ભાસ્કર ઇનડેપ્થફિલ્મથી પણ રંગીન છે ભટ્ટ પરિવારની કહાની:પોરબંદરમાં જન્મેલા આલિયા ભટ્ટના દાદાના બે મહિલા સાથે હતા સંબંધો, પિતા મહેશ ભટ્ટે બીજાં લગ્ન માટે કર્યું હતું ધર્મ પરિવર્તન

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટનો આજે એટલે કે 15 માર્ચના રોજ 30મો જન્મદિવસ છે. આ બર્થડે આલિયા માટે ખાસ છે. આલિયાના લગ્ન તથા દીકરીના જન્મ બાદનો આ પહેલો બર્થડે છે. આલિયા ભટ્ટ અડધી ગુજરાતી, જર્મન તથા કાશ્મીરી પંડિત છે. આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ બોલિવૂડના જાણીતા ડિરેક્ટર તથા પ્રોડ્યુસર છે. આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટ પણ તેમના સમયમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલા જ લોકપ્રિય હતા. આજે આપણે આલિયા ભટ્ટનાં મૂળ ગુજરાત, જર્મન ને કાશ્મીરી પંડિત સાથે કેવી રીતે જોડાયેલાં છે તે અંગે વિગતવાર વાત કરીશું.

કોણ હતા નાનાભાઈ ભટ્ટ?
નાનાભાઈ ભટ્ટનો જન્મ પોરબંદરમાં 12 જૂન, 1915માં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નાનપણમાં તેમનું નામ યશવંત ભટ્ટ હતું. યશવંત ભટ્ટના ભાઈ બળવંત ભટ્ટ પ્રકાશ પિક્ચર્સમાં સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે કામ કરતા હતા. ભાઈને જોઈ યશવંત ભટ્ટે પણ ભાઈ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. યશવંત ભટ્ટ શરૂઆતના સમયમાં 'બટુક ભટ્ટ'ના નામથી ફિલ્મની સ્ક્રિપ્ટ્સ ને વાર્તા લખતા હતા. આ રીતે થોડાં વર્ષો કામ કર્યા બાદ તેઓ હોમી વાડિયાના પ્રોડક્શન 'બસંત પિક્ચર્સ'માં જોડાયા હતા. અહીંયાં યશવંત ભટ્ટે 'બટુક ભટ્ટ'ના નામથી જ બાબુભાઈ મિસ્ત્રી સાથે મળીને બે ફિલ્મ ડિરેક્ટ કરી હતી, જેમાં 1942માં રિલીઝ થયેલી 'મુકાબલા' તથા 1943માં આવેલી 'મોજ' સામેલ છે. 1942માં રિલીઝ થયેલી ફિલ્મ 'મુકાબલા'માં ફિયરલેસ નાદિયા ડબલ રોલમાં હતી. હિંદી સિનેમામાં ડબલ રોલની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી. યશવંત ભટ્ટે 'બટુક ભટ્ટ'ના નામથી હજી બે ફિલ્મ હોમી વાડિયાની 'હંટરવાલી કી બેટી' (1943) તથા લિબર્ટી પિક્ચર્સની 'સુધાર' (1949) ડિરેક્ટર કરી હતી. 1946માં નાનાભાઈ ભટ્ટે 'બસંત પિક્ચર્સ' છોડીને પોતાની પ્રોડક્શન કંપની 'દીપક પિક્ચર્સ'ની શરૂઆત કરી હતી.

નાનાભાઈ ભટ્ટે જ્યારે પોતાની કંપની હેઠળ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે તેમણે તે સમયે હિંદી સિનેમાએ ક્યારેય વિચાર્યા ના હોય તે રીતે ધાર્મિક ને ફેન્ટસી વિષયો પર ફિલ્મ બનાવી હતી. નાનાભાઈએ ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી. નાનાભાઈએ છેલ્લે 1988માં આવેલી ફિલ્મ 'કબ્ઝા' પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ તેમના દીકરા મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી હતી.

નાનાભાઈ ભટ્ટ બે ઘર ચલાવતા
નાનાભાઈ ભટ્ટે હેમલતા ભટ્ટ સાથે લગ્ન કર્યાં હતા. પરિણીત નાનાભાઈએ એક્ટ્રેસ શિરીન મોહમ્મદ અલી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, નાનાભાઈ ભટ્ટ પહેલેથી જ પરિણીત હતા. આ જ કારણે તેઓ શિરીન સાથે લગ્ન કરી શક્યા નહીં. તેમણે લગ્ન વગર જ શિરીન સાથે સંબંધો રાખ્યા હતા. નાનાભાઈએ બંને પરિવારની જવાબદારી ઉપાડી હતી. હેમલતાથી તેમને ત્રણ બાળકો રોબિન ભટ્ટ, પરમેશ ભટ્ટ તથા મમતા ભટ્ટ છે, જ્યારે શિરીનથી તેમને છ બાળકો મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, કુમકુમ ભટ્ટ, શીલા ભટ્ટ, હીના ભટ્ટ, પૂર્ણિમા ભટ્ટ છે. આમ નાનાભાઈ ભટ્ટને પાંચ દીકરીઓ ને ચાર દીકરાઓ છે. નાનાભાઈ ભટ્ટનું અવસાન 83 વર્ષની ઉંમરમાં 1999માં 24 એપ્રિલના રોજ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં હાર્ટ અટેકને કારણે થયું હતું.

