કોન્ટ્રોવર્સી ક્વીન:કોણ છે પાયલ રોહતગી? વિવાદો સાથે છે જૂનો સંબંધ, કાશ્મીર-નેહરુ અંગે વિવાદિત નિવેદનો આપ્યા છે

મુંબઈ4 મહિનો પહેલા
 • પાયલ બેફામ નિવેદન આપવા માટે જાણીતી છે
 • 2020માં ટ્વિટરે પાયલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું

હાલમાં જ અમદાવાદમાં બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કમેન્ટ લખી ડિલિટ કરી નાખતી હતી. એક્ટ્રેસ સોસાયટીની મીટિંગમાં સભ્ય ના હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જોકે, પછીથી એક્ટ્રેસને ગ્રામ્ય કોર્ટે જામીન આપી દીધા હતા. પાયલ રોહતગી પોતાના કામને બદલે વિવાદને કારણે ચર્ચામાં રહે છે.

વાંચોઃ પાયલ રોહતગીના પાર્ટનર સંગ્રામ સિંહે આ આખા વિવાદ અંગે શું કહ્યું?

હૈદરાબાદમાં જન્મ
પાયલનો જન્મ 1984માં નવ નવેમ્બરના રોજ હૈદરાબાદમાં થયો છે. તે અમદાવાદમાં મોટી થઈ છે. તેણે અહીંની એલ ડી એન્જિનિયરિંગ કોલેજમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી છે.

વર્ષ 2000માં પાયલે પ્રિયંકા ચોપરા, લારા દત્તા, દિયા મિર્ઝાની સાથે ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારબાદ તે મિસ ઇન્ડિયા ટૂરિઝમ સ્પર્ધા જીતી હતી. મિસ ટૂરિઝમ વર્લ્ડ સ્પર્ધામાં પાયલ સુપરમોડલ મિસ ટૂરિઝમ વર્લ્ડનું ટાઇટલ જીતી હતી.

જાણીતી બ્રાન્ડનું મોડલિંગ કર્યું
ટાઇટલ જીત્યા બાદ પાયલે જાણીતી બ્રાન્ડનું મોડલિંગ કર્યું હતું, જેમાં અમૂલ, નિરમા, નેસકાફે, ડાબર, જગુઆર બાથ પેનલ, કેડબરી સામેલ છે. આ જ સમયગાળામાં રોક બેન્ડના મ્યૂઝિક વીડિયોમાં પાયલ રોહતગીએ કામ કર્યું હતું.

2002માં બોલિવૂડ ડેબ્યૂ
વર્ષ 2002માં હંસલ મહેતાની ફિલ્મ 'યે ક્યા હો રહા હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે '36 ચાઇના ટાઉન', 'દિલ કબડ્ડી', 'ઢોલ', 'અગલી ઔર પગલી', 'વેલેન્ટાઇન્સ નાઈટ', 'હે બેબી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. 2010માં પાયલે 'ફોરપ્લે' નાટકથી થિયેટરમાં ડેબ્યૂ કર્યું હતું.

'બિગ બોસ 2'માં જોવા મળી હતી
'બિગ બોસ 2'માં પાયલ રોહતગીનો હોટ અંદાજ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. શોમાં પાયલ તથા રાહુલ મહાજનના સંબંધો ચર્ચાનું કારણ બન્યા હતા. જોકે, શો પૂરો થયા બાદ આ સંબંધોનો પણ અંત આવ્યો હતો. પાયલે 'રાઝ પિછલે જનમ કા', 'CID', 'હમસફર', 'એજન્ટ રાઘવ', 'સૂર્યપુત્ર કર્ણ' જેવા શોમાં કામ કર્યું હતું.

2014માં સગાઈ કરી
પાયલે 2014માં રેસલર સંગ્રામ સિંહ સાથે અમદાવાદમાં સગાઈ કરી હતી. બંને ટીવી શો 'નચ બલિયે 7'માં જોવા મળ્યા હતા.

