'દબંગ' ખાન ગુસ્સામાં:એરપોર્ટ પર સલમાન ખાનને ફોટોગ્રાફર્સ પર કેમ ગુસ્સો આવ્યો? વીડિયો વાઇરલ

મુંબઈ6 મહિનો પહેલા
  • સલમાન ખાન દુબઈમાં 'દબંગ ટૂર' કરીને ભારત પરત ફર્યો હતો

સલમાન ખાન 'દબંગ ટૂર'થી પરત આવી ગયો છે. દુબઈથી મુંબઈ પરત ફરતી વખતે એરપોર્ટ પર સલમાન ખાન જોવા મળ્યો હતો. એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ એકદમ નજીકથી સલમાનની તસવીરો ને વીડિયો લેવા લાગ્યા હતા. જોકે, સલમાનને ફોટોગ્રાફર્સની આ હરકત પસંદ આવી નહોતી. માસ્ક પહેર્યો હોવા છતાંય ચહેરા પર તેનો ગુસ્સો દેખાઈ આવતો હતો.

સલમાને ગુસ્સામાં ફોટોગ્રાફર્સ સામે જોયું
વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન બૉડીગાર્ડ્સ સાથે એરપોર્ટથી પોતાની કાર તરફ જતો હોય છે. આ દરમિયાન ફોટોગ્રાફર્સ એક્ટરની તસવીરો ને વીડિયો લેવા માટે પડાપડી કરતા હોય છે. સલમાનને આ વાત બિલકુલ પસંદ આવી નહોતી. તે ઊભો રહી જાય છે અને ફોટોગ્રાફર્સની સામે ગુસ્સાથી જુએ છે. સલમાનનો ગુસ્સો જોઈને ફોટોગ્રાફર્સ ફોટો લેવાનું બંધ કરી દે છે.

શા માટે સલમાન નારાજ હતો?
વેબ પોર્ટલ બોલિવૂડ લાઇફના અહેવાલ પ્રમાણે, સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર મોટાભાગે ગેટ નંબર Bથી બહાર આવતો હોય છે, કારણ કે અહીંથી કાર પાર્કિનું ડિસ્ટન્ટ ઓછું હોય છે અને તેને ઓછું ચાલવું પડે છે. જોકે, આ વખતે સલમાન ખાનને ગેટ નંબર Aમાંથી બહાર આવવાનું કહ્યું હતું. અહીંથી સલમાન ખાને પાર્કિંગ સુધી જવા માટે ખાસ્સું એવું ચાલવું પડ્યું હતું. આ જ વાતથી સલમાન નારાજ થઈ ગયો હતો. લાંબી ફ્લાઇટ તથા થાકને કારણે સલમાન ખાનને ચાલવાનો સહેજ પણ મૂડ નહોતી. એરપોર્ટ અધિકારી સલમાનને આ મુદ્દે મદદ કરી શકે તેમ હતા, પરંતુ તેમણે કોઈ મદદ કરી નહીં.

દબંગ ટૂરનો વીડિયો વાઇરલ થયો
સલમાન ખાને દુબઈમાં કો-સ્ટાર્સ સાથે પર્ફોર્મ કર્યું હતું. ઇવેન્ટમાં સલમાન તથા પૂજા હેગડેએ 'જુમ્મે કી રાત' પર ડાન્સ કર્યો હતો. જોકે, આ ગીતમાં સલમાન એક્ટ્રેસ પૂજા સાથે સોંગનું હુક સ્ટેપ કરી શક્યો નહોતો. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો હતો.

એરપોર્ટ પર સલમાન અવાર-નવાર ગુસ્સે થાય છે
નવેમ્બર, 2021માં સલમાનનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં એક ચાહક સલમાનને ફોટો માટે રિક્વેસ્ટ કરતો જોવા મળ્યો હતો. એક્ટર ફોટોગ્રાફરને પોઝ આપતો હતો. જોકે ચાહક સલમાન સાથે સેલ્ફી લેવા માગતો હતો. સલમાન તે ચાહકને કહે છે કે ફોટોગ્રાફર ફોટો ક્લિક કરે છે ત્યાં હાજર રહેલા કેમેરામેને પણ તે ચાહકને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ફોટો લઈ રહ્યા છે. જોકે ચાહક કોઈની પણ વાત માનવા તૈયાર નહોતો. તે વારંવાર ફોનનો એંગલ એડજસ્ટ કરતો હતો. આ જોઈને સલમાન ખાન ચિડાઈ ગયો હતો. તેણે ચાહકને કહ્યું હતું, 'નાચના બંધ કર.' આટલું સાંભળીને ચાહક ત્યાંથી જતો રહ્યો હતો.

2020માં ચાહકનો ફોન છીનવી લીધો હતો
જાન્યુઆરી, 2020માં સલમાન ખાન ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’ના શૂટિંગ માટે મુંબઈથી ગોવા આવ્યો હતો. અહીં એરપોર્ટ પર સલમાનની એક ઝલક માટે ચાહકોની ભીડ જમા થઈ હતી. સલમાન એરપોર્ટની બહાર નીકળતો હતો ત્યારે એક ચાહકે એક્ટરની મંજૂરી વગર તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને સલમાન ખાન ગુસ્સે થઈ ગયો હતો.

ગુસ્સામાં આવીને સલમાન ચાહકનો ફોન ઝૂંટવીને ચાલવા લાગ્યો હતો. સલમાન ખાને જે વ્યક્તિનો ફોન લીધો હતો તે એરપોર્ટ પર એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફનો માણસ હતો. એરપોર્ટના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.