કોણ હતી શિરીન મોહમ્મદ અલી?
વાત મહેશ ભટ્ટના માતાની કરવામાં આવે તો તેમના પિતા રામ શેષાદ્રી અયંગર તમિળ બ્રાહ્મણ હતા અને તેઓ મુંબઈમાં મનમોહન દેસાઈના પિતા કીકુભાઈ દેસાઈની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા તો માતા લખનઉના મુસ્લિમ પરિવારમાંથી આવતાં હતાં. શિરીનને ચાર બહેનો ને એક ભાઈ હતો. શિરીનની એક બહેન મહેરબાનો (સ્ક્રીન નામ પૂર્ણિમા) બોલિવૂડમાં 30-40ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ હતી. શિરીને હિંદી ને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 'બમ્બઈ કી શેઠાણી' (1935), 'પાસિંગ શો' (1936), 'ખ્વાબ કી દુનિયા' (1937), 'સ્ટેટ એક્સપ્રેસ' (1938), 'બિજલી' (1939) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. શિરીન આ જ રીતે સેટ પર નાનાભાઈ ભટ્ટને મળી હતી. ધીમે ધીમે તેમની મુલાકાતો વધતી ગઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. શિરીનને ખ્યાલ હતો કે નાનાભાઈ ભટ્ટ પરિણીત છે. જોકે, નાનાભાઈએ હંમેશાં શિરીન તથા હેમલતા પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી હતી. હેમલતા તથા શિરીન વચ્ચે પણ સારા સંબંધો હતા. હેમલતા ભટ્ટ તથા શિરીનને કારણે બંને પરિવાર વચ્ચે એક સંબંધ સ્થપાઈ ગયો હોવાની વાત તેમનાં સંતાનો આજે પણ કરે છે.

મહેશ ભટ્ટે અનેકવાર પિતા સાથેના સંબંધો અંગે વાત કરી હતી

એક ઇન્ટરવ્યૂમાં પોતાને લવ ચાઇલ્ડ કહ્યા હતા
'ઇ-ટાઇમ્સ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું, 'હું લવ ચાઇલ્ડ હતો, કારણ કે મારાં પેરેન્ટ્સ એકબીજાના પ્રેમમાં હતાં, પરંતુ તેમણે લગ્ન કર્યાં નહોતાં. નાનપણથી જ મેં ક્યારેય મારા પિતાને અમારા ઘરમાં રહેતા જોયા નહોતા. મારા પિતાને અન્ય એક પરિવાર હતો અને તેઓ ત્યાં જ રહેતા હતા. બે પરિવાર હોવા છતાંય તે અમારા ઘરનો તથા શિક્ષણનો ખર્ચ ઉઠાવતા હતા. સ્કૂલમાં હતો ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મારા પિતા સાથે ના રહેતા હોવાની વાત અંગે મારી મજાક ઉડાવતા હતા. મેં ત્યારે ખોટું બોલવાને બદલે એમ જ કહ્યું હતું કે તેમનો એક અલગ પરિવાર છે અને તેઓ ત્યાં જ રહે છે.'

માતા સાથે મહેશ ભટ્ટ.
માતા સાથે મહેશ ભટ્ટ.

વધુમાં મહેશ ભટ્ટે કહ્યું હતું, 'મારી માતા હંમેશાં પોતાની ઓળખ અંગે અવઢવમાં રહેતી હતી. જ્યારે પણ મમ્મા મારા રિપોર્ટ કાર્ડ પર સહી કરે ત્યારે તેના હાથ ધ્રૂજી જતા હતા. તેમને ખ્યાલ નહોતો આવતો કે તે કઈ સરનેમ લખે. તે પોતાની ઓળખ અંગે શ્યોર નહોતી. અમારું ઘર મુંબઈના શિવાજી પાર્કની નજીકમાં હતું. હું ક્રિકેટ જોઈને અને નેતાઓનાં ભાષણ સાંભળીને મોટો થયો છું. મેં પંડિત જવાહરલાલ નેહરુ ને વાજપેયીને પણ અહીંયાં જ સાંભળ્યા હતા.'

સ્કૂલમાં હતા ને કામ કરવાની શરૂઆત કરી
મહેશ ભટ્ટે આ જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારથી જ કામ કરવા લાગ્યો હતો. હું વેકેશન પડે ત્યારે કામ કરતો હતો, જેમાં હું કાર ફ્રેશનર્સથી લઈ કારના નટ-બોલ્ટ્સ ટાઇટ કરી આપતો હતો. હું મારી માતા માટે કમાવા માગતો હતો. મને આ બધાં કામમાં 53 રૂપિયા મળ્યા હતા. આ મારી પહેલી કમાણી હતી અને તે મેં મારા મમ્માના હાથમાં આપી હતી.'

