• Gujarati News
  • Entertainment
  • 200 Women Who Were Dispossessed, Mutilated In A Crowded Court, The Entire Slum Was In A State Of Celebration.

નાગપુરના સિરિયલ રેપિસ્ટની સ્ટોરી નેટફ્લિક્સ પર:ભરચક કોર્ટમાં 200 મહિલાએ જેને રહેંસી નાખ્યો, ગુપ્તાંગ કાપી નાખ્યું, આખી ઝૂંપડપટ્ટીમાં પછી જશ્નનો માહોલ હતો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવસ હતો 13 ઓગસ્ટ 2004. બપોરના અઢી વાગ્યાના સુમારે નાગપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અજંપાભરેલું ટેન્શન હતું. 200 જેટલી મહિલાઓ મોંએ બુકાની બાંધીને કોર્ટમાં આવીને બેસી ગયેલી. થોડીવારમાં પોલીસ એક આરોપીને રજૂ કરવા માટે કોર્ટરૂમમાં પ્રવેશી. મહિલાઓએ આંખના ઇશારે એકબીજા સાથે સંતલસ કરી અને તે આરોપી પર મરચાના ભૂકાનો વરસાદ વરસાવ્યો. અચાનક થયેલા આ હલ્લાથી ડઘાઈ ગયેલી પોલીસ પણ બે ડગલાં પાછળ હટી ગઈ. મહિલાઓએ તે આરોપીને ઘેરી લીધો અને સાડીની અંદર છુપાવેલા છરા બહાર કાઢ્યા. તે સ્ત્રીઓએ નક્કી કરેલું કે દરેકે તે નરાધમને કમસે કમ એક વખત તો છરો હુલાવવો. આરોપી ચીસો પાડતો રહ્યો કે ‘મને માફ કરી દો... હવે નહીં કરું...’ પણ થોડી વારમાં તેનું શરીર સિત્તેરથી વધુ છરાના ઘાથી ચાળણી થઈ ગયું. પથ્થરોથી ટીચાઈ ગયું. કોઈ વીફરેલી મહિલાએ તે આરોપીનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું. 15 મિનિટમાં એ નરપિશાચ હતો ન હતો થઈ ગયો પરંતુ મહિલાઓમાં એ હદે ગુસ્સો હતો કે એના મૃતદેહને પણ તેઓ મારતા રહ્યા. એ દિવસે નાગપુરના કસ્તુરબાનગર વિસ્તારમાં ઉત્સવનો માહોલ હતો.

કોઈ ફિલ્મને પણ આંટે એવા ખૂની ખેલમાં ભોગ બનનારો આરોપી હતો ભરત કાલિચરણ ઉર્ફે અક્કુ યાદવ. ગેંગસ્ટર, સિરિયલ કિલર, સિરિયલ રેપિસ્ટ, કિડનેપર અને ખંડણીખોર. એ નરપિશાચ કઈ હદે સિતમ ગુજારતો હશે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે નાગપુરના કસ્તુરબાનગરની ઝૂંપડપટ્ટીમાં ભાગ્યે જ એવી કોઈ ઝૂંપડી હતી, જેની સ્ત્રી પર આ અક્કુ યાદવે બળાત્કાર ન ગુજાર્યો હોય! આ સમગ્ર નાટ્યાત્મક ઘટનાક્રમ પર ‘નેટફ્લિક્સ’ હવે વેબસિરીઝ બનાવી રહ્યું છે. ‘ઇન્ડિયન પ્રિડેટરઃ મર્ડર ઇન અ કોર્ટરૂમ’ નેટફ્લિક્સ પર 28 ઓક્ટોબરે રિલીઝ થશે.

નેટફ્લિક્સ પર 28 ઓક્ટોબરે રિલીઝ થશે.
નેટફ્લિક્સ પર 28 ઓક્ટોબરે રિલીઝ થશે.

‘આ માણસ મરવો જોઈએ’
ભારતીય ઈતિહાસમાં 90ના દાયકામાં સિરિયલ કિલિંગ-બળાત્કારના દર્દનાક કિસ્સાઓ સાથે જોડાયેલું એક નામ એટલે ‘અક્કુ યાદવ’. આ નામ સાંભળીને આજે પણ કસ્તુરબાનગરના દલિત મહોલ્લાના લોકો ધ્રૂજી ઊઠે છે. આ નરાધમે 10 વર્ષની નાની બાળકીથી માંડીને 7 મહિનાની ગર્ભવતી મહિલા કે પછી 16 વર્ષની પૌત્રીની દાદી કોઈને પણ પોતાની હવસની નજરથી બાકાત રાખી નહોતી. પોતાની હવસની ભૂખ સંતોષીને કોઈના શરીરના ટુકડા કરીને રસ્તા પર ફેંક્યા તો કોઈને પોતાના શરીર પર આગ ચાંપવા મજબૂર કરી દીધી. મહોલ્લાની દરેક ઝૂંપડીમાં આ સિરિયલ રેપિસ્ટની હવસનો ભોગ બનેલી એક રેપ વિક્ટિમ રહેતી હતી, તેમ છતાં પોલીસ અને ન્યાયતંત્ર આંખ આડે પાટો અને કાન આડા હાથ રાખીને લાચાર બેઠું હતું.

