જ્યારે SRK ગેંગસ્ટરની સામે પડ્યો હતો:અબુ સાલમે દબાણ કર્યું તો શાહરુખ ખાને કહ્યું હતું, 'તું મને ના કહીશ કે મારે કઈ ફિલ્મ કરવી જોઈએ'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ પર અંડરવર્લ્ડનું પ્રેશર હંમેશાંથી રહ્યું છે. શાહરુખ ખાને પણ પોતાની કરિયરની શરૂઆતમાં આનો અનુભવ કર્યો હતો. તેની પર અંડરવર્લ્ડ ગેંગસ્ટર્સ અબુ સાલેમ તથા છોટા શકીલ તરફથી ધમકીભર્યા ફોન આવતા હતા. ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાની બુક 'ધ કિંગ ઓફ બોલિવૂડ'માં કહેવામાં આવ્યું છે, 'એકવાર જ્યારે અબુ સાલેમે શાહરુખ ખાનને પોતાના એક માનીતા પ્રોડ્યૂસર્સની સાથે ફિલ્મ કરવાનું દબાણ કર્યું હતું ત્યારે SRKએ સ્પષ્ટ રીતે કહ્યું હતું, 'હું તને નથી કહેતો કે કોને ગોળી મારવાની છે, તેથી તું મને ના કહીશ કે મારે કઈ ફિલ્મ કરવી જોઈએ.'

'દિલ તો પાગલ હૈ'ના સેટ પર ફોન આવતા હતા
યશ ચોપરાની ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના સેટ પર અબુ સાલેમનો ફોન આવ્યો હતો. શાહરુખના મતે, તેના માટે આ અનુભવ ઘણો જ ડરામણો હતો. જોકે, તેણે આનો હિંમતથી સામનો કર્યો હતો.

રાકેશ મારિયાએ આ સલાહ આપી હતી
શાહરુખે અબુ સાલેમ સાથે થયેલી વાતચીત તે સમયના ડેપ્યુટી પોલીસ કમિશ્નર (ટ્રાફિક) રાકેશ મારિયા (2014માં મુંબઈ પોલીસ કમિશ્નર બન્યા અને 2017માં રિટાયર થયા હતા)ને કહી હતી. મારિયાએ શાહરુખને કહ્યું હતું કે ફોન પર કેવી રીતે સાલેમ સાથે વાત કરવી. આ સાથે એક્ટરને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી.

મારિયાએ શાહરુખને અન્ય સ્ટાર્સને આ અંગેની માહિતી ના આપવાની તથા માફિયા અંગે ખુલીને વાત ના કરવાની સલાહ આપી હતી. સાલેમે ક્યારેય શાહરુખ પાસે પૈસા માગ્યા નહોતા પરંતુ જે ફિલ્મમાં અબુ સાલેમે પૈસાનું રોકાણ કર્યું હતું, તે ફિલ્મમાં શાહરુખને કામ કરવાનું કહેતો હતો.

છોટા શકીલનો પણ ફોન આવ્યો હતો
શાહરુખ ખાનને છોટા શકીલનો પણ ફોન આવ્યો હતો. જોકે, શાહરુખ આ તમામ ગેંગસ્ટર્સ સાથે ઘણી જ વિનમ્રતાથી વાત કરતો અને આની તમામ માહિતી રાકેશ મારિયાને આપતો હતો. થોડાં વર્ષ બાદ શાહરુખને અંડરવર્લ્ડના ફોન આવવાના બંધ થઈ ગયા હતા.

સુરક્ષા માટે બુલેટપ્રૂફ BMW ખરીદી હતી
અંડરવર્લ્ડ સાથેના સંઘર્ષ દરમિયાન શાહરુખે બુલેટપ્રૂફ BMW કાર ખરીદી લીધી હતી અને પોતાની સાથે પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ પણ રાખવા લાગ્યો હતો. તે સમયે શાહરુખ ખાન ડિરેક્ટર મહેશ ભટ્ટની ફિલ્મ 'ડુપ્લીકેટ'નું શૂટિંગ કરતો હતો. જોકે, તેણે પોતાની મુશ્કેલીની અસર ફિલ્મના કોમેડી સીન પર થવા દીધી નહોતી.

શાહરુખના જીવનના ત્રણ ઇમોશનલ કિસ્સા: ICUમાં મોત સામે ઝઝૂમતી માતાને અંતિમ સમયે મળવા માગતો નહોતો, પિતાનો ચહેરો છેલ્લી વાર જોયો નહોતો