અન્ય એક ઇન્ટરવ્યૂમાં ‘બાસ્ટર્ડ’ ચાઇલ્ડ કહ્યા હતા
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું, 'મને ખ્યાલ જ નહોતો કે પિતા એટલે શું? મારી પાસે પિતા સાથે જોડાયેલી એવી કોઈ ખાસ યાદો પણ નથી. આ જ કારણે મને ખ્યાલ પણ નથી કે પિતાનો રોલ શું હોય છે. હું સિંગલ મુસ્લિમ માતા શિરીન મોહમ્મદ અલીનું બાસ્ટર્ડ સંતાન છું.'

પોતાના નામ અંગે કહ્યું હતું, 'જ્યારે મેં મારા નામનો અર્થ મારી માતાને પૂછ્યો ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે આ સવાલ તારા પિતાને પૂછજે. તેમણે જ તને આ નામ આપ્યું છે. જ્યાં સુધી મારા પિતા બીજીવાર અમારા ઘરે ના આવ્યા ત્યાં સુધી મેં તેમની રાહ જોઈ હતી. તેમણે મને કહ્યું હતું કે મહેશ એટલે મહા-ઈશ એટલે કે દેવોના દેવ મહાદેવ. નાનપણમાં મને મહાદેવ પર બહુ જ ગુસ્સો આવતો હતો, કારણ કે તેમણે પોતાના જ બાળક ગણેશનું માથું કાપી નાખ્યું હતું. મને ગણેશજી પર અપાર હેત હતું. હું નાનો હતો ત્યારે સૂતી વખતે મારા ઓશીકાની નીચે નાના ગણેશજી અચૂક રાખતો હતો. તે મારા ફેવરિટ ભગવાન હતા. ગણેશજીની જેમ જ મારા માટે પણ મારા પિતા અજાણ્યા હતા અને ગેરહાજર હતા.'

નાનાભાઈ ભટ્ટે શિરીનના અવસાન બાદ સેથો પૂર્યો હતો
મહેશ ભટ્ટે તાજેતરમાં જ આ અંગે વાત કરતાં કહ્યું હતું, '1998માં જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે તેમની ઈચ્છા હતી કે તેમને તેમના ધર્મ અનુસાર દફન કરવામાં આવે. મારા પિતા નાનાભાઈ તેમની પત્ની હેમલતા સાથે અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. અહીંયાં તેમણે પહેલી જ વાર મારી માતાના સેથામાં સિંદૂર પૂર્યું હતું. આ જોઈને મને નવાઈ લાગી હતી. મને લાગ્યું કે હે ભગવાન, બહુ મોડું થઈ ગયું. મારી માતા હંમેશાં ઈચ્છતી હતી કે પિતા બધાની સામે તેનો સ્વીકાર કરે, પરંતુ અફસોસ આ શક્ય બન્યું નહીં.'

મહેશ ભટ્ટે આગળ કહ્યું હતું, 'જ્યારે મેં મારા પિતાને કહ્યું કે માતા ઈચ્છતી હતી કે તેમને શિયા કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે. મેં તેમનો ચહેરો જોયો તો તે એકદમ સફેદ પડી ગયો હતો. તેમણે હાથ જોડીને કહ્યું હતું, 'માફ કરી દે દીકરા, મારો ધર્મ મને ત્યાં જવાની અનુમતિ આપતો નથી. તેમની આ વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું હતું, પરંતુ મેં મારી માતાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી.'

બહેન સાથેના સંબંધો તોડી નાખ્યા
મહેશ ભટ્ટે 2007માં ‘ટેલિગ્રાફ ઇન્ડિયા’ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મારી માતાના અવસાન બાદ મેં દર્શન પરિવાર (મહેશ ભટ્ટની બહેન શીલાએ દર્શન સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં) સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, કારણ કે અમે ઈચ્છતા હતા કે મારી માતાને મુસ્લિમ ધર્મ પ્રમાણે દફન કરવામાં આવે, પરંતુ તેઓ ઈચ્છતા નહોતા. આ જ કારણે સંબંધોનો અંત આવ્યો હતો.'

મોત બાદ નાનાભાઈ ભટ્ટ ને શિરીન ભટ્ટ આ રીતે એક થયાં
2015માં પાકિસ્તાનના 'યુલિન મેગેઝિન'ના 'The Enigma of Mahesh Bhatt'ના આર્ટિકલ પ્રમાણે, 'નાનાભાઈ ભટ્ટે પોતાની પત્ની હેમલતાને કહ્યું હતું કે તે આખું જીવન તેમની સાથે રહ્યા, પરંતુ મર્યા બાદ શિરીન સાથે રહેવા માગે છે. જ્યારે નાનાભાઈ ભટ્ટનું હોસ્પિટલમાં અવસાન થયું ત્યારે હેમલતા ભટ્ટે નાનાભાઈના પાર્થિવદેહને શિરીનના ઘરે લઈ ગયા હતા અને ત્યાંથી અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ટ્રેજિક લવ સ્ટોરીનો અંત એ રીતે આવ્યો હતો કે નિકટના પરિવારના સભ્યો રાત્રે શિરીનની કબર પર નાનાભાઈ ભટ્ટની મુઠ્ઠીભર રાખ છાંટી આવ્યા હતા, જેથી મર્યા બાદ બંને એક થઈ શકે.'

