ડકોર કમર્શિયલ માર્કેટમાં ટકવા માટેનું એક જરૂરી પરિબળ આ પણ છે. કમર્શિયલ કોન્ટેન્ટ અને આર્ટ કોન્ટેન્ટ બંને જરૂરી છે. નિરેન ભટ્ટ કહે છે, ‘મને હોરર, કોમેડી કે થ્રિલર એવા કોઈ એક જોનરમાં બંધાવું ગમતું નથી. જેટલું અલગ હોય એટલું મને ચેલેન્જિંગ લાગે છે.’

ફિલ્મલેખક નિરેન ભટ્ટ વર્સિસ ગીતકાર નિરેન ભટ્ટ
નિરેન ભટ્ટની ઓળખ માત્ર ફિલ્મ લેખક તરીકે આપીએ તો એમની ઓળખાણ બહુ અધૂરી લાગે. પદ્યમાંથી જ ગદ્ય પ્રગટે એવું કહીને પોતાને પદ્યના માણસ ગણાવતા ગીતકાર નિરેન ભટ્ટ અને ફિલ્મ લેખક નિરેન ભટ્ટ વચ્ચે કયારેય દ્વંદ્વ થાય ખરું? જવાબ મળે છે, ‘એ મને સૌથી વધારે તકલીફ થાય છે કારણકે ગીતકાર તરીકે મારી અંદર કવિતા-ગદ્ય રમતી હોય. ફિલ્મમાં મારે વાર્તાઓ વિચારવી પડે. તમે જેમ જેમ લખતા જાઓ છો એમ તમને ધીમેધીમે માધ્યમની સમજ આવતી જાય છે. ફિલ્મના જે તે પાત્રને વફાદાર રહીને તમારે એ પાત્રને ન્યાય કરવાનો છે. જુઓ, મારી પાસે આવા સુંદર શબ્દો છે એવી કારીગરી લેખકે નથી કરવાની હોતી. પાત્ર કયો શબ્દ બોલે એના પર વાર્તા છે. ગીતોની વાત અલગ છે. એમા તમારે તમારી કલ્પનાશક્તિને કામે લગાડવાની છે. જેમાં પદ્ય-કવિતા છે. જેમાં અલગ પ્રકારના શબ્દો છે. સ્ક્રીન રાઈટર અને ગીતકાર તરીકે તમારે અલગ અલગ દિશામાં વિચારવું પડે છે.’

