'મિસ્ટર પર્ફેક્શનિસ્ટ'નો બર્થડે:આમિર ખાને કિરણ રાવને કેમ ડિવોર્સ આપ્યા? જન્મદિવસ પર નિષ્ફળ લગ્નનું કારણ જણાવ્યું

મુંબઈ4 મહિનો પહેલા
  • આમિર ખાને ગયા વર્ષે બીજી પત્ની કિરણ રાવથી અલગ થયાની જાહેરાત કરી હતી

આમિર ખાનનો આજે એટલે કે 14 માર્ચના રોજ 57મો જન્મદિવસ છે. આમિર ખાને જન્મદિવસ પર પત્ની કિરણ રાવ સાથે 15 વર્ષના લગ્નજીવન બાદ ડિવોર્સ કેમ થયા તે અંગે વાત કરી હતી. નોંધનીય છે કે આમિર ખાને 3 જુલાઈ, 2021ના રોજ પત્નીથી અલગ થયાની જાહેરાત કરી હતી.

આમિરે શું કહ્યું?
વેબ પોર્ટલ 'ન્યૂઝ18' સાથેની વાતચીતમાં આમિરે કહ્યું હતું, 'થોડાં વર્ષ પહેલાં કિરણે કહ્યું હતું કે હું પરિવારમાં સહેજ પણ રસ લેતો નથી. જ્યારે અમે પરિવાર અંગે કંઈ વાત કરતાં હોઈએ ત્યારે તેણે મને આ વાત કહી હતી. હું હંમેશાં ક્યાંક ખોવાયેલો રહેતો. તે મને કહે કે હું અલગ પ્રકારનો વ્યક્તિ છું. તે ઘણાં જ પ્રેમથી કહેતી, 'હું તને બદલવા માગતી નથી, કારણ કે જો હું તને બદલીશ તો હું જેના પ્રેમમાં પડી હતી તે વ્યક્તિ રહેશે નહીં. હું તારા બ્રેન ને તારી પર્સનાલિટીના પ્રેમમાં પડી છું અને તેથી જ હું નથી ઈચ્છતી કે તું સહેજ પણ બદલાય.' કિરણે મને સાત વર્ષ પહેલાં આ વાત કહી હતી. જોકે, છેલ્લાં છ-સાત મહિનામાં હું ઘણો જ બદલાઈ ગયો છું.'

કેમ ડિવોર્સ થયાં?
આમિરને પૂછવામાં આવ્યું કે એવું તો શું થયું કે તેમણે ડિવોર્સ લીધા. પ્રત્યુત્તર આપતા એક્ટરે કહ્યું હતું, 'કિરણ તથા હું એકબીજાને ઘણો જ પ્રેમ કરીએ છીએ અને અમે બંને એકબીજાને માન આપીએ છીએ, પરંતુ લોકો આ વાત સમજી શકશે નહીં અને આ વાત હું સ્વીકારું છે, કારણ કે આપણે તેને સામાન્ય રીતે જોતા નથી. વાસ્તવમાં કિરણ અને હું એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજાના પરિવારને પોતાના માનીએ છીએ. કિરણ અને હું વાસ્તવમાં પરિવાર છીએ, પરંતુ અમારા પતિ-પત્નીના સંબંધોમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે અને અમે લગ્નસંસ્થાને માન આપીએ છીએ. જોકે, અમે હંમેશાં એકબીજાની સાથે જ હોઈશું અને અમે સાથે જ કામ કરીશું, પરંતુ અમે હવે પતિ-પત્ની તરીકે સાથે નથી અને તેથી જ અમે અલગ થવાનું નક્કી કર્યું.'

કિરણને કારણે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા નહોતા
આમિરે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે તેણે કિરણને કારણે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા નહોતો. જ્યારે તે અને રીના અલગ થયા ત્યારે તેના જીવનમાં કોઈ નહોતું. અનેક લોકો વિચારે છે કે રીનાને ડિવોર્સ આપ્યા પહેલાં તે અને કિરણ એકબીજાને મળ્યા હતા, પરંતુ આ વાત સાચી નથી. તે અને કિરણ એકબીજાને મળ્યા, પરંતુ તેઓ એકબીજાને ઓળખતા પણ નહોતા. તેઓ બહુ પછીથી મિત્રો બન્યા હતા.

જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે તે અન્ય કોઈ યુવતીના પ્રેમમાં હોવાથી તેણે કિરણને ડિવોર્સ આપ્યા? એક્ટરે કહ્યું હતું કે ના, ભૂતકાળમાં કોઈ નહોતું અને અત્યારે પણ કોઈ નથી.

સો.મીડિયામાં ડિવોર્સની જાહેરાત કરી હતી
આમિર-કિરણે કહ્યું હતું, ‘આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યાં, દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યાં અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો અને હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મ અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શક્યા હોત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.’

2002માં પહેલા લગ્ન તૂટ્યા હતા
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના 'પાપા કહતે હૈ' ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે. 2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં દીકરા આઝાદનો સરોગસીથી જન્મ થયો હતો.