બોલિવૂડના મ્યુઝિક ડાયરેક્ટર બપ્પી લાહિરીનું મંગળવાર રાત્રે 11 વાગે 69 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેમણે મુંબઈના જુહુ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત ખરાબ થયા બાદ મંગળવારે જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. બપ્પીદા સારા મ્યુઝિક કમ્પોઝર અને સિંગર તો હતા પરંતુ તેઓ પોતાના ગોલ્ડ પ્રેમના કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હતા. તેઓ એટલા સોનાનાં ઘરેણાં પહેરતા હતા કે તેમને ઈન્ડિયાના ગોલ્ડ મેન કહેવામાં આવતા હતા.
રાજકુમારે કહ્યું- હવે મંગળસૂત્ર પહેરી લો
ગોલ્ડ પહેરવાને લીધે એક વખત બોલિવૂડના અભિનેતા રાજકુમારે તેમની મજાક પણ ઉડાવી હતી જેનાથી બપ્પીદા પણ શરમાઈ ગયા હતા. હકીકતમાં આ કિસ્સો એક પાર્ટીનો છે. એક પાર્ટીમાં સંગીતકાર બપ્પી ઘમંડી સ્વભાવના રાજકુમારને મળ્યા. પોતાની આદત પ્રમાણે બપ્પીએ ઘણા બધા સોનાનાં ઘરેણાં પહેર્યા હતા. પાર્ટીમાં રાજકુમારે બપ્પીની સામે જોયું અને પછી પોતાના અંદાજમાં કહ્યું- વાહ શાનદાર! એકથી એકથી એક ચઢિયાતા ઘરેણા પહેર્યા છે, માત્ર મંગળસૂત્ર બાકી છે, તે પણ પહેરી લો. આ સાંભળીને બપ્પીદા કઈ બોલી શક્યા નહીં.
માઈકલ જેક્સન પણ ફેન હતા
થોડા વર્ષો પહેલા જ્યારે બપ્પી દા ધ કપિલ શર્મા શોમાં મહેમાન તરીકે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, એક વખત તેમના ગળામાં સોનાના ગણેશજીનું લોકેટ જોઈને માઈકલ જેક્સને પણ તેમની પ્રશંસા કરી હતી. બપ્પીદાએ કહ્યું હતું, એક ઈવેન્ટમાં જ્યારે માઈકલ જેક્સનને મળ્યો તો તેણે મારા ગળામાં ગણેશ ભગવાનનું લોકેટ જોયું અને કહ્યું-ફેન્ટાસ્ટિક, આ સુંદર છે. બપ્પીના અનુસાર, માઈકલે ત્યારે ડિસ્કો ડાન્સરના ગીત જિમ્મી જિમ્મીના પણ વખાણ કર્યા હતા.
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ
ધ કપિલ શર્મા શોમાં એ પણ ખુલાસો થયો હતો કે બપ્પી દાના નામે એક અનોખો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે. હકીકતમાં 1986માં તેમણે 33 ફિલ્મો માટે લગભગ 180 ગીત કમ્પોઝ કર્યા હતા. એક વર્ષમાં આટલા ગીત કમ્પોઝ એ આપો આપ તેમની સફળતા દર્શાવે છે. તેઓ 3 વર્ષની ઉંમરથી તબલા શીખવા લાગ્યા હતા. 11 વર્ષની ઉંમરમાં તેમણે ગીત કમ્પોઝિંગ કરવાનું શરૂ કરી દીધું અને 19 વર્ષની ઉંમરમાં તેઓ બોલિવૂડમાં જગ્યા બનાવવા માટે કોલકતાથી મુંબઈ આવી ગયા હતા. તેમણે પોતાની 48 વર્ષની કરિયરમાં લગભગ 500 ફિલ્મોમાં 5000 ગીત કમ્પોઝ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.