• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • 'Ghatak' Fame Rajkumar Santoshi's Hindi Film With Gandhi In 'Satyana Prabhoyo', 'To Be Gandhi In The Film, One Has To Be Like Gandhi In Real Life Too'

ભાસ્કર ઇન્ટરવ્યૂ‘ગાંધીજી’નો ઇન્ટરવ્યૂ:હવે અમદાવાદના ‘ગાંધી’ હિન્દી ફિલ્મમાં ગોડસે સામે બાથ ભીડશે, દીપક અંતાણીને જોઇને કહેશો, ‘આ તો અસ્સલ ગાંધીજી જ લાગે છે!’

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

‘દેખો, મૈં દસ સાલ બાદ લૌટ રહા હૂં. મેરા સબ કુછ ઈસ ફિલ્મ કે લિયે મૈંને દાવ પેં લગા દિયા હૈ. અચ્છા કરોગે ના? અચ્છા કરોગે તો મૈં ઔર આપ તૈર જાયેગે, વર્ના હમ ડૂબ જાયેંગે...’

એક હિન્દી ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ શરુ થવા જઈ રહ્યું છે. એ પહેલાં ડાયરેક્ટર પોતાના મુખ્ય કલાકારોને બોલાવીને આમ કહે છે. નવ વર્ષ બાદ મેદાનમાં આવેલા એ ડાયરેક્ટર છે ‘ઘાતક’, ‘ઘાયલ’, ‘દામિની’, ‘અંદાઝ અપના અપના’, ‘પુકાર’, ‘લજ્જા’, ‘લેજન્ડ ઓફ ભગતસિંહ’, ‘ખાખી’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ જેવી કલ્ટ ફિલ્મો જેમનાં નામે બોલે છે એ રાજકુમાર સંતોષી. મુખ્ય કલાકારો પૈકી એક છે જેમને આપણે ‘કાશ્મીર ફાઈલ્સ’માં ફારુક મલિક બિટ્ટાના રોલમાં જોયા હતા, એ ચિન્મય માંડલેકર, અને બીજા છે આપણા ગુજરાતી કલાકાર દીપક અંતાણી. ફિલ્મનું નામ છે ‘ગાંધી ગોડસે: એક યુદ્ધ’. અસગર વજાહતના બહુ વખણાયેલા નાટક 'ગોડસે@ગાંધી.ડોટ કોમ' પર આધારિત આ ફિલ્મ મુંબઈ, ભોપાલ અને પંચમઢીના આસપાસનાં ગામોમાં શૂટ થઈ છે.

ગાંધીજીના મૃત્યુ દિનના ચાર દિવસ પહેલાં એટલે કે આગામી 26 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. બેકગ્રાઉન્ડમાં એ. આર. રહેમાનના સંગીતમાં મઢાયેલું ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન વાગી રહ્યું છે. ટ્રેલરમાં મુકાયેલા સંવાદો આખી ફિલ્મના જબરદસ્ત મૂડ અને ટોન સેટ કરી આપે છે..

ગોડસે: હિન્દુ રાષ્ટ્ર કો બચાને કે લિયે મેં તુમ્હારા વધ કરના ચાહતા થા, ઔર ચાહતા હૂં... ગાંધી: ગોલી સે આદમી મરતા હૈ, ઉસકે વિચાર નહીં. મૈં તુમસે કૌન સા યુદ્ધ કર રહા થા? ગોડસે: વિચારોં કા યુદ્ધ. ગાંધી: વિચારોં કે યુદ્ધ મેં હથિયાર નહીં વિચાર ચલતે હૈ...

રસ પડ્યો હોય તો અહીં ટ્રેલર જોઇ લો, પછી ‘ગાંધીજી’ બનેલા ગુજરાતી અદાકાર દીપક અંતાણી સાથેની એક્સક્લૂસિવ મુલાકાત વાંચોઃ

કંઇક હશે ખરું હો બાકી આમાં..! એ ટાઈપની ફીલિંગ આ ટ્રેલર જોયા પછી તમને આવે છે. રાજકુમાર સંતોષીનું નામ તમારી ઉત્કંઠા અને ઉત્સુકતાને વેગ પણ આપે છે. આ ફિલ્મ ગાંધી અને ગોડસેની વિચારધારાનું યુદ્ધ છે. ચિન્મય માંડલેકર ગોડસેનું પાત્ર ભજવી રહ્યા છે અને અફ કોર્સ, આ ફિલ્મમાં દીપક અંતાણી ગાંધીજીની ભૂમિકા ભજવવાના છે.