શિરીનના પલંગ નીચેથી નાનાભાઈ ભટ્ટની કેસેટો મળી હતી
'The Enigma of Mahesh Bhatt'માં પૂજા ભટ્ટે દાદીને યાદ કરીને કહ્યું હતું, 'મારી દાદીનું અવસાન થયું ત્યારે તેમના ગાદલા નીચેથી મારા દાદા નાનાભાઈ ભટ્ટના અવાજમાં લવ મેસેજ તથા કવિતાઓ મળી આવી હતી. મારા દાદાને બરોબર દેખાતું નહોતું અને તે જ કારણે તે મારી દાદીને પત્ર લખી શકતા નહોતા. આથી જ તે કેસેટ મોકલતા હતા.'

રોબિન ભટ્ટ, હેમલતા ભટ્ટ.
રોબિન ભટ્ટ, હેમલતા ભટ્ટ.

રોબિન ભટ્ટે પણ પિતા સાથેના સંબંધો અંગે વાત કરી
રોબિન ભટ્ટે ‘દિવ્ય ભાસ્કર’ને આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં પોતાના પેરેન્ટ્સ અંગે વાત કરી હતી. રોબિન ભટ્ટે કહ્યું હતું, 'હું પિતા કરતાં મારા માતાની વધુ નિકટ હતો. તેમને કારણે જ મેં ક્યારેય મારા પિતાને મિસ કર્યા નહોતા. મારી માતા બહુ જ ઓછું બોલતી હતી. મારી માતા ને સાવકી માતા બંને રોજ એકબીજા સાથે વાત કરતાં હતાં. આજે બંને પરિવાર સાથે છે, તે મારા પિતાને કારણે નહીં, પરંતુ મારી માતા ને મહેશની માતાને કારણે છે. હું મારી માતાને ઘણીવાર પિતાની બીજા સંબંધો અંગે પૂછવા માગતો, પરંતુ તેમની આંખો જોઈને ચૂપ થઈ જતો હતો. મારી માતા જ્યારે બીમાર હોય ત્યારે મહેશ ભટ્ટ અમારા ઘરે આવતા. મારી માતાને મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ પ્રત્યે ઘણું જ હેત હતું.' હેમલતા ભટ્ટનું 2016માં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

પહેલી પત્ની કિરણ સાથે મહેશ ભટ્ટ. આ બંનેની દીકરી પૂજા ભટ્ટ દેખાવમાં બિલકુલ એની મમ્મી પર ગઈ છે!
પહેલી પત્ની કિરણ સાથે મહેશ ભટ્ટ. આ બંનેની દીકરી પૂજા ભટ્ટ દેખાવમાં બિલકુલ એની મમ્મી પર ગઈ છે!

મહેશ ભટ્ટે પણ પિતાની જેમ બે લગ્ન કર્યાં
વાત હવે આલિયા ભટ્ટના પિતા એટલે કે મહેશ ભટ્ટના પારિવારિક જીવન અંગે કરીએ તો તેમણે પણ પિતાની જેમ બે લગ્ન કર્યાં છે. મહેશ ભટ્ટ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તેમને લોરેન બ્રાઇટ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. મહેશ ભટ્ટ જ્યારે 20 વર્ષના થયા ત્યારે તેમણે લોરેન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ લોરેને પોતાનું નામ કિરણ કર્યું હતું. 21 વર્ષે મહેશ ભટ્ટ દીકરી પૂજા ભટ્ટના પિતા બન્યા હતા. મહેશ ભટ્ટે રાજ ખોસલાના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. મહેશ ભટ્ટની આસિસ્ટ કરેલી શરૂઆતની ચાર ફિલ્મ એક પછી એક ફ્લોપ રહી હતી. આની સીધી અસર તેમના લગ્નજીવન પર પડી હતી. કિરણ સાથેના સંબંધો દિવસે દિવસે ખરાબ થતા જતા હતા.

પરવીન બાબી, મહેશ ભટ્ટ.
પરવીન બાબી, મહેશ ભટ્ટ.

પરવીન બાબી સાથે અફેર
પત્ની કિરણ ભટ્ટ સાથેના સંબંધો ખરાબ થતાં મહેશ ભટ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા હતા. આ અન્ય સ્ત્રી બીજી કોઈ નહીં, પણ પરવીન બાબી હતી. પરવીન બાબી ને મહેશ ભટ્ટ વચ્ચે લગભગ અઢી વર્ષ સુધી સંબંધો રહ્યા હતા. જોકે, આ દરમિયાન પરવીન બાબી બીમાર પડી હતી. તેને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા નામની બીમારી થઈ હતી. મહેશ ભટ્ટ એક્ટ્રેસ પરવીનની સારવાર કરાવવા અમેરિકા પણ ગયા હતા. જોકે, પરવીનનની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહોતો અને તેની તબિયત દિવસે દિવસે વધુ બગડતી હતી. પરવીનને લાગતું હતું કે કોઈ તેની હત્યા કરવા માગે છે અથવા તો કોઈ તેના વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યું છે. પરવીન એકલી રહેવા માગતી હતી. આ રીતે મહેશ ભટ્ટ ને પરવીન બાબીના સંબંધોનો અંત આવ્યો હતો.

