ભાઈજાને વર્ષો જૂની પરંપરા તોડી:સલમાન ખાન ઈદ પર ચાહકોને કેમ ના મળ્યો? ધમકીથી ડરી ગયો?

મુંબઈ3 મહિનો પહેલા

સલમાન ખાન હાલમાં અપકમિંગ ફિલ્મના શૂટિંગ તથા ડબિંગમાં વ્યસ્ત છે. આ વર્ષે બકરીઈદ પર સલમાન ખાન ચાહકોને મળ્યો નહોતો. ખરી રીતે દર વર્ષે સલમાન ખાન બકરીઈદ પર ગેલેક્સી અપાર્ટમેન્ટની ગેલરીમાં આવીને ચાહકોને મળતો હોય છે. જોકે, આ વર્ષે સુરક્ષાના કારણોસર તે આમ કરી શક્યો નહીં.

10 સ્પેશિયલ ફોર્સ ઓફિસર સિક્યોરિટી કરે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનને જ્યારથી લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારથી તે જાહેરમાં તથા પબ્લિકની વચ્ચે જવાનું ટાળે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ આગળ 10 સ્પેશિયલ ફોર્સના અધિકારી દિવસ-રાત સિક્યોરિટી કરે છે. આ ઉપરાંત તેના ઘરની આસપાસ 15 CCTV લગાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફોર્સના કેટલાંક ઓફિસર સલમાન ખાન સાથે સેટ પર પણ હાજર હોય છે.

ધમકીભર્યો પત્ર મળ્યો હતો
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડાં દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.

સલમાન ખાનનું વર્કફ્રન્ટ
સલમાન હાલમાં 'કભી ઈદ કભી દિવાલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેની ફિલ્મ 'ટાઇગર 3' રિલીઝ થશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ છે. આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તથા શાહરુખની ફિલ્મ 'પઠાન'માં કેમિયો કર્યો છે. આ વર્ષના અંતે સલમાન 'દબંગ 4'નું શૂટિંગ શરૂ કરશે.