અનુષ્કા શર્માનું રિએક્શન:વિરાટની કેપ્ટનશિપ પર પત્નીની પ્રતિક્રિયા, અનુષ્કા ભૂતકાળમાં ઘણીવાર ક્રિકેટના મુદ્દે બાખડી ચૂકી છે

મુંબઈએક મહિનો પહેલા
  • અનુષ્કા શર્માએ ભૂતકાળમાં ક્રિકેટના મુદ્દે સુનીલ ગાવસ્કર, ફારુખ એન્જિનિયરને જડબાતોડ જવાબ આપ્યા છે.

UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ સો.મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરીને માહિતી આપી હતી. વિરાટના કેપ્ટનશિપ છોડવાના નિર્ણય બાદ પત્ની અનુષ્કાએ સો.મીડિયામાં આ અંગે રિએક્શન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા પતિ વિરાટને દરેક વાતમાં સપોર્ટમાં કરતી જોવા મળી છે. ભૂતકાળમાં અનુષ્કા ઘણીવાર કારણ વગર ક્રિકેટના વિવાદમાં પતિને કારણે ફસાતી જોવા મળી છે. આ સમયે અનુષ્કાએ પતિને ડિફેન્ડ કર્યો પણ હતો અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.

વિરાટની પોસ્ટ શૅર કરી
વિરાટ કોહલીએ સો.મીડિયામાં જે સ્ટેટમેન્ટ શૅર કર્યું હતું, અનુષ્કાએ આ જ સ્ટેટમેન્ટ હાર્ટ ઇમોજી સાથે પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કર્યું છે.

વિરાટ કોહલીએ શું કહ્યું હતું?
કોહલીએ પત્રમાં લખ્યું હતું કે, 'હું અત્યંત ભાગ્યશાળી રહ્યો છું કે મને માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નથી મળી, પણ મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તેનું કેપ્ટનિંગ કરવાની તક પણ મળી છે. હું ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે મારી સફરમાં મને ટેકો આપનાર દરેક વ્યક્તિનો આભાર માનવા માંગુ છું. ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, કોચ અને દરેક ભારતીય કે જે અમારી જીત માટે સતત પ્રાર્થના કરતા હતા તેમના વિના હું આ કરી શક્યો ના હોત.

'હું સમજું છું કે કામનો ભાર ખૂબ મહત્વનો છે. હું છેલ્લા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છું અને 5-6 વર્ષથી સતત કેપ્ટનશીપ પણ કરી રહ્યો છું. હું અનુભવું છું કે ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવા માટે મારી જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે મને થોડા સમય તથા સ્પેસની જરૂર છે. T-20ના કેપ્ટન તરીકે, મેં ટીમને મારું બધું આપ્યું છે. હું બેટ્સમેન તરીકે આગળ જતા T-20 ટીમમાં મારું યોગદાન આપવાનું ચાલુ રાખીશ.'

'આવો નિર્ણય લેવા માટે ચોક્કસપણે સમય લાગે છે. રવિભાઈ, રોહિત અને મારા નજીકના મિત્રો સાથે લાંબી ચર્ચા કર્યા બાદ, મેં T-20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. મેં આ અંગે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને તમામ પસંદગીકારો સાથે વાત કરી છે. કોહલીએ લખ્યું છે કે હું મારી પૂરી શક્તિથી ભારતીય ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ ટીમની સેવા કરવાનું ચાલુ રાખીશ.'

ભૂતકાળમાં અનુષ્કા ક્રિકેટના મુદ્દે ક્યારે કોની સાથે બાખડી હતી?

સુનીલ ગાવસ્કરને જવાબ આપ્યો હતો
24 સપ્ટેમ્બર, 2020ના રોજ IPL (ઇન્ડિયન પ્રીમિયર લિગ)ની કિંગ્સ ઇલેવન પંજા તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં કેપ્ટન વિરાટ કોહલી લયમાં જોવા મળ્યો નહીં. પહેલાં તેણે ફીલ્ડિંગ દરમિયાન કે એલ રાહુલના બે કેચ છોડ્યા હતા. પછી બેટિંગમાં પણ સફળ રહ્યો નહીં. તે માત્ર એક રન બનાવીને શેલ્ડન કોટ્રેલના બોલ પર આઉટ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પૂરી ટીમ 17 ઓવરમાં 109 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબ આ મેચ જીતી ગયું હતું. આ મેચમાં જ્યારે કોહલી આઉટ થયો ત્યારે સુનીલ ગાવસ્કરે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું, 'તેમણે (વિરાટ કોહલી) લૉકડાઉનમાં બસ અનુષ્કાની બોલિંગની પ્રેક્ટિસ કરી છે.' સુનીલ ગાવસ્કરની આ ટિપ્પણીનો ખાસ્સો વિરોધ થયો હતો. અનુષ્કાને પણ રોષે ભરાઈ હતી અને તેણે પણ વળતો જવાબ આપ્યો હતો.

અનુષ્કાએ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું, 'મિસ્ટર ગાવસ્કર, હું આપના નિવેદન સામે કંઇક કહેવાનું પસંદ કરીશ. આપને આ પ્રકારની વાત કરવાની જરૂર શું હતી, જેમાં પતિના ખરાબ પ્રદર્શન માટે પત્નીને જવાબદાર ગણવામાં આવે. મને વિશ્વાસ છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન તમે કોમેન્ટરી દરમિયાન દરેક ક્રિકેટરની અંગત જિંદગીને રમતથી દૂર રાખ્યા છે. શું તમને એવું નથી લાગતું કે મારા અને વિરાટના કિસ્સામાં પણ આવું જ થવું જોઈએ. મને લાગે છે કે મારા પતિના ખરાબ પ્રદર્શનને જણાવવા માટે આપની પાસે અનેક શબ્દ અને વાક્યો જરૂર હશે. શું આમાં મારુ નામ જોડવું જરૂરી હતું? આ 2020 ચાલી રહ્યું છે. પણ મારા માટે હજી સુધી વસ્તુઓ બદલાઇ નથી. રમતની બાબતમાં મને અથવા મારું નામ ઘસેડવાનું ક્યારે બંધ કરવામાં આવશે. ક્યારે આ પ્રકારના વિવાદિત નિવેદનબાજી બંધ થશે.'