ઓટીટી પ્લેટફોર્મ, તકો અને પડકારો
ઓટીટી પ્લેટફોર્મને કારણે હવે રાઈટર ફિલ્મનો હીરો બની રહ્યો છે ત્યારે ઓટીટી કલ્ચર, લેખકો માટેની વધેલી તકો અને પડકારો વિશે નિરેન ભટ્ટ કહે છે, ‘ઓટીટી પ્લેટફોર્મ લેખકનું માધ્યમ છે. દસ એપિસોડની વેબસિરીઝમાં એક એપિસોડ ચાલીસ-પચાસ મિનીટનો હોય છે. ફિલ્મ એકસોવીસ- એકસો પચાસ મિનીટની હોય છે જ્યારે વેબસિરીઝમાં પાંચસો-છસો મિનિટનું કન્ટેન્ટ તમે પીરસો છો. આટલા લાંબા સમયગાળાના કોન્ટેન્ટમાં લોકોને જકડી રાખવા, દરેક એપિસોડમાં લોકો બિન્જ વૉચ કરે (એકસાથે બધું જ જોઈ નાખે) એવું કંઇક નવું આપવું એ ચેલેન્જ છે. ઓટીટી પ્લેટફોર્મ પર ટેલેન્ટેડ કલાકારોની જરૂર છે. અહીં સ્ટારની જરૂર નથી. અહીં પ્રતિક ગાંધી આવીને પણ ઇન્ડિયાનો બેસ્ટ વેબ-શો આપી શકે છે.’ નિરેન ભટ્ટ વાતના અનુસંધાને ઉમેરણ કરતાં આગળ કહે છે, ‘બોલિવૂડ ફિલ્મો ચાલી નથી રહી એનું મુખ્ય કારણ એ છે કે એના રાઇટિંગનો પાયો ક્યાંક નબળો રહી જાય છે. જો રાઇટિંગ સારું નહીં હોય તો ફિલ્મ નહીં ચાલે. ખાલી સ્ટારપાવરથી ફિલ્મ ચાલે એ સમયગાળો હવે રહ્યો નથી. અલબત્ત, સાઉથ ફિલ્મો ચાલે છે ને બોલિવૂડ ફિલ્મો ચાલતી નથી એ વાત પર નિરેન ભટ્ટ સહમતીનો સિક્કો મારતા નથી. તેઓ કહે છે, ‘આ દલીલ સાચી નથી. કારણકે દરેક લેંગ્વેજની બે જ ફિલ્મો ચાલી છે. મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુની.. તમે તાજેતરમાં જ હિટ ગયેલી ‘કંતારા’ જુઓ કે રાજામૌલીની ‘RRR’ જુઓ તો તમને ખ્યાલ આવશે કે એ એકદમ રૂટેડ વાર્તા છે. એની વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ ખૂબ સારી છે. ‘મૈં ઝુકેગા નહીં’વાળો જે એટિટ્યુડ છે એ બચ્ચનનો જ એટિટ્યુડ છે ને. ‘મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા’. જે પુષ્પા બોલે છે એ બચ્ચન સાહેબ ઘણાં વર્ષો પહેલાં કરી ચૂક્યા છે. સમાજ બદલાતાં વાર્તાનો પ્રવાહ બદલાયો અને આપણે ત્યાં ઇન્ટરનલ કોન્ફ્લિક્ટવાળી વાર્તાઓ આવવા માંડી. લોકોને હાઈ ડ્રામા નથી કે જેમાં હિરોઇઝમ નથી એવી ફિલ્મો ઓટીટી પર જોઈ લેવી છે. હવે દર્શકને એક નવો વિઝ્યુઅલ એક્સપિરિઅન્સ આપવો પડે છે. તો જ લોકો સિનેમા તરફ આકર્ષાશે બાકી ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ લેશે. પોપકોર્ન, સમોસા, કોલ્ડ્રિંકસ, ટિકિટ... એક સામાન્ય પરિવાર માટે હજાર-બે હજારની આઇટેમ છે આ. જો તમે દર્શકને કશો નવો અનુભવ નહીં આપો તો એ લોકો નહીં આવે. અમારા તરફથી એવી મહેનત થવી જરૂરી છે કે જે લોકોને થિએટર સુધી ખેંચી લાવે.’

ગુજરાતી સિનેમા પણ નેશનલ બ્લોકબસ્ટર આપશે
ગુજરાતી સિનેમા, ઓસ્કરમાં જઈ રહેલી પાન નલિનની ‘છેલ્લો શો’ અને ગુજરાતી સિનેમામાં છેલ્લા એક દાયકામાં આવેલા નોંધપાત્ર ફેરફારો વિશે વાત કરતાં નિરેન ભટ્ટ કહે છે, ‘છેલ્લો શો મારા મતે ખૂબ સુંદર ફિલ્મ છે. મને આ ફિલ્મ ખૂબ ગમી. મેં ભાવનગરનાં સિનેમાઘરોમાં જોયેલી ફિલ્મોનો અનુભવ, રૂપમમાં સવારના અગિયારના શોમાં જોયેલી ફિલ્મોની યાદ તાજી થઈ. ફિલ્મના પ્રેમમાં પડવાનો મારો ખુદનો અનુભવ તાજો થયો. ગુજરાતી ફિલ્મોમાં શરુઆતના સમયમાં એવું હતું કે કોઈ એક ફિલ્મ સફળ બને એટલે તેની પાછળ એ પ્રકારની સ્ટિરીયોટાઈપ ફિલ્મો બનતી. પણ પછી સારા મેકર્સ આવતા ગયા અને આપણે પણ સંસ્કૃતિ તરફ મોં ફેરવ્યું. આપણા સિનેમામાં ‘હેલ્લારો’ જેવી ફિલ્મો બની. ટેક્નોલોજિકલ પાસાથી જોઈએ તો ‘રાડો’ જેવી ફિલ્મ બની. આપણી ફિલ્મોમાં આપણી વાત, આપણી સંસ્કૃતિની વાત-સાહિત્યની વાત આવવા માંડી છે. નેશનલ બ્લોકબસ્ટર ફિલ્મ આપણે પણ આપીશું.’