હિન્દી ફિલ્મોમાં તો ગાંધીજીની ભૂમિકા બેન કિંગ્સ્લેથી લઇને રજિત કપૂર, નસીરુદ્દીન શાહ અને આપણા ગુજરાતી કલાકાર એવા દર્શન જરીવાલા ભજવી ચૂક્યા છે. પરંતુ ગુજરાતી અભિનય જગતમાં તો ગાંધીજી એટલે દીપક અંતાણી અને દીપક અંતાણી એટલે ગાંધીજી એવું સમીકરણ બની ગયું છે. તમે દીપક અંતાણીને મળો એટલે તમારી આંખો કાયદેસરની થાપ ખાઈ જાય. અદ્દલોઅદ્દલ ગાંધીજી. એક સમયે ગુજરાતી ટીવી ચેનલ પર ક્લાસ ક્વોલિટીના ઇન્ટરવ્યૂ જોનારાઓ જેના આકંઠ ચાહકો હતા એ ‘સંવાદ’ જેવો સુપર્બ સેલિબ્રિટી ઇન્ટરવ્યુ પ્રોગ્રામ, ‘ખડકસિંહનો હાસ્યદરબાર’ જેવો પોપ્યુલર કોમેડી શો ઉપરાંત ‘ભવભવના ભરથાર’, ‘કંકુ પુરાયા મા અંબાના ચોકમાં’, દિલીપ રાણપુરાની નવલકથા આધારિત ફિલ્મ ‘પ્રીતમ આપણી પહેલી પ્રીત’ જેવી ફિલ્મો જેવું કંઈ કેટલુંયે દીપક અંતાણીએ ડિરેકટ કર્યું. પરંતુ જેમને ગાંધીજીનો સ્પર્શ થાય તેને બીજી ઓળખ કઈ રીતે ચીપકે? આજેય એમની સજ્જડ ઓળખાણ તો ગાંધીજીની જ.. ‘એમ. કે. ગાંધી હાજીર હો’, ‘યુગપુરુષ’ જેવાં નાટકો, ‘ગાંધીજી માય મેન્ટર’ કે ‘મુજીબ’ જેવી ફિલ્મો અને આ સિવાય અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મો અને શોર્ટ ફિલ્મ્સમાં દીપકભાઈએ ગાંધીજીની ભૂમિકા ભજવી. દિલ્હી રાષ્ટ્રભવનમાં ‘વૉક વિથ ગાંધી’ અને રાજકોટમાં ‘ટૉક વિથ ગાં’ધી કન્સેપ્ટમાં પણ દીપક અંતાણીની વર્ચ્યુઅલ ઇમેજ લેવામાં આવી છે. ગાંધીજીનું પાત્ર દીપક અંતાણીની મજબૂત ઓળખ બની ગયું છે.

‘ગાંધી ગોડસે’ ફિલ્મ વિશે જાણવા માટે અમે એમના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાન પર પહોંચી જઈએ છીએ. એમના સુંદર મજાના ફ્લેટની ડોરબેલ વગાડીએ છીએ. એમનું ચિરપરિચિત વ્યક્તિત્વ આવીને અમને આવકારે છે. અમારી સાથેના કેમેરામેનની આ પ્રથમવાર મુલાકાત હતી એટલે ‘હાઇલા, આ તો અસ્સલ ગાંધીજી જેવા જ લાગે છે હોં, બાકી!’ ટાઈપનો ભાવ એમના ચહેરા પર સ્પષ્ટ કળી શકાય છે.