ફારુખ એન્જિનિયરને અનુષ્કાએ ખરું-ખોટું સંભળાવ્યું
ઇંગ્લેન્ડમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમિયાન પૂર્વ ક્રિકેટર ફારુખ એન્જિનિયરે દાવો કર્યો હતો કે ઇન્ડિયન નેશનલ સિલેક્ટર્સ મેચ દરમિયાન અનુષ્કાને ચા સર્વ કરવામાં વ્યસ્ત હતા. આ વાતથી અનુષ્કા રોષે ભરાઈ હતી. તેણે સો.મીડિયામાં લાંબો લેટર પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું, 'હું હંમેશાં માનું છું કે વ્યક્તિ ખોટી અફવા પર ચૂપ રહે તે યોગ્ય છે. મેં આ જ રીતે મારી કરિયરના 11 વર્ષ હેન્ડલ કર્યા છે. મેં હંમેશાં મારા મૌનમાં સત્ય તથા ગરિમાને જોયું છે. કહેવાય છે કે જો ખોટી વાત વારંવાર બોલાય તો તે સત્ય બની જાય છે. મને ડર છે કે મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. હું ચૂપ છું અને તેથી જ મારા વિશે બોલાયેલી ખોટી વાતોને લોકો સાચી માની રહ્યા છે. મારા વિશે એમ કહેવાય છે કે હું હંમેશાં ટીમ ઇન્ડિયાની સાથે રહું છું અને સિલેક્ટર્સના નિર્ણયોમાં દખલગીરી કરું છું. જોકે, આવું નથી. કહેવાય તો એમ પણ છે કે બોર્ડ મારી ટિકિટ તથા સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે.'

'સત્ય એ છે કે મારી મેચ તથા ફ્લાઇટ માટે હું જાતે ખર્ચ કરું છું. લંડનમાં હાઇ કમિશનની પત્નીએ મને ગ્રુપ ફોટોમાં ઊભા રહેવાની વિનંતી કરી હતી. મને આ મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલમાં જ મારા પર આરોપ મૂકવામાં આવ્યો કે વર્લ્ડકપ દરમિયાન સિલેક્ટર્સ મને ચા સર્વ કરવમાં વ્યસ્ત હતા.'

'હું માત્ર એક મેચ માટે ત્યાં આવી હતી અને ફેમિલી બોક્સમાં બેઠી હતી. હું સિલેક્ટર્સની સાથે બેઠી પણ નહોતી. જો તમારે સિલેક્શન કમિટી પર સવાલ ઉઠાવવા હોય તો ઉઠાવો, પરંતુ વચ્ચે મારું નામ ના લાવો. હું ચા નહીં પણ કૉફી પીવું છું.'

લંડનમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમની સાથે અનુષ્કા હાઇ કમિશનને મળી હતી
ઓગસ્ટ, 2018માં ટીમ ઇન્ડિયાએ લંડનમાં ઇન્ડિયન હાઇ કમિશનની ઓફિસની મુલાકાત લીધી હતી. BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ)એ ઓફિશિયલ સો.મીડિયા હેન્ડલ પર આ મુલાકાતની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કેપ્ટન વિરાટ કોહલી, હેડ કોચ રવિ શઆસ્ત્રી તથા ટીમ ઇન્ડિયાના તમામ પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ જોવા મળ્યો હતો. અનુષ્કા શર્મા પણ આ તસવીરમાં હતી. આ તસવીર શૅર થયાની થોડીક જ ક્ષણોમાં સો.મીડિયા યુઝર્સે અનુષ્કાને ખરુંખોટું સંભળાવ્યું હતું. સો.મીડિયા યુઝર્સે એવું કહ્યું હતું કે પતિ વિરાટ કોહલીને કારણે અનુષ્કા શર્માને હાઇ કમિશનની ઓફિસે બોલાવવામાં આવી હતી. અનુષ્કાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.

અનુષ્કાએ કહ્યું હતું, 'મારા નામ અંગે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે, જેમ કે ક્રિકેટ બોર્ડ મારી ટિકિટ તથા સિક્યોરિટી સહિત વિવિધ ખર્ચ ઉઠાવે છે. સત્ય એ છે કે હું મારી મેચ માટેની ટિકિટ મારા પૈસા ખરીદું છું અને ફ્લાઇટની ટિકિટ પણ મારા જ પૈસાની હોય છે. હું આજ સુધી ચૂપ હતી. મને હાઇ કમિશનની પત્નીએ ગ્રુપ ફોટોમાં ઊભા રહેવાનું કહ્યું હતું, મને ખચકાટ થતો હતો. છતાં પણ આ મુદ્દાને વધુ પડતો ઉછાળવામાં આવ્યો અને હું જાણી જોઈને ગ્રુપ ફોટોમાં રહેવા માગતી હતી, તેવી વાતો વહેતી કરાઈ. મને આ મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેથી જ હું હાજર રહી હતી. ક્રિકેટ બોર્ડે પણ આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું.'

અન્ય સમાચારો પણ છે...