પાયલ અને વિવાદ

 • 2012માં પાયલે ફિલ્મ ડિરેક્ટર દિબાકર બેનર્જી તથા અનુરાગ કશ્યપ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો હતો.
 • 2019માં પાયલનો એક વિવાદિત વીડિયો સામે આવ્યો હતો અને આ વીડિયોને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં પાયલે મોતીલાલ નેહરુ તથા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પાયલ વિરુદ્ધ યુવા કોંગ્રેસ નેતા ચરમેશ વર્માએ ફરિયાદ કરી હતી અને પાયલની ધરપકડ રાજસ્થાન પોલીસે કરી હતી.
 • પાયલે મે, 2019માં સતી પ્રથા તથા રાજા રામમોહન રાય અંગે વિવાદિત સો.મીડિયા પોસ્ટ કરી હતી. તેણે રાજા રામમોહન રાયને ચોર કહી દીધા હતા.
 • વર્ષ 2018માં કેરળમાં આવેલા પૂર અંગે પાયલે કહ્યું હતું, કેરળમાં ગૌ હત્યા બૅન નથી. કેરળના લોકોએ હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. જો તેઓ એમ કરે છે ભગવાન જાહેરમાં આવી સજા આપે છે. તમે બીજાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકો નહીં.
 • મહારાષ્ટ્ર સરકાર જ્યારે કંગના રનૌત વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં તપાસ કરતી હતી ત્યારે પાયલે કંગનાનો સપોર્ટ કર્યો હતો અને સંજય દત્તને આડેહાથ લીધો હતો. પાયલે કહ્યું હતું કે જો કંગનાની તપાસ થાય છે તો સંજય દત્ત, ફરદીન ખાન પણ તપાસ થવી જોઈએ. તેમણે પણ ડ્રગ્સ લીધું હતું. ફરાહ ખાનના પતિ પર પણ ડ્રગ્સનો કેસ છે. તેની પણ તપાસ કરો.
 • પાયલ સો.મીડિયામાં બેફામ નિવેદનો આપવા માટે જાણીતી છે. કલમ 370 અંગે પણ તેણે પોસ્ટ શૅર કરી હતી. તેણે કલમ 370 અંગે કહ્યું હતું કે જો આ કલમ દૂર કરવામાં ના આવે તો પછી કાશ્મીરી મુસલમાનોને કાશ્મીરમાંથી હાંકી કાઢવા જોઈએ. આ ઉપરાંત તેણે ગૌહર ખાનને મુસ્લિમ આંટી કહી હતી.
 • નોબલ પ્રાઇઝ વિનર મલાલા વિરુદ્ધ બેફામ વાતો કરી હતી. પાયલે કહ્યું હતું કે મલાલા એક 22 વર્ષીય યુવતી છે અને તે નોબલ પ્રાઇઝ વિનર છે. તે હિઝાબ પહેરીને ફરે છે અને સો.મીડિયામાં મૂર્ખામીની વાતો કરે છે. આ ઉપરાંત પાયલે ઝોમેટોને સેક્યુલર આઉટલેટ કહ્યું હતું.
 • દીપિકા પાદુકોણે જ્યારે JNUમાં જઈને વિદ્યાર્થીઓનો સપોર્ટ કર્યો ત્યારે પાયલે કહ્યું હતું કે દીપિકાના પિતાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેમની દીકરી ભારતને તોડનારી ફોર્સ સાથે ઊભી છે. આખરે દીપિકાએ સાબિત કરી દીધું કે તે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે.
 • પાયલ રોહતગીએ યશરાજ બેનરની કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા પર આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે પોતાની કરિયરને સ્કોપ આપવા માગતા હતી અને તેથી શાનુ શર્માને મળવા માગતી હતી. જોકે, શાનુએ મળવાની ના પાડી દીધી હતી. તેણે મળવાનો આગ્રહ કર્યો તો શાનુએ તેની પાસેથી 5 હજાર રૂપિયા માગ્યા હતા.
 • 2020માં પાયલે CAAનો વિરોધ કરતી મુસ્લિમ મહિલાઓ અંગે સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. જૂન, 2020માં બે અઠવાડિયા માટે પાયલનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જુલાઈ, 2020માં કાયમી ધોરણે પાયલનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

જેલના અનુભવ અંગે વાત કરી હતી
પાયલે રાજસ્થાનની બુંદી જેલમાં રહી હતી. આ અંગે તેણે કહ્યું હતું કે જેલમાં ઘણી જ ઠંડી હતી અને તે ગંદી પણ હતી. તે ઘણી ડરી ગઈ હતી. આ બધું તેના માટે ડરામણું હતું. ઠંડી જમીન પર તે ચટ્ટાઈ પાથરીને સૂતી હતી. તે ફીમેલ જનરલ વોર્ડમાં હતી. અહીંયા ઘણી મહિલાઓ હતી. તેણે આ મહિલાઓ સાથે વાત કરી હતી અને તેમની વાત સાંભળીને તે ઘણી જ ઇમોશનલ થઈ ગઈ હતી. તેની સાથે પાંચ હાર્ડકોર ક્રિમિનલ મહિલા હતી. જેલમાં જમવાનું સારું મળતું નથી.