ઔપચારિકતા બાદ વાતચીતનો દોર આરંભાય છે. દીપક અંતાણી ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરતાં કહે છે, મારી વાઈફ મારી સ્વર્ગસ્થ માતા કે જેને હું કાકી કહેતો એની સામે જોઈને પ્રાર્થના કરતી કે બોલિવૂડની કોઈ મોટા બેનરની ફિલ્મમાં મને ગાંધીનો રોલ કરવાની તક મળે. એ પ્રાર્થના અત્યારે ફળી હોય એવું મને લાગે છે. ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં જ એક નાની સ્ટોરી આવેલી, જેમાં રાજકુમાર સંતોષી ગાંધી અને ગોડસે પર ફિલ્મ બનાવી રહ્યા હોવાના સમાચાર હતા. તે મુજબ નસીરુદ્દીન શાહે ગાંધીજીનું પાત્ર રિફ્યુઝ કર્યું. રાજકુમાર રાવે પણ ગોડસે નકારાત્મક પાત્ર હોવાનું કહીને રિજેક્ટ કર્યું હતું. મારા મિત્રો મને ફિલ્મમાં ટ્રાય કરવાની સલાહો આપતા. મેં મારા રિસોર્સીસથી રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. ‘અમર સિનેમા ઇન્ડિયા’માં લખતા મારા મિત્ર અમર સોલંકીને ફોન કર્યો. એમણે મને રાજકુમાર સંતોષીના કાસ્ટિંગ ડાયરેક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી. મેં રાઇટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર એવા મારા મિત્ર જીતેન પુરોહિતનો સંપર્ક કર્યો. એમણે મને કહ્યું કે તું તાત્કાલિક તારો પોર્ટફોલિયો મોકલ. એ એના જિગરી મિત્ર કશ્યપ ચંદોક સાથે કાસ્ટિંગની કામગીરી કરતા હતા. મેં મારો પોર્ટફોલિયો-વીડિયોઝ-નાટકોના ફોટા વગેરે ડોક્યુમેન્ટ્સ મોકલી આપ્યા. બીજા દિવસે જ મારી રાજકુમારી સંતોષી સાથે મુલાકાત થઈ. એમણે બધા ડોક્યુમેન્ટ જોઈ રાખેલા અને ઓડિશન લીધા વગર મારું કાસ્ટિંગ ફાઈનલ કરી નાખ્યું.’

રાજકુમાર સંતોષી બોલિવૂડના બહુ મોટા ગજાના નિર્દેશક. ક્લાસિક ‘અર્ધસત્ય’ અને ‘વિજેતા’ જેવી ફિલ્મોમાં ગોવિંદ નિહલાનીના આસિસ્ટન્ટ રહી ચૂકેલા રાજકુમાર સંતોષીનું સિનેમા ક્લાસ અને માસની ભેદરેખાથી પર છે. દરેકને ગમે એમનું સિનેમા. અનુપમા ચોપડાની ‘ફિલ્મ કમ્પેનિયન’ વેબસાઈટે એમના માટે શબ્દ પ્રયોજયો છે: ‘ઓવરલુક્ડ ડિરેક્ટર’. એટલે કે જેમના તરફ લોકોનું ખાસ ધ્યાન નથી ગયું તેવા ડિરેક્ટર. સાચી વાત છે બોલિવૂડમાં સંતોષી સાહેબ હજુ જોઈએ એવા ખાસ ચર્ચાયા નથી. છેલ્લે એમણે 2013માં શાહિદ કપૂરને લઇને ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ જેવી ફિલ્મ આપેલી. નવ વર્ષ બાદ પાછા ફર્યા છે. શું હજું એ મેજિક બરકરાર છે? રાજકુમાર સંતોષી સાથે કામ કરવાના અનુભવ અને કામ કરવાની શૈલીને લઈને દીપક અંતાણી કહે છે, 'ફિલ્મ ફ્લોર પર જતાં પહેલાં રાજકુમાર સંતોષીએ વર્કશોપ્સ એટેન્ડ કરવા માટે મને અઠવાડિયા પહેલાં આવી જવા કહ્યું હતું. પણ પછી છેલ્લી ઘડીએ કોઈ કારણોસર મેળ ન પડ્યો. ફિલ્મ ફ્લૉર પર ગઈ એ પહેલાં અમે વર્કશોપ્સ એટેન્ડ નહોતાં કર્યાં કે કોઈ રિહર્સલ પણ નહોતાં કર્યાં. ગાંધીજીના અવાજની હું સારી રીતે મિમિક્રી કરી શકું છું. ગાંધીજીના અવાજની મિમિક્રી કરવાની એમણે મને ના પાડી હતી. બસ, આ જ સલાહ આપી હતી.’ યાને કે દીપકભાઇએ પોતાની ફિલ્મમાં ગાંધીજી જેવા ‘લાગવાનું’ નથી, ગાંધીજી ‘બનવાનું’ છે.

