ભાસ્કર એક્સક્લૂઝિવ:આર્થર રોડ જેલમાં બંધ આર્યનની હાલત કેવી છે? બિસ્કિટ પાણીમાં ડુબાડીને ખાય છે, માત્ર પહેલા દિવસે જ જેલની ચા પીધી હતી

મુંબઈએક મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
  • જેલમાં ભોજન આપનાર શ્રવણે આર્યન ખાનની જેલની દિનચર્યા જણાવી
  • આર્યન જેલની કેન્ટીનમાંથી ચિપ્સ, બિસ્કિટ તથા પાણી ખરીદે છે

શાહરુખનો દીકરો આર્યન જેલનું ભોજન ખાઈ શકતો નથી. માત્ર એક દિવસ તેણે જેલની ચા પીધી હતી. એ દિવસ પછી આજ દિન સુધી આર્યને જેલના ભોજનને હાથ અડાડ્યો નથી. આર્યન જેલમાંથી મળતું ભોજન અન્ય કેદીઓને આપે છે અને ગુમસૂમ પોતાનામાં જ ખોવાયેલો રહે છે.

16 ઓક્ટોબરે જેલમાંથી છૂટેલા કેદી શ્રવણ નડારે દિવ્ય ભાસ્કરને આ અંગે વાત કરી હતી. શ્રવણ છેતરપિંડી કેસમાં છ મહિનાથી આર્થર રોડ જેલમાં બંધ હતો. શનિવારે જ જેલમાંથી છૂટ્યો હતો. જ્યાં આર્યન ખાનને રાખવામાં આવ્યો છે, એ જ બેરકમાં શ્રવણ હતો. આર્યનને ભોજન આપવાની ડ્યૂટી શ્રવણની હતી. મુંબઈ ક્રૂઝ કેસમાં શાહરુખનો દીકરો આર્યન 8 ઓક્ટોબરથી આર્થર રોજ જેલમાં છે. 20 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે.

એક બેરકમાં 4 કોટડી, દરેક કોટડીમાં 100 લોકો
શ્રવણે કહ્યું હતું કે આર્યન તથા તેના સાથીઓને અઠવાડિયું ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા અને પછી બેરક નંબર 1માં લાવવામાં આવ્યા છે. અહીં એક બેરકમાં ચાર કોટડી છે અને દરેક કોટડીમાં 100 કેદી છે, એટલે કે કુલ 400 કેદી હોય છે. બધા એકબીજાને અડી-અડીને સૂતા હોય છે. હલન-ચલનમાં પણ મુશ્કેલી પડે છે. એકબીજાને અડીને સૂવું પડે છે. એક સેલમાં 4 ટોઇલેટ છે, જેમાં એક વેસ્ટર્ન તથા 3 ઇન્ડિયન છે. આર્યનની સેલમાં પણ 100 કેદી તથા 4 પંખા છે.

આર્યન બીજા કેદીઓને ભોજન આપી દે છે
શ્રવણે આગળ કહ્યું હતું કે આર્યને માત્ર પહેલાં જ દિવસે જેલની ચા પીધી હતી. એ ચા તેણે જ આપી હતી. આ ઉપરાંત તેણે કંઈ ખાસ ખાધું નહોતું. તે કેન્ટીનમાંથી બિસ્કિટ, ચિપ્સ લે છે. બિસ્કિટને પાણીમાં ડુબાડીને ખાય છે અને આવું તેણે અનેકવાર જોયું છે. તે જેલનું નહીં, પણ કેન્ટીનમાંથી લીધેલું પાણી પીએ છે.

વાત કરતાં શ્રવણે કહ્યું હતું કે જેલના નિયમ પ્રમાણે 'હકનું ભત્તું' (પોતાના હિસ્સાનું ભોજન) લેવાનું હોય છે. આર્યન પોતાનું ભોજન જરૂરથી લે છે, પરંતુ તે અન્ય કેદીને આપે છે અને કંઈ જ ખાતો નથી. આર્યનને તેણે તથા જેલના અધિકારીઓએ પૂછ્યું હતું, પરંતુ તે માત્ર એટલું જ કહેતો કે મન નથી, ભૂખ નથી. તે એકલો ગુમસૂમ બેઠો હોય છે. કોઈની સાથે વાત પણ કરતો નથી.

ઘરેથી આવેલી ટી-શર્ટ તથા જીન્સ પહેરે છે
શ્રવણે વધુમાં કહ્યું હતું કે આર્યન ઘરેથી આવેલી ટી-શર્ટ તથા જીન્સ પહેરે છે. તેને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી નથી. જ્યારે તે ઘરેથી જતો હતો ત્યારે મનીઓર્ડરથી 4500 રૂપિયા આવ્યા હતા, જેમાંથી તેણે ચિપ્સ તથા 5 ડઝન બોટલ ખરીદી હતી. તેણે આર્યન સાથે વાત કરી હતી. આર્યને તેને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તમે બહાર જઈ રહ્યા છો, સામે તેણે જવાબ આપ્યો હતો કે તે પણ જલદીથી બહાર આવશે. ભગવાન પર વિશ્વાસ રાખે.

જેલમાં વાળ કાપવામાં આવ્યા, શેવિંગ કરવામાં આવ્યું
જેલમાંથી છૂટેલા શ્રવણે એમ કહ્યું હતું કે જેલમાં આવ્યા બાદ આર્યન ખાન ઘણો જ ડરી ગયો હતો. ટેન્શનમાં હતો. તેના વાળ કાપવામાં આવ્યા, પછી શેવિંગ કરવામાં આવ્યું હતું. જેલમાં તે ના ટીવી જુએ છે કે ના તો કોઈ સાથે વાત કરે છે.

આર્યન ખાનની દિનચર્યા શું છે?
શ્રવણે કહ્યું હતું કે સવારે છ વાગે સીટી વાગે છે. કેદીઓની ગણતરી થાય છે. આર્યન ગણતરી થયા બાદ હાથ-મોં ધોઈને પોતાનો નાસ્તો લે છે. નાસ્તામાં શીરો, પૌંઆ તથા ચા હોય છે. આર્યન આ નાસ્તો અન્ય કેદીને આપી દે છે.

10 વાગે ભોજન મળે છે, જેમાં 2 રોટલી, દાળ તથા શાક હોય છે. આર્યન લંચ પણ બીજાને આપે છે. ત્યાર બાદ તે આરામ કરવા જતો રહે છે. ત્રણ વાગે ચા મળે છે. સાંજે સાડાપાંચ ડિનર મળે છે. 6 વાગે તમામ કેદીઓની ફરી એકવાર ગણતરી થાય છે. પછી બધા જ કેદીઓ પોત-પોતાની બેરકમાં જાય છે. આર્યન આખો દિવસ શાંત બેઠો હોય છે અથવા સૂતો રહે છે.