આર્યનને ના મળ્યા જામીન:મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું, અમને જામીનની અરજી પર સુનાવણીનો અધિકાર નથી, સેશન્સ કોર્ટ જાવ; મમ્મી ગૌરી ખાનના બર્થડે પર જેલમાં જ રહેશે

મુંબઈ2 મહિનો પહેલા
  • આર્યન ખાન સહિત 6 આરોપીઓ આર્થર રોડ જેલમાં છે
  • નૂપુર સારિકા તથા મુનમુન ધામેચા ભાયખલ્લા જેલમાં છે

7 ઓક્ટોબરે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત 8ને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આજે (8 ઓક્ટોબર) કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટમાં આર્યન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી પર પણ સુનાવણી થઈ હતી. કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી અને કહ્યું હતું કે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવે. હવે આર્યનના વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે.

કિલા કોર્ટમાં બપોરના 12.45એ જામીન અરજી પણ સુનાવણી શરૂ થઈ હતી. આ સુનાવણી બપોરના સવા બે સુધી ચાલી હતી. બ્રેક બાદ 3 વાગે ફરી એકવાર સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે સાંજે 5 વાગે જામીન અરજી ફગાવી દીધી હતી.

દલીલો દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આ કેસમાં કેન્દ્ર સરકારને આટલી ઉતાવળી કેમ છે? જવાબમાં ASG અનિલ સિંહે કહ્યું હતું કે તમે આવું કહી ના શકો. આ દરમિયાન NCBની ટીમ આર્યનને મેડિકલ ચેકઅપ માટે જેજે હોસ્પિટલ લઈને ગઈ હતી અને ત્યાર બાદ આર્યન સહિત 6 આરોપીને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા છે અને નૂપુર તથા મુનમુન ધામેચાને ભાયખલ્લા જેલમાં છે.

આ કેસમાં બંને પક્ષે અલગ અલગ કેસનો ઉલ્લેખ કરીને દલીલો કરી હતી કે જામીન અરજી પર સુનાવણી આ કોર્ટમાં થવી જોઈએ નહીં. આ દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે જો વિવાદ છે તો જજે આ કેસને હાયર બેંચને રિફર કરવાની જરૂર હતી, પરંતુ આમ થયું નહીં. આર્યનના વકીલે કોર્ટમાં કહ્યું, ડ્રગ્સની માત્રા ઓછી હોય તેવા કેસમાં હાઇકોર્ટ પણ જામીન આપે છે, મારા ક્લાયન્ટ પાસેથી તો કંઈપણ મળ્યું નથી

મેડિકલ ટેસ્ટ માટે આર્યનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાર બાદ તેને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો.
મેડિકલ ટેસ્ટ માટે આર્યનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાર બાદ તેને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો.

કોર્ટ રૂમ Live

ASG (એડિશનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહઃ અમે મેન્ટેનેબિલિટીના આધારે મુદ્દો ઉઠાવી રહ્યા છીએ, આથી પહેલા એનો જવાબ આપો

આર્યનના વકીલ (સતીશ માનશિંદે): એક સ્ટેજ પર તમામ દલીલો આપવામાં આવશે

​​​​​ASG: આવું થઈ શકે નહીં

માનશિંદેઃ તમે કોર્ટને આદેશ આપી શકો નહીં

ASG: જ્યારે મેન્ટેનેબિલિટીની વાત થઈ ચૂકી છો તો એ પહેલાં થવી જોઈએ

માનશિંદેઃ અમે પૂરી રીતે રિમાન્ડ સાથે જોડાયેલી દલીલો રજૂ કરી છે, મેન્ટેનેબિલિટી સાથે જોડાયેલી નહીં

કોર્ટે માનશિંદેને કહ્યું: તમે તમારી દલીલો મેરિટ તથા મેન્ટેનેબિલિટીના આધાર પર આપો, જે કહેવું છે એ પહેલા ફાઇલ કરો, નિર્ણય અમે કરીશું

ASG: મહેરબાની કરીને આવું ના કહો, સામાન્ય રીતે જે મેન્ટેનેબિલિટીનો મુદ્દો પહેલા ઉઠાવે છે, એ દલીલો પણ પહેલા મૂકે છે. ત્યાર બાદ બીજો પક્ષ જવાબ આપે છે

કોર્ટઃ આરોપી પૂરી ડિટેલની સાથે અરજી દાખલ કરી ચૂક્યા છે

ASG: પરંતુ આ પ્રક્રિયા નથી. શું હું યોગ્ય પ્રક્રિયાની વાત ના કરી શકું?