દીપક અંતાણી આગળ કહે છે, ‘રાજકુમાર ખૂબ ઝીણવટપૂર્વક એક એક ફ્રેમ જુએ. આપણે ભ્રમર ઊંચી કરી હોય તો પણ એની નોંધ હોય એમને. એ ખૂબ રિટેક લે. શરુઆતમાં રિેટેક ખૂબ કરવા પડ્યા એટલે મને લાગ્યું કે હું બરાબર નથી કરી રહ્યો. પછી મને જાણ થઈ કે આ જ એમની સ્ટાઇલ છે. અજય દેવગન હોય તો પણ એ વીસ-ત્રીસ રિટેક જ લે. બેસ્ટ આઉટપુટ લેવા માટેની આ એમની રીત છે. બધું ઓકે થઈ ગયું હોય છતાં પણ ‘થોડા ઔર કુછ કર લેતે હૈં’ એમ કહીને વધુ બે રિટેક લઈ લે. જે તે સીનમાં મારે જે એક્સપ્રેશન આપવાનાં હોય એની કોમેન્ટ્રી એ સતત આપ્યા કરે. બહુ સંવેદનશીલ માણસ. સીન ડિસ્ક્રાઈબ કરતાં કરતાં એમની આંખ ભીની થઈ જાય. રડી પડે. આ સમયે એક્ટર તરીકે તમારી જવાબદારી વધી જાય. એ ગુસ્સે ન થાય, પણ સતત જવાબદારીનું ભાન તમને કરાવતા રહે.’

દીપક અંતાણીએ શ્યામ બેનેગલના નિર્દેશનમાં પણ કામ કર્યું છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાનની બાયોપિક ‘મુજીબ’માં. શ્યામ બેનેગલ આર્ટ સિનેમાના નિર્દેશક અને રાજકુમાર સંતોષી મેઈનસ્ટ્રીમ સિનેમાના નિર્દેશક. બંને તદ્દન સામા છેડે ઊભેલા ફિલ્મમેકર. પાત્ર એક જ હોય, પરંતુ નિર્દેશક બે અલગ દિશાના હોય ત્યારે એમની નિર્દેશન શૈલીમાં શું તફાવત અનુભવાય? કયાં બિંદુઓ પર આ બંને નિર્દેશકોની શૈલીનો સમન્વય થાય? દીપકભાઈ કહે છે, ‘શ્યામ બેનેગલની ફિલ્મ મુજીબ એ શેખ મુજીબર રહેમાની બાયોપિક છે. આ ફિલ્મમાં ગાંધીજીનું એક જ દૃશ્ય છે. માત્ર પાંચ-સાત સંવાદ જ હતા મારા એ ફિલ્મમાં. જ્યારે અપકમિંગ ફિલ્મ આખી ગાંધીજી પર આધારિત છે. કમ્પેરીઝન થોડું અઘરું પડે પણ રાજકુમાર સંતોષીના મેકિંગમાં-એના પ્રેઝન્ટેશનમાં કોમર્શિયલ એંગલ વધારે જોવા મળે. જ્યારે શ્યામ બેનેગલમાં કોમર્શિયલને બદલે સિમ્પલ એપ્રોચ હોય.’

‘ગાંધી ગોડસે’ ફિલ્મમાં ગાંધીનો પોઈન્ટ ઓફ વ્યૂ હશે કે પછી ગોડસેનો? જવાબમાં બહુ ડિસ્ક્લોઝ ન કરતાં દિપક અંતાણી કહે છે કે આ ફિલ્મમાં કોઈ હારતું પણ નથી અને કોઈ જીત પણ મેળવતું નથી. ફાઈન બેલેન્સ છે આ ફિલ્મમાં. અહીં બંને પાત્રોની આઇડિયોલોજી વચ્ચેનું વૉર છે.

