'શેરશાહ' રિયલ હીરો:કારગિલ યુદ્ધમાં કેપ્ટન બત્રાએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું હતું, શહીદીના સમાચાર સાંભળી બહેનનું મિસકેરેજ થયું હતું

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 'યે દિલ માંગે મોર' પંચલાઇન ઇન્ડિયન આર્મીમાં જ નહીં દેશભરમાં લોકપ્રિય બની હતી.
  • ભાઈના નામે છેલ્લે 16 જૂન, 1999ના રોજ કેપ્ટન વિક્રમ બત્રાએ એક પત્ર લખ્યો હતો.
  • છાતીમાં દુશ્મનની ગોળી વાગી હતી અને કેપ્ટન બત્રા 'જય માતા દી' કહીને વીરગતિ પામ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીની ફિલ્મ 'શેરશાહ' ડિજિટલ પ્લેટફોર્મ પર આજે એટલે કે 12 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ પ્લે કર્યો છે. વિક્રમ બત્રાએ કારગિલ યુદ્ધમાં સૌથી મહત્ત્વના 5 પોઇન્ટ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોતાના સાથીને બચાવવા જતા વિક્રમ બત્રા માત્ર 24 વર્ષની ઉંમરમાં શહીદ થયા હતા.

કોણ હતા વિક્રમ બત્રા?
કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર, 1974ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. પિતા પાસેથી દેશપ્રેમની વાતો સાંભળીને વિક્રમ બત્રામાં નાનપણથી દેશપ્રેમની ભાવના હતી.

સ્કૂલમાં કેપ્ટન વિક્રમ બત્રા
સ્કૂલમાં કેપ્ટન વિક્રમ બત્રા

કેવી રીતે આર્મીમાં આવ્યા?
સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિક્રમ બત્રા ચંદીગઢ જતા રહ્યા હતા અને અહીંયા DAV કોલેજમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ દરમિયાન તે NCC (નેશનલ કેડેટ કોર્પ્સ)ના સર્વશ્રેષ્ઠ કેડેટ પણ પસંદ થયા હતા અને ગણતંત્રની પરેડમાં ભાગ પણ લીધો હતો. આ સાથે જ તેમણે આર્મીમાં જવાનું નક્કી કર્યું હતું.

સાયન્સ ગ્રેજ્યુએટ થયા બાદ વિક્રમ બત્રાનું સિલેક્શન CDS (કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ)ના માધ્યમથી આર્મીમાં થયું હતું. જુલાઈ, 1996માં તેમણે ભારતીય સૈન્ય એકેડેમી દેહરાદૂનમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ ડિસેમ્બર, 1997માં ટ્રેનિંગ પૂરી થતાં 6 ડિસેમ્બર, 1997ના રોજ જમ્મુના સોપારમાં સેનાની 13 જમ્મુ કાશ્મીર રાઇફલ્સમાં લેફ્ટનન્ટના પદ પર પોસ્ટિંગ મળ્યું હતું.

કર્ણાટકમાં કેપ્ટન વિક્રમ બત્રા
કર્ણાટકમાં કેપ્ટન વિક્રમ બત્રા

કારગિલ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા
જૂન, 1999માં વિક્રમ બત્રાની ટુકડીને કારગિલ યુદ્ધમાં મોકલવામાં આવી હતી. હમ્પ તથા રાકી નાબ જીત્યા બાદ વિક્રમને લેફ્ટનન્ટથી પ્રમોટ કરીને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રીનગર-લેહ માર્ગની સૌથી ઉપર મહત્ત્વપૂર્ણ ચોકી 5140ને પાકિસ્તાની સેનાના કબજામાંથી છોડાવવાની જવાબદારી કેપ્ટન વિક્રમ બત્રાને મળી હતી.

