બોલિવૂડ એક્ટર શત્રુધ્ન સિંહા હાલમાં જ અરબાઝ ખાનના શો 'ધ ઇનવિન્સિબલ્સ વિથ અરબાઝ ખાન'માં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં તે ચહેરા અંગે ઘણાં જ ઇનસિક્યોર રહેતા હતા.
તેમણે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ દેવ આનંદે તેમ કરતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારા ચહેરા પરના નિશાન તમને બીજા કરતાં અલગ કરે છે. ત્યારબાદ શત્રુધ્ન સિંહાએ પ્લાસ્ટિક સર્જરી ના કરાવવાનું નક્કી કર્યું હતું.
નાનપણનો કિસ્સો શૅર કર્યો
શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું, 'નાનપણમાં હું મારા મામાની નકલ કરીને તેમની જેમ દાઢી શેવ કરવાનો પ્રયાસ કરતો અને તેને કારણે મારા ચહેરા પર નિશાન રહી ગયા છે. મેં રેઝરથી પહેલાં મારી મામાની દીકરીનું અને પછી મારું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.'
વધુમાં શત્રુધ્ને કહ્યું હતું, 'જ્યારે મેં ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે મારે મારો ચહેરો ઠીક કરાવવો પડશે. મેં પ્લાસ્ટિક સર્જન સાથે વાત પણ કરી હતી.'
દેવ આનંદે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની ના પાડી
શત્રુધ્ને આગળ કહ્યું હતું, 'જ્યારે હું સ્ટ્રગલર હતો ત્યારે દેવ આનંદને મળવા જતો હતો. તેમણે મને ચહેરા પરના નિશાન ઠીક કરાવવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે દાંતની વચ્ચે પણ જગ્યા છે અને હવે તો આ ફેશન બની ગઈ છે. મારા નિશાન અંગે મને ઘણી જ શરમ આવતી હતી.'
નોંધનીય છે કે કરિયરની શરૂઆતમાં શત્રુધ્ન સિંહાએ અનેક સપોર્ટિવ રોલ કર્યા હતા. પછી વિલનના રોલ પણ ભજવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.