તખતાની પરિભાષામાં કહીએ તો હવે થોડું દીપકભાઈના પ્રોફાઈલ પર ફૂલ લાઈટીંગ આપીએ. દીપક અંતાણી પોતાની યાત્રા વિશે વાત માંડતાં કહે છે, ‘મને અભિનયનો શોખ હતો, પણ નાટક-ફિલ્મમાં કરિઅર બનાવવાનો શરુઆતમાં વિચાર ના હતો પણ વડોદરામાં એન્જિનિયરની નોકરીના થોડા જ સમયમાં મને જોબ એકવિધ અને કંટાળાજનક લાગવા માંડી. આવી ટિપિકલ જોબની આખી જિંદગી મજા નહીં આવે એમ વિચારી હું મારા શોખ તરફ વળ્યો. એ વખતે બરોડા મ્યુઝીક કોલેજના પ્રોફેસર અવંતિલાલ ચાવડાનો વર્કશોપ રંગમંડળ સંસ્થામાંથી કરેલો. મેં એમને એપ્રોચ કર્યા અને નોકરીની સાથે બરોડામાં ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ડ્રામામાં એડમિશન લીધું. આમ મેં નોકરીની સાથે મારી ડિગ્રી પણ પૂર્ણ કરી. આ દરમિયાન દૂરદર્શનમાં મને જોબ મળી. આવી રીતે યાત્રા શરુ થઇ. રસપ્રદ વાત એ છે કે દીપક અંતાણીએ પોતાના અભિનયની પ્રથમ શરુઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પાત્રથી કરી હતી!

ગાંધીજીની સૌપ્રથમ ભૂમિકા યાદ કરતાં દિપક અંતાણી કહે છે, ‘સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે મેં અને માર મિત્ર વિજય ઠક્કરે સરદાર પર નાટક લખ્યું હતું. જેનું દિગ્દર્શન ગુજરાત કોલેજના રિટાયર્ડ પ્રોફેસર સોમેશ્વર ગોહિલે કર્યું હતું અને મારા મિત્ર કે. ડી. જાડેજાએ પ્રોડ્યુસ કર્યું હતું. થોડો ટેક્નિકલી સાઉન્ડ હોવાના કારણે મ્યુઝિક, લાઇટિંગ, વીડિયો એ બધું મે જ સંભાળ્યું હતું. આ નાટક ખૂબ વખણાયું અને તેને સંગીત નાટ્ય અકાદમીનું ઇનામ પણ મળ્યું. આ નાટકમાં મેં પહેલીવાર ગાંધીજીનું પાત્ર ભજવ્યું હતું, જે લોકોને ખૂબ ગમ્યું.’

સીધી વાત છે કે ગાંધીજી જેવું લેજેન્ડરી કેરેક્ટર ભજવવા માટે નક્કર તૈયારી કરીને મેદાનમાં આવવું પડે. ગાંધીજીના પાત્ર અંગેની પૂર્વ તૈયારી, પાત્રને આત્મસાત્ કરવાની પ્રોસેસ વિશે દીપકભાઈ જણાવે છે, ‘ગાંધીજીના પાત્રને ભજવવું મારા માટે ખૂબ જ પડકારજનક કામ હતું.ખાસ તો એટલા માટે કે જે પાત્રોને લોકોએ જોયા ના હોય એ તમે ભજવો એટલે લોકો સ્વીકારી લે છે, પણ ગાંધીજી પર ખૂબ વિશાળ પ્રમાણમાં કામ થયું છે. ગાંધીજી પર નાટકો-ફિલ્મો અને ડોકયુમેન્ટરી ફિલ્મો પણ બની ચૂકી છે. યુ ટ્યુબ પર એમના વીડિયો ઉપલબ્ધ છે. લોકોએ ગાંધીજીને ઓનસ્ક્રીન જોયેલા હતા એટલે દર્શકોની અપેક્ષામાંથી ખરા ઊતરવું સહેલું નહોતું. પાત્રને આત્મસાત્ કરવા માટે ગાંધીજી પર બનેલી ચાર કલાકની ડોકયુમેન્ટરી, એમના પર બનેલી ફિલ્મો, એના આર્કાઇવલ ફૂટેજ જોયાં. ખાસ કરીને ગાંધીજીનો અવાજ કે જે મારી યુએસપી છે. એ પણ મેં ધીમે ધીમે કેળવ્યો.’