કોઈપણ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતું કરતું. કસ્તુરબાનગરનો દલિત મહોલ્લો તો જાણે તેના માટે અય્યાશીનો અડ્ડો બની ગયો હતો. અહીંના લોકોને જ્યારે ન્યાયનો પોકાર લગાવવા છતાં પણ પોલીસ કે તંત્રનો સહકાર ન મળ્યો ત્યારે આ મહોલ્લાની ઉષા નારાયણેએ સાહસભેર પહેલીવાર આ રેપિસ્ટનો સામનો કરી તેને ‘ડર’ શું છે, તેનો એહસાસ કરાવ્યો અને તેને કોર્ટરૂમ સુધી ઘસડી ગઈ. તેને જોઈને જાણે મહોલ્લાની બીજી મહિલાઓમાં પણ શું જોશ આવ્યો કે કોર્ટરૂમમાં જજ તેને કોઈ સજા ફટકારે એ પહેલાં તેમણે જાતે જ અંદર જઈને તેને સજા આપી દીધી.

કોર્ટરૂમમાં જજ કોઈ સજા ફટકારે એ પહેલાં મહિલાઓએ જાતે જ આ હેવાનને સજા આપી દીધી.
કોર્ટરૂમમાં જજ કોઈ સજા ફટકારે એ પહેલાં મહિલાઓએ જાતે જ આ હેવાનને સજા આપી દીધી.

કોણ હતો અક્કુ યાદવ?
‘સત્તાવાર’ આંકડા પ્રમાણે અક્કુ યાદવે 40થી પણ વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે વર્ષો સુધી આ મહોલ્લાની દલિત મહિલાઓ પર બળાત્કાર અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આ મહોલ્લામાં યાદવે પોતાનું એક સામ્રાજ્ય ઊભું કરી લીધું હતું. જો કોઈપણ તેની સામે જવાની હિંમત કરે, તો તે બળાત્કારનો ભોગ બને અને એમાં પણ દલિત લોકો સાથે તો તે વધુપડતો ક્રૂર રહેતો.

અક્કુનો પહેલો ગુનો નોંધાયો એ વર્ષ 1991નો ગેંગરેપ હતો. તેના મોત પહેલાંના 13 વર્ષ સુધી કરેલા ગુનાઓની વિગત એવી છે કે સાંભળનારને ઘણા દિવસો સુધી ઊંઘ પણ આવતી નથી.

અંજના બાઈ બોરકરની પુત્રી આશાબાઈ બોરકરની તેની 16 વર્ષની પૌત્રીની સામે જ હત્યા કરી નાખી હતી. યાદવની હત્યા માટે ધરપકડ કરાયેલી પાંચ મહિલામાં બોરકર પણ એક હતી. યાદવ વિશે જણાવતાં તેની પૌત્રીએ કહ્યું,‘અમે રાત્રિ ભોજન કરી રહ્યાં હતાં ત્યારે તે મારા ભાઈના મિત્ર હોવાનો ઢોંગ કરીને આગળના દરવાજે આવ્યો. જ્યારે મારી માતાએ દરવાજો ખોલ્યો, ત્યારે તેણે તેને ખેંચીને બહાર કાઢી અને છરીના ઘા માર્યા. ત્યાર બાદ તેણે મારી માતાની બુટ્ટી માટે કાન અને વીંટી માટે આંગળીઓ કાપી નાખી.’

એક અન્ય પીડિતાએ જણાવ્યું કે યાદવ તેમના ઘરે સવારે 4થી 5ની વચ્ચે આવ્યો હતો. તેણે આક્રમક રીતે તેમનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે તે એક પોલીસ અધિકારી છે અને તેમને દરવાજો ખોલવા માટે કહ્યું. યાદવ અંદર પ્રવેશ્યો કે તરત જ તેણે તેના પતિને જાંઘમાં છરીના ઘા માર્યા હતા, તેને બાથરૂમમાં પૂરી દીધો હતો અને પત્નીને તેના વાળથી ખેંચીને સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે સતત 3-4 કલાક સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો.

40થી પણ વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.
40થી પણ વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.

