રિલેશનશિપ અંગે ચોખવટ:અમીષા પટેલે ફૈઝલ પટેલ સાથેના સંબંધો અંગે શું કહ્યું? વેડિંગ પ્રપોઝલ પર પણ વાત કરી

મુંબઈ18 દિવસ પહેલા
  • સ્વ. કોંગ્રેસી નેતા અહમદ પટેલના દીકરા ફૈઝલે અમીષા પટેલને લગ્ન માટે પ્રપોઝ કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલને હાલમાં જ ફૈઝલ પટેલે જાહેરમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અમીષા પટેલે સોશિયલ મીડિયામાં ફૈઝલને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતી પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પર ફૈઝલે અમીષાને પ્રપોઝ કર્યું હતું. જોકે, ફૈઝલે પછી આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. આ પોસ્ટને કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. હવે અમીષાએ આ અંગે વાત કરી છે. અમીષાએ ફૈઝલ સાથે શું સંબંધો છે તે જણાવ્યું હતું.

શું કહ્યું અમીષાએ
ફૈઝલ પટલે સ્વર્ગીય કોંગ્રેસી નેતા અહમદ પટેલનો દીકરો છે. 'બોમ્બે ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, અમીષાએ કહ્યું હતું, 'હું અને ફૈઝલ એકબીજાને ઘણાં સમયથી ઓળખીએ છીએ. અમે બંને સારા મિત્રો છીએ. ફૈઝલની બહેન પણ મારી મિત્ર છે. તે મેસેજ (લગ્નનું પ્રપોઝલ) માત્ર એક મજાક હતી. હું સિંગલ છું અને સિંગલ જ ખુશ છું. મને અત્યારે કોઈ પણ રિલેશનશિપમાં રસ નથી. ફૈઝલને આવા જોક્સ કરવા ગમે છે.'

ત્રણ પેઢીથી પરિવાર વચ્ચે સંબંધો
અમીષાએ વધુમાં કહ્યું હતું, 'અમે બંને પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. મારા દાદા બેરિસ્ટર રજની પટેલે પૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું. જ્યારે શ્રી અહમદ પટેલે સોનિયા ગાંધી સાથે કામ કર્યું હતું. અમારો પરિવાર એકબીજાને ત્રણ પેઢીથી ઓળખે છે. હું અહમદ અંકલ (ફૈઝલના પિતા)ની ઘણી જ નિકટ હતી. ફૈઝલ અને મારા અનેક મિત્રો પણ કોમન છે.'

લગ્નનું કોઈ પ્લાનિંગ નથી
અમીષાએ પણ કહ્યું હતું કે તે હાલમાં લગ્ન કરવા માગતી નથી. તેને ખ્યાલ છે કે ઘણાં સેલેબ્સના લગ્ન થઈ રહ્યા છે, પરંતુ તે હાલમાં લગ્નનું કોઈ પ્લાનિંગ કરતી નથી. તે સિંગલ રહીને ખુશ છે. તેની મરજીથી કામ કરવા માગે છે. તેને લાગે છે કે રિલેશનશિપ ભાવનાત્મક રીતે ઘણો જ થાક આપે છે. તેની પાસે હાલમાં સંબંધો માટે સમય જ નથી.

કઈ પોસ્ટ પર ચર્ચા થઈ હતી?
અમીષાએ ફૈઝલને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતી પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે કહ્યું હતું, 'હેપ્પી બર્થડે માય ડાર્લિંગ. લવ યુ. તારું વર્ષ કમાલનું હોય.' આ પોસ્ટ પર રિપ્લાય આપતા ફૈઝલે કહ્યું હતું, 'હું તને જાહેરમાં ફોર્મલી પ્રપોઝ કરી રહ્યો છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?' જોકે, ફૈઝલે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. આ પોસ્ટ બાદ અમીષા તથા ફૈઝલ વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. અમીષા હાલમાં ફિલ્મ 'ગદર 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સની દેઓલ છે.

ફૈઝલ પટેલ વિધુર છે
ફૈઝલ HMP ફાઉન્ડેશનનો CEO (ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર) છે. ફૈઝલના લગ્ન ઝૈનબ સાથે થયા હતા, પરંતુ 2017માં ઝૈનબનું કાર્ડિયક તથા ન્યૂરોલોજી રિલેટેડ બીમારીને કારણે અવસાન થયું હતું.