દીપકભાઈ આગળ કહે છે, ‘મારા પર્ફોર્મન્સમાં અહંકાર ન દેખાય એ પ્રકારની સૌમ્યતા, એ પ્રકારની નમ્રતા, કરુણા દેખાવી જોઈએ. મારા ગુસ્સા પર મે થોડો કંટ્રોલ કર્યો. પાત્રમાં સ્વીકૃતિ આવે એ માટે મેં સ્મોકિંગ સદંતર બંધ કર્યું. થોડું ફિઝિક્સ મારુ સારુ હતું. મેં વજન ઉતારવા માટેના પ્રયત્નો શરુ કર્યા. ધીમે ધીમે મને આત્મવિશ્વાસ આવતો ગયો. આ ઉપરાંત ગાંધીજીની માનસિકતા સમજવા માટે મારે ગાંધીજીને ખૂબ વાંચવા પડ્યા. પ્રથમ તો મેં એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચી. એ સિવાયની નારાયણ દેસાઈની નાની પુસ્તિકાઓ ઉપરાંત વિનોબા ભાવે અને મનુભાઈ પંચોળી દર્શકે ગાંધીજીને સારી રીતે પ્રેઝન્ટ કર્યા છે. આ પુસ્તકો મેં વાંચ્યાં. ફિઝીકલી ગાંધીજી જેવા દેખાવા માટે માટે ખાવાપીવા પર નિયંત્રણ, નિયમિત કસરત કરવા માંડ્યો. પ્રમાણિક વ્યક્તિ તરીકેની મને સ્વીકૃતિ મળી જ હતી એ પણ આ પાત્રની સ્વીકૃતિ માટે મને કામમાં લાગી.’

ગાંધીજી જેવું પાત્ર તમારી અભિનયની ઓળખ બની ગયું હોય ત્યારે સજાગ પણ એટલું જ રહેવું પડે. આ દેશ અરુણ ગોવિલને રામનો દરજ્જો આપી દે એ દેશ છે. સેન્સિટિવ છે. જાહેર જીવનમાં લોકો તમને ગાંધીજી તરીકે જ જોતા હોય અને ગાંધીજીનાં જ ધારાધોરણો-વાણી-વર્તન-વ્યવહાર-જીવનશૈલી-વિચારધારાની તમારી પાસેથી અપેક્ષા રાખતા હોય. ગાંધીજી જેવા પાત્રની સ્વીકૃતિ પર્ફોર્મન્સ સિવાય પણ મળવી જોઇએ એ માટે જવાબદારી વધી જાય છે. દીપક અંતાણી એક અનુભવ શૅર કરે છે, ‘દીવમાં ‘યુગપુરુષ’ નાટકનો શો હતો. અમે એડવાન્સ બધી તૈયારી કરી નાખી હતી એટલે ટાઇમસર શૉ શરૂ થયો. ચાલુ શૉમાં મારી એક સરસ ઇમોશનલ સૉલિલોકી (સ્વગત બોલાતો સંવાદ) હતી. આ દરમિયાન પાછળથી કોઇ વ્યક્તિ સેટમાં ખીલી મારવા માંડયો એટલે હું થોડો ડિસ્ટર્બ થઇ ગયો. મેં શૉ હોલ્ડ કરી દીધો. એ વ્યક્તિને સહેજ ગુસ્સાથી મે ટોક્યો અને પછી સોરી કહીને આગળ નાટક ચાલુ કર્યુ. નાટક પત્યા પછી બધા મને અભિનંદન આપી રહ્યા હતા. મારી સાથે સેલ્ફી લઇ રહ્યા હતા. આ દરમિયાન એક ભાઇ મારી પાસે આવ્યા અને મને અભિનંદન આપતાં થોડી ફરિયાદ કરી કે નાટક દરમિયાન તમે ગાંધીજીના પાત્રમાં હોવા છતાં જે ગુસ્સો કર્યો એ ના ગમ્યું. લોકો આટલી ગંભીરતાથી પાત્રને જોતા હોય છે. સ્ટેજ પર કે સ્ક્રીન પર પાત્ર ભજવવું એના કરતાં આખો દિવસ ગાંધીજીના પાત્રમાં રહીએ એ દરમિયાન લોકો જે રિસ્પોન્સ આપે એ યાદગાર અનુભવ હોય છે. જે અહોભાવથી લોકો સેલ્ફી પડાવે, ઓટોગ્રાફ લે છે ત્યારે એમ લાગે કે આ લોકોએ મને સ્વીકૃતિ આપી છે. એ સંજોગોમાં એવું લાગે કે આ એક મોટી જવાબદારી છે.’