બીજી ઘટના એક એવી મહિલાની હતી કે જે સાત મહિનાની ગર્ભવતી હતી. યાદવ અને તેના માણસોએ કલમા નામની મહિલા સાથે ગેંગરેપ કર્યો. યાદવના માણસોએ તેને ઘરમાંથી ખેંચીને બહાર કાઢી હતી અને રસ્તા પર પહેલાં તેનાં કપડાં ઉતારી નાખ્યા હતા અને તેનો રેપ કર્યો હતો. જ્યારે મહિલાઓએ યાદવ સામે વિરોધ કર્યો અને ફરિયાદ નોંધાવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે તે મહિલા ‘લુઝ કેરેક્ટર’ની હતી અને એને કારણે તે બળાત્કારનો ભોગ બની. આ બધું સહન ન કરી શકેલી ગર્ભવતી કલમાએ શરીરે કેરોસિન છાંટીને મોતને વહાલું કરી લીધું.

માયા રમેશ ઝાંભુલકર મૃત્યુ પહેલાં અક્કુના છેલ્લાં પીડિતોમાંનાં એક હતાં. તેમણે કહ્યું હતું કે અક્કુ તેના ઘરમાં ધસી આવ્યો હતો. ચપ્પુની અણીએ તેણે તેનાં કપડાં ઊતરાવ્યાં અને પોતાના જ પતિ અને યુવાન પુત્રીની સામે નગ્નાવસ્થામાં પોતાના માટે નાચવાનું કહ્યું.

યાદવે આશો ભગત નામની મહિલાને લઇને તેની પુત્રી અને અનેક પાડોશીઓની સામે જ તેનાં સ્તન કાપીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. ત્યાર બાદ યાદવે ભગતના રસ્તા પર જ તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને તેનું મોત નીપજ્યું. પાડોશીઓમાંના એક અવિનાશ તિવારી નામની એક વ્યક્તિ આ હત્યાથી ભયભીત થઈ ગયો હતો અને તેણે યાદવના સંદર્ભમાં પોલીસને રિપોર્ટ કરવાની યોજના બનાવી હતી, જેના કારણે યાદવે તેની પણ હત્યા કરી હતી.

આખરે એક મહિલાએ આ ગેંગસ્ટરને પરસેવો છોડાવી દીધો
અવિનાશ તિવારીની જેમ ઉષા નારાયણ પણ આ નરાધમને જેલના સળિયા પાછળ મોકલવાની અને આકરી સજા અપાવવાનું પ્લાનિંગ કરી રહી હતી. તેણે તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. આ વાતની જાણ જેવી અક્કુ યાદવને થઈ કે તે તરત જ પોતાના ચાલીસેક માણસોને લઈને ધસી આવ્યો અને ઉષાના ઘરને ચારેય તરફથી ઘેરી લીધું. અક્કુએ ધમકી આપી કે ‘બહાર નીકળ અને પોલીસ સ્ટેશન જઈને તારી ફરિયાદ પાછી લઈ લે, નહીંતર તારા મોં પર એસિડ ફેંકી દઈશ અને તારી સાથે બળાત્કાર ગુજારીશ.’ જ્યારે અક્કુના ગુંડાઓ દરવાજો તોડવા લાગ્યા ત્યારે ઉષાએ ઘરમાં ગેસના બાટલાની પિન કાઢી માચિસ હાથમાં લઈને અક્કુને ચેતવણી આપી કે ‘પાછો ચાલ્યો જા, આ દીવાસળી સળગાવીને હું તો મરીશ, તને પણ સાથે લેતી જઈશ.’ ગેસની વાસ આવતાં અક્કુને લાગ્યું કે આ સ્ત્રી ખરેખર આવું કરવા તત્પર હતી, એટલે તે ભયભીત થઇને ત્યાંથી રફુચક્કર થઈ ગયો. આટલાં વર્ષોમાં આ નરાધમ ક્યાંયથી ભાગી છૂટ્યો હોય એવી આ પહેલી ઘટના હતી.

કોર્ટ નંબર-7માં સફેદ આરસની જમીન લાલ થઈ ગઈ હતી અને દીવાલ પર લોહીના ડાઘા પડ્યા હતા
કોર્ટ નંબર-7માં સફેદ આરસની જમીન લાલ થઈ ગઈ હતી અને દીવાલ પર લોહીના ડાઘા પડ્યા હતા