કેપ્ટન બત્રાએ પોતાની ટુકડી સાથે દુશ્મન પર સીધો હુમલો કર્યો હતો. તેમણે લીડ કરીને બહાદુરી સાથે પાકિસ્તાની ઘુસણખોરોને ધૂળ ચાટતા કર્યા હતા. 20 જૂન, 1999માં સવારે ત્રણ વાગે કેપ્ટન બત્રાએ આ ચોકી પર પાકિસ્તાનને હરાવીને ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. પોઇન્ટ 5140 યુદ્ધની રીતે ઘણો જ મહત્ત્વનો સ્ટ્રેટેજિક પોઇન્ટ હતો, કારણ કે આ ઊંચાઈ પર અને સીધી ચઢાઈ પર આવતો હતો. ત્યાં છુપાયેલા પાકિસ્તાની ઘુસણખોરો ભારતીય સૈનિકો પર ઊંચાઈથી ગોળીઓ તથા પથ્થર ફેંકતા હતા. આ ચોકી જીત્યા બાદ કેપ્ટન બત્રા બીજા પોઇન્ટ 4875ને જીતવા માટે જતા રહ્યા હતા. સમુદ્રની સપાટીથી આ પોઇન્ટ 17 હજાર ફૂટની ઊંચાઈ પર હતો.

પોઇન્ટ જીત્યા બાદ પોતાની ટીમ સાથે કેપ્ટન વિક્રમ બત્રા (રેડ સર્કલમાં)
પોઇન્ટ જીત્યા બાદ પોતાની ટીમ સાથે કેપ્ટન વિક્રમ બત્રા (રેડ સર્કલમાં)

દેશભરમાં પંચલાઇન લોકપ્રિય થઈ
20 જૂન, 1999માં સવારે ત્રણ વાગીને 30 મિનિટે પોઈન્ટ 5140 પર ભારતનો ઝંડો લહેરાવ્યા બાદ કેપ્ટન વિક્રમ બત્રાએ રેડિયો સંદેશમાં કહ્યું હતું, 'યે દિલ માંગે મોર.' આ પંચલાઇન ઇન્ડિયન આર્મીની સાથે સાથે આખા દેશમાં છવાઈ ગઈ હતી.

સાથીને બચાવતા શહીદ થયા
7 જુલાઈ, 1999ના રોજ મિશન પૂરું થવાની અણી પર હતું. યુદ્ધ દરમિયાન એક વિસ્ફોટમાં લેફ્ટનન્ટ નવીનના બંને પગ ખરાબ રીતે જખ્મી થયા હતા. આ અધિકારીને બચાવતા કેપ્ટને કહ્યું હતું, 'તમે ત્યાંથી હટી જાવ, તમારે પત્ની-બાળકો છે.' કેપ્ટન બત્રા લેફ્ટનન્ટ નવીનને બચાવવા માટે પાછળ ખસેડી રહ્યા હતા ત્યારે જ તેમની છાતીમાં દુશ્મનની ગોળી વાગી હતી અને તેઓ 'જય માતા દી' કહીને વીરગતિ પામ્યા હતા.

કેપ્ટન વિક્રમ બત્રાના સાહસ આગળ પાકિસ્તાની સૈન્ય પત્તાની માફક પડી ગઈ હતી. કેપ્ટન બત્રાની ડેલ્ટા કંપનીએ પોઇન્ટ 4750 તથા 4875 પર આવેલી દુશ્મનોની ચોકીને નષ્ટ કરી નાખી હતી.

કેપ્ટન વિક્રમ બત્રાના પેરેન્ટ્સ
કેપ્ટન વિક્રમ બત્રાના પેરેન્ટ્સ

પાકિસ્તાન પણ 'શેરશાહ' કોડનેમનો ઉપયોગ કરતી
વિક્રમ બત્રાના સાહસની જાણ પાકિસ્તાની સૈન્યને પણ હતી. ભારતના આ સપૂત માટે પાકિસ્તાની ફૌજ પણ 'શેરશાહ'ના કોડનેમનો ઉપયોગ કરતી હતી.