ક્યારેય એવી અનુભૂતિ થઈ કે ગાંધીજી સાથે જ છે? એમની ‘વજનદાર’ પર્સનાલિટીનો ઓરા મહેસૂસ થયો છે? દીપકભાઈ એક પ્રસંગ યાદ કરતાં કહે છે કે, ‘યુગપુરુષ નાટકમાં શ્રીમદ રાજચંદ્રનું પાત્ર ભજવતા અદાકારે બપોરના ભોજનમાં નોનવેજ લીધું હતું. સાંજે નાટકનો શૉ હતો. કોઈને માન્યમાં ન આવે, પણ સાંજે માઇકમાં ખરાબી સર્જાઈ હતી. મેં એ કલાકારને પછી સમજાવ્યું હતું કે આ પ્રકારનું પાત્ર ભજવતા હોઈએ ત્યારે આપણે ધ્યાન રાખવું પડતું હોય છે.’

સ્ટેજ પર અને સ્ક્રીન પર ગાંધીજીની ભૂમિકા દીપકભાઈ ભજવે છે. પાત્ર એક જ હોય પરંતુ માધ્યમ અલગ હોય ત્યારે અભિનયમાં કયા ચોક્કસ પ્રકારના ફેરફારો કરવા પડે? દીપકભાઈ કહે છે, ‘સ્ટેજ પર થોડું ઓગણીસ-વીસ ચાલી શકે. દર્શક અને અદાકાર વચ્ચે અંતર વધારે હોય છે એટલે માત્ર અવાજથી અને હાવભાવથી પ્રભાવ પાડી શકો છો જ્યારે સ્ક્રીન પર તમારા ઝીણામાં ઝીણા હાવભાવની પણ નોંધ લેવાય છે. આ માધ્યમમાં આંખોના હાવભાવને વધારે મહત્ત્વ આપવું પડે.’

આટલી બધી વખત ગાંધીજીની ભૂમિકા ભજવી હોય, પછી ગાંધીજીના જ રોલ મળે અને તે પાત્રમાં ટાઇપકાસ્ટ ન થઈ જવાય? જેવું, અરુણ ગોવિલ ‘રામ’ કે અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’ની સાથે થયું! દીપકભાઈ કહે છે, ‘મને એવું લાગે છે કે મારે ટાઇપકાસ્ટ ન થઈ જવું જોઈએ એટલે ગાંધીજી સિવાયનો કોઈ નાનો રોલ હોય તો પણ હું સ્વીકારી લઉં છું. હું સતત બીજા પ્રકારની ભૂમિકાઓ પણ કરતો રહું છું. મેં બે ત્રણ સિરિયલોમાં કામ કરેલું છે. એક ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો છે. આ સિવાય વેબસિરિઝ ‘ફેમિલી મેન’માં પણ મેં નાનકડી ભૂમિકા કરી છે.’

એક રસપ્રદ વાત. દીપક અંતાણીએ ફિલ્મો પણ બનાવી છે. હાલ તેઓ લોકગાયક હેમુ ગઢવીની બાયોપિક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. મજ્જાની વાત એ છે કે આ ફિલ્મથી જાણીતા યુવા ગાયક આદિત્ય ગઢવી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી શકે છે!

વાતચીતના અંતે ગોડસેના મહિમામંડન અને ગાંધીજીને નીચા બતાવવાનો સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ ચાલ્યો છે એને લઈને દીપક અંતાણી પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે કે, ‘અમારી અપકમિંગ ફિલ્મથી ચોક્કસ સિનારીયો બદલશે એવું મને લાગે છે. આ ફિલ્મ એનો જવાબ છે એવું હું ચોક્કસ કહી શકું.’

અન્ય સમાચારો પણ છે...