કોર્ટઃ ઠીક છે, અમે સમજીએ છીએ, તમે તમારી એપ્લિકેશન ફાઇલ કરો

માનશિંદેઃ હાલનાં વર્ષોમાં આવી કોઈ બાબત જોવા મળી નથી. આ અચરજ પમાડે એવી વાત છે કે જેની પાસેથી કંઈ જ મળ્યું નથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે

ASG: જો એક કેસમાં 10 આરોપી છે, તો એક જ FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) થાય છે, ભલે એક આરોપીની પાસે ઓછી માત્રામાં ડ્રગ્સ મળ્યું હોય અને બીજાની પાસે ના મળ્યું, પરંતુ તેમને અલગ-અલગ કરી શકાય નહીં

માનશિંદેઃ NDPSની કલમ 37 હેઠળ મારા ક્લાયન્ટ પર કોઈ પ્રતિબંધ નથી. મિલોર્ડ જો આ મેન્ટેનેબલ છે તો તમે જામીન આપી શકો છો. મહેરબાની કરીને 2006નો હાઇકોર્ટને ચુકાદો જુઓ. આ કેસમાં હાઇકોર્ટ જામીન આપતી હોય છે

સતીશ માનશિંદેએ રેગ્યુલરને વચગાળાની જામીન અરજી કરી
આર્યન ખાનના વકીલ માનશિંદેએ કોર્ટમાં બે જામીન અરજી કરી છે, જેમાં એક વચગાળાની તથા એક રેગ્યુલર જામીન અરજી છે. ચીફ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ આરએમ નેર્લિકરની કોર્ટમાં આર્યન ખાનની વચગાળાની જામીન અંગે સુનાવણી થઈ રહી છે. રેગ્યુલર જામીન માટે સ્પેશિયલ કોર્ટ જવું પડશે.

NCBએ 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે આ વાત ફગાવી દીધી હતી. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી કરવાની અપીલ કરી હતી. જોકે એડિશનલ સોલિસિટર જનરલ (ASG)એ વિરોધ કર્યો હતો અને પછી કોર્ટે પણ ના પાડી દીધી હતી.

ગૌરી ખાનનો 51મો જન્મદિવસ
ગૌરી ખાનને 8 ઓક્ટોબરના રોજ 50 પૂરાં થઈને 51મું બેસ્યું છે. આ પ્રસંગે મન્નતમાં શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ થયા બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે, પરંતુ આર્યનને જામીન મળ્યા નહીં.

કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

ભીડ બહુ જ હતી
હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી કોર્ટ રૂમમાં ભીડ જમા થઈ ગઈ હતી. બચાવ પક્ષના વકીલે જજને આગ્રહ કર્યો હતો કે જે લોકોનો કેસ સાથે સંબંધ નથી તેમને કોર્ટ રૂમની બહાર મોકલવામાં આવે. જજે કેસ સંબંધિત લોકોને હાથ ઉપર કરવાનું કહ્યું અને બાકીના લોકોને બહાર જવાનો આદેશ આપ્યો હતો.

કોવિડ રિપોર્ટ ના હોવાથી જેલમાં ના ગયા
NCBના ઝોનલ ડિરેક્ટરે કોર્ટને વિનંતી કરી હતી કે તમામ આરોપીઓને NCB લોકઅપમાં જ રાખવામાં આવે, કારણ કે સાંજે છ વાગ્યા પછી કોવિડ રિપોર્ટ વગર જેલમાં આરોપીની એન્ટ્રી થઈ શકતી નથી, આથી NCB પાસે જ આઠેય આરોપીના રિમાન્ડ રહે, જેને કોર્ટે માન્ય રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...