વાઇરલ ઇન્ટરવ્યૂ:જ્યારે રાજે શિલ્પા શેટ્ટીને ઇમ્પ્રેસ કરવા ગણતરીની મિનિટોમાં અમિતાભ બચ્ચનના બંગલાની સામે ફ્લેટ ખરીદ્યો હતો

મુંબઈ4 મહિનો પહેલા

શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા અને તેઓ બે સંતાનોના પેરેન્ટ્સ છે. હાલમાં રાજ કુંદ્રાનું નામ પોર્ન કેસમાં ફસાયેલું છે અને તે જેલમાં બંધ છે. 2018માં રાજ કુંદ્રાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં રાજે શિલ્પા સાથેની મુલાકાતથી લઈ લગ્ન સુધીની વાત કરી હતી. રાજ શિલ્પાને ઇમ્પ્રેસ કરવા મોંઘીદાટ બેગ ગિફ્ટમાં આપતો હતો. આટલું જ નહીં શિલ્પા માટે 10 મિનિટની અંદર અમિતાભના ઘરની સામે ફ્લેટ ખરીદી લીધો હતો.

રાજ-શિલ્પાની પહેલી મુલાકાત
રાજે કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં 'બિગ બ્રધર' શો જીત્યા બાદ તે પહેલી જ વાર શિલ્પાનાં મેનેજરની મદદથી એક્ટ્રેસને મળ્યો હતો. તે તેની પાસે પર્ફ્યૂમ બનાવવાનો આઇડિયા લઈને ગયો હતો. રાજ જ્યારે પહેલી વાર શિલ્પાને મળ્યો ત્યારે એક્ટ્રેસની માતા સુનંદા પણ સાથે હતી. રાજ તરત જ સુનંદાને પગે લાગ્યો હતો. આ જોઈને શિલ્પા ઘણી જ ખુશ થઈ ગઈ હતી.

રાજ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી
વધુમાં રાજે કહ્યું હતું કે શિલ્પા તેની સાથે કોઈ પણ પ્રકારના સંબંધોમાં આવવા તૈયાર નહોતી. તે શિલ્પાની પાછળ હાથ ધોઈને પડી ગયો હતો. તેને ખ્યાલ હતો કે શિલ્પા તેને પસંદ કરતી હતી. રાજે કહ્યું હતું કે શિલ્પાને મનાવવા માટે તેણે જાણીતી ઇટાલિયન ફેશન બ્રાન્ડ વર્સાચેની ત્રણ બેગ આપી હતી. એક જેવી ડિઝાઈન અને ત્રણ અલગ અલગ કલરની આ બેગ હતી. ઉલ્લેખનીય છે કે આ બ્રાન્ડ્સની બેગ્સ ત્રણ લાખ રૂપિયાની આસપાસ આવે છે. રાજે આગળ કહ્યું હતું કે બેગ જોયા બાદ શિલ્પાને ઘણી જ નવાઈ લાગી હતી. તેણે આ રીતની ગિફ્ટ્સ આપવાની ના પાડી હતી.

શિલ્પા ભારત છોડવા તૈયાર નહોતી
રાજના મતે શિલ્પા ઘણી જ સ્પષ્ટ હતી. તેણે તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે તે ક્યારેય ભારત છોડીને લંડન સેટલ થઈ શકશે નહીં. શિલ્પાને એવું લાગતું હતું કે તે ક્યારેય લંડન છોડીને ભારત આવી શકશે નહીં. શિલ્પાની આ વાત સાંભળીને રાજના મનમાં મુંબઈમાં ઘર લેવાનો વિચાર આવ્યો હતો.

ઘર ખરીદ્યું હતું
રાજે કહ્યું હતું કે બીજા જ દિવસે તેણે પ્રોડ્યૂસર વાસુ ભગનાનીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે મુંબઈમાં ઘર ખરીદવા માગે છે. વાસુએ એવો જવાબ આપ્યો હતો કે જો તેને રસ હોય તો જુહૂમાં એક પ્રોપર્ટી છે. રાજે ઘર જોયા વગર જ ખરીદી લીધું હતું. 10 મિનિટ પછી શિલ્પાને ફોન કરીને કહ્યું હતું, 'તમે કહેતા હતા ને કે તમે મુંબઈમાં જ રહેશો. મિસ્ટર બચ્ચનનું ઘર તો તમને ખબર જ હશે. તેમના જલસા ઘરની એકદમ સામે ઘર ખરીદ્યું છે. હવે બોલો.' રાજે શિલ્પાને ફ્લેટ જોવા આવવા માટેનું કહ્યું હતું. રાજની આ વાતથી શિલ્પા માની ગઈ હતી અને તેને વિશ્વાસ થઈ ગયો હતો કે રાજ તેના માટે ભારત રહેવા તૈયાર છે.

સાતમા ફ્લોર પર ઘર ખરીદ્યું હતું
રાજે આગળ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું હતું તે હજી કન્સ્ટ્રક્શન હેઠળ હતી. માત્ર 2 જ માળ બન્યા હતા અને તેણે સાતમા ફ્લોર પર ઘર ખરીદ્યું હતું. રાજે શિલ્પાને એમ કહ્યું હતું કે તે લંડનમાં રહીને કામ કરે કે ભારતમાં, તેના માટે આ વાત કોઈ મહત્ત્વની નથી. રાજની આ વાત પર શિલ્પા ફિદા થઈ ગઈ હતી અને બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

2009માં લગ્ન
રાજ તથા શિલ્પાએ 2009માં 22 નવેમ્બરના રોજ ખંડાલમાં લૅવિશ વેડિંગ કર્યા હતા. તેમના લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...