200 કરોડની ખંડણી કેસનો માસ્ટર માઇન્ડ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડિઝને કરોડોની ગિફ્ટ જ નથી આપી, પરંતુ વુમન સેન્ટ્રિક ફિલ્મની લાલચ આપી હતી. સુકેશે જેકલીનને કહ્યું હતું કે તે 500 કરોડના બજેટમાં ત્રણ ભાગમાં ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. રિપોર્ટ પ્રમાણે, જેકલીનને પોતાની તરફ કરવા માટેની આ એક માત્ર ચાલ હતી.
સુકેશે જેકલીન માટે તમામ રમત રમી
કેસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુકેશને ખ્યાલ હતો કે જેકલીન બોલિવૂડમાં કામ શોધી રહી છે. તે બહુ ફિલ્મ સાઇન કરતો નથી. આથી જ સુકેશે જેકલીનને લઈ ફિલ્મ બનાવવાનું વચન કર્યું હતું. ફિલ્મમાં હોલિવૂડ VFX કલાકારો તથા વર્લ્ડવાઇડ શૂટ કરવાનું કહેવામાં આવ્યું હતું. સુકેશે જેકલીનને એમ પણ કહ્યું હતું કે તે હોલિવૂડ એક્ટ્રેસ એન્જલિના જોલી જેવી લાગે છે અને તે વુમન સુપરહીરોની સિરીઝ બનાવશે.
જેકલીનને સુકેશના વચન પર વિશ્વાસ હતો
જેકલીનને વિશ્વાસ હતો કે સુકેશ વચન પૂરું કરશે અને બિગ બજેટ ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. સુકેશે ફિલ્મનું બજેટ, પ્રોડક્શન પર પૂરતું રિસર્ચ કર્યું હતું અને વાતચીતમાં ઇન્ડસ્ટ્રીના અનેક મોટા નામોને સામેલ કર્યા હતા.
ચાર વર્ષથી સુકેશ-જેકલીન એકબીજાને ઓળખે છે
ચાર્જશીટમાં જેકલીને ચંદ્રશેખર સાથેની મુલાકાત અંગે વાત કરી છે. તેણે કહ્યું હતું, 'હું ફેબ્રુઆરી, 2017થી સુકેશ સાથે વાત કરી રહું છું. ઓગસ્ટ, 2021માં સુકેશની ધરપકડ થઈ અને ત્યારબાદથી તે ક્યારેય તેને મળી નથી. તેણે એમ કહ્યું હતું કે તે સન ટીવીનો માલિક છે અને જયલલિથાના પરિવારમાંથી આવે છે.' જેકલીન ઉપરાંત સુકેશે નોરા ફતેહીને પણ મોંઘી ગિફ્ટ્સ આપી હોવાની ચર્ચા છે.
કોણ છે સુકેશ ચંદ્રશેખર?
સુકેશ ચંદ્રશેખર કર્ણાટકના બેંગલુરુનો છે. 17 વર્ષની ઉંમરથી અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. થોડાં મહિના પહેલાં સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.