ગુજરાતી સિનેમા પ્રત્યે હજુ ગુજરાતી ઓડિયન્સ કેમ ઉદાસીન?
નિરેન ભટ્ટની નેશનલ બ્લોકબસ્ટર આપવાની આશાની બીજી તરફ એક સત્ય એ પણ છે કે ગુજરાતી ઓડિયન્સ હજુ ગુજરાતી સિનેમા સાથે સંધાન સાધી શક્યું નથી. થિયેટરોમાં ગુજરાતી ફિલ્મ જોવા બાબતે ગુજરાતીઓ ઉદાસીન છે. નિરેન ભટ્ટ કારણ આપતા કહે છે, "સાઉથની પ્રજા હિન્દી બોલતી નથી. તમિલનાડુમાં તમિલ તો કેરળમાં લોકો મલયાલમ ભાષા બોલે છે. સિનેમા-નાટક-સાહિત્ય..આ બધામાં તેઓ પોતાની ભાષ।ને પ્રાધાન્ય આપે છે. એ રાજયોમાં હિન્દીનો સદંતર સ્વીકાર જ નથી. આપણે ત્યાં દરેક ભાષાનો સ્વીકાર છે. આપણે હિન્દી ફિલ્મો જોઈને મોટા થયા છીએ એટલે આપણે ત્યાં હિન્દી નોર્મલ છે. હિન્દી ફિલ્મોનું બજેટ-માર્કેટિંગ મોટા સ્કેલ પર હોય છે જયારે એનાથી દસગણા નાના બજેટમાં બનેલી ગુજરાતી ફિલ્મ થકી હિન્દી જેટલું જ મનોરંજન આપવું એ અમારા માટે બહુ મોટી ચેલેન્જ છે. એ લેવલ પર કોમ્પીટ કરી શકે એવી ફિલ્મો બનાવીશું તો જ લોકો થિયેટરમાં આપણી ભાષાની ફિલ્મો જોશે.

પ્રોડ્યુસરો એક સ્ક્રિપ્ટમાં આખરે શું જોઈને કરોડો રૂપિયા રોકતા હોય છે?
ફિલ્મલેખનમાં આવવા થનગનતા નવોદિતોના કામનો એક સવાલ અમારા મનમાં ક્યારનો સળવળી રહ્યો છે કે પ્રોડ્યુસરો આખરે એક સ્ક્રિપ્ટમાં શું જોઈને કરોડો રૂપિયા રોકતા હોય છે? વેચાઈ શકે એવી ફિલ્મોની કોઈ ફોર્મ્યુલા હોય ખરી? નિરેન ભટ્ટ સ્પષ્ટ નનૈયો ભણતાં કહે છે, ‘સારી ફિલ્મ કે સારું ગીત એ એક પ્રકારનો જાદુ છે. એના માટે કોઈ ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા નથી. જ્યારે તમે બીજા કશાની નકલ કરો છો ત્યારે એ ચાલતું જ નથી. જ્યાં સુધી ઓરિજનાલિટી નહીં આવે ત્યાં સુધી નહીં ચાલે. નિર્માતાઓ-મોટાં બેનર જોતા હોય છે તમારો આત્મવિશ્વાસ. એ લોકો તમારી સ્ક્રિપ્ટ વાંચીને તમને એના જેવી બીજી ચાર ફિલ્મોનાં નામ આપશે, સ્ક્રિપ્ટને લઈને તમને પ્રશ્નો પૂછશે, કોઈ જગ્યાએ એ કથાવસ્તુને લઈને મજા પણ નહીં આવે. આ બધા સવાલોના તમારી પાસે સાચા જવાબો હોવા જોઈએ. કાગળ પર લખેલી સ્ક્રિપ્ટ જ્યારે સ્ક્રીન પર આવશે ત્યારે કેવી લાગશે? શું કામ આ ફિલ્મ બનવી જોઈએ? એ તમારે સામેની વ્યક્તિને (પ્રોડ્યુસર-ડિરેક્ટરને) સમજાવવું પડે. જો એ લોકોને સ્ક્રિપ્ટ ગમે તો પછી એ ફિલ્મ બનાવવા તૈયાર થાય. આ સસ્તી વસ્તુ નથી. એક ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. માટે તમારા વિચારમાં-તમારી વાર્તામાં કશુંક નક્કર, કશુંક નાવિન્ય હોવું જોઈએ. તમારા કન્ટેન્ટમાં એટલી તાકાત હોવી જોઈએ કે એ સામેવાળી વ્યક્તિને કરોડો રૂપિયાનું રોકાણ કરવા મજબૂર કરે.

