દુઃખદ:‘ઝિંદગી કૈસી હૈં પહેલી..’ના ગીતકાર યોગેશ ગૌરનું 77 વર્ષની ઉંમરમાં નિધન, લતાજીએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે (29 મે)ના રોજ હિંદી સિનેમાના વેટરન ગીતકાર યોગેશ ગૌરનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમણે અનેક ક્લાસિકલ ફિલ્મમાં ગીતો લખ્યા હતાં. લતા મંગેશકરે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે રાજેશ ખન્ના તથા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘આનંદ’નું ગીત ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે..’ તથા ‘ઝિંદગી કૈસી હૈં પહેલી..’ તેમના જાણીતા ગીતો હતાં.

લતા મંગશકરે ટ્વીટ કરી
લતાજીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મને હાલમાં જ ખબર પડી કે હૃદયને સ્પર્શી જનારા ગીત લખનાર કવિ યોગેશજીનું આજે નિધન થયું છે. આ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું. યોગેશજીએ લખેલા ઘણાં ગીતો મેં ગાયા છે. યોગેશ ઘણાં જ શાંત તથા મધુર સ્વભાવના વ્યક્તિ હતાં. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’

19 માર્ચ, 1943માં લખનઉમાં જન્મેલા યોગેશ ગૌરે સાઠ તથા સિત્તેરના દાયકામાં અનેક સારા ગીતો હિંદી સિનેમાને આપ્યા હતાં. તેમણે ખાસ કરીને ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જીની ફિલ્મ માટે ગીતો લખ્યાં હતાં. તેમણે પોતાની કરિયરની શરૂઆત 1962માં ‘સખી રોબિન’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ માટે તેમણે છ ગીતો લખ્યાં હતાં. 1974માં ફિલ્મ ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’ (1976) તથા ‘બાતો બાતો મૈં’ (1979), ‘મંઝિલ’ (1979), ‘બેવફા સનમ’ (1995) તથા છેલ્લે 2003માં ફિલ્મ ‘શશશ...’ના ગીતો લખ્યાં હતાં. તેમણે ટીવી સિરિયલ્સ માટે પણ થોડું કામ કર્યું હતું. તેમના લોકપ્રિય ગીતની વાત કરીએ તો ‘આનંદ’ના બે ગીત ઉપરાંત ‘મંઝિલ’ ફિલ્મનું ગીત ‘રિમ-ઝિમ ગિરે સાવન...’, ‘રજનીગંધા’નું ગીત ‘કઈ બાર યૂ ભી દેખા હૈં’, ‘મિલી’નું ગીત ‘બડી સુની સુની હૈં’ અને ‘મૈંને કહાં ફૂલો સે...’ તથા ‘બાતો બાતો મૈં’ નું ગીત ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહાં.’ સહિતના ગીતો લોકપ્રિય થયા હતાં. 

એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘જે જોયું હતું, જે જીવતો હતો, તે જ લખ્યું છે. હું હંમેશાં મારી આસપાસના લોકો અંગે લખતો.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં હિંદી સિનેમાએ ઈરફાન ખાન તથા રિશી કપૂર જેવા દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા હતાં.

એક્ટર તથા ફિલ્મમેકર નિખીલ દ્વિવેદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તમારા જેવા વ્યક્તિ એક માત્ર હતાં. અમે તમને તમારો હક આપી શક્યા નહીં પરંતુ તમારા દરેક મોતી હંમેશાં રહેશે. તમે મારા મનપસંદ હતાં. તમે લિજેન્ડ હતાં.’

વરૂણ ગ્રોવરે કહ્યું હતું, અલવિદા યોગેશ સાબ, અનેક સારા ગીતો લખ્યાં હતાં. તેઓ સાદગી તથા ઊંડાણ વચ્ચેની જગ્યા શોધી લેતા હતાં.

અન્ય સમાચારો પણ છે...