પત્ની પાસે પાછા ફર્યા
પરવીન સાથેના અફેરનો અંત આવ્યા બાદ મહેશ ભટ્ટ પત્ની કિરણ પાસે પરત ફર્યા હતા. આ દરમિયાન દીકરા રાહુલનો જન્મ થયો હતો. જોકે, મહેશ ભટ્ટ બોલિવૂડ એક્ટ્રેસ સોની રાઝદાનને 'સારાંશ'ના સેટ પર મળ્યા હતા. ધીમે ધીમે મહેશ ભટ્ટ એક્ટ્રેસ સોની તરફ આકર્ષિત થયા હતા. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં.

સોની રાઝદાન તથા મહેશ ભટ્ટ.
સોની રાઝદાન તથા મહેશ ભટ્ટ.

પત્નીને ડિવોર્સ આપ્યા વગર બીજાં લગ્ન કર્યાં
મહેશ ભટ્ટે પત્નીને ડિવોર્સ આપ્યા વગર જ સોની રાઝદાન સાથે મુસ્લિમ બનીને 1986માં લગ્ન કર્યાં હતાં. ‘ઇટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું, 'મારા ફ્રેન્ડ્સે મને કહ્યું હતું કે મારાં માતા મુસ્લિમ હોવાથી હું કન્વર્ટ થઈ જાઉં તો સોની સાથે લગ્ન કરી શકું તેમ છું. મેં તેમ જ કર્યું અને મેં સોની સાથે લગ્ન કર્યાં.' મહેશ ભટ્ટે જ્યારે સોની રાઝદાન સાથે લગ્ન કરવાનું નક્કી કરીને પહેલી પત્નીને તરછોડી ત્યારે દીકરો રાહુલ 3 વર્ષનો અને પૂજા ભટ્ટ 10 વર્ષની હતી.

પહેલાં ઓશો પછી આધ્યાત્મિક ગુરુ યુ.જી. કૃષ્ણમૂર્તિના અનુયાયી બન્યા
70ના દાયકામાં મહેશ ભટ્ટ ઓશો રજનીશના અનુયાયી હતા. જોકે, સમય જતાં તેઓ આધ્યાત્મિક ગુરુ તથા ફિલોસોફર યુ.જી. કૃષ્ણમૂર્તિના અનુયાયી બન્યા હતા. મહેશ ભટ્ટ હંમેશાં કહેતા આવ્યા છે કે કૃષ્ણમૂર્તિ તેમની લાઇફલાઇન છે. તેમણે એક જગ્યાએ કહ્યું હતું, 'જો તેમના જીવનમાંથી કૃષ્ણમૂર્તિને લઈ લેવામાં આવે તો તેમની પાસે કંઈ જ વધતું નથી.' 1992માં મહેશ ભટ્ટે કૃષ્ણમૂર્તિની બાયોગ્રાફી 'યુ.જી. ક્રિષ્નામૂર્તિ, અ લાઇફ' લખી હતી. આ ઉપરાંત તેમણે કૃષ્ણમૂર્તિ સાથે થયેલા વાર્તાલાપ પર આધારિત કેટલાંક પુસ્તકો લખ્યાં છે. છેલ્લે 2009માં મહેશ ભટ્ટની બુક 'ધ ટેસ્ટ ઓફ લાઇફઃ ધ લાસ્ટ ડેઝ ઓફ યુ.જી. ક્રિષ્નામૂર્તિ' પબ્લિશ થઈ હતી.

મહેશ ભટ્ટ તથા યુ.જી. ક્રૃષ્ણમૂર્તિ.
મહેશ ભટ્ટ તથા યુ.જી. ક્રૃષ્ણમૂર્તિ.

મહેશ ભટ્ટની કરિયર
મહેશ ભટ્ટની કરિયરની વાત કરીએ તો તેમણે 26 વર્ષની ઉંમરે 1974માં 'મંઝિલે ઔર ભી હૈં'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. મહેશ ભટ્ટ પોતાના જીવન પરથી પ્રેરિત થઈને ફિલ્મ બનાવતા હતા. તેમના જીવન પર આધારિત હોય તેવી ફિલ્મની વાત કરીએ તો તેમાં 'આશિકી', 'અર્થ', 'ઝખ્મ', 'વો લમ્હે', 'ફિર તેરી કહાની યાદ આઈ', 'હમારી અધૂરી કહાની' સામેલ છે. 1986માં મહેશ ભટ્ટે સગા ભાઈ મુકેશ ભટ્ટ સાથે મળીને વિશેષ ફિલ્મ્સની સ્થાપના કરી હતી. આ કંપની હવે મુકેશ ભટ્ટ તથા તેમનો દીકરો વિશેષ ભટ્ટ સંભાળે છે.

મહેશ ભટ્ટનું દીકરી પૂજા સાથે વિવાદિત ફોટોશૂટ
મહેશ ભટ્ટે દીકરી પૂજા ભટ્ટ સાથે સ્ટારડસ્ટ નામના મેગેઝિનના કવરપેજ માટે વિવાદિત ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં દીકરી પૂજા ભટ્ટ પપ્પા મહેશ ભટ્ટના ખોળામાં બેઠી છે અને બંને લિપ કિસ કરે છે. આ ફોટોશૂટને કારણે હંગામો મચી ગયો હતો. ફોટોશૂટને કારણે વિવાદ થતાં મહેશ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. સ્ટારડસ્ટની એક પ્રેસ કોન્ફરન્સમાં મહેશ ભટ્ટે એમ કહ્યું હતું કે જો પૂજા તેમની દીકરી ના હોત તો તે તેની સાથે લગ્ન કરી લેત. આ નિવેદનને કારણે હોબાળો મચી ગયો હતો. પૂજા ભટ્ટ તથા મહેશ ભટ્ટે એમ પણ કહ્યું હતું કે આ ફોટોશૂટ ફૅક છે.