કોણે શેરશાહ નામ આપ્યું હતું?
કેપ્ટનના પિતા જી એલ બત્રાએ કહ્યું હતું કે તેમના દીકરાને કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ વાયકે જોશીએ શેરશાહ નામ આપ્યું હતું. શેરશાહ ઉપરાંત તેમને 'કારગિલ કા શેર' પણ કહેવામાં આવતા હતા. કેપ્ટન બત્રા હંમેશાં કહેતા કે ઊંચાઈ પર આવેલી બરફની ચોકી પર તિરંગો લહેરાવીને આવીશ અથવા તો તિરંગામાં લપેટીને આવીશ, પણ આવીશ તો જરૂર.

મરણોપરાંત પરમવીર ચક્ર
15 ઓગસ્ટ, 1999ના રોજ ભારત સરકારે વિક્રમ બત્રાને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા. 2003માં 'LOC કારગિલ'માં કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ અભિષેક બચ્ચને પ્લે કર્યો હતો.

ભાઈ વિશાલ સાથે કેપ્ટન વિક્રમ બત્રા
ભાઈ વિશાલ સાથે કેપ્ટન વિક્રમ બત્રા

બહેનનું મિસકેરેજ થઈ ગયું
કેપ્ટન બત્રાના જોડિયા ભાઈ વિશાલ બત્રાએ કહ્યું હતું કે તે દિલ્હીમાં હતા ત્યારે ભાઈના બલિદાનના સમાચાર મળ્યા હતા. તેમની મોટી બહેન મંડી (હિમાચલ પ્રદેશ)માં હતી. તેને પ્રેગ્નન્સીનો પાંચમો મહિનો જતો હતો. બીજી બહેન દિલ્હીમાં હતી અને તેને પ્રેગ્નન્સીના આઠ મહિના થયા હતા. મોટી બહેનને જ્યારે ભાઈના શહીદના સમાચાર મળ્યા તે તેને ઘેરો આઘાત લાગ્યો હતો અને આ જ કારણે તેનું મિસકેરેજ થઈ ગયું હતું. બંને બહેનો નાના ભાઈને અંતિમ વિદાય આપવા માટે પાલમપુર આવી હતી. પરિવાર વિક્રમ-વિશાલને લવ-કુશ કહીને બોલાવતા હતા.

પોઇન્ટ 5140 પર ટીમ સાથે કેપ્ટન વિક્રમ બત્રા (રેડ સર્કલમાં)
પોઇન્ટ 5140 પર ટીમ સાથે કેપ્ટન વિક્રમ બત્રા (રેડ સર્કલમાં)

ભાઈ સાથેની અંતિમ મુલાકાત
વિશાલ બત્રાએ મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિક્રમ માર્ચ, 1999માં કમાન્ડો ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવ્યો હતો. તે દિલ્હીમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તે વિક્રમને લેવા માટે દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશને ગયો હતો અને અહીંયા તે કમાન્ડો સાથીઓને મળ્યો હતો. તેના ભાઈએ મુંડન કરાવેલું હતું અને એકદમ પાતળો દેખાતો હતો. તેણે ભાઈને એમ પણ કહ્યું હતું કે તેણે તબિયતના શું હાલ કરી નાખ્યા છે, જેના પર વિક્રમે જવાબ આપ્યો હતો કે કુશ ટ્રેનિંગ દરમિયાન તેઓ તમને મર્દ બનાવી દે છે. છેલ્લે 16 જૂનના રોજ કેપ્ટને પોતાના ભાઈ વિશાલને દ્રાસ સેક્ટરથી એક પત્ર લખ્યો હતો અને તેમાં લખ્યું હતું, 'પ્રિય કુશુ, માતા તથા પિતાજીનું ધ્યાન રાખજે...અહીંયા કંઈ પણ થઈ શકે છે...'

સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં
સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં