કર્ણાટકમાં ‘કાંતારા’ અને હિંદુત્વનો વિવાદ:ફિલ્મ જોવા આવેલા મુસ્લિમ યુગલ સાથે મારપીટ, મહિલાએ હિજાબ પહેર્યો હોવાના કારણે અટકાયત કરી

3 મહિનો પહેલા

દક્ષિણ કર્ણાટકમાં એક મુસ્લિમ દંપતી કાંતારા જોવા ગયા ત્યારે તેઓને કથિત રીતે ધમકી આપીને તેઓને માર મારવાનો એક કિસ્સો સામે આવ્યો. આ યુગલ ફિલ્મ જોવા માટે નજીકનાં એક લોકલ થિયેટરમાં પહોંચ્યું હતા અને ત્યારે તેમની સાથે આ ઘટના ઘટી. રિપોર્ટ્સ મુજબ મહિલાનો હિજાબ એ વિવાદનું કારણ બન્યો હતો. મહિલા હિજાબ પહેરીને થિયેટરમાં કાંતારા જોવા માટે આવી હતી તો અમુક લોકોએ આ યુગલની અટકાયત કરી તેઓની સાથે ગેરવર્તણૂક કરી અને આ મહિલાનાં પતિ જોડે મારપીટ પણ શરુ કરી દીધી.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જે લોકોએ મારપીટ કરી, તે હિંદુ સમુદાયનાં હતા અને તે આ મુસ્લિમ યુગલને ફિલ્મ નહોતા જોવા દેવા ઈચ્છતા અને આ કારણોસર જ તેમની સાથે માથાકૂટ કરીને તેમને ફિલ્મ જોવા ન દીધી અને તેઓને ફિલ્મ જોયા વગર જ પાછા મોકલ્યા. તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે, કાંતારામાં હિંદુ ધર્મ સાથે જોડાયેલ અમુક પરંપરાઓ બતાવવામાં આવી છે.

ફિલ્મ જોયા વગર જ ઘરે પાછા જવું પડ્યું
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, મુસ્લિમ દંપતી કેરળનું છે અને ત્યાંની કેવીજી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા માટે આવ્યું છે. તે બંનેએ સ્થાનિકનાં સંતોષ થિયેટરમાં કાંતારા જોવાનું વિચાર્યું. તે બંને થિયેટર સુધી પહોંચ્યા જ હતા ત્યાં જ ત્યાં હાજર એક દુકાનદારે યુવતીને હિજાબમાં જોઈને તેમની પૂછપરછ કરી હતી.

થોડા સમય બાદ એક ગ્રૂપમાં કેટલાક લોકો આવ્યા હતા અને છોકરા સાથે બોલાચાલી અને મારપીટ કરવા લાગ્યા હતા અને ફિલ્મ જોયા વગર જ પરત ફરવાનું કહ્યું હતું. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર હુમલાખોરો હિંદુ સંસ્કૃતિના હતા અને મુસ્લિમ દંપતીને કાંતારા જોતા રોકવા માંગતા હતા.

પોલીસે ફરિયાદ દાખલ કરી છે
હિન્દુસ્તાન ટાઈમ્સનાં રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે, તેમને સોશિયલ મીડિયા દ્વારા મારપીટની ઘટનાની જાણકારી પણ મળી હતી. પોલીસે પીડિતાને શોધી કાઢી હતી અને ગુનેગારો સામે ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું, જેના પગલે ભારતીય દંડ સંહિતાની કલમ-341 (ખોટી રીતે અટકાયત કરવી), 323 (હુમલો કરવો), 504 (ઇરાદાપૂર્વક અપમાન કરવું) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તેઓ ગુનેગારોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિનાં મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ન કરી શકે.

હિન્દૂ માન્યતા પર આધારિત છે ફિલ્મ
'કાંતારા' ફિલ્મ હિન્દૂ માન્યતા પર આધારિત છે, ફિલ્મમાં મૂળભૂત રીતે ‘ભૂત કોલા’ પરંપરા પર આધારિત છે. ભૂત કોલાએ કર્ણાટકનાં ગ્રામીણ વિસ્તારોમાં ઉજવવામાં આવતી એક પ્રથા છે. જેમાં ગામના લોકો દ્વારા દિવ્યપૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન ગામની વ્યક્તિ ભગવાનનો વેશ ધારણ કરીને નાચવા લાગે છે. જે વ્યક્તિ નૃત્ય કરે છે તેમને ‘દેવ નર્તક’ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, નૃત્ય કરતી વખતે, દેવતા વ્યક્તિની અંદર આવે છે. આ સમય દરમિયાન દૈવી નૃત્યાંગના જે પણ કહે છે, તે ગામલોકો માટે ભગવાનની આજ્ઞા માનવામાં આવે છે.

400 કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે ફિલ્મ
અત્રે ઉલ્લેખની છે કે, મૂળ કન્નડ ભાષામાં બનેલી ઋષભ શેટ્ટી સ્ટાર ફિલ્મ ' કાંતારા' એ વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુની કમાણી કરી છે. આજે જે ફિલ્મો 2 અઠવાડિયાથી વધુ સમય નથી ચાલતી ત્યારે આ ફિલ્મ છેલ્લાં 2 મહિનાથી સિનેમાઘરમાં ધૂમ મચાવી રહી છે. 18 કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મનું ડાયરેક્શન ઋષભ શેટ્ટીએ કર્યું છે.