બાપ-દીકરીના હોઠ પર ચુંબન કરવાના આ ફોટોશૂટને કારણે વિવાદ થયો હતો.
બાપ-દીકરીના હોઠ પર ચુંબન કરવાના આ ફોટોશૂટને કારણે વિવાદ થયો હતો.

ઈમરાન હાશ્મી-મિલન લુથરિયા કેવી રીતે સંબંધી થાય?
મહેશ ભટ્ટની માતા એટલે કે શિરીન મોહમ્મદ અલીની બહેન મહેર બાનુ હિંદી સિનેમામાં પૂર્ણિમા તરીકે લોકપ્રિય હતી. પૂર્ણિમાએ પહેલા લગ્ન જર્નાલિસ્ટ સૈયદ શૌકત હાશ્મી સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને દીકરો અનવર હાશ્મી હતો. ભારત-પાકના ભાગલા થયા ત્યારે શૌકત હાશ્મી પાકિસ્તાન જતા રહ્યા હતા. પૂર્ણિમા દીકરા અનવર સાથે ભારતમાં જ રહી હતી. 1954માં પૂર્ણિમાએ બીજા લગ્ન જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર ભગવાનદાસ વર્મા સાથે કર્યા હતા. 1962માં ભગવાનદાસ વર્માનું અવસાન થયું હતું. અનવર હાશ્મીનો દીકરો ઈમરાન હાશ્મી છે. એટલે કે મહેશ ભટ્ટની માસીના દીકરાનો દીકરો ઈમરાન હાશ્મી થાય. 79 વર્ષીય પૂર્ણિમાનું 2013માં 14 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું.

ઈમરાન હાશ્મીની નાની ને મહેશ ભટ્ટની માસી પૂર્ણિમા.
ઈમરાન હાશ્મીની નાની ને મહેશ ભટ્ટની માસી પૂર્ણિમા.
ઈમરાન હાશ્મી માતા ને પિતા સાથે.
ઈમરાન હાશ્મી માતા ને પિતા સાથે.

એ જ રીતે ડિરેક્ટર મિલન લુથરિયાનાં નાની મહેશ ભટ્ટનાં માતાનાં બેન હતાં. મિલન લુથરિયા પણ મહેશ ભટ્ટની માસીની દીકરીનો દીકરો છે.

મિલન લુથરિયા મહેશ ભટ્ટ તથા પરિવાર સાથે.
મિલન લુથરિયા મહેશ ભટ્ટ તથા પરિવાર સાથે.

નાનાભાઈ ભટ્ટનાં નવ સંતાનો આજે ક્યાં છે ને શું કરે છે?
રોબિન ભટ્ટે 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં પોતાના ભાઈ-બહેનો અંગે વાત કરી હતી. નાનાભાઈ તથા હેમલતા ભટ્ટનાં ત્રણ સંતાનોમાંથી રોબિન ભટ્ટ બોલિવૂડ રાઇટર છે. તેમણે હંસા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને તેમને કોઈ સંતાન નથી. રોબિનના ભાઈ પરમેશ ભટ્ટે જાપાનીઝ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ ટ્રાવેલના બિઝનેસ સાથે જોડાયેલા હતા. તેમનું અવસાન થઈ ચૂક્યું છે. તેમનાં પત્ની, બે સંતાનો ને પૌત્ર સાથે જાપાનમાં રહે છે. તેઓ પ્રસંગોપાત ભારત આવે છે. તો નાનાભાઈ ભટ્ટની દીકરી મમતા ભટ્ટ મુંબઈમાં જ રહે છે. તેમનાં સંતાનોના ઘરે પણ સંતાનો છે.

રોબિન ભટ્ટ પત્ની હંસા સાથે.
રોબિન ભટ્ટ પત્ની હંસા સાથે.
રોબિન ભટ્ટ, મહેશ ભટ્ટ તથા મમતા ભટ્ટ.
રોબિન ભટ્ટ, મહેશ ભટ્ટ તથા મમતા ભટ્ટ.

નાનાભાઈ ને શિરીનનાં 6 સંતાનોની વાત કરીએ તો મહેશ ભટ્ટ બોલિવૂડના જાણીતા ડિરેક્ટર છે. તેમનાં ચાર સંતાનો પૂજા ભટ્ટ-આલિયા ભટ્ટ બોલિવૂડ એક્ટ્રેસ છે. મહેશ ભટ્ટનો દીકરો રાહુલ ભટ્ટ ફિટનેસ ટ્રેનર છે. રાહુલ ભટ્ટ 'બિગ બોસ 4'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત 2007માં અનુરાગ બાસુની ફિલ્મ 'સુસાઇડ બોમ્બર'માં કામ કર્યું હતું. મહેશ ભટ્ટની દીકરી શાહિન ભટ્ટ સ્ક્રિનરાઇટર છે.