ફિલ્મ લેખન ગ્લેમર નહીં પણ કાળી મજૂરી!
નિરેનની આટલી વાતો સાંભળી આરંભે શૂરાની જેમ ઘણા ઉત્સુકોએ તો મુંબઈ જવાની બેગ પણ તૈયાર કરી નાખી હશે. પણ ઠહર જાઓ ભીડુ, પહલે પૂરા સૂન તો લો! નિરેન ભટ્ટ ફરિયાદી સૂરમાં કહે છે કે, ‘ઊગતા લેખકોની સૌથી મોટી તકલીફ એ છે કે એ લોકો ફિલ્મો જોઈને ફિલ્મ લેખક બનવા માગે છે. પરંતુ આ કામમાં ગ્લેમર નથી, પણ કાળી મજૂરી છે. બનવા તરફ પ્રેરાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્લેમરથી ઘણા લોકો અંજાઈને આ ફિલ્ડમાં આવતા હોય છે, પણ તમે પડદાની પાછળ છો. જે તે પોપ્યુલર થયેલી ફિલ્મ, ટીવી શો કે વેબસિરીઝના હીરો-હિરોઇનને સૌ ઓળખે છે પરંતુ એના રાઈટરને કોઈ ઓળખતું નથી. તારક મહેતા સિરીયલના મેં હજારો એપિસોડ લખ્યા છે પરંતુ એમાં બે દિવસ કેમિયો કરી ગયેલા એક્ટરને પણ સૌ ઓળખે છે. જ્યારે અમે લોહી રેડીને લખીએ છીએ ત્યારે અમને કોઈ ઓળખતું ન હોય. તમે એક ફિલ્મ માટે એક વર્ષ આપી દીધું છે પરંતુ એક્ટરે તો માત્ર પાંત્રીસ દિવસમાં શૂટિંગ પતાવી દીધું છે. પરંતુ આમ છતાં એક્ટરને પૈસા અને માનપાન વધારે મળે છે. એનું ફેન ફોલોઈંગ વધારે હોય છે, દુનિયા એની પાછળ ગાંડી થાય છે. અને તમે તમારા ઘરના એક ખૂણામાં બેઠા છો.’

લેખનનો પાયો લિટરેચર છે!
આ સિવાય નિરેન ભટ્ટ દરેક ઊગતા લેખકને વાંચનની સલાહ આપતાં કહે છે, ‘લખવા માટે સૌથી અગત્યનું શસ્ત્ર છે તમારું વાંચન. લખવું એ મકાન બનાવવા જેવું કામ છે. એ માટે તમારે શબ્દો-વિચારો રૂપી સિમેન્ટ જોઈશે. માત્ર ફિલ્મ જોઈને ફિલ્મ લખી શકાતું નથી. લેખનનો પાયો લિટરેચર છે. જો લિટરેચર સાથે તમે કનેક્ટ નહીં હો તો તમે સફળ નહીં થાઓ. ઇમેજરી સાથે સંબંધ ન હોય તો સિનેમેટોગ્રાફર ન થઈ શકાય, એમ જો શબ્દ સાથે તમારો કોઈ સંબંધ નહીં હોય તો તમે એક અચ્છા લેખક નહીં બની શકો. માટે જેટલું વાંચી શકાય એટલું વાંચો. શેક્સપિયરથી પ્રેમચંદ સુધીનું વાંચો. તમારી દુનિયા ખૂલશે અને શબ્દ સાથે તમારો સંબંધ ડેવલપ થશે.’

"ગુજરાતનો નાથ'ને ફિલ્મ પડદે લાવવાની ઇચ્છા છે
છેલ્લે વાતચીતનું સમાપન કરતાં નિરેન પોતાના ફ્યુચર પ્રોજેકટ અંગે જણાવતાં કહે છે, ‘મને ફિલ્મ ડિરેક્ટ કરવાની ઇચ્છા ખરી. હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં મારા ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાતીમાં કેટલીક સાહિત્યકૃતિઓ મને ગમે છે જેમાં મને કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતનો નાથ’ બહુ ગમે છે. એ ટ્રિલોજી ટીવી સિરીઝ કે ફિલ્મ તરીકે પડદા પર લાવવાનો વિચાર છે. જોકે બીજી ફિલ્મો અને વાર્તાઓમાં અટવાયેલો હોવાને કારણે આના પર હજુ કામ શરુ કર્યું નથી. હિન્દીમાં હવે હું આ જ ટીમ સાથે ફ્યુચરમાં એક બીજી ફિલ્મ લઈને આવી રહ્યો છું.’

અન્ય સમાચારો પણ છે...