200 મહિલાએ મળીને કરી હત્યા
13 ઓગસ્ટ, 2004ના રોજ અક્કુ યાદવને નાગપુર જિલ્લા અદાલતમાં તેમની સામેના અનેક કેસોમાંના એક કેસમાં હાજર થવાનું હતું. બપોરે લગભગ 3 વાગ્યે સેંકડો મહિલાઓનું ટોળું કોર્ટના કોર્ટ નંબર-7માં ઘૂસી ગયું હતું અને કોર્ટમાં હાજર પોલીસકર્મીઓ અને અધિકારીઓ ડરના માર્યા ભાગી ગયા હતા. અહેવાલો એવું સૂચવે છે કે આ ટોળું કસ્તુરબાનગર ઝૂંપડપટ્ટીમાંથી આવ્યું હતું અને તે જ મહિલાઓ હતી, જે છેલ્લા એક દાયકાથી અક્કુની ક્રૂરતા અને નઘરોળ ભ્રષ્ટાચારી પોલીસતંત્રની નિષ્ક્રિયતાથી દુ:ખી હતી. મહિલાઓનાં આ ટોળાંએ અક્કુ પર છરી વડે હુમલો કર્યો હતો. આ ભીડમાંથી કોઈએ તેનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હતું.

અક્કુના ચહેરા પર લાલ મરચું ફેંકીને તેના મોઢા પર પથ્થરના ઘણા ઘા થયા હતા. આ બધું શરૂ થયાની 15 મિનિટ પછી કોર્ટ નંબર-7માં સફેદ આરસની જમીન લાલ થઈ ગઈ હતી અને દીવાલ પર લોહીના ડાઘા પડ્યા હતા. યાદવ મરી ચૂક્યો હતો. એવું પણ કહેવાય છે કે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે અક્કુ યાદવ એક જ વાત કહી રહ્યો હતો- ‘મને માફ કરી દો! હું ફરીથી એવું નહીં કરું.’

એવું કહેવાય છે કે ‘આ હૃદયદ્રાવક ઘટના બાદ કસ્તુરબાનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. ગીતો ગાવામાં આવ્યાં, નૃત્યો કરવામાં આવ્યાં, ફળો અને મીઠાઈઓ વહેંચાયાં હતાં. પોલીસે પ્રારંભિક તપાસમાં આ કેસમાં 5 મહિલાની ધરપકડ પણ કરી હતી, પરંતુ તમામ મહિલાઓ પુરાવાના અભાવે બહાર છૂટી ગઈ હતી. આ કેસની તપાસ દરમિયાન 200 જેટલી મહિલાઓએ દાવો કર્યો હતો કે તેમણે આ હત્યા કરી છે.

અગાઉની વેબસિરીઝ પણ સત્ય ઘટનાઓ પર આધારિત હતી

આ વેબસિરીઝનું ટ્રેલર-ટીઝર હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી, પણ ‘નેટફ્લિક્સ ઇન્ડિયા'એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને રિલીઝ અંગે જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્ડિયન પ્રિડેટર’ની પહેલી બે સીઝન પણ રિયલ લાઇફ ઇવેન્ટ્સથી પ્રેરિત હતી. પહેલી સીઝન,‘ઇન્ડિયન પ્રિડેટર: ધ બુચર ઓફ દિલ્હી’ ચંદ્રકાંત ઝાની સ્ટોરી પર આધારિત હતી, જેમાં એક સિરિયલ કિલર લોકોની હત્યા કરીને તેના મૃતદેહ દિલ્હીની તિહાર જેલની સામે મૂકી જતો હતો. બીજી સીઝન ‘ધ ડાયરીઝ ઓફ અ સિરિયલ કિલર’માં સિરિયલ કિલર ‘રાજા કોલંદર’ની વાત હતી, જેમાં એક પત્રકારની હત્યાને કારણે અન્ય રહસ્યમય મૃત્યુ અને નરભક્ષીપણાનો પર્દાફાશ થયો હતો. હવે આ ત્રીજી સિરીઝ પણ એક સિરિયલ કિલર અક્કુ યાદવના વાસ્તવિક જીવનથી પ્રેરિત છે.

વેબસિરિઝ પહેલાં ફિલ્મ પણ બની ચૂકી છે
નેટફ્લિક્સના શો ‘ઇન્ડિયન પ્રિડેટર- મર્ડર ઇન અ કોર્ટરૂમ’ પહેલાં 2021માં આ આખી ઘટના પર એક ફિલ્મ પણ બની ચૂકી છે, જેનું નામ ‘200 હલ્લા હો’ રાખવામાં આવ્યું હતું. ઝી5 પર રજૂ થયેલી આ ફિલ્મમાં અમોલ પાલેકર, વરુણ સોબતી, રિંકુ રાજગુરુ, ફ્લોરા સૈની અને સાહિલ ખટ્ટર જેવા કલાકારો ચમક્યા હતા. આ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યૂ મળ્યા હતા અને સ્ટોરી જોઈને દર્શકો દંગ રહી ગયા હતા.

આ આખી ઘટના પર એક ફિલ્મ પણ બની ચૂકી છે.
આ આખી ઘટના પર એક ફિલ્મ પણ બની ચૂકી છે.