પૂજા, રાહુલ, આલિયા, શાહિન.
પૂજા, રાહુલ, આલિયા, શાહિન.

મુકેશ ભટ્ટ પ્રોડ્યુસર છે. તેમણે નીલિમા સાથે લગ્ન કર્યાં છે. તેમનો દીકરો વિશેષ ફિલ્મ મેકર છે, જ્યારે દીકરી સાક્ષી પ્રોડ્યુસર છે.

મુકેશ ભટ્ટ પત્ની નીલિમા, દીકરા વિશેષ-વહુ કનિકા, દીકરી સાક્ષી-જમાઈ મઝાહિર સાથે.
મુકેશ ભટ્ટ પત્ની નીલિમા, દીકરા વિશેષ-વહુ કનિકા, દીકરી સાક્ષી-જમાઈ મઝાહિર સાથે.

કુમકુમ સહગલ પહેલાં વિશેષ ફિલ્મ્સના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા. તેમનો દીકરો સાહિલ સહગલ પ્રોડ્યુસર છે. તેમના પતિ સુરેન્દ્ર સહગલનું અવસાન થઈ ચૂક્યું છે.

મહેશ, કુમકુમ તથા મુકેશ ભટ્ટ.
મહેશ, કુમકુમ તથા મુકેશ ભટ્ટ.

પૂર્ણિમા ભટ્ટ ટીચર છે અને તેઓ સંતાનો સાથે મુંબઈમાં જ રહે છે.

ડાબેથી, રોબિન, મમતા, પૂર્ણિમા તથા પૂજા ભટ્ટ.
ડાબેથી, રોબિન, મમતા, પૂર્ણિમા તથા પૂજા ભટ્ટ.

હીના ભટ્ટે ‘ડનલોપ’ કંપનીમાં કામ કરતા દક્ષ સૂરી સાથે લગ્ન કર્યાં હતાં. હીના-દક્ષ સૂરીને દીકરો મોહિત સૂરી ને દીકરી સ્માઇલી સૂરી છે. માત્ર 37 વર્ષની ઉંમરે હીનાનું અવસાન 1990માં થયું હતું. હીનાના પતિ દક્ષ સૂરીનું અવસાન 2011માં થયું હતું. દીકરો મોહિત સૂરી બોલિવૂડનો જાણીતો ડિરેક્ટર છે. મોહિતે 'મર્ડર 2', 'એક વિલન', 'હાફ ગર્લફ્રેન્ડ' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. મોહિતે બોલિવૂડ એક્ટ્રેસ ઉદિતા ગોસ્વામી સાથે લગ્ન કર્યાં છે. તેમને એક દીકરી ને દીકરો છે. સ્માઇલી સૂરીએ 2005માં 'કલયુગ'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે તે 2011માં રિલીઝ થયેલી 'ક્રેકર્સ'માં જોવા મળી હતી. 2014માં સ્માઇલીએ કોરિયોગ્રાફર વિનીત બાંગેરા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 2016માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા.

સ્માઈલી સૂરી માતા હીના ને પિતા દક્ષ સાથે.
સ્માઈલી સૂરી માતા હીના ને પિતા દક્ષ સાથે.
મોહિત સૂરી પત્ની ઉદિતા અને સંતાનો સાથે.
મોહિત સૂરી પત્ની ઉદિતા અને સંતાનો સાથે.

શીલા ભટ્ટે ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યુસર દર્શન સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં. શીલા તથા દર્શનને બે સંતાનો સુનીલ તથા ધર્મેશ છે. દર્શન સભરવાલ બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર રામદયાલ સભરવાલના ભાઈ હતા. સુનીલ તથા ધર્મેશે પિતાનું નામ સરનેમ તરીકે રાખ્યું છે. ધર્મેશ દર્શને 'ધડકન', 'રાજા હિંદુસ્તાની', 'મેલા' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. સુનીલ દર્શનની વાત કરીએ તો તે ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યુસર છે. છેલ્લે તેણે 2017માં 'એક હસીના થી એક દીવાના થા' પ્રોડ્યુસ કરી હતી. શીલા તથા દર્શન બંનેએ દુનિયાને અલવિદા કહી દીધું છે.

ધર્મેશ દર્શન માતા શીલા સાથે.
ધર્મેશ દર્શન માતા શીલા સાથે.
ડાબે, દર્શન સભરવાલ તથા સુનીલ દર્શન.
ડાબે, દર્શન સભરવાલ તથા સુનીલ દર્શન.

મહેશ ભટ્ટનાં સંતાનોની ફિલ્મી કરિયર
મહેશ ભટ્ટની બંને દીકરીઓ પિતાની જેમ બોલિવૂડમાં જ કામ કરે છે. વાત સૌ પહેલાં મોટી દીકરી પૂજા ભટ્ટની કરીએ તો તેણે 17 વર્ષની ઉંમરમાં 'ડેડી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી હતી અને મુકેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. પૂજાએ 1997માં પ્રોડ્યુસર તરીકે 'તમન્ના' ફિલ્મ બનાવી હતી. 2003માં 'પાપ' ફિલ્મથી ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. છેલ્લે 2012માં 'જિસ્મ 2' ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

પૂજા ભટ્ટે 2003માં વીડિયો જૉકી મુનીષ મખીજા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ 2014માં ડિવોર્સ લીધા હતા.

પૂજા ભટ્ટ પૂર્વ પતિ મુનીષ સાથે.
પૂજા ભટ્ટ પૂર્વ પતિ મુનીષ સાથે.

રાહુલ ભટ્ટનું નામ આતંકી સાથે જોડાયું હતું
રાહુલ પહેલી વાર મુંબઈ આંતકી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીને મુંબઈમાં મળ્યો હતો. અહીંયાં તેમની મિત્રતા થઈ હતી. તેમની વચ્ચે 8-10 મુલાકાત થઈ હતી. 26 નવેમ્બરના રોજ મુંબઈમાં હુમલો થયો ત્યારે ડેવિડ મુંબઈમાં જ હતો. ડેવિડના સંબંધો લશ્કર-એ-તૈયબા સાથે હતા. અમેરિકાની FBIએ લશ્કર-એ-તૈયબા સાથેના સંબંધો હોવાની શંકા રાખીને ડેવિડની ધરપકડ કરી હતી. આ ધરપકડમાં ડેવિડે રાહુલની વાત કરી હતી. આ ઉપરાંત ડેવિડે રાહુલને ઇમેલ પણ કર્યા હતા. રાહુલે પછી સામે આવીને તે જ રાહુલ ભટ્ટ હોવાની વાત કહી હતી. રાહુલે પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે તેને સહેજ પણ અંદાજો નહોતો કે ડેવિડ આતંકી છે. ત્યારબાદ રાહુલ આ કેસમાં સરકારી સાક્ષી બન્યો હતો. રાહુલ ભટ્ટ પર હુસૈન ઝૈદીએ 'હેડલી એન્ડ આઇ' બુક લખી છે. આ બુકમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ભટ્ટ મુંબઈમાં 26/11ના થયેલા હુમલાના આરોપી ડેવિડ હડેલીમાં પોતાના પિતાની ઝલક જોતો હતો. તેને ખ્યાલ નહોતો કે ડેવિડ શા માટે મુંબઈ આવ્યો છે.

પિતા સાથે રાહુલ.
પિતા સાથે રાહુલ.

શાહિન ભટ્ટ રાઇટર છે
શાહિન ભટ્ટ 13 વર્ષની ઉંમરે ડિપ્રેશનમાં સરી પડી હતી. શાહિને 'ઝહર' તથા 'જિસ્મ 2'ના કેટલાક સીન લખ્યા હતા. આ ઉપરાંત તેણે લંડનમાંથી ફિલ્મમેકિંગ તથા એડિટિંગ શીખ્યું હતું. 'રાઝ 3'માં તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 2019માં શાહિનની 'આઈ હેવ નેવર બીન (અન)હેપ્પીઅર' બુક લૉન્ચ થઈ હતી.

શાહિન ભટ્ટ
શાહિન ભટ્ટ

આલિયા ભટ્ટે ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે
આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટની 1999માં આવેલી ફિલ્મ 'સંઘર્ષ'માં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. 2012માં આલિયાએ કરન જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડ લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે 500થી વધુ છોકરીઓએ ઓડિશન આપ્યું હતું અને તેમાંથી આલિયાની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે આલિયાએ 16 કિલો જેટલું વજન ઉતાર્યું હતું. આલિયા બોલિવૂડની સફળ એક્ટ્રેસીસમાંની એક છે. આલિયા પોતાની એક્ટિંગને કારણે બોલિવૂડ તથા ચાહકોમાં લોકપ્રિય છે.

આલિયાનાં લગ્ન
આલિયાએ એપ્રિલ, 2022માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. રણબીર તથા આલિયાએ પાંચ વર્ષના ડેટિંગ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

આલિયા ભટ્ટ પતિ રણબીર ને દીકરી રાહા સાથે.
આલિયા ભટ્ટ પતિ રણબીર ને દીકરી રાહા સાથે.

આલિયાએ જૂન, 2022માં દીકરી રાહાને જન્મ આપ્યો હતો. આલિયાએ પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કર્યું હતું. આલિયા હવે હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'માં જોવા મળશે.

સોની રાઝદાનનાં પેરેન્ટ્સ.
સોની રાઝદાનનાં પેરેન્ટ્સ.

આલિયાનાં નાના-નાની જર્મન ને કાશ્મીરી પંડિત
આલિયાની માતા સોની રાઝદાનનાં પેરેન્ટ્સની વાત કરીએ તો એક્ટ્રેસની માતા ગર્ટ્રૂડ હોલ્ઝર જર્મન છે અને પિતા નરેન્દ્રનાથ રાઝદાન કાશ્મીરી પંડિત છે. બંનેની મુલાકાત લંડનમાં થઈ હતી. સોનીનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો છે અને તેથી જ તે બ્રિટિશ સિટિઝન છે. આલિયા ભટ્ટનો જન્મ પણ ઇંગ્લેન્ડમાં થયો હોવાથી તે બ્રિટિશ સિટિઝનશિપ ધરાવે છે. સોની રાઝદાનની માતા મુંબઈમાં નર્સરી ટીચર તરીકે કામ કરતાં હતાં.