રણવીર સિંહ ભાવુક થયો:એક્ટરે મા-બાપને ભગવાન ગણાવ્યા, પત્ની અંગે બોલ્યો- Powered By દીપિકા પાદુકોણ

મુંબઈ22 દિવસ પહેલા

રણવીર સિંહને હાલમાં જ ફિલ્મ '83' માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ કબીર ખાને ડિરેક્ટ કરી છે. રણવીર બેસ્ટ એક્ટરનો અવૉર્ડ લેતા સમયે એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેણે પોતાના પેરેન્ટ્સને ભગવાન કહ્યા હતા. પત્ની દીપિકા પાદુકોણને લક્ષ્મી કહી હતી. રણવીરે સો.મીડિયામાં વિનિંગ સ્પીચનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં અવૉર્ડ લેતાં સમયે રણવીર એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

શું છે વીડિયોમાં?
વીડિયોની શરૂઆત કરન જોહર બેસ્ટ એક્ટર માટે રણવીર સિંહનું નામ જાહેર કરે છે. રણવીર સિંહ અવૉર્ડ લીધા બાદ થેંક્યૂ સ્પીચ આપે છે. આ સ્પીચ દરમિયાન રણવીરે પોતાની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું હતું.

શું કહ્યું રણવીરે?
રણવીર થેંક્યૂ સ્પીચ આપતી વખતે એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું, 'મારી વાઇલ્ડ કલ્પનાશક્તિ બહારનું મારા જીવનમાં બન્યું છે. મોટાભાગે મેં જે વિચાર્યું નહોતું તે બન્યું છે. મને વિશ્વાસ નહોતો કે હું અહીં સુધી આવીશ, હું આ કરીશ અને તમારી સામે ઊભો રહીશ. મને વિશ્વાસ નથી કે હું એક્ટર બની ગયો છું. આ એક ચમત્કાર છે. સૌથી પહેલાં તો હું તમારો આભાર માનીશ. મારી સફરમાં સાથે રહેવા બદલ દર્શકોનો ખૂબ ખૂબ આભાર, મારા સપનાંઓને પૂરાં કરવામાં તમારો મહત્ત્વનો ભાગ છે.' આટલું કહેતાં જ રણવીર એકદમ ઇમોશનલ થઈ ગયો હતો.

પેરેન્ટ્સ ભગવાન છે
વધુમાં રણવીરે કહ્યું હતું, 'આજે હું જે કંઈ પણ છું મારા મા-બાપને કારણે છું તથા મારી દીદીને કારણે છું. તેઓ મારા માટે ભગવાન છે. હું જે કંઈ પણ કરું છું, તે ભગવાન માટે કરું છું અને જે કંઈ પણ છું તે ભગવાનને કારણે જ છું.'

પત્નીને લક્ષ્મી કહી
આટલું કહ્યા બાદ રણવીરના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું અને તેણે પત્નીના વખાણ કર્યા હતા. એક્ટરે કહ્યું હતું, 'મારા ઘરમાં લક્ષ્મી છે અને આ રહ્યું મારી સફળતાનું રહસ્ય.' રણવીર દોડીને પત્ની દીપિકાને સ્ટેજ પર લઈને આવે છે અને કહે છે, 'રણવીર સિંહ પાવર્ડ બાય દીપિકા પાદુકોણ.' વીડિયોના અંતે રણવીર પત્નીને કિસ કરે છે.

સાળીએ મજાક ઉડાવી
રણવીર સિંહનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. સેલેબ્સે રણવીર સિંહની પ્રશંસા કરી છે. રણવીરની સાળી તથા દીપિકાની નાની બહેન અનિષાએ જીજાજીની મજાક ઉડાવી હતી. તેણે કમેન્ટ કરી હતી, 'કોણે ડુંગળી કાપી? તમે.' નીલમ કોઠારીએ કહ્યું હતું કે રણવીર સિંહ બેસ્ટ છે. અભિષેક બચ્ચન, મનિષ પૉલ, રકુલ પ્રીત સિંહ સહિતના સેલેબ્સે કમેન્ટ પોસ્ટ કરી હતી.

ગયા વર્ષે રિલીઝ થઈ
ગયા વર્ષે 24 ડિસેમ્બરના રોજ '83' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મ વખાણી હતી. ફિલ્મમાં રણવીર સિંહે ક્રિકેટર કપિલ દેવનો રોલ ભજવ્યો હતો. કપિલ દેવની પત્ની રોમીનો રોલ દીપિકાએ પ્લે કર્યો હતો. આ ફિલ્મ ભારતે પહેલી જ વાર 1983માં ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત હતી.

અન્ય